શિવાનંદ વામદેવ પંડ્યા, નવરાત્રિ આરતીના સર્જક ...

(ઘટના દર્પણ)

Wednesday 14th October 2026 07:57 EDT
 
 

આ દિવસો નવરાત્રિના છે. વિશ્વનો સૌથી દીર્ઘ મહોત્સવ છે આ, જ્યાં રોજ રાતે શક્તિ અને ભક્તિનો સંગમ રચાય છે, રાસગરબાની રમઝટ ચાલે છે, ખેલૈયાઓ મન મૂકીને નાચે છે. ક્યાંક દાંડિયા રાસ તો ક્યાંક હાથની તાળી સાથેનો લય. પગલાંને ઠૂમકો મળે, તાલબદ્ધ, લયબદ્ધ વર્તુળાકારે સૌ ઝૂમે, સંગીતનાં વાદ્યો હોય, ના હોય પણ ગરબીનું ગગન ગાતું રહે. માથે ગરબો રાખીને મહિલાઓ અને સાવ નાની કન્યાઓ રાસને રસના સમુદ્રમાં ઝબોળે, પગલાં થાકે નહિ, ધરતી પણ તેનો આહલાદ માણે. કોઈ ભેદ નહિ, કોઈ દીવાલ નહિ, સૌ માત્ર ભક્તો છે, આદ્ય શક્તિના પરમ પ્રેમી છે.

હવે તેમાં આધુનિકતા ભળી ગઈ છે. ઓરકેસ્ટ્રાની કમાલ ઉમેરાઈ છે. આધુનિક સોસાયટીઓમાં ગરબો વર્તુળાકારનો રહ્યો નથી, તેની દૂર સુધીની કતાર જ દેખાય. ગાયકો પણ ગાયકીને નવાં વસ્ત્રો પહેરવે, ફિલ્મી તરજ પણ આવે. ઉત્તર ગુજરાતથી આવેલા સનેડામાં માતૃશક્તિની ગરબી કઈ રીતે ગાઈ શકાય તે હજુ મને સમજાતું નથી. બચપણમાં નાનકડા ગામની ચાર ગલી મળતી હોય તેવા ચૌરાહે મ્યુનિસિપલ બત્તીના અજવાળે વચ્ચે દેવીની પ્રતિમા અને દીવો મૂકીને વર્તુળાકારે પોતાનામાંથી જ કોઈના મીઠા અવાજે વર્તુળાકારે ગરબે ઘૂમતી સ્ત્રીઓની ગરબી મેં જોઈ છે, ને અત્યારે માઇકમાં કોલાહલ કરતી ગરબીઓ નજર સામે છે. સ્ત્રીઓને આ નિમિત્તે સુંદર શૃંગારની તક મળે છે, એ પણ વર્તમાનની વિશેષતા છે. કેટલીક રાસ-મંડળીઓ પણ જાણીતી છે, જે વ્યાવસાયિક રીતે જાય છે. આદિવાસીઓથી છેક કચ્છ અને સોરઠની મંડળીઓનાં નૃત્યોના અનેક પ્રકારો છે. ધમાલ, ટીપણી, પઢાર, ડાંગી, મેરાયો, ઠાગા, ગોફ ગૂંથણ, હુડો, અશ્વનૃત્ય તેનાં કેટલાંક નામો છે.

... પણ આજે તો આપણી વચ્ચેની નવરાત્રિની આરતીના એક ગાયકની વાત કરવી છે. આરતી એ પરંપરિત અનિવાર્ય પ્રકાર છે. માત્ર નવરાત્રિ પૂરતો નહીં, રોજિંદા દેવદર્શનમાં પણ આરતી ગવાય નહિ તો તે પૂજન-અર્ચન અધૂરું ગણાય. મૂળ સંસ્કૃત ‘આરાત્રિક’ શબ્દ, જેનો સામાન્ય અર્થ છે - જે અંધકારને દૂર કરે છે, પ્રતિમા સમક્ષ ઘી-કપૂરનો દીવો. છેક વૈદિક સમયથી આરતી અવિરત છે. આપણી આરતી 36 પંક્તિની છે.
હવે તો વિવિધ ભારતીય ભાષાઓમાં રૂપાંતરિત થયેલી આરતીનું પ્રથમ લેખન અને ગાન દક્ષિણ ગુજરાતનાં અંકલેશ્વરમાં થયું હતું! રચનાકાર શિવાનંદ વામદેવ પંડ્યા. તેનો જન્મ ઈ.સ. 1541માં સુરતમાં થયો હતો. પિતા વામદેવ હરિહર પંડ્યાના એક સામાન્ય મકાનમાં, સુરતના અંબાજી માર્ગ પરના નાગર ફળિયામાં થયો. સંયુક્ત પરિવાર એટલે કર્મકાંડી પિતા વહેલા વિદાય પામ્યા ત્યારે વામદેવના ભાઈ સદાશિવે શિવાનંદનું પાલનપોષણ કર્યું. વિદ્વાન કાકાના વિદ્વાન ભત્રીજા તરીકે તેની પ્રસંશા થતી. કાકા સદાશિવ પોતાના ઘરમાં પાઠશાળા ચલાવતા અને બાળકોને ભણાવતા.
આ અકિંચન બ્રાહ્મણનો અંતિમ સમય આવ્યો ત્યારે બે પુત્ર અને ભત્રીજાને બોલાવીને પુછ્યું, ‘જીવનમાં તમને કઈ ચીજની ઈચ્છા છે?’ બંને પુત્રોએ લક્ષ્મી માંગી, ભત્રીજા શિવાનંદે કહ્યું, ‘તમને યોગ્ય લાગે તે...’ શિવાનંદને તેમણે પંચાક્ષરી મંત્ર આપ્યો અને ભક્તિનો રસ્તો સૂચવ્યો. શિવાનંદ પોતે જ નર્મદાકિનારે ઘેલા મંદિરમાં ઉપાસના કરીને જ્ઞાન મેળવી લાવ્યા હતા. તે પછી જ - છેક 35 વર્ષ બાદ - સંસ્કૃત ગ્રંથોમાં તે પારંગત થયા. અંબિકા માતાની આરતી રચી. શિવસ્તુતિ, ઢોળ, વસંતપૂજા, હિંડોલાના પદ... એવું ઘણું વિપુલ સર્જન કર્યું.

શિવાનંદને આ બધું વારસામાં મળ્યું. બ્રાહ્મણ બુઝુર્ગ, અંકલેશ્વરથી સુરત આવીને વસ્યા અને કર્મકાંડની પ્રવૃત્તિ શરૂ કરી. એકવાર પોતાના આ પૂર્વજ ગામ તરફ જતી વેળા નર્મદાકિનારે અંબામાતાના મંદિરે બેઠા હતા. સૂર્યોદયનો સમય. 60 વર્ષના શિવાનંદજીને હૃદયમાં સ્ફુરણા થઈ અને ચતુર્ભુજા શક્તિના દર્શન થયા. શિવાનંદના હોઠ પર આરતીના એક પછી એક શબ્દો રચાતાં ગયા, ‘જય આદ્યા શક્તિ...’
સમગ્ર ગુજરાતમાં તે પ્રસરી ગઈ આરતી, પછી અનેક ભાષામાં પણ સ્થાન પામી. અંતિમ કડીમાં ‘ભણે શિવાનંદ સ્વામિ...’ આવે ત્યારે આ ભવ્ય આરતીને શબ્દદેહ આપનારા શિવાનંદ સ્વામીની ઓળખ થાય. 85 વર્ષની વયે, ઈ.સ. 1626માં તેમણે સમાધિ લીધી પણ દરેક સ્થાને, શક્તિ વંદનની આરતીમાં શિવાનંદ સ્વામી અમર થઈ ગયા.

દુર્ભાગ્યે તેમનું રચેલું સમગ્ર સાહિત્ય સમયના પ્રવાહમાં વિલુપ્ત થઈ ગયું, પણ નર્મદા યોજનાનાં એક એન્જિનિયર જી.ટી. પચ્ચીગર સંશોધન તરફ વળ્યા. તેમણે શિવાનંદ સ્વામીની આરતી પુસ્તક પ્રકાશિત કર્યું. એક બીજી રસપ્રદ ઘટના તે પણ છે કે શિવાનંદ સ્વામીની છઠ્ઠી પેઢીના જમાઈ હતા વીર નર્મદ. શિવાનંદની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદ પંડ્યા. તેમનાં બે સંતાનો - ચંદ્રવિદ્યાનંદ અને ડાહીગૌરી. આ ડાહીગૌરી સાથે નર્મદાશંકરના લગ્ન થયા હતા... અત્યારે તો દસ-અગિયારમી પેઢી અસ્તિત્વમાં છે. પલ્લવી વ્યાસ, ધર્મેશ વ્યાસ, હેમા શુક્લ.. નાટયજગતના આ કેટલાંક નામોનો છેડો શિવાનંદ સ્વામિ સુધી પહોંચે છે. આશુતોષ દેસાઇનું આ સંશોધન દરેક નવરાત્રિએ યાદ કરીએ તો આરતી-જગતમાં ગુજરાતની અસ્મિતાનું ગૌરવ પણ થાય.

આરતી હોઠ પર આવે, બે હાથ તાળી તરફ પ્રવૃત્ત થાય ત્યારે મનોજગતમાં તેની પંક્તિમાં રહેલા સંદર્ભો પણ આવશે. ‘નોરતા’નાં સુદ એકમે પ્રગટ થયેલાં આદ્યા શક્તિ, પુરુષ અને પ્રકૃતિ એવા બંને સ્વરૂપોનું એકાત્મ, ત્રણ સ્વરૂપ - મહા સરસ્વતી, મહા-લક્ષ્મી અને મહા-કાલી, ગંગા-યમુના-સરસ્વતીના સંગમ તીર્થ, ચાર ભુજા સાથેના ચતુર્ભુજ મહાલક્ષ્મી, પાંચ ઋષિ, પાંચ ગુણ, અને પાંચ તત્ત્વ, નર-નારી સ્વરૂપા, મહિષાષુરમર્દિની, પાતાળ સહિતની સાત સંધ્યા, અષ્ટ ભવાની, કાલિકા દેવી, નવ દુર્ગા, કાત્યાયની, કામદુર્ગા, બહુચરા, કાલભૈરવ, ચામુંડા... આ શક્તિ સ્વરૂપો એક આરતીના માધ્યમથી વ્યક્ત થયા હોય તેવું ભાગ્યે જ બને.

ઉત્તર પરદેશમાં કેટલાકના અભિપ્રાય મુજબ હરિદ્વારના સ્વામી શિવાનંદ આ આરતીના રચયિતા છે. પણ સંશોધન દર્શાવે છે કે આરતીના અગ્નિને જ્વલંત કરનાર તો આપણો ગુજરાતી શિવાનંદ સ્વામી છે. તેની સનાતન ધર્મની યાત્રા પોતાના શબ્દોમાં લખી હતી તે ક્યાંક વિલીન થઇ ગઈ. કોઈને મળતી નથી. સ્વામી વેદાંતના વિદ્વાન હતા. સનાતન તેમનો માર્ગ હતો. ઋષિકેશ, અંકલેશ્વર, સુરત, વડનગરમાં તેમનું ભ્રમણ થયું. અંકલેશ્વર પાસેના માર્કંડ ઋષિના આશ્રમમાં યગ્ન પછી આ આરતી રચાઇ હતી તેવી પણ કથા છે.

સંશોધનની આ પણ એક કેડી છે. મીરાબાઈ અને નરસિંહ મહેતા વિશે તો ઠીકઠીક લખાયું. નિરંજન ભગતે પણ મીરાના અંતિમ દિવસો વિશે અભ્યાસલેખ કર્યો હતો. સોરઠના દૂરસુદૂર વિસ્તારોમાં એવા ઘણા વીર અને પ્રેમીઓ થયાં, તેનાં સ્થાનો અને ગીતો-દુહાઓ હજુ ક્યાંક મળી આવે.
ઘૂમલી આવું જ એક ઇતિહાસ સાંચવીને બેઠેલું નગર છે, જે લાંબા સમય સુધી વિશાળ સામ્રાજ્યનું પાટનગર હતું. દ્વારિકામાં એક રાજરાણી થઈ ગયાં તે ધીરા દેવી વિશે આપણે કેટલું જાણીએ છીએ? અરે, શિહોરના પર્વત અને મંદિરમાં 1892માં સ્વામિ વિવેકાનંદ એક બીજા સંન્યાસીને મળવા ભાવનગરથી ગયા હતા, અને તે હતા 1857ના અંતિમ મહાનાયક નાના સાહેબ પેશવા, જેઓ સાધુ વેશે ત્યાં રહ્યા હતા. સંયુક્ત મહારાષ્ટ્ર-ગુજરાત સરકારે ઈતિહાસકાર રાજવાડેના અધ્યક્ષપદે એક શોધ-સમિતિ મોકલી હતી અને નાના સાહેબ હોવાના દસ્તાવેજી પુરાવા તેમજ સ્થાનોની મુલાકાત લીધી હતી. નર્મદે ગુજરાતનું રાજ્યગીત ‘જય જય ગરવી ગુજરાત...’ દક્ષિણ ગુજરાતનાં કુંતલ ગામના શિવાલયમાં બેસીને લખ્યું હતું. આ ગીતમાં તેમણે ‘દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ...’ પંક્તિ પણ મૂકી છે.

આ બધું ભૂંસાઈ જાય તે પહેલા સરકારે તેને માટે એક બોર્ડ રચવું જોઈએ તેવું નથી લાગતું?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter