રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ નાગપુરમાં ડો. કેશવ બલિરામ હેડગેવારના નિવાસ ‘શુક્રવાડી’ની એક બેઠકમાં થયો તે દિવસ વિક્રમ સંવત 1982ની વિજયાદશમીનો હતો. પછી મોહિતેના વાડામાં દૈનિક શાખા શરૂ થઈ. ડો. હેડગેવારને બાકી સંઘચાલકોએ સરસંઘચાલક બનાવ્યા. 1928માં પહેલો શિબિર થયો, પથસંચલન થયું. ભગવા ધ્વજની ગુરુ તરીકેની વંદના થઈ, ગુરુદક્ષિણાની શરૂઆત થઈ. 84 રૂપિયાની તે પ્રથમ ગુરુદક્ષિણા હતી! મોહિત વાડાની શાખામાં વીર વિઠ્ઠલભાઈ (સરદાર વલ્લભભાઇના મોટા ભાઈ) પણ આવ્યા હતા.
1930માં ગાંધીજીનો દાંડી સત્યાગ્રહ થયો, વિદર્ભમાં તો કોઈ સમુદ્ર નહોતો, એટલે કોંગ્રેસે જંગલ સત્યાગ્રહની ઘોષણા કરી. ડોક્ટર હેડગેવારે સરસંઘચાલક પદેથી રાજીનામું આપ્યું કારણ કે સંઘ એક સંગઠન તરીકે અન્ય પ્રવૃત્તિમાં સામેલ ના થાય તેવો નિયમ બનાવવામાં આવ્યો હતો. હેડગેવાર તો વિદર્ભ કોંગ્રેસના ખ્યાત આગેવાન હતા, ક્રાંતિકારોના સંપર્કમાં નિરંતર રહ્યા હતા, એટલે વ્યક્તિગત રીતે સત્યાગ્રહમાં ભાગ લીધો, જેલ ગયા. તે સમયે ડો. એલ.વી. પરાંજપેને સરસંઘચાલક નિયુક્ત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જે સરસંઘચાલક થયા તેમાં શ્રી માધવ સદાશિવરાવ ગોલવલકર, બાળાસાહેબ દેવરસ, પ્રા. રાજેન્દ્રસિંહ (રજ્જુ ભૈયા), કે. સુદર્શન અને અત્યારે મોહનરાવ ભાગવત.
આ પદની કોઈ ચૂંટણી હોતી નથી. પૂર્વ સરસંઘચાલક બધાની સાથે વિમર્શ કરીને અનુગામી સરસંઘચાલકની પસંદગી કરે છે. સરસંઘચાલકની ભૂમિકા ‘મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક’ની રહે છે. સંઘના વિચાર, સંગઠન, અન્ય દેશોના આક્રમણ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અને સંઘ પરના પ્રતિબંધો દરમિયાન તેમનું માર્ગદર્શન રહે છે.
સંઘને સમજવા માટે તેનું માળખું કેવું છે તેની સમજ હોવી જોઈએ. એવું નથી હોતું ત્યારે સંઘને ‘ફાસીસ્ટ’ કહેવાય છે, ‘ભેદી અને ગુપ્ત’ ગણવામાં આવે છે, ‘કોમી રમખાણો માટે કામ કરે છે’ તેવી ટીકા કરવામાં આવી છે. તેના મુખ્ય કારણોમાં સંઘનું હિન્દુ વિશેનું સ્પષ્ટ વલણ, લઘુમતીના તુષ્ટિકરણનો વિરોધ, સંગઠનનો વિસ્તાર વગેરે છે.
1947માં ગાંધીજીની હત્યા થઈ તો તેમાં સંઘને સંડોવવામાં તો આવ્યો, પણ અદાલતે નિર્દોષ જાહેર કર્યો. ભારતના ભાગલાનો તે સમય હતો. હિન્દુ અને મુસ્લિમ એકબીજાની સામે થયા, તેનું કારણ મુસ્લિમ લીગની માગણી અને તેને માટે ‘ડાયરેક્ટ એક્શન’માં બંગાળમાં હિન્દુઓનો હત્યાકાંડ, ભાગલા દરમિયાન પાકિસ્તાનથી મોટા પાયે હિજરત અને હત્યા, બળાત્કાર, લૂંટફાટની ઘટનાઓ મુખ્ય હતાં. નિવૃત્ત ન્યાયમૂર્તિ જી.ડી. ખોસલા આયોગનો અહેવાલ તેના માટે આધિકારિક દસ્તાવેજ છે.
સ્વાભાવિક રીતે હિન્દુ-કેન્દ્રી સંઘે શરણાર્થીઓને સલામત રાખવા મદદ કરી. કોંગ્રેસ અને ગાંધીજીના વલણ સામે રોષ પેદા થયો. તેમાં ગાંધીજીની હત્યા થઈ. સાવરકર અને સંઘ બંને તેમાં દોષમુક્ત તો થયા પણ સંઘ પરનો પ્રતિબંધ મોટી સમસ્યા હતી. સર સંઘચાલક શ્રી ગુરુજીને 2 ફેબ્રુઆરી 1947ના પકડવામાં આવ્યા. 4 ફેબ્રુઆરીએ સરકારે સંઘ પર પ્રતિબંધ જાહેર કર્યો. સરદાર પટેલે ગાંધીહત્યા પછી તપાસ ટુકડીને કામ સોંપ્યું, પોલીસ ઓફિસર સંજીવી તેના પ્રમુખ હતા. 17 દિવસની તપાસ પછી તેનો અહેવાલ આવ્યો. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ગાંધીજીની હત્યામાં સંઘનો કોઈ હાથ નથી. આ અહેવાલ સાથે સરદારે 27 ફેબ્રુઆરી 1948ના વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો. સરદાર સ્પષ્ટ માનતા હતા કે સંઘે કોંગ્રેસમાં સામેલ થઈ જવું જોઈએ.
13 ઓક્ટોબર 1948ના રોજ ગુરુજી મુક્તિ પછી સરદાર, એન.વી. ગાડગીલ, પુરુષોત્તમ દાસ ટંડન, શ્યામપ્રસાદ મુખર્જી, બાબાસાહેબ આંબેડકરને પણ મળ્યા. એ તો દેખીતું હતું કે કોંગ્રેસમાં પણ સંઘ પ્રત્યેના કઠોર અને આક્ષેપાત્મક વલણનો વિરોધ કરનારો એક વર્ગ હતો. એકનાથ રાનડે એ દિવસોમાં સરદાર અને અન્ય નેતાઓના સંપર્કમાં હતા. એન્ડરસન અને દામલેના પુસ્તકમાં આની વિગતો છે કે સરદાર કોંગ્રેસમાં સંઘને સામેલ કરવા માગતા હતા.
આ દરમિયાન સંઘના કાર્યકર્તાઓનો મોટી સંખ્યામાં સત્યાગ્રહ પણ થયો. એ સમયની આકરી કસોટીથી મંથન શરૂ થયું, અને કે.આર. મલકાણી, પ્રભુદત્ત બ્રહ્મચારી, શ્યામાપ્રાસાદ મુખર્જી, વસંતરાવ ઓક વગેરેએ તેવો પ્રયાસ કર્યો. દલીલ એવી હતી કે સંઘના સત્યનું સમર્થન કરવા સંસદીય પદ્ધતિમાં કોઈ શક્તિશાળી પક્ષ હોવો જોઈએ. આ વિચારમંથન પછી ડો. શ્યામપ્રસાદ મુખરજીએ પહેલ કરી. પંડિત દીનદયાલ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ, મનોહરરાવ મોઘે, ઠાકુર પ્રસાદ સિંહ, ડો. ભાઈ મહાવીર વગેરે સંઘથી જનસંઘમાં સક્રિય થયા. ડો. મુખરજીએ કહ્યું હતું કે જો મને બીજા બે દીનદયાલ મળી જાય તો ભારતીય રાજનીતિનો નક્શો બદલી નાખું. જનસંઘ અને પછી ભારતીય જનસંઘને ‘એકાત્મ માનવદર્શન’ જેવાં ચિંતનની નિર્ણાયક ભેટ સંઘ-પ્રચારક ઉપાધ્યાયે આપી.
સ્વાભાવિક રીતે ભારતીય રાજકારણમાં સમાજવાદ ખાલી નામનો રહ્યો હતો. ડો. લોહિયાએ દુઃખી થઈને કહ્યું હતું કે સમાજવાદી ઘોડાને ઊભો કરવા તો મથી રહ્યો છું, પણ શું તે મરેલો ઘોડો તો નથીને? જયપ્રકાશ (જેપી) જેવાં પણ અંતિમ સમયે પહેલાં ભૂદાન અને પછી સંપૂર્ણ ક્રાંતિ તરફ વળી ગયા, અચ્યુત પટવર્ધન કૃષ્ણમૂર્તિ તરફ વળી ગયા. જેપીએ તો 1975માં જનસભામાં કહ્યું કે જો જનસંઘ ફાસીસ્ટ છે તો હું પણ ફાસીસ્ટ છું.. બિહારમાં સંઘ શિબિરમાં તેમણે કહ્યું કે સંઘે જાગૃતિનું મોટું કામ ના કર્યું હોત તો આ આંદોલન સફળ થયું ના હોત.
ફિલ્ડમાર્શલ જનરલ માણેકશા, જનરલ કરિઅપ્પા, રાજાજી, આંબેડકર, દાદા કૃપલાણી, ડો. શ્યામપ્રસાદ મુખર્જી, પ્રણવ મુખર્જી, એન.વી. ગાડગીલ, જ્યોર્જ ફર્નાડીઝ, પાલખીવાલા, મોરારજી દેસાઇ વગેરે અનેકોએ સંઘને બિરદાવ્યો. ગાંધીજી વર્ધાના શિબિરમાં ગયા. જવાહરલાલે 26 જાન્યુઆરીની સ્વતંત્રતા પરેડમાં સંઘને સામેલ કર્યો, લાલબહાદુર શાસ્ત્રીએ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સરસંઘચાલકની સાથે વિમર્શ કર્યો.
સંઘનું શક્તિકેન્દ્ર છે સ્વયંસેવક. તેની પ્રાર્થના છે, ધ્વજ વંદના છે, બૌદ્ધિક બેઠકો છે, પ્રતિજ્ઞા છે, પ્રાથમિક, પ્રથમ, દ્વિતીય, તૃતીય શિક્ષણ વર્ગો છે. કાર્યવાહ, મુખ્ય શિક્ષક, ગણ શિક્ષક, ગટ નાયક છે. સંઘનું અખિલ ભારતીય કાર્યકારી મંડળ, જુદા જુદા કાર્યવિભાગ (જેમ કે, શારીરિક, બૌદ્ધિક, વ્યવસ્થા, પ્રચાર વગેરે), કાર્યકારી મંડળ, અખિલ ભારતીય પ્રતિનિધિ સભા વગેરે વ્યવસ્થિત માળખું છે. વિદેશોમાં પણ સંઘ અને શાખાઓ છે. એકસો વર્ષે તેની પાસે આગામી વર્ષોનો એજન્ડા પણ છે.