સંકલ્પમસ્તુ... વિક્રમ સંવત 2083નો આરંભ

(ઘટના દર્પણ)

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Wednesday 18th November 2026 06:33 EST
 
 

વર્તમાન પ્રશ્નાર્થો સાથે આવીને ઊભો છે. દુનિયામાં અનેક પ્રકારનાં યુદ્ધો ખેલાઈ રહ્યાં છે. બે લોકશાહી દેશોમાં નેતૃત્વ બદલાયું. બીજે બળવાના એંધાણ છે. સરહદો ગમેત્યારે સળગે તેવી આશંકાઓ છે. નાના દેશો પર મોટી સત્તાઓની નજર છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેન અને પોલેન્ડ બંને સ્વાધીન રહે તેવું ગમતું નથી. ચીને મેકમોહનનો ચોપડો ભૂંસાઈ જાય તેવો ઇરાદો હજુ રાખ્યો છે. એક વાત આંખો ખોલીને સમજી લેવા જેવી છે કે સામ્યવાદી ચાઉ એન લીના વારસદારો શી જિનપિંગનો સત્તાવાદ ભારતને શક્તિશાળી જોવા માગતું નથી. ભારતની ગરીબી વિષે તદ્દન નકલી વીડિયોની ચીનમાં ભરમાર છે.

આ સંજોગોમાં પ્રજાજીવનની પાસે એક શબ્દ, એક નિશ્ચય, એક દૃઢતા છે તે સંકલ્પ. અઘરો છતાં અનિવાર્ય.

શબ્દ એક છે, તેનું આકાશ વિરાટ છે. સંસ્કૃત ભાષાનો આ સંકલ્પ બીજી ભાષાઓમાં તેના જેટલો અર્થ અને પરિભાષા આપે તેવો કોઈ શબ્દ મળતો નથી. ઈચ્છા અને ઈચ્છાશક્તિમાં તેનો પડઘો પડે છે. પણ, મહત્ત્વની વાત એ છે કે મનુષ્યના સંકલ્પે સમગ્ર સમાજને ઘડયો છે, સંઘર્ષ કરીને, જીવન દર્શન આપીને, સંવાદ રચીને, પુરુષાર્થ અને તપસ્યાપૂર્વક આકાર આપ્યો છે. ભાષા, દર્શન, સાહિત્ય, વિજ્ઞાન, સંસ્કારની પગદંડી તૈયાર કરી આપી છે. જેને આજે ‘સંસ્કૃતિ’ નામ અપાયું છે.

દરેક જમાને નવા સંકલ્પની આવશ્યકતા પડે છે. ‘નવીન પર્વ કે લિયે નવીન પ્રાણ ચાહીએ...’ અને તેનું ઉજ્જવળ પ્રમાણ ભારતવર્ષ છે. વેદ યુગથી તેનો પ્રારંભ થયો, સિંધુ, સરસ્વતી, ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, બ્રહ્મપુત્રના કિનારે તેનો વિકાસ થયો. ‘એકો સત્ય, વિપ્રા બહુધા વદંતિ’ થી લઇને ‘વસુધૈવ કુટુંબકમ્’ સુધીનો તેનો મહાપથ છે. મનુસ્મૃતિએ તેનો મર્મ કહ્યો: ‘મનુર્ભવ...’ મનુષ્ય બનો. આપણા ઋત્વિજો, ચિંતકો, ગુરુકુળના શિક્ષકો, ઋષિવરોએ એક એવા સમાજ અને સંસ્કૃતિનું સંવર્ધન કર્યું કે તેમાં સમગ્ર માનવસમાજની છબી મળે છે.

રામાયણ અને મહાભારત એ મહાકાવ્યો અને ઇતિહાસ બંને છે. કવિવર કાલિદાસથી બાણ ભટ્ટ સુધીનાએ સંસ્કૃતિને સજાવી કે યુદ્ધ અને જય-પરાજય એ જ માત્ર સંસ્કૃતિનું તત્વ અને સત્વ નથી, ત્યાં સર્જકતા પણ ખીલે છે, સંશોધનનો રથ અશ્વમેધની જેમ જ ચાલતો રહે છે... અને મજાની વાત એ છે કે આ બધું ધરતી પર થયું. સૌ પૃથ્વી માતાના પુત્રો છે. આ વિચારે માતૃશક્તિનો મહિમા સ્થાપિત કર્યો.

શ્રી ગુરુજી ગોળવલકરે એક વાર સૌને સૂત્ર આપ્યું હતું ‘માતા, દેશમાતા અને જગતમાતા...’ આ આપણી મૂળ ભાવના છે. તેમાંથી શેષ ભાવનાઓ અને વ્યવસ્થાઓ સર્જાય છે. સરકારી અધિકારી રહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’ નવલકથા અને ‘વંદે માતરમ્’ ગીતનું જ સર્જન કેમ કર્યું? ધાર્યું હોત તો બ્રિટિશ શાસકોના ગુણગાનનું પુસ્તક લખ્યું હોત. પણ એવું ના કર્યું. ઉપનિષદ અને વેદના ચિંતનને તેમણે તત્કાલીન ભારતની ગાથા સાથે વ્યક્ત કરવું હતું. તેની નવલકથાનાં પાત્રો અકિંચન સાધુઓ છે, આતતાયીઓની સામે લડવા નીકળ્યા છે. એટલે લખ્યું ‘વંદે માતરમ્’ અને કથા ‘આનંદમઠ’. રશિયા પોતાને સામ્યવાદની ભૂમિ તો માનતો હતો પણ રશિયા તેમના માટે ફાધરલેન્ડ હતો.

વિશ્વયુદ્ધમાં સાચી ભાવના જ સંગઠિત કરી શકે તે સમજાયું તો રાજકર્તાઓએ સમાજને કહ્યું કે આપણી માતૃભૂમિને બચાવવી છે, તૈયાર થાઓ. વિષ્ણુગુપ્ત કૌટિલ્યને ભલે ઘરના દુશ્મન નંદ વંશની સામે લડવાનું હતું, પણ તેની દૃષ્ટિ દૂરસુદૂરથી થનારાં વિદેશી આક્રમણોથી ભારત વર્ષને સંઘર્ષ માટે સજ્જ કરવાની હતી. માતૃભૂમિ માટે તેણે લલકાર કર્યો, અને પ્રાચીન મંત્રને પુનર્જીવિત કર્યો: ‘રાષ્ટ્રે જાગ્રયામ વયમ પુરોહિતા:’

સંકલ્પનું આ જ મોટું લક્ષણ છે. તે માત્ર શોભિત શબ્દ નથી રહેતો. તેમાં આત્મા હોય છે. શબ્દ પોતે જ અગ્નિદિવ્ય બની જાય છે. અને પછી તેમાં ચાર ‘સ’ ઉમેરાય છે. પહેલો ‘સ’ સંકલ્પનો છે, પછી ‘સમન્વય’ છે, સમાન વિચારના સૌને સાથે રાખવાના છે. એકલા લડાઈ સફળ થતી નથી. રાજકીય કે વ્યાવસાયિક ક્ષેત્રમાં આ શબ્દને ‘ટીમ વર્ક’ કહેવાય છે. વ્યવસ્થાની દૃષ્ટિએ કોઈ એક તેનું નેતૃત્વ ભલે કરે, પણ તેના સમાનધર્મીઓ સાથે જોઈએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહેતા કે નેતૃત્વ અને કર્તૃત્વ અલગ નથી. નેતા એ મૂળભૂત કાર્યકર્તા છે, ને કાર્યકર્તા એ નેતૃત્વના ગુણ ધરાવે છે. એવું ના હોય ત્યાં નેતાની આસપાસ કાર્યકર્તા નહિ, ખુશામતકારો હોય છે, તે નેતાને સાચી હકીકત સુધી પહોંચવા દેતા નથી, તેનો માહિતીસ્રોત પેલા ખુશામતખોરો હોય છે. ખોટી પ્રશંસાથી તે નેતાને ખુશ રાખે છે ને પોતાનું ધાર્યું કામ કરાવી લેતા હોય છે.

ત્રીજું પગથિયું છે સંવાદનું. શિક્ષણમાં આજકાલ એક નિયમ ઉમેરાયો છે કે વિદ્યાર્થીઓની સમક્ષ પ્રવચન નહિ, તેની સાથે સંવાદ રચવો જોઈએ. પરસ્પર વાર્તાલાપ થવો જોઈએ. રાજકીય પક્ષોના ચિંતન શિબિરોમાં ઘણીવાર એવું થતું હોય છે કે એક વિદ્વાન વક્તા બોલે અને બીજા બધાં સાંભળતા રહે. આ નિરર્થક વ્યાયામ છે, તેને ચિંતન શિબિર ના કહેવાય. એક કે બે વક્તાઓના વ્યાખ્યાનનો પ્રસંગ કહેવાય. એથેન્સમાં સોક્રેટિસ અને ભારતમાં ચાણક્ય સહિત ઘણાએ આ સંવાદ-વાર્તાલાપનો રસ્તો અપનાવ્યો હતો. પંડિત દીનદયાળને પણ કાર્યકર્તાઓની વચ્ચે આવી રીતે વાતચીત કરતાં જોવા મળ્યા છે. અટલ બિહારી વાજપેયીએ શ્રી ગુરુજીનો પણ એવો પ્રસંગ લખ્યો હતો. સંઘમાં તો આવી પરંપરા છે. ડો. રામમનોહર લોહીયા અને જ્યોર્જ ફર્નાન્ડીસ પણ સંવાદ કરતા હતા.

સંકલ્પ, સમન્વય અને સંવાદ પછી ચોથો ‘સ’ સંઘર્ષનો છે. વિજયના વિશ્વાસની સાથે સંઘર્ષની ભૂમિ પર તો ઊતરવું જ પડે. આ સંઘર્ષ માત્ર યુદ્ધભૂમિ પર લડાઇનો જ નથી. વૈચારિક સંઘર્ષ પણ થાય છે. પશ્ચિમના આક્રમકોએ તલવારની સાથે બાઇબલનો ઉપયોગ કર્યો. દક્ષિણ આફ્રિકના નિગ્રો ઈતિહાસકારે લખ્યું તે વિધાન જાણીતું છે. તેમણે કહ્યું કે અંગ્રેજો આક્રમક તરીકે આવ્યા ત્યારે તેમના હાથમાં તલવાર અને બાઇબલ હતાં. તેમણે બાઇબલ અમારા હાથમાં પકડાવી દીધું, ને શસ્ત્રોથી લડાઈ કરી.

પૂર્વોત્તર ભારતમાં લગભગ બધા જ પ્રદેશોમાં ઈસાઈ વર્ચસ્વ અચાનક નથી થયું, ઈસાઈ પાદરીઓ આવ્યા, શાળા ખોલી, દવાખાનાં બનાવ્યા, સેવાનો ઉપયોગ કરીને ભાષા સહિતના વ્યવહારોમાં પરિવર્તન કર્યું. એકવાર ધર્માંન્તર થાય પછી તેનો રસ્તો અલગાવનો બની જાય છે, ભારતથી અલગ નાગભૂમિ - નાગાલેન્ડની માગણી આવી જ રીતે અસરકારક બની હતી. જવાહરલાલ નેહરુની પહેલી સભા આઇઝોલમાં થઈ ત્યારે સભામાં આવેલા ત્યાંનાં રહેવાસીઓ સભા છોડીને જવા માંડ્યા, તો મંચ પર ઇન્દિરાજીએ ભાષણ કરતાં પિતાનું ધ્યાન દોર્યું! જો તે સમયના જવાહરલાલની લોકપ્રિયતા પણ ચાલી નહિ તો બીજાઓનું શું ગજું?

એટલે નુતન ભારતને માટે સૌથી વધુ મહત્ત્વનો સંઘર્ષ વૈચારિક છે. અલગાવવાદથી ત્રાસવાદ અને હિંસાનો જે અનુભવ થાય છે તેને અટકાવવો તો પડશે જ. સત્તા અને પક્ષો બંધારણીય રસ્તા અપનાવે તે ઠીક છે, પણ તેમાં ભારતના રાજકીય ઇતિહાસમાં - ચીની આક્રમણ, હૈદરાબાદ રઝાકારોને સમર્થન, વર્તમાન યુવા વર્ગને ઉશ્કેરી રહેલા અહીંના રાજકીય હિતો અને પરદેશના આર્થિક તેમજ સત્તાકીય હિતોના ખેલમાં મુખ્યત્વે સામ્યવાદીઓ ભળ્યા છે. આંદોલનકારી દુકાનો ધરાવનાર ‘લિબરલ્સ’ ઉમેરાયા છે, અને દુર્ભાગ્યે, ગમે તે રીતે સત્તાને હાંસલ કરવા ઉતાવળા થયેલા પક્ષો જોડાયા છે. કોંગ્રેસે પોતાની વર્ષોથી ઊભી કરેલી મહત્તાને નામશેષ કરી નાખનારી નેતૃત્વ શૈલી પેદા કરી છે, નિરંકુશ વાણીવિલાસ તેનું મુખ્ય અપલક્ષણ છે. અરાજકતાના અસુરોની પ્રવૃત્તિ માત્ર રાજકીય નહિ, આર્થિક, સામાજિક અને સરવાળે સાંસ્કૃતિક પતન તરફ લઈ જશે તે જ મોટી ચિંતાનો વિષય છે.

એટલે ભવિષ્યનું ભારત ગુલાબની સેજ સરખું નથી. રાજકીય, સામાજિક, આર્થિક, સરહદ પરની આક્રમકોની સમસ્યા (પાકિસ્તાન અને ચીન - બંનેની), અને દેશમાં જુદા જુદા રસ્તે અરાજકતા... આ કારણો એવા પણ છે કે રાજકીય વિચારકો માને છે કે સમાજને કુંઠાગ્રસ્ત બનાવી દેશે.

તો પછી કરવું શું?
સાંસ્કૃતિક સંગઠનનું મહત્ત્વ.
રાષ્ટ્રભક્તિનો પ્રભાવ.
રાજકારણ નહિ, પણ રાજનીતિ.
ગુણાત્મક પરિવર્તન - શિક્ષણથી દરેક પ્રવૃત્તિનું.
વિદ્યાકેન્દ્રો પર વિશેષ ધ્યાન અને તેની સંરચના.
લોકતંત્ર અને ચૂંટણીમાં પેસી ગયેલા જાતિવાદની સમાપ્તિ.
ગ્રામલક્ષી આયોજનમાં વધુ વિસ્તાર.
સરહદી રાજ્યોમાં સાવધાની.
ઇતિહાસનું સમજપૂર્વકનું પુન: લેખન.
હિંદીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવી અને તમામ માતૃભાષાઓનું સંવર્ધન. લોકો સમજી શકે તે ભાષાઓનો અદાલતો અને વહીવટમાં ફરજીયાત ઉપયોગ.
નવ્ય ગુણાત્મક, અપરાજેય અને સમૃદ્ધ ભારતના સંકલ્પનો આ નિર્ણાયક સમય છે, પડકાર પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter