સંઘ-કાર્યના તપસ્વી પ્રચારક ‘વકીલ સાહેબ’

(ઘટના દર્પણ)

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Tuesday 15th September 2026 11:01 EDT
 
 

તેઓ કાનૂની અભ્યાસ કરીને પદવી પણ મેળવી શક્યા હોત પણ સત્યાગ્રહનો સાદ થયો અને બધું છોડ્યું. ક્યારેય કાળો કોટ પહેરીને અદાલતમાં ગયા નહિ! તેનું કારણ પણ એટલું જ મહત્ત્વનું. રાષ્ટ્રજીવનમાં એક નિશ્ચિત વિચાર સાથેની - સમાજની વચ્ચે રહીને - વકીલાત કરવી હતી અને તે કામ કર્યું. જીવનના અંત સુધી!
ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં તેમની કાર્ય-યાત્રા અધિક રહી. તેમનું નામ લક્ષ્મણરાવ માધવરાવ ઇનામદાર. પણ જાણીતા તો ‘વકીલ સાહેબ’ તરીકે. જન્મસ્થળ મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું ખોબા જેવડું ખટાવ ગામ. જન્મ 21 સપ્ટેમ્બર, 1917. (તિથી પ્રમાણે ઋષિ પંચમી.) પિતાનો વિશાળ પરિવાર. લક્ષ્મણ મોટો થઇને વકીલ બને તેવી પિતા અને સૌની ઈચ્છા. એટલે કાનૂનનો અભ્યાસ કર્યો. દરમિયાન હૈદરાબાદ નિઝામના જુલમની સામે સત્યાગ્રહ થયો, તેમાં ભાગ લીધો. 1939નો એ ભાગ્યનગર (અત્યારે જેને હૈદરાબાદ તરીકે ઓળખવામાં આવે છે.) સત્યાગ્રહ ઐતિહાસિક રહ્યો.
આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા. સંઘમાં ગયેલા ઘણા બધા કહે છે કે ડોક્ટર હેડગેવારજીની કલ્પનાનો સંઘ એક પારસમણિ છે, તેમાં જતાં જ વ્યક્તિનું સંસ્કાર જીવન બદલાઈ જાય છે, એક ઉદાહરણ હજુ સુધી બહુ બહાર આવ્યું નથી. સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ વીર વિઠ્ઠલભાઈ નાગપુરમાં સંઘ-પર્વમાં ગયા હતા. વર્ધામાં ગાંધીજીનો પણ એવો પ્રસંગ રહ્યો. અને જયપ્રકાશ તો સંઘ વિષે અણગમો ધરાવતા, તે 1974માં સંઘ-ઉત્સવમાં ગયા. અને પછી જનસંઘના કાર્યક્રમમાં ખુલ્લી રીતે કહ્યું, ‘જો તમે ફાસીસ્ટ હો, તો હું પણ ફાસિસ્ટ છું’. તે સમયે ઈન્દિરાજી દરેક પ્રવચનમાં સંઘ અને જનસંઘને ફાસીસ્ટ કહેતા.
ખરેખર તો આ સંઘની ખુલ્લી શાખા, તેનું માળખું, તેની પદ્ધતિ, તેને માટે બધું છોડીને નીકળી પડેલા લોકો, તેમના ગીતો, પ્રવચનો (તેઓ તેને બૌદ્ધિક કહે છે) તેનો અંદાજ મેળવવા બધા પ્રકારના ચશ્મા - ડાબેરી, લિબરલ્સ, ઈસ્લામિક – ઉતારીને પ્રયાસ કરવો જોઈએ. વર્તમાન સરસંઘચાલક મોહન રાવ (બહુ ઓછા લોકોને ખબર હશે કે તેમના પિતા મધુકરરાવ) ભાગવતે ગુજરાતમાં સંગઠન-કાર્ય કર્યું હતું.
લક્ષ્મણરાવ અને ગુજરાતની વચ્ચે અલગ ઋણાનુબંધ રહ્યો. 1943માં નવસારી, 1952માં ગુજરાત, પ્રાંત પ્રચારક પછી ક્ષેત્ર પ્રચારક (મહારાષ્ટ્ર, નાગપુર, વિદર્ભ, ગુજરાત) એમ તેમના સંઘ-કાર્ય દરમિયાન વિવિધ ક્ષેત્રોના કસાયેલા નેતૃત્વનો ઉછેર કર્યો. નરેન્દ્ર મોદી તેમાંના એક. 1966માં રાજકોટના ધારાસભ્ય ચીમનભાઈ શુક્લને મળવા એક બ્રિટિશ પત્રકાર આવ્યો. તેને અન્ય પક્ષોથી અલગ વિશેષતા ધરાવતા જનસંઘ વિષે જાણવા ઉત્સુકતા હતી. ચીમનભાઈએ તેને કહ્યું કે એકલો જનસંઘ નહિ, વિવિધ ક્ષેત્રોમાં જે નેતૃત્વ નિર્માણ થઈ રહ્યું છે ગુજરાતમાં, તેમને જાણવા હોય તો અમદાવાદના મણિનગર વિસ્તારના એક કાર્યાલયમાં જાઓ ત્યાં એક નાનકડા ઓરડામાં લક્ષ્મણરાવ ઇનામદાર રહે છે, અમે તેમને ‘વકીલ સાહેબ’ના નામે ઓળખીએ છીએ, તેમને મળો તો આપોઆપ સમજાઈ જશે! પછી પોતાની શૈલીમાં કહે, ‘તેઓ જ્યાં રહે છે તે સંઘ કાર્યાલય છે, તે રસ્તા પર એક ઢોર બજાર પણ છે. સંઘનું કામ માણસ ઘડતરનું છે!’
ગુજરાતમાં એ સમયે પ્રસિદ્ધિથી નિરપેક્ષ મહાનુભાવો સંઘથી વધુ પ્રેરિત હતાં તેના માટેની જહેમત પણ એવી જ. રાજાભાઈ નેને (પછીથી તેમને મરાઠી સાપ્તાહિક ‘વિવેક’ના તંત્રી તરીકેની જવાબદારી સોંપાઇ), મધુકર રાવ ભાગવત (તેમના પુત્ર વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવત), અનંતરાવ કાલે, કેશવરાવ દેશમુખ, વસંતરાવ ગજેન્દ્ર ગડકર, ડો. વિશ્વનાથ વણીકર, કાશીનાથ બાગવડે, નાથાલાલ ઝગડા, બચુભાઈ ભગત, વસંતરાવ ચિપલૂણકર... આમાંના ઘણાને તો આજની પેઢી નામથી પણ ઓળખતી નહિ હોય - ખરા અર્થમાં તેઓ પાયાના પત્થર હતા.
ગુજરાતમાં દુષ્કાળ, મચ્છુ હોનારત, કચ્છ સત્યાગ્રહ, દિલ્હી સુધીની કચ્છ કરારના વિરોધમાં થયેલું આંદોલન, ગૌહત્યા વિરોધી દેખાવો, કચ્છ ભૂકંપ પહેલાંનો અને હમણાંનો, યુવા આંદોલનો, આ બધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સક્રિય રહેનારાઓની પ્રેરણાનો ઇતિહાસ લખાવવો બાકી છે.
હવે થોડી પરિસ્થિતિ બદલાઈ છે, પણ એક સમય પ્રસિદ્ધિથી અલગ રહીને કામ કરવાનો હતો. 1974 માં મકરંદ દેસાઇ પોતાની ટેકનોક્રેટ કારકિર્દીથી રાજનીતિમાં આવ્યા ત્યારે વકીલ સાહેબ વિષે એકવાર કહ્યું, ‘તેમને જોઈને જ મારી આરએસએસ વિષેની ધારણા બદલાઈ ગઈ હતી.’ જોકે અઘરું હતું, સંઘ વિષે સામાન્ય માણસ સુધી પહોંચવાનું. 1968માં ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું ત્યારે એક સ્મરણિકા પ્રકાશિત થઈ હતી. તેમાં એક લેખ એવો હતો કે આર.એસ.એસ.ના વડા ડોક્ટર હેડગેવારે જર્મની જઈને ફાસીવાદની તાલીમ લઈ આવ્યા પછી આર.એસ.એસ.ની સ્થાપના કરી હતી! કશું વાંચ્યા, જાણ્યા વિના તદ્દન ગલત અને કાલ્પનિક વાર્તાઓને ઇતિહાસમાં બદલાવવાનો હેતુ હજુ પણ દેખાય છે, ત્યારે પણ હતો.
થોડાં વર્ષો પછી 1975માં કટોકટી અને સેન્સરશીપ લાદવામાં આવ્યા ત્યારે ગુજરાતમાં મિસા અટકાયતી ધારા હેઠળ લગભગ 500 જેટલાને જેલવાસી બનાવવામાં આવ્યા તેમાં સંઘ, જનસંઘ, સંસ્થા કોંગ્રેસ, ભારતીય લોકદળ, વિદ્યાર્થી પરિષદ, સી.પી.એમ., સર્વોદય કાર્યકર્તાઓ વગેરે સામેલ હતાં. યોગાનુયોગ તેમાં રામલાલ પરીખ પણ હતાં, જેમણે પેલી ભાવનગર કોંગ્રેસ સ્મરણિકાનું સંપાદન કર્યું હતું. એક પત્રકાર તરીકે મારે પણ ભાવનગર અને પછી વડોદરા જેલનો અનુભવ લેવાનું બન્યું.
રામલાલભાઈ ‘આગામી દિવસોમાં અભિયાનની વ્યૂહરચના’ પર બધાના અભ્યાસપત્રો બનાવવાની સમિતિની જવાબદારી સંભાળતા હતાં. એ નિમિત્તે અમારો સંપર્ક વધુ રહ્યો. એકવાર વાતચીત દરમિયાન મેં કોંગ્રેસ સ્મરણિકાનો મુદ્દો કહ્યો. કેટલાક સંદર્ભો પણ આપ્યા. ત્યારે આ નિખાલસ કેળવણીકારે સ્વીકાર્યું કે અભ્યાસ કર્યા વિના જ સુભદ્રા જોશી-ગોયેલની પુસ્તિકા પરથી તે લેખ મૂક્યો હતો.
વકીલ સાહેબ ઘણીવાર કહેતા કે શબ્દ કરતાં કૃતિનું મૂલ્ય અધિક હોય છે, પણ તેની સાથે ઉમેરતા કે અપપ્રચારની આંધીની સામે સજ્જ તો રહેવું જ પડે. અન્યથા સાચી વાત પણ વિસરાઈ જય છે. જર્મન મંત્રી ગોબેલ્સનું જાણીતું વાક્ય છે કે એક જૂઠ એકસો વાર બોલો એટલે લોકો તેને સાચું માણી લે છે. ડાબેરી ઇતિહાસકારોએ ભારતીય ઇતિહાસમાં સંસ્કૃતિને વખોડવાનું આ કામ કર્યું છે. 40થી વધુ વર્ષ એક નાનકડા ઓરડામાં નિવાસ કરીને ગુજરાતનાં તમામ સ્થાનો સુધી અવિરત પ્રવાસ કરીને, શિબિર, બેઠક, વ્યક્તિગત સંપર્ક અને મેદનોમાં યોજાતી શાખાઓમાં વકીલ સાહેબને સાંભળ્યાનું, માર્ગદર્શન મેળવવાનું ઘણા બધાએ અનુભવ્યું હશે. કટોકટી અને સેન્સરશીપની સામે ‘સાધના’ એ ચૂપ રહેવું જોઈએ અને ચીલાચાલુ ઢબથી ચાલુ રાખવું જોઈએ કે પછી પ્રતરોધપૂર્વક પ્રકાશન થવું જોઈએ તે વિષે ટ્રસ્ટીઓની બેઠકમાં વિચારો રજૂ થયા. તંત્રી તરીકે મારો અભિપ્રાય એવો રહ્યો કે આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાને જાળવીને આગળ વધવું જોઈએ. સ્વાતંત્ર્યવાદી ધારાશાસ્ત્રી સી.ટી. દરુએ પણ મને આવું જ કહ્યું હતું. (જોકે પછીથી તેમને પણ પકડવામાં આવ્યા.) છેવટે નિર્ણય તો લેવાયો પણ પછી કાર્યાલયમાં એકલો બોલાવીને, ખભા પર હાથ મૂકીને મને કહ્યું, ‘જેલના અનુભવો મારા ઘણા છે. અત્યાર સુધીના નવ વર્ષોમાં તમે ‘સાધના’ને પ્રભાવી બનાવ્યું છે. તમારે માટે આ પહેલી લડાઈ છે. ગમે તે થઈ શકે.’ પહેલીવાર આ અત્યંત દૃઢ વ્યક્તિની આંખોમાં ભીનાશ જોઈ. પરિવારના એક વડીલ તરીકેની એ માનસિકતા હતી. પછીનો ઇતિહાસ જાણીતો છે. અને તેનો સંતોષ તેમને હતો. તેમના જીવનમાં આવી અનેક ઘટનાઓ હતી.
પૂણેની ડો. મૂળેની હોસ્પિટલમાં કેન્સરના ઓપરેશન પછી રાજકોટમાં શિબિર સમક્ષ ક્ષીણ અવાજમાં ઉદદબોધન કર્યું તે આ અનાશ્રમી વ્યક્તિત્વની અંતિમ વિદાયનો સંકેત હતો. 1985માં તેમનું અવસાન થયું ત્યારે એક લેખનું શીર્ષક મેં આપ્યું હતું: ‘તપ રહ્યું, તપસ્વી ગયા...’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter