શિયાળે શીતળ વા વાય, થથર્યા કરે પણ ન્હાવા ના જાય

વ્હોટ્સએપના ચોતરેથી...

- RJ વિશાલ ધ ખુશહાલ Wednesday 03rd December 2025 05:19 EST
 
 

ડિસેમ્બરનો મહિનો એટલે ગુજરાતીઓના જીવનમાં ‘મીઠો ત્રાસ’ લઈને આવતો ઋતુરાજ. આશીર્વાદ અને આળસનો અદ્ભુત સંગમ! ઠંડી પડે એટલે મજા પણ પડે અને સજા પણ થાય! આ ઋતુમાં આપણી દિનચર્યા કેવી રીતે બદલાય છે, તેના પર એક હળવી નજર કરીએ.

જ્યારે સૂર્યનારાયણ આકાશમાં ઊંચે હોય અને છતાંય તેનું તેજ ‘ગરમ’ નહીં પણ ‘હૂંફાળું’ લાગે, ત્યારે સમજી લેવું કે શિયાળો પૂરો ખીલી ગયો છે. ઉનાળામાં જે તડકો આગનો ગોળો લાગે, તે જ શિયાળામાં ‘સોનાનો સુરજ’ બની જાય છે.
શિયાળાની સવાર એટલે તડકો સેવવાનો પવિત્ર સામાજિક રિવાજ! વડીલો, બાળકો અને નવરાશના રાજા-રાણીઓ સૌ કોઈ બાલ્કની, ટેરેસ કે આંગણામાં ચાર ખુરશીઓ ગોઠવીને બેસી જાય. ના...ના, ભૂલથી પણ આને સૂર્યપૂજા ના ગણતા કે પછી વિટામિન-ડી પિપાસા! આ તો છે ગપ-ગપાટાના નખરાં ‘ક્યાં ગાયબ હતા? તડકો નહોતા લેતા?’ ‘બસ, આજના તડકાનો લાભ લેવા આવ્યા. ઘરમાં તો હાડકાં ઠરી જાય છે!’
આ સંવાદો સાંભળવા એ શિયાળાની સવારની ગેરંટી છે. તડકાનો એવો મહિમા છે કે જાણે ગરમ કોફીનો કપ હાથમાં હોય અને માથે ગરમ ધાબળો ઓઢ્યો હોય એવી અનુભૂતિ થાય.

ધાબળાનું સામ્રાજ્ય છવાય અને દર સવાર એક મીઠી હડતાળ માં પરિવર્તિત થઈ જાય! શિયાળામાં ધાબળો એટલે માત્ર કપડું નહીં, પણ ‘સપ્તલોકનો દરવાજો’. એકવાર તમે રજાઈ કે બ્લેન્કેટના સામ્રાજ્યમાં ઘૂસી ગયા, પછી સવાર પડ્યા પછી બહાર નીકળવું એટલે સૂર્યોદયના જંગમાં ઊતરવું.
‘અરે, સાડા સાત વાગી ગયા, હવે તો ઊઠો!’ મા કહે. ‘બસ બે મિનિટ, પ્લીઝ! આજે ઠંડી વધારે છે, મમ્મી!’ દીકરો કાલાવાલા કરે. શિયાળાની આ બે મિનિટ, ખબર નહીં કેમ આંખ ખુલે ને 15-20 મિનિટમાં પરિણમે છે. ઘડિયાળનો કાંટો ફરતો રહે પણ ગુજરાતી જનતા પોતાના ધાબળાનું ‘સંસદ ભવન’ છોડવા તૈયાર નથી!
ઘણા લોકો તો રજાઈની અંદર બેસીને જ ફોન ચેક કરે અને ગરમ ચાનો ઓર્ડર પણ ત્યાં જ આપે - આળસની આ પરાકાષ્ઠા જ શિયાળાની ખરી ઓળખ છે. ‘આળસ એ જ મોટો રોગ’ એવું કહેનાર પણ શિયાળામાં સવારે દસ વાગ્યા સુધી પથારીમાં જ રહે તો નવાઈ નહીં.

અમુક ચા-કોફીનો અભિષેક તન્મયતાથી એવા કરે ને જેટલા કપ લાવો ઈ પેટમાં પધરાવે! શિયાળો આવતાંની સાથે જ ઘરમાં ચા-કોફીનો વપરાશ એટલો વધી જાય છે કે જાણે કંપનીઓ માટે આ ‘બોનસ’ સિઝન હોય! આખો દિવસ હાથમાં ગરમાગરમ કપ લઈને ફરવું એ જાણે નવો ‘ફેશન ટ્રેન્ડ’ હોય એમ લાગે. એક કપ ચા પીધા પછી તરત જ બીજો કપ તૈયાર થાય છે. ચા પીધા વગર તો ગુજરાતીઓ માટે સવારની શરૂઆત જ ન થાય! ‘ચાની ચૂસકી અને ગપસપની ગુસપુસ’ એ શિયાળાની સાંજે વણાયેલો તાંતણો છે.

પરંતુ, જ્યાં ગરમી છે, ત્યાં અરાજકતા પણ છે! સવારે ગરમ પાણી માટે થતા ઝઘડા ઘરમાં મહાભારત સર્જે છે.
‘મેં ન્હાવાનું શરૂ કર્યું એ જ વખતે તું કેમ પાણી લેવા આવ્યો? ગીઝર ઠંડુ થઈ જશે!’ ‘અરે, મારે ઓફિસે જવાનું મોડું થાય છે, મારો વારો પહેલાં!’
જ્યાં મર્યાદિત ગીઝર હોય, ત્યાં વડીલો અને બાળકો વચ્ચે ગરમ પાણીનો કબજો મેળવવાની સ્પર્ધા ચાલે છે. આ યુદ્ધમાં જીતે તે જ દિવસે હીરો!

ઘણા લોકો માટે શિયાળો એટલે ‘પાણીથી બચવાનો મહોત્સવ’ છે, સ્નાન એ શિયાળાનો સૌથી મોટો પડકાર છે! અહીંયા બહાનાઓની એક આખી યુનિવર્સિટી ચાલે છે! ના નાહવાના માસ્ટરક્લાસ ચાલે છે! કવિ કહે છે ‘નાહીને શું કરવું છે?:
• ‘ગઈકાલે જ તો ન્હાયો હતો, આજે શું કામ?’
(જોકે, આની ગઈકાલ, ત્રણ દિવસ પહેલાં હતી!)
• ‘આજે મોડું થઈ ગયું છે, ખાલી કપડાં બદલી લઉં છું.’
• ‘આજે ઠંડી બહુ છે, કાલે સૂરજ દાદાની હાજરીમાં ન્હાઈશ.’

જેમ્સ બોન્ડની જેમ ઝડપથી પાણી નાખીને બહાર નીકળી જવું એ એક ‘શૌર્યપૂર્ણ કાર્ય’ ગણાય છે. સ્નાન ટાળવા માટેની આ યુક્તિઓ જો કોઈ ઓલિમ્પિક ગેમ્સમાં હોય, તો ગુજરાતીઓ સુવર્ણચંદ્રક જીતી જાય!
સાથે શિયાળો આવે અને પૌષ્ટિક વાનગીઓની વાત ન થાય, એવું તો બને જ નહીં! આ ઋતુમાં ગુજરાતી રસોડા ‘આરોગ્ય અને સ્વાદની લેબોરેટરી’ બની જાય છે. અડદિયા પાક, મેથી પાક, ગોળપાપડી, ખજૂર પાક - આ બધી વાનગીઓ માત્ર મીઠાઈ નથી, પણ શિયાળુ જીવન વીમો છે! માતાઓ અને દાદીઓ આ બધી વાનગીઓ બનાવીને જાણે આખા ઘરને ‘ઠંડી સામે કવચ’ પૂરું પાડે છે.
શિયાળામાં બધું ખાવા ને કસરત કરવાની સલાહ આપવાવાળા બિલાડીના ટોપની જેમ ઉગી નીકળે! ‘બે ચમચી અડદિયું ખાઈ લે, પછી જો તને ઠંડી કેવી લાગે છે!’ વડીલોનું આ વાક્ય ઘરમાં વારંવાર ગુંજતું હોય છે. આ ખોરાક શરીરને એટલી ગરમી આપે છે કે બપોરના ભોજન પછી પેટ ભરાય એટલે તરત ‘આળસની હેડકી’ આવે છે. બપોરે જમ્યા પછી સોફા કે પથારી પર લંબાવવું એ શિયાળુ રિવાજ છે, કારણ કે સંતોષી નર સદા સુખી અને સંતોષ આળસ તરફ દોરી જાય છે.
મોજા વગર ઘરમાં ફરવું એ જાણે સાહસિક કાર્ય છે. રાત્રે તો ગરમ પાણીની રબરની બોટલ (હોટ વોટર બેગ) પગ નીચે કે પેટ પર રાખીને સૂવું એ વડીલો માટે દૈનિક ક્રિયા છે. પગના તળિયાને ગરમ કર્યા વગર ઊંઘ આવતી નથી.

અમુક લોકો શિયાળામાં ડુંગળી જેવા થઈ જાય. જેમ ડુંગળીની એક પરત પર પરત ખોલતાં જ જાઓ તેમ એમના કપડાં ઓબ્લિક લેયર્સ ખુલતાં જ જાય, પણ પૂરા થવાનું નામ ના લે! એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું... શર્ટ, સ્વેટર, જેકેટ, મફલર, ટોપી અને શાલનું કોમ્બિનેશન. દાદીમા હંમેશા કહે છે, ‘માથું અને પગ ગરમ તો શરીર ગરમ!’
અને વેસેલિન, બોરોલીન અને બીજા જાડા મોઇશ્ચરાઇઝર્સનો ઉપયોગ બેફામ થાય છે. આને કારણે ક્યારેક હાથ લપસી જાય અને ચાનો કપ ઢોળાઈ જાય એવા હાસ્યાસ્પદ બનાવો પણ બને છે. આનાથી કપડાં પર તેલીયા ડાઘ પડવા એ સામાન્ય વાત છે. ડાઘ પડે તો ભલે, પણ ત્વચા ચમકતી રહેવી જોઈએ!

આ સાથે જ, શરદી-ખાંસીના હુમલાથી બચવા માટે ઉકાળાનું સેવન શરૂ થઈ જાય છે. આદુ, તુલસી, મરી અને ગોળ નાખેલો કાઢો એટલે ગુજરાતીઓ માટે શિયાળાનું ‘આયુર્વેદિક એન્ટિબાયોટિક’. આ કડવો કવાથ, જે પીવામાં ત્રાસદાયક હોય છે, પણ ઠંડી સામે લડવામાં સક્ષમ છે.
અને સુકામેવા.
વહેલી સવારે પાર્કમાં જઈને કસરત કરવી એ ઉનાળામાં ફાવે. શિયાળામાં તો ઠંડી હવાના ડરથી ઘણા લોકો બાલ્કનીમાં ઊભા રહીને બાલ્કનીના પરાક્રમો સમા યોગ ને જગે પે દોડ કરે છે. અહીં રજાઇમાંથી પગ બહાર નથી કઢાતો ને હું આખેઆખો પાર્કમાં ઠંડીમાં કસરત કરું? સવાલ જ નથી!
ગુજરાતી શિયાળો એટલે ધાબળાની અંદરનું સ્વર્ગ, ગરમ ચાની સુગંધ, પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ અને સ્નાન ટાળવાના મક્કમ ઈરાદાઓનો અદ્ભુત મેળાવડો. આ ઋતુમાં આળસ છે, પણ સાથે જ આશીર્વાદ પણ છે. ઠંડી પડે છે પણ દિલ હૂંફાળું રહે છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter