બે દાયકાઓ સુધી પાકિસ્તાની મૂળના પુરુષોએ નિર્બળ શ્વેત છોકરીઓનું યૌનશોષણ કર્યું, બળાત્કારો કર્યા અને શારીરિક દુરુપયોગ કર્યો, ત્યારે કોમ્યુનિટી મૌન રહી આ બધું નિહાળતી હતી. લેબર રાજકારણીઓ, લેબર મેયર્સ, પોલીસ તેમજ આપણી સ્થાનિક સંસ્થાઓ અને સેવામાં રહેલા લોકોની રહેમનજર હેઠળ આ બધું ચાલતું જ રહ્યું. વાસ્તવમાં હવે પીડિતાઓ પાસેથી પ્રાપ્ત વધુ પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે જે લોકોનું કાર્ય આ બાળાઓનું રક્ષણ કરવાનું હતું તેમણે જ આ શોષણોમાં સાથ આપ્યો હતો.
આપણે એક બાબતે સ્પષ્ટ થઈએ કે ટોરીઝ જ્યારે સત્તા પર હતા ત્યારે તેઓ આ નિર્બળ શ્વેત છોકરીઓનું શોષણ અટકાવવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા હતા. આમ છતાં, અત્યાચારો ચાલુ જ રહ્યા તેની સંપૂર્ણ જવાબદારી અને દોષ લેબર પાર્ટીના શિરે જ રહેશે. વિપક્ષમાં હતા ત્યારે પણ પાર્લામેન્ટમાં એક પછી એક લેબર સાંસદો આ પાકિસ્તાની દુરાચારી રાક્ષસોના અપરાધો પર ધોળા કૂચડા લગાવવાના પ્રયાસો કરતા રહ્યા હતા. તેમણે આ જઘન્ય અપરાધોમાં કોઈ પણ તપાસને અટકાવવા બધું જ કર્યું અને હવે આપણી સમક્ષ એવી ઘૃણાસ્પદ પરિસ્થિતિ છે કે આ રાજકારણીઓમાંથી કેટલાક ફર્સ્ટ બેન્ચ પર બેઠા છે!
ખોટી બૂમરાણો મચાવતી લેબર સરકાર આખરે આપણે જેના વિશે વિચારતા હતા તેવી યોગ્ય, સ્વતંત્ર રાષ્ટ્રીય ઈન્ક્વાયરી માટે સંમત થઈ હતી. થોડા મહિનાઓ પછી, તેઓ ઈન્ક્વાયરી સ્થાપવામાં ગલ્લાંતલ્લાં કરતા જણાયા હતા. તેમણે એમ વિચાર્યું કે યુક્રેન, ટ્રમ્પનું પાગલપણુ, ગાઝા, ચાઈનીઝ ફિઆસ્કા જેવી બાબતો પ્રજાના રસને અન્યત્ર વાળી લેશે અને તેઓ ઈન્ક્વાયરીને ખાડામાં દાટી દઈ શકશે. પ્રેશર અને ગભરાટ હેઠળ આવી ગયેલા કેર સ્ટાર્મર અને તેમના ‘સેફગાર્ડિંગ’ મિનિસ્ટર જેસ ફિલિપ્સે તેમના પોતાના જ લોકોને તે મુદ્દે આગળ રાખી લિપાપોતી કરવા તેમજ ટર્મ્સ ઓફ રેફરન્સને તદ્દન હળવા બનાવી સમારકામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રામાણિકતાથી કહું તો જો આ સાચું ન હોત તો આમ કરવું મુશ્કેલ બન્યું હોત. મારો મતલબ છે કે જરા વિચારો, ‘સેફગાર્ડિંગ’ મિનિસ્ટર વિક્ટિમ્સના બદલે આ જઘન્ય અપરાધોને આચરનારાના રક્ષણમાં વધુ રસ ધરાવતા હતા. કેર સ્ટાર્મર એક્સ-સીપીએસના મશાલચી તરીકે સત્યને બહાર લાવવા અને અપરાધીઓને ન્યાયના પિંજરામાં ખડા કરવાના બદલે ઈન્ક્વાયરીને નષ્ટ કરવાનો જ મજબૂત ઈરાદો ધરાવતા હતા.
જોકે, વિક્ટિમ્સ જ આ મુદ્દે લડાયક મિજાજ સાથે બહાર આવ્યા છે. તેમણે નારાજગી સાથે એક પછી એક, ઈન્ક્વાયરીમાંથી રાજીનામાં આપ્યાં છે. એલી રેનોલ્ડ્સ જેવી પીડિતાએ કહ્યું છે કે તેમને એમ લાગ્યું છે કે ઈન્ક્વાયરી ‘સત્યની બાબતે ઓછી અને છાવરવા’ બાબતે વધુ હતી. અન્ય પીડિતા ફિઓના ગોડાર્ડે ખુલ્લા પત્રમાં વિસ્ફોટક નિવેદન આપ્યું છે કે,‘સરકાર એમ માની લેવામાં ભારે ભૂલ કરી રહી છે કે બચી ગયેલાં લોકો શાંતિથી આ નાટક સાથે ચાલતા રહેશે અને તેમને બચાવી લેવામાં મદદ કરશે. અમે ભારે નિર્બળ વ્યક્તિઓ હતાં અને આજે પણ છીએ, પરંતુ તેમણે આને નબળાઈ માની લેવાની ભૂલ કરવી ન જોઈએ. વાસ્તવમાં, અમને સલામત રાખવા માટેની સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર, જડતા અને કહેવાતા ભોળપણને ખુલ્લાં પાડવા અને સાધનસજ્જતા સાથેના અન્ય ઘણાં જૂથોને શોધવા ઘણા મુશ્કેલ છે.’
લેબર રાજકારણીઓ દાયકાઓથી પાકિસ્તાની વોટ બેન્ક્સને સંતુષ્ટ રાખવાનો પ્રયાસ કરતા રહ્યા છે. આપણી પાસે હવે એક જ તારણ રહ્યું છે કે દેશના ઘણા હિસ્સાઓમાં લેબર પાર્ટીમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓએ ભારે ઘૂસણખોરી કરેલી છે. પીડિતાઓ હવે ઘણી મોટી વયની છે, તેઓ લડવા માટે બહાર આવેલ છે. તેમના રોષ, પીડા અને તેમની સાથે જે દુર્વ્યવહાર કરાયો છે તે સમયના વહેણ સાથે ઓગળી ગયા નથી, પરંતુ સમયે તેમને તેમનો અવાજ વ્યક્ત કરવાની તક આપી છે. તેમને હવે ચૂપ કરી શકાશે નહિ. પ્રજા હવે જાગૃત થઈ છે અને તેમનો અવાજ હવે સાંભળ્યો છે. અત્યાર સુધી શાંત રહેલા અને ઈસ્લામિક કટ્ટરવાદીઓનું તુષ્ટિકરણ કરી રહેલા મીડિયા (યાદ કરો, મોટા ભાગનાએ તેમનો ઉલ્લેખ પાકિસ્તાની તરીકે કરવાનું નકાર્યું હતું અને તેમની ઓળખ છૂપાવવા માટે જેનરિક ટર્મ એશિયનનો ઉપયોગ કરતા રહ્યા હતા) પણ આખરે હવે જાગી ગયું છે અને ઓછામાં ઓછું તેમની સ્ટોરીઝ ચલાવવા લાગ્યા છે. જોકે, એ નોંધવું ખરેખર નિરાશાજનક છે કે 24 ઓક્ટોબરે પીડિતાઓને પાઠવેલા પત્રમાં પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર લખે છે કે,‘અમે જાણીએ છીએ કે કેટલાક વિસ્તારોમાં આ અપરાધો અપ્રમાણસર એશિયન પુરુષો દ્વારા આચરાયેલા હતા.’ આપણી પાસે એવા પ્રાઈમ મિનિસ્ટર છે જે હજુ નકારાત્મક મિજાજમાં છે. તેઓ હજુ દુષ્કર્મીઓને પાકિસ્તાની મૂળના પુરુષો કહી શકતા નથી. પ્રાઈમ મિનિસ્ટર દર્શાવે છે કે તેઓ ભરોસાપાત્ર નથી, તેઓ આપણા પ્રાઈમ મિનિસ્ટર થવાને લાયક નથી.
હજારોની સંખ્યામાં પાકિસ્તાની મૂળના પુરુષો, ઘણા પોલીસ, ઘણા લેબર રાજકારણીઓ અને આપણી લોકલ સર્વિસીસમાં ઘણા લોકો એ જાણકારી સાથે થર થર કાંપી રહ્યા છે કે તેમનો પર્દાફાશ થઈ જશે અને જો ખરેખર ન્યાય તોળાશે તો તેઓ જેલના સળિયા પાછળ હશે. ટોરીઝ સત્તા પર હતા ત્યારે આ નિર્બળ બાળાઓને ન્યાય અપાવવાની તક તેમની પાસે હતી, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. લેબરને હવે ‘ન્યાય’અપાવવાની ફરજ પડી રહી છે. તેઓ નરમ પડશે અથવા ઈસ્લામિસ્ટ્સ સાથે તેમનું ગઠબંધન આખરે જીતી જશે, તે માત્ર સમય જ કહેશે. ટોરીઝે હવે હાથમાં છડી પકડી છે અને તેઓ કદી સત્તા પર આવશે તો આનો નિકાલ લાવવાનું વચન આપી રહ્યા છે તે નિહાળવાનું આખરે ઘણું સારું છે. એક બાબતની મને ખાતરી છે કે જો રિફોર્મ યુકે સત્તા પર આવશે તો આ બાળાઓને અવશ્ય ન્યાય અપાવાશે એટલું જ નહિ, જે લોકો આ માટે જવાબદાર હશે તેમનો નામોલ્લેખ કરાશે, તેમને શર્મિંદગી કરાવાશે અને લાંબા સમય માટે જેલમાં ધકેલી દેવાશે.
મારી લાગણી એવી છે કે આ શ્વેત બાળાઓ હવે માત્ર પોતાના માટે જ લડાયક સામનો કરી રહી નથી, પરંતુ આ દેશના આત્માને બચાવવા અને યુકેમાં સત્ય અને ન્યાયના માટે લડી રહી છે.


