મિત્રો, વતનની વાત આવે તો આપણે સ્મૃતિઓની દુનિયામાં ખોવાઇ જઇએ. તમને થશે આજે અચાનક વતનની યાદ આવવાનું કાંઇ કારણ? જી...હા...વતનની યાદોં તો દિલના એક ખૂણામાં ભરાઇ પડી હોય જ પરંતુ તાજા સમાચાર મળ્યા કે અમારા ગામનું ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ૧૫૦ વર્ષ જૂનું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના હસ્તે જેનું અનાવરણ થયું હતું એને નવા સ્ટેશનના બાંધકામ બાદ હવે ધરાશયી કરી દેવાયું. ડભોઇ નેરોગેજ રેલ્વે સ્ટેશન એક સમયે એશિયાનું સૌથી મોટું નેરોગેજ રેલ્વે જંકશન હતું. ડભોઇથી વડોદરા, મીયાંગામ-કરજણ, ચાણોદ, નસવાડી-તણખલા, વાઘોડિયા, ટીંબા, છોટાઉદેપુર વગેરે સ્થળોએ દિવસમાં ૧૮ ગાડીઓ ચાલતી હોવાથી ચોવીસે કલાક એ ધમધમતું હતું.
એ ઐતિહાસિક સ્ટેશનને જે.સી.બી. મશીનથી તોડી પડાતું જોવા કૂતુહલવશ ગામલોકો ટોળે વળ્યાં હતાં. વરસાદી પૂરમાં નદીઓના બ્રીજ તૂટી પડતા રેલ્વે લાઇનને ભારે નુકશાન થયું હોવાથી અને રેલ્વે સ્ટેશન જૂનું થયું હોવાથી જંકશન સૂમસામ બની ગયું હતું. ત્યારબાદ એનું ૨૫ મે ૨૦૧૮થી નેરોગેજ લાઇનમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયું હોવા સાથે ઇલેકટ્રીક લાઇન શરૂ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાથે-સાથે ડભોઇના ઐતિહાસિક વારસા સમા ગાયકવાડી રેલ્વે બિલ્ડીંગને યથાવત રાખી પ્લેટફોર્મ લંબાવવા અંગે ઘણાં સુધારા-વધારા કરાયા છે. ડભોઇથી મુંબઇ, દિલ્હી, વગેરે રૂટની સાત એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે એવી જાહેરાત અગાઉ થઇ હતી. કેટલીક માલગાડીઓને પણ વાયા ડભોઇનો રૂટ અપાશે. જેથી પુન: વિકાસની સાથે ડભોઇ
રેલ્વે જંકશન નવા સાજધાજ સહિત ૨૪ કલાક ધમધમતું થશે એવું કહેવાય છે.
વડોદરા જિલ્લાનું આ ગામ વડોદરાથી ૩૦કિલોમીટરના અંતરે આવેલ છે. ગાયકવાડી રાજ્યનો એ ભાગ. એ જમાનામાં ત્યાં સવારના પહોરમાં અને સાંજે સંગીત શાળા ચાલતી અને ડભોઇએ કેટલાય સંગીત શિક્ષકોની ભેટ સમાજને આપી છે. કપાસના વેપાર માટે અને તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું એ ગામ લગભગ ૧૫૦૦ વર્ષ જૂનું છે. કવિ દયારામની આ કર્મભૂમિ. બારમી સદીમાં સોલંકી રાજપુત રાજાઓનું રાજ્ય. ૧૩મી સદીમાં હીરાભાગોળ બંધાવી હતી. એની અદભૂત સ્થાપત્ય કલા કારીગરી એ જમાનાના વૈભવની સાક્ષી છે. છઠ્ઠી સદીનું આ શહેર એક જમાનાનું ઔદ્યોગિક કેન્દ્ર હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બ્રોડગેજ લાઇન ડભોઇથી કરજણ, અલીરાજપુર જતી લાઇન પણ ધાર સુધી લંબાવવા પ્રગતિ થઇ રહી છે જેથી એ પંથકની પ્રજામાં આનંદ છવાયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લાખો પ્રવાસીઓ જાય છે એ સૌને ઐતિહાસિક નગરી ડભોઇ વાયા થઇ જવાનું મારૂં આહ્વાન છે. એની ચાર ભાગોળોમાં હીરા ભાગોળ બાંધનાર હીરા કડિયાની કથા પરથી ગુજરાતી ફિલ્મ પણ બની હતી. અહિના પૌરાણિક છ જૈન દેરાસરોમાં લોઢણ પાર્શ્વનાથની ચમત્કારીક પ્રતિમાજી સહિત અન્ય પ્રાચીન પ્રતિમાજીઓના દર્શનની ધન્યતા ઉપરાંત કાલીકા માતાજીનું મંદિર જ્યાંથી એક જમાનામાં ચાંપાનેર જવાનો ભૂગર્ભ રસ્તો હતો એ જોવા જેવા છે. વાઘનાથ મહાદેવનું મંદિર, નીલકંઠ મહાદેવનું મંદિર, નીલકંઠ સ્વામિનારાયણ મંદિર, દ્વારકાધીશ મંદિર, વૈષ્ણવોની હવેલી, લાલા ટોપીની વાવ, ૧૦ માઇલ દૂર સુવિખ્યાત વઢવાણા તળાવ વગેરે એના ઇતિહાસને સમેટીને બેઠાં છે. એની ચારેય ભાગોળોને સરકાર તરફથી હેરીટેજ વારસા તરીકે કોર્ડન કરી દેવાઇ છે. પ્રવાસીઓ માટેનું એ આકર્ષક સ્થળ બની ગયું છે. ત્યાં હવે નવી હોટેલો બંધાઇ છે. રેસ્ટોરંટો પણ થઇ છે. વર્ષોથી લોકજીભે વળગેલ ત્યાંના લાલાકાકાના ભજીયા અને સુવિખ્યાત બાટલી સોડા, લેમન બીજે ક્યાંય પીવા ના મળે!
જૂના રેલ્વે સ્ટેશનની પાછળ નવું બિલ્ડીંગ તૈયાર થઇ ગયું હોવાથી તમામ ઓફિસો ત્યાં ખસેડાઇ છે.
કભી ખુશી, કભી ગમની જેમ એક બાજુ દુ:ખના સમાચાર છે તો બીજી બાજુ સમય સાથે વિકસી રહેલ ડભોઇની શિકલ બદલાઇ જશે અને પહેલા જેવું ફરી ધમધમતું બની જશે એ ખુશીના સમાચાર છે.
આ તો સમાચાર થયા. હવે મારા સંસ્મરણોનો ડાભડો ( ડભોઇની બોલીનો શબ્દ) ખોલીશ. ડભોઇ એક પૌરાણિક નગરી. એનું નામ દર્ભાવતી હતું. ગામમાં પવિત્ર ઘાસ જેને દર્ભ કહેવાય એ ત્યાં ઉગતું. ઋષિ પરંપરાની માન્યતા મુજબ આ લોક અને પરલોકના કલ્યાણની પ્રાપ્તિ માટે દર્ભ ઘાસનો ઉપયોગ થતો. એથી એનું નામ દર્ભાવતી રખાયું હશે.
મારું મોસાળ, પિયર અને સાસરી બધું જ ગામમાં.
જો કે મારા પિતાશ્રીની જોબ વડોદરામાં હતી એથી જન્મ ડભોઇમાં પરંતુ ઉછેર અને શિક્ષણ વડોદરામાં થયું હતું. વેકેશન તો મોસાળમાં એટલે ડભોઇ તો જવાનું થાય જ!
એ મામાના ઘરની ચંદ્રપ્રભુની શેરીમાં બળબળતી બપોરે ગામ આખું આરામ કરતું હોય ત્યારે અમે મામા-ફોઇના છોકરાઓ છાના પગલે ઘરના ઉપલા માળે જઇએ જ્યાં કેરીઓના ઢગલાં પાકવા મૂક્યા હોય એમાંથી પાકી ગયેલ કેરીઓ લઇ ધીમા પગલે શેરી નાકે જઇ કેરીઓ ચૂસવાની મજાનો સ્વાદ હજી હોઠ પર છે. બપોરે ઓટલા પર પગથિયા રમવાના. હતૂતૂ રમવાનું. ખો ખો રમવાનો. કૂકા રમવાના...બચપણના એ દિવસો ભૂલ્યા ભૂલાય ના. સાંજ પડે ઠંડક થાય ત્યારે મોતીબાગમાં ફરવા જવાનું,. ઝૂલા ખાવાના, લસરપટ્ટી ખાવાની, કુદરતના ખોળે ઘૂમવાનું ...આહાહા...લ્હેર પડી જતી.
અમારા જૈનોના તહેવાર પર્યુષણ આવે એટલે ધર્મ-ધ્યાન, પૂજા, સામાયિક, વ્યાખ્યાન, પ્રતિકમણ આદી વિધિઓમાં આઠ દિવસ ક્યાં પસાર થઇ જાય એની ખબર જ ના રહે! જૈન ધર્મમાં જીવદયાનું મહત્વ વધુ એથી અહિની પાંજરાપોળ જાણીતી છે જ્યાં પશુઓની રખવાળી થાય છે. પર્યુષણ દરમિયાન જીવદયામાં લોકો પોતાના દાન નોંધાવી કતલખાને જતા ઢોરોને જીવતદાન આપે છે. દાનનો મહિમા દરેક ધર્મોમાં વર્ણવાયો છે. પર્યુષણ બાદ તપસ્વીઓનો વરઘોડો બેન્ડ વાજા સાથે નીકળે અને વરઘોડો ઉતર્યા પછી ગામના લગ્નોત્સુક યુવક-યુવતીઓના વિવાહની વાતો બહાર આવે. ગામમાં તહેવારોની મજા ઓર હોય. દિવાળીની રોનક પણ અનોખી.
અમારો પ્રેમ પણ આ જ ધરતી પર પાંગર્યો.
વતનની વાતોનો તો કોઇ અંત જ નથી. હું હાલ અહિં પૂર્ણ વિરામ મૂકી દઉં. બાકી મારા પુસ્તક 'જીવન એક સૂર અનેક"માં મેં મારી જન્મભૂમિની વિગતો ઝીણવટપૂર્વક રજુ કરી છે.