સત્યરૂપ પરમાત્માના દર્શન માટે સંતોના ચરિત્રો વાંચવા જોઈએ

મારી નજરે

- દેવી પારેખ, એજવેર Wednesday 13th May 2026 06:57 EDT
 
 

ભગવાન કહે છે કે હું મારા ભક્તોની પાછળ પાછળ ચાલું છું. જેથી ભક્તોની ચરણરજ ઊડીને મારા મસ્તક પર પડે! ભક્તોની એટલે કે સંતોની ચરણરજની ભગવાન પણ સ્પૃહા (ઈચ્છા) રાખે છે, તો એ સંતોના સત્સંગની અને વાણીની સ્પૃહા માનવી કરે તેમાં કંઈ આશ્ચર્ય નથી.
પરમાત્મા એક માત્ર સત્ય છે. જે સદા સર્વરૂપે સર્વત્ર છે, તેને જ સત્ય કહે છે, તેથી સત્ય એ જ પરમાત્મા અને પરમાત્મા એ જ સત્ય. સંતો એ સત્યના આંખે દેખાય એવા પ્રત્યક્ષ સ્વરૂપો છે. તેથી ગાંધીજી કહેતા કે સત્યરૂપ પરમાત્માના દર્શન માટે સંતોના ચરિત્રો વાંચવા જોઈએ. તે વાંચીને આપણને જીવન કેમ જીવવું અને સાચી સમજ મળે છે. એ દ્રષ્ટિ અને ભાવના પણ પ્રભુની દીધેલ છે. કૃષ્ણસ્તુ બુદ્ધિ પ્રેરકઃ બુદ્ધિનો માલિક કૃષ્ણ છે.
કંઈ કેટલાય સંતોની પ્રાસાદિક વાણી પ્રગટ થઈ છે - કાવ્યસ્વરૂપે. એમાં કબીર હોય કે દાદુ, અવ્વઇયાર હોય કે અખો, જયદેવ વિદ્યાપતિ હોય કે રવિન્દ્રનાથ, તુકારામ હોય કે નરસિંહ, મીરા - જ્ઞાનભક્તિની અક્ષુણ્ણ વહેતી ધારા એમના દ્વારા આપણને મળી છે. એમાં પૂરક છે કાશ્મીરની સિદ્ધિ યોગિની કવયિત્રી લલ્લેશ્વરીની (વાક્) વાણી. એની આકરી સાધનાની, કુંડલિની યોગની કડીબદ્ધ ગાથા એમાં આલેખાઈ છે. પ્રારંભમાં એ ગાય છે કે -
હું કયા દેશથી આવી, ને કયો માર્ગ લઈને?
જાવું મ્હારે કહીં, કેવી રીતે જાણીશ પંથને?
આખરે માર્ગ જે સાચો, ચીંધે કોઈ મ્હને,
મારા ખાલી નિસાસામાં કોઈ શક્તિ નથી નથી નથી...
આપણા સમકાલિક દાદા ભગવાન, પ્રમુખસ્વામી અને જે. કૃષ્ણમૂર્તિ આવા ઘણાં જ સંતોને આપણે સાંભળ્યા અને દર્શન પણ કર્યાં છે. આ બે અંતિમોની સાથે અને વચ્ચે ભારતના ચારે ધામના - ઉત્તર – દક્ષિણ – પૂર્વ – પશ્ચિમ સંતો સાથેના સમાગમની વિશ્રબ્ધ (વિશ્વાસુ) અદભૂત કથાઓ આપણને એમની પાસેથી મળે છે.
આ સંતોની વાણીથી અને તેમના વાંચન દ્વારા આપણને ખરેખર રોજની અત્યારની સામાજિક – રાજકીય પરિસ્થિતિમાંથી કે અનેક વિટંબણાઓથી શાંતિ મળે છે. મારી પોતાની આ ટેવ છે કે રોજ રાત્રિના અને દિવસમાં કંઈક આધ્યાત્મિક વાંચન કરું જ છું અને મને તેનાથી ઘણી જ પ્રેરણા મળે છે અને જ્યારે એકલાપણાનો વસવસો થાય ત્યારે આવા વાંચનથી એક દિશા પણ મળે છે અને દિલને આશ્વાસન પણ મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter