લગ્નના મામલે આજકાલ સંગીત સંધ્યાનું વજન એટલું વધી ગયું છે કે એને મુખ્ય જમણવાર પહેલાંનું ‘ફરસાણ’ કહી શકાય - જેનો સ્વાદ જ બધાને મોઢે પાણી લાવી દે! લગ્નના દિવસે તો વર-કન્યાનું કામ મોટે ભાગે તેમનાં માવતર અને વેવાઈઓને સોંપાઈ જાય, બાકી બધા તો ‘સાત કોઠા વીંધવા’ સિવાય શું કરે?
પણ આ સંગીત સંધ્યા તો એવી ઇવેન્ટ છે, જ્યાં દરેક મહેમાનને માથે મુગટ પહેરીને પોત પ્રકાશવાનો મોકો મળે. અહીં, નાચવું ન હોય તોય ઝૂમવું પડે! એટલે જ તો કહીએ કે, જો લગ્નનું મેનુ અદ્ભુત હોય, તો સંગીત સંધ્યા એની સોનામાં સુગંધ છે – જ્યાં કોઈને ય દાઢે ન લાગે એવા ગીત-સંગીતની ધમાલ હોય!
આ વખતે આપણે લગ્નની આ અનોખી જાનમાં જોડાવાના છીએ, તો બે ઘડી ગમ્મત માટે તૈયાર? ચાલો તો શરૂ કરીએ તૈયારીઓ! કોરિયોગ્રાફર મહિનાથી મહેનત કરે છે પરંતુ એને પણ ડાંસ શીખવાડવા વાળા અહીં બેઠાં છે!!
સંગીત સંધ્યામાં પહેલું યુદ્ધ થાય છે ગીતની પસંદગી પર. વર કે કન્યાની બહેનનો રૂઆબ તો જુઓ! ‘આ ગીત પર તો હું જ ડાન્સ કરીશ, તમે બધા બીજું ગીત લઈ લો!’ જાણે આ ગીત એમના જન્મના સમયથી જ બુક થયેલું હોય. એમનો આત્મવિશ્વાસ જોઈને લાગે કે જો એ સ્ટેજ પર ડાન્સ ન કરે તો સંગીત સંધ્યાનું આખું ફંક્શન પાણીમાં બેસી જાય!
બીજી તરફ, વર કે કન્યાના ભાઈનો ‘સ્વેગ’ અલગ હોય ઘણા તો એવા કન્ફ્યુઝનવાળા ગીતો પસંદ કરે, જેનો અર્થ ખબર ન હોય પણ ‘બીટ’ સારા હોય અને આમાં ઘણા તો અંગ્રેજી ગીત પર પંજાબી ડાન્સનો મિક્સચર લઈને આવે, જેને જોઈને સામે ઓડિયન્સમાં બેઠેલા ફુવા (જેમને ‘પંગા નહી લેના’ સિવાય બીજું કંઈ ખબર નથી) બિચારા માથે હાથ દઈને બેઠા હોય અને મનોમન કહેતા હોય, ‘હવે તો રામ જાણે શું થાશે!’
સૌથી રસપ્રદ હોય છે વડીલોનાં પર્ફોર્મન્સ, જેમાં કોઈક સ્ટેજ પર જાણે એરોબિક્સ કરે તો કોઇ જગે પે દોડ! આ એક એવી પળ હોય છે, જ્યારે સંસ્કારી શાંતિમાં બેઠેલાં કાકા-પપ્પાને જબરદસ્તી સ્ટેજ પર ખેંચી જવાય છે.
કાકા-પપ્પાનું પર્ફોર્મન્સ જલ બિન મછલીથી ઊતરતું ના હોય! ‘કાકા, જરા તો આવો!’ કહીને બે-ચાર કઝિન્સ ભેગા મળીને તેમને ખેંચી જાય. પછી ‘ડોલા રે ડોલા’ કે ‘તુમ તો ઠેહરે પરદેસી...’ જેવા ગીત પર પપ્પા અને કાકાને ‘થોડું એરોબિક્સ’ કરાવવામાં આવે. તેમનો સંઘર્ષ જોઇને ઓડિયન્સમાં હાસ્યની છોળો ઊડે. બિચારાની હાલત બળતામાં ઘી હોમવા જેવી થઈ જાય. જોકે, બે મિનિટ પછી એ જ કાકા કે પપ્પા એવા જોશમાં આવી જાય કે જાણે હવે સંગીત સંધ્યાનો મેઈન શો એમનો જ છે!
માસાનો ડાન્સ હંમેશા હળવો અને થોડો ‘ફ્લર્ટી’ હોય પણ માસીની એન્ટ્રી ત્યાં જ થાય, જો માસાનો ડાન્સ ગમવા જેવો હોય. જો માસા સ્ટેજ પર વધારે ‘ઉત્સાહ’ બતાવે, તો માસી ડાન્સ કરવાને બદલે દૂરથી જ કડક નજર રાખે અને એમનો મેસેજ ક્લિયર હોય: ‘જો જો સ્ટેજ પર ધબડકો ના કરતાં, નહીં તો અહીંયા જ ઊભી રહીશ’ અને માસીનું કન્ફર્મેશન ન મળે ત્યાં સુધી માસાની હાલત અધૂરો ઘડો છલકાય જેવી રહે.
વર કે કન્યાના ખાસ મિત્રોનું પર્ફોર્મન્સ એકદમ ‘પ્રોફેશનલ’ હોય ફ્રેન્ડ્સ પહેલાં તો એકદમ ગંભીરતાથી ‘ગ્રૂપ પર્ફોર્મન્સ’ આપે, જેમાં બધાના સ્ટેપ્સ મેચ થાય પણ જેવો ડાન્સ પૂરો થાય, કે તરત જ એક મિત્ર માઈક લઈને ભૂતકાળની ‘કબૂલાત’ જાહેર કરે અને પછી સ્ટેજ પર 'સિંગલ’ ડાન્સમાં લાગી જાય. એમની આ ‘સફાઈગીરી’ જોઈને વર-કન્યા મનોમન કહે, ‘મારું માથું ન ખા, ડાન્સ કર અને નીચે આવ!’
કઝિન્સની ધમાલ વગર કોઈ ઈવેન્ટ પતે?! કઝિન્સ એટલે એ લોકો, જેમને કોઈ ગીત કે સ્ટેપની પરવા નથી એમનું ગ્રુપ નોન-સ્ટોપ, બેફિકર ડાન્સ માટે જ જાણીતું છે. સ્ટેજ ખાલી થયું નથી કે તરત જ પંદર-વીસ કઝિન્સનું ટોળું ચડી જાય એ લોકોનો ડાન્સ જોઈને એમ જ લાગે કે કાલે તો લગ્ન છે, પણ આજે જ આખી એનર્જી પૂરી કરી દેવી છે. એમને કોઈ રોકી શકતું નથી, કારણ કે એ બધા એક થાળીના ચટ્ટા-બટ્ટા છે.
સૌથી છેલ્લે અને સૌથી મહત્વપૂર્ણ, મમ્મીની બહેનપણીઓનું ગ્રૂપ... આ ગ્રૂપનો ડાન્સ એટલે શુદ્ધ ગુજરાતી હરખ. એમનું પરફોર્મન્સ શરૂ થતાં જ એક જણની કોમેન્ટ આવે, ‘અરે તારી મમ્મીને પૂછ, અમારું ગ્રૂપ ગરબામાં દર વર્ષે જીતતું હતું!’ પછી બધા ગરબા કે ફોક ગીત પર ધીમા-ધીમા સ્ટેપ્સ શરૂ કરે. થોડીવારમાં જ ભૂતકાળની ‘ગરબા ક્વીન’ યાદ આવી જાય અને તેઓ એટલા જોશમાં આવી જાય કે સ્ટેજ પરનો માઇક પણ હલવા લાગે. તેમનો હરખ એમના પરફોર્મન્સમાં છલકે, જે એકદમ સાચો અને પ્રેમથી ભરેલો હોય.
ખરેખર, સંગીત સંધ્યા માત્ર ડાન્સ ઈવેન્ટ નથી, પણ પરિવારના બધા સભ્યોને એકસાથે હસવાનો, ભૂતકાળને યાદ કરવાનો અને જીવનના બધા તણાવને ભૂલીને બોલે તેના બોર વેચાયના ન્યાયે પોતાનો કલાત્મક અવાજ રજૂ કરવાનો મંચ છે. બીજા દિવસે ભલે ગમેતેટલો થાક લાગે, પણ આ એક રાતની મજા આખા જીવનની યાદ બની જાય છે.


