પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો બ્લુ બીચ, પ્રાગૈતિહાસિક ગિરનારનો રોપ-વે અને ગિરિવરની નિશ્રામાં ડાલામથ્થા સાવજની ગર્જના, ભાવનગર - સુરતને દરિયાઇ માર્ગે જોડતી રો-રો ફેરી અને મરીન નેશનલ પાર્ક, વેળાવદરનું કાળિયાર અભ્યારણ્ય અને નાના રણમાં દોડતા ઘુડખર પણ અહીં જ... ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, નરેન્દ્ર મોદીનું ગુજરાત... ગુજરાત તો એક જ છે, પણ તેની ઓળખ આપી શકાય તેવું ઘણું અઢળક છે.
સદાકાળ અગ્રેસર એવું ગુજરાત પહેલી મેના રોજ 65મો સ્થાપના દિન ઉજવશે. 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ રાજ્ય થયાં હતાં. વર્ષ 1956નાં ઓગસ્ટ મહિનાથી મહાગુજરાત આંદોલન ચાલતું હતું. જેમાં અમદાવાદ શહેરમાં વિવિધ ચળવળો અને આંદોલનમાં 24 યુવાનોએ શહીદી વહોરવી પડી હતી. આ આંદોલનનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. ઇન્દુચાચાની આગેવાનીએ આ આંદોલનને સફળ બનાવ્યું અને રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન થયું. ગુજરાતને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગ અને મુખ્યમંત્રીરૂપે ડો. જીવરાજ મહેતા મળ્યા.
સિંધુ ખીણથી લઇને વર્લ્ડ હેરિટેજ સિટી સુધીની સફર
ગુજરાતની પ્રજાએ અને ગુજરાતની ધરતીએ છેક સિંધુખીણ સંસ્કૃતિથી આજે દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી (અમદાવાદ) મેળવવાનાં ગૌરવ સાથે અનેક પરંપરાને પોતાનામાં સમાવી લઇને તેને ઉછેરી છે અને તેને પોષી છે. સિંધુખીણની સંસ્કૃતિમાં ગુજરાત એક અતિ મહત્વનું બંદર ધરાવતો પ્રદેશ હતો. આ એક એવું રાજ્ય છે, જ્યાં સિંધુખીણના પુરાવાથી લઇને ગાંધીવિચાર પ્રેરિત સાદગીભર્યા આશ્રમો, લૂઈ કાન, લી કર્બૂઝિયર કે બાલકૃષ્ણ દોશી સુધીના સ્થપતિઓના ઉત્તમ સ્થાપત્યો હોય કે પછી સોલંકી કાળ, મરાઠા સામ્રાજ્ય, મુઘલ શાસન, બૌદ્ધ શિલાલેખો, અહિંસા સાથે સૌંદર્યનો પાઠ ભણાવતા જૈન મંદિરો સહિત દરેક પરંપરા અને સંસ્કૃતિ ગુજરાતમાં વિસ્તરી અને વિકસી છે.
ગુજરાતમાં કિલ્લાઓ, મહેલો, હવેલીઓ, ખાસ કરીને વાવ સહિતના સ્થાપત્યનો ખજાનો છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં આ 65 વર્ષમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રે વિકાસની લાંબી હરણફાળ ભરી છે. વિનાશક ધરતીકંપ હોય, પ્રચંડ વાવાઝોડું હોય, ચોમેર તબાહી વેરનાર પૂર હોય કે પછી કોરોના જેવી મહામારી, દરેક પ્રકારના પડકારો વચ્ચે ખમીરવંતુ ગુજરાત હંમેશા પ્રગતિના પંથે રહ્યું છે. ધરતીકંપ અને કોરોનાની આફતમાંથી ગુજરાત અપ્રતિમ તાકાત સાથે બેઠું થયું છે, તેમાં ગુજરાતના શ્રેષ્ઠીઓ કે ઉદ્યોગપતિઓ સાથે ગુજરાતી પ્રજાની ભૂમિકા પણ અગત્યની રહી છે. સાથે જ રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટચર અને ટુરિઝમ ક્ષેત્રે સતત નવા આયામો સર થતાં રહ્યાં છે.
ગુજરાતમાં શ્વેતક્રાંતિનો ફાળો
ગુજરાતના હૃદયસમાન ખેડા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે અમુલ ડેરી. આમ તો આ સંઘની શરૂઆત ડિસેમેબર 1946માં થયેલી. 1950માં ડો. વર્ગિસ કુરિયન અમુલ સાથે જોડાયા. ત્યારથી ‘અમુલ’ સતત સફળતાના શિખરો સર કરતી રહી. આજે વિશ્વભરના ડેરી ક્ષેત્રના અભ્યાસુઓ ‘અમુલ’નો અભ્યાસ કરવા માટે આવે છે. તેમાંથી પ્રેરણા લઇને મહેસાણાની દૂધસાગર, બનાસકાંઠાની બનાસ, સાબરકાંઠાની સાબર, સુરતની સુમુલ, પંચમહાલની પંચામૃત, રાજકોટની ગોપાલ, કચ્છની સરહદી ડેરી જેવા સહકારી મંડળીઓ કાર્યરત છે. આ સાથે જ પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભરુચ અને ગાંધીનગરમાં સહકારી દૂધ ઉત્પાદનની પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે. આજે ‘અમુલ’ સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે.
આધુનિક અને આત્મનિર્ભર ગુજરાત
બીઆરટીએસ (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) કોરિડોરથી શરૂઆત કરીને ગુજરાત છેલ્લા બે દશકમાં ઔદ્યોગિક, માળખાકીય, તેમજ સામાજિક સેવા ક્ષેત્રે વિશ્વસ્તરે મૂડી રોકાણની ઉત્તમ તક પૂરી પાડતું રાજ્ય બની ગયું છે. આત્મનિર્ભર ભારતનું આત્મનિર્ભર ગુજરાત બનવા માટે 15 ટકા વૃદ્ધિદર અને 3 ટકા જેવા નીચા બેરોજગારી દર સાથે લાંબી છલાંગ ભરી રહ્યું છે.
ગુજરાતે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અગ્રેસર રહીને ઇન્ડસ્ટ્રીઅલ અને ઇલેક્ટ્રિકલ મશીનરી, ઓટોમોટીવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક્સ અને ફાર્માસ્યુટીકલ્સ, એમએસએમઈ સહિત અનેક ક્ષેત્રમાં અકલ્પનીય પ્રગતિ કરી છે. વીજળી ક્ષેત્રે સરપ્લસ તેમજ રિન્યુએબલ એનર્જી (બિનપરંપરાગત ઊર્જા) ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે.
ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રને ગતિ આપવા માટે ધોલેરા ‘સર’ (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજયન) અને ‘સેઝ’ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) જેવા ક્ષેત્રોમાં આવી રહેલું વિદેશી મૂડીરોકાણ, હાઇવે, રેલવે અને હવાઇ માર્ગ ઉપરાંત જળ માર્ગ પર નવા પોર્ટ પણ વિકસિત થઈ રહ્યા છે. ધોલેરાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાયલ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા તબક્કાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા તબક્કામાં અમદાવાદ શહેરમાં દોડતી થયેલી મેટ્રો ટ્રેન હવે બીજા તબક્કામાં ગાંધીનગર સુધી દોડતી થઇ ગઇ છે. લોકો ઉત્સાહપૂર્વક મેટ્રો રેલની મજા માણી રહ્યા છે. અમદાવાદથી મુંબઈ વચ્ચેનાં 508 કિમી લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટ્રાયલ પણ શરૂ થઈ ચૂકી છે. તો ભાવનગર - સુરતને જોડતો રો-રો ફેરી પ્રોજેક્ટ ગુજરાતમાં વિકાસનો નવો રાજમાર્ગ કંડારી રહ્યો છે.
ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકિનારાનો લાભ લેવા માટે સરકારે નવી બંદર નીતિ લાગુ કરીને બંદરના ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી તાલીમથી સજ્જ નિષ્ણાત યુવાનો તૈયાર કરવા મરિન યુનિવર્સિટીની સ્થાપના કરી છે. બંદર નીતિ અંતર્ગત કાર્ગો હેન્ડલિંગમાં વિશેષ છૂટ જાહેર કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં હેલિકોપ્ટર જોય રાઇડ તેમજ રીવર ક્રૂઝ જેવી સુવિધાઓ પણ ગુજરાતીઓમાં મોટું આકર્ષણ જમાવવામાં સફળ રહ્યા છે.
‘ખુશ્બુ ગુજરાત કી’થી સ્ટેચ્યુ ઓફ યુનિટી
મંદ ગતિએ ચાલતાં પ્રવાસન ઉદ્યોગને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ચમકાવતા ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઇનથી નવી ઊર્જા મળી ગઈ હતી. ‘કુછ દિન તો ગુજારોં ગુજરાત મેં...’ વાક્ય ઘર ઘરમાં લોકપ્રિય બની ગયું હતું. આજે ગુજરાત દેશમાં સૌથી વધુ ટુરીઝમ ઉદ્યોગ ધરાવતા રાજ્યમાં ટોપ 5માં સ્થાન ધરાવે છે. તેમાં વિશ્વમાં સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફાળો સૌથી મોટો છે. આ ઉપરાંત ગુજરાતનો બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર, બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ જીતેલું કચ્છનું ધોરડો મહત્વનું સ્થાન ધરાવે છે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલી ગાંધી સર્કિટ, બૌદ્ધ સર્કિટ, વાઇબ્રન્ટ ગુજરાતના વિવિધ મહોત્સવો મોટો ભાગ ભજવે છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતના જાણીતા યાત્રાધામોની પણ કાયાપલટ કરવામાં આવી છે, સાથે જ નવીનીકરણ હેઠળ રહેલો વિશ્વવિખ્યાત ગાંધી આશ્રમ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું એક કેન્દ્ર બનશે.
સ્માર્ટ એજ્યુકેશનથી સ્માર્ટ બની રહેલું ગુજરાત
વિક્રમ સારાભાઈએ ગુજરાતને આઈઆઈએમ (ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ), અટીરા (અમાદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન) અને પીઆરએલ (ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી) આપીને આ સફરની શરૂઆત કરી હતી. છેલ્લા એક દાયકામાં શિક્ષણ ક્ષેત્રે પણ અનેક સફળ પ્રયોગો થયા છે, જેમાં સ્માર્ટ સરકારી શાળાઓ, ફોરેન્સિક યુનિવર્સિટી, મેરીટાઇમ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટીઓ સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી જેવી શિક્ષણ ક્ષેત્રની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વિવિધ વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે સાતત્યપૂર્ણ પ્રયત્નો કરવામાં આવે છે.