શ્રી નરેન્દ્ર મોદી એક અનોખા નેતા

નરેન્દ્ર મોદી જન્મદિન વિશેષ

- પ્રવીણ ક. લહેરી Wednesday 24th September 2025 04:56 EDT
 
 

મારું એ સદ્દભાગ્ય છે કે મને શ્રી નરેન્દ્ર મોદી સાથે લાંબા સમય માટે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જ્યારે તેઓ તેમના ભાતીગળ જીવનના 75 વર્ષ 17 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂરા કર્યા છે ત્યારે તેમને હું આરોગ્યપ્રદ અને સુખી જીવન માટે હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
પ્રભુને પ્રાર્થના છે કે તેઓને પૂરતી શક્તિ અને ઉર્જા આપે જેથી તેઓ આપણી મહાન માતૃભૂમિની સારી રીતે સેવા કરી શકે. શ્રી નરેન્દ્રભાઈ સ્વામી વિવેકાનંદના મૂળ નામ નરેન્દ્ર જેટલી સામ્યતા ધરાવતા નથી, પરંતુ તેમણે પોતાના વ્યકિતત્વનું ઘડતર સ્વામી વિવેકાનંદજીના આદર્શો પ્રમાણે કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામીજીની ચિંતા આ દેશ અને તેની પ્રજાને મજબૂત, સ્વાવલંબી અને સંવેદનશીલ બનાવી જે લોકો વંચિત છે તેમના જીવનમાં સુખી બનાવવાની હતી.
સ્વામી વિવેકાનંદે કહ્યું છે કેઃ ‘કોઈપણ વ્યકિત અથવા કોઈપણ રાષ્ટ્રને મહાન બનાવવા માટે ત્રણ બાબતો જરૂરી છે.
1. સત્યનિષ્ઠામાં અતૂટ વિશ્વાસ
2. ઈર્ષા અને શંકાનો અભાવ અને
3. જેઓ સારા થવાની અને સારા કામો કરવાની કોશિશ કરે છે તે સૌને મદદ કરવી.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામી વિવેકાનંદનો આ સંદેશો આત્મસાર કર્યો છે અને સ્વામી વિવેકાનંદે ચીંધેલા રસ્તા ઉપર તેઓ સજાગપણે અને સમર્પણ સાથે ચાલી રહ્યા છે. આજે શ્રી નરેન્દ્રભાઈના વ્યકિતત્વના જે ગુણો સમગ્ર વિશ્વને દેખાય છે તેના મૂળ સ્વામી વિવેકાનંદનાં ઉપદેશમાં રહેલા છે. સ્વામી વિવેકાનંદનું આહવાન હતુંઃ ઊઠો, જાગો અને જયાં સુધી કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી પ્રવૃત્ત રહો. આ સૂત્ર આજની યુવા પેઢીના મનમાં સતત ગૂંજતું રાખવાનો યશ શ્રી નરેન્દ્રભાઈની કાર્યશૈલીને આપવો ઘટે. નરેન્દ્રભાઈ દ્વારા એકબાજુ આપણી પ્રાચીન વિરાસતનું ગૌરવ અને બીજી બાજુ આધુનિક વૈજ્ઞાનિક અભિગમની નોંધ ઈતિહાસમાં અચૂક લેવાશે. નરેન્દ્રભાઈએ દેશના યુવાનોને આશા આપી છે, હિંમત આપી, દિશા ચિંધી છે અને તેમનો ઉત્સાહ વધાર્યો છે. આઝાદીની શતાબ્દી વર્ષ 2047માં તેમણે જે વિકસિત ભારતનું જે સ્વપ્ન સેવ્યું છે તે આજની યુવા પેઢી ચરિતાર્થ કરશે તેવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. જીવન તો પડકારોથી ભરેલું હોય છે. અનેક સંઘર્ષો બાદ ક્યારેક નિષ્ફળતા પણ મળે છે. શ્રી નરેન્દ્રભાઈ જેવું વ્યકિતત્વ બધા અવરોધોને મક્કમ મનોબળ અને કઠોર પરિશ્રમથી પાર કરે છે. તેમના જીવનના પ્રસંગો અને સિદ્ધિઓને વર્ણવવા માટે સેંકડો પાનાંઓ પણ ઓછા પડે, તેવી સ્થિતિમાં હું તેમના વ્યક્તિત્વના મહત્ત્વના પાસાંઓ ઉજાગર કરવાનો નમ્ર પ્રયત્ન કરીશ.
1. હકારાત્મક અભિગમ: નરેન્દ્રભાઈ મોદીનું વલણ હંમેશા રચનાત્મક રહ્યું છે. તેઓ દરેક પરિસ્થિતિને આશાવાદ અને સ્થિતપ્રજ્ઞાભાવે જુએ છે. આવા પ્રસંગે આપણને સ્વામી વિવેકાનંદનાં શબ્દો યાદ આવે છેઃ ‘તમામ શક્તિઓ તમારામાં જ રહેલી છે; તમે કોઈ પણ વસ્તુ અને તમામ વસ્તુઓ કરવા સક્ષમ છો. તમે આ વાતમાં વિશ્વાસ રાખો. કોઈ કહે કે તમે નબળા છો તો તે વાત માનતા નહી. તમે હંમેશા પરિસ્થિતિનો મુકાબલો કરવા તૈયારા રહો અને તમારી દૈવી શકિતઓ ખીલી ઉઠશે.’
2. મહેચ્છા: આપણામાં કહેવત છે કે ઉંચા લક્ષને મેળવવામાં નિષ્ફળ જાઓ તે શક્ય છે, પરંતુ નીચું નિશાન રાખવું તે અપરાધ છે. સ્વામી વિવેકાનંદે સનાતન ધર્મ અંગેની માન્યતા કે ધર્મ મોક્ષ અને અધ્યાત્મ સૂચવે છે તે નકારીને આપણને આહવાન કર્યું હતુંઃ ‘તમારા દેશને જનનાયકોની જરૂર છે. જનનાયક બનો’. નરેન્દ્રભાઈએ વડનગરનાં સામાન્ય સંજોગોમાંથી ઉચ્ચતમ સ્થાને પહોંચવા માટે સંકલ્પ કર્યો, સંઘર્ષ કર્યો અને સફળતા મેળવી.
3. વાસ્તવિક: નરેન્દ્રભાઈ કોઈપણ કાર્ય સહજતાથી કરે છે. અનેક કાર્યો કરવામાં તેમણે પોતે નક્કી કરેલા માર્ગે ચાલે છે. આ માર્ગ એવો છે કે અનેક લોકો તેના પર ચાલવામાં જોખમ લેવા ઈચ્છતા નથી. પોતાના વિચારો અને કાર્યોમાં નરેન્દ્રભાઈ હંમેશા વ્યકિતવિશેષ હોવા છતાં તેમના પગ જમીન પર રહે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘સૌથી મોટો ધર્મ એ છે કે તમે તમારી પ્રકૃતિને વફાદાર રહો, તમારી જાતમાં આત્મવિશ્વાસ રાખો’. નરેન્દ્રભાઈએ આ સલાહનો અક્ષરસહ અમલ કર્યો છે.
4. દૃઢ નિશ્ચય: શ્રી નરેન્દ્રભાઈની ઓળખ એક દૃઢ નિશ્ચય સાથે ઝડપી નિર્ણય કરવાવાળી વ્યકિત તરીકેની છે. નરેન્દ્રભાઈની લોખંડી ઈચ્છાશકિત અને તેને અનુરૂપ આત્મવિશ્વાસના બળે તેઓ સૌથી અઘરા કાર્યો સહેલાઇથી હાથ ધરી શકે છે. આ પણ આપણે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો; ‘સ્વપ્ન અને દૃઢ નિશ્ચયમાં એક જ તફાવત છે. સ્વપ્નમાં કશા પ્રયત્ન વગર આપણે નિંદર માણીએ છીએ, પરંતુ દૃઢ નિશ્ચયમાં આપણે નિંદ્રા ત્યાગીને સતત પ્રવૃત્ત રહીએ છીએ’.
5. ઉર્જા: નરેન્દ્રભાઈ તેમની અદ્ભુત સતત કામ કરવાની શકિત માટે જાણીતા છે. પોતાને સુસજ્જ રાખવા માટે યોગ અને શિસ્તમય જીવન ઉપરાંત તેઓ સ્વામી વિવેકાનંદનાં શબ્દોને ચરિતાર્થ કરે છે. ‘તમારે પાછળ જોવાની જરૂર નથી - તમે આગળ જૂઓ, અમાપ ઉર્જા, અમાપ ઉત્સાહ, અમાપ હિંમત અને અમાપ ધીરજ સાથે તમે કોઇપણ મહાનમાં મહાન કાર્ય સિદ્ધ કરી શકશો’.
6. યાદદાસ્ત: નરેન્દ્રભાઈ અદ્ભૂત સ્મૃતિ પણ ધરાવે છે. કોઈપણ સમયે અગાઉ મળેલી વ્યકિત, અગાઉનો પ્રસંગ કે સંવાદ તેઓ ખૂબ ઝડપથી યથાતથા યાદ કરી શકે છે. કોઇકે કહ્યું છે કે યાદશકિત એ તો હૃદયનો શાશ્વત ભંડાર છે. નરેન્દ્રભાઈએ આ ઉકિતને સાર્થક બનાવી છે. એક ચિત્રને હજાર શબ્દોની ગરજ સારે તેવી ઉપમા આપવામાં આવી છે, પરંતુ સારી યાદદાસ્ત સિવાય બીજું કોઈ અમૂલ્ય નથી.
7. પ્રયોગાત્મક: શ્રી નરેન્દ્રભાઈ મોદીની તદ્દન નવા ધોરણે વિચારણા કરવાની શક્તિ એ તેમની સૌથી મોટી મૂડી છે. આ અદ્ભૂત અભિગમના કારણે તેઓ અનોખા નેતા બન્યા છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો ‘નવતર અભિગમ હકીકતમાં નેતા અને અનુયાયીને અલગ તારવી આપે છે’.
8. સંવાદ: આજે ક્રાંતિકારી ફેરફારોના યુગમાં જીવતા આપણાં સૌ માટે એકમેક સાથેનો સંવાદ વિશેષ મહત્વ ધરાવે છે. નરેન્દ્રભાઈએ અનેક વખત સાબિત કર્યું છે કે તેઓ લોકો સાથેના સંવાદમાં અભૂતપૂર્વ અભિગમ ધરાવે છે. સંવાદશકિત સુધારવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. ધીરજથી સાંભળવું. માનવીય સંબંધો સ્થાપવા અને શબ્દો તથા શારીરિક ભાષાથી અનેક લોકોને વાત ગળે ઉતારવી. આ પ્રાવીણ્ય હાંસલ કરવું સહેલું નથી. વર્તમાન યુગમાં નરેન્દ્રભાઈનું વ્યકિતત્વ અનેક લોકો માટે પ્રેરણાસ્રોત પુરવાર થયું છે. આપણે ઈચ્છીએ કે પ્રભુ તેમને દીર્ઘ અને નિરામય જીવન આપે જેથી તેઓ ભારત દેશની અને તેની પ્રજાની અવિરત સેવા કરી શકે.
(લેખક પી. કે. લહેરી ગુજરાત સરકારના પૂર્વ ચીફ સેક્રેટરી છે અને નરેન્દ્રભાઇ મોદી સહિત કુલ પાંચ મુખ્યમંત્રી સાથે કામ કરી ચૂક્યા છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter