સદ્ગુણરૂપી સૌરભનો મઘમઘાટ

પ્રમુખ પ્રભા

સાધુ કૌશલમૂર્તીદાસ, બીએપીએસ Tuesday 02nd May 2023 16:35 EDT
 
 

પુષ્પ જ્યારે સોળે કળાએ ખીલી ઉઠે ત્યારે પતંગિયા અને ભમરાઓને આમંત્રણ આપવા જવું નથી પડતું. પુષ્પની સૌરભમાં જ એવો જાદુ છે કે તે પતંગિયાઓને ખેંચાવા મજબૂર કરી દે છે.

પુષ્પની જેમ જ મહાપુરુષોનું જીવન પણ સદ્ગુણરૂપી સૌરભથી મઘમઘતું હોય છે, આથી જ તેઓનું સાંનિધ્ય સેવનાર સૌ કોઈ સુવાસ અને આહ્લદકતાથી તરબતર થઈ જાય છે.
પુષ્પની બીજી એક વિશેષતા છે - સુંઘનાર હોય કે રગદોળનાર, પુષ્પ તો બંનેને સુવાસિત કરી દે છે. તેવી જ રીતે મહાપુરુષો પણ પોતાના પર ઉપકાર કરનાર કે અપકાર કરનાર બંનેનો બદલો ઉપકારથી જ વાળે છે.
આવા જ એક મહાપુરુષ હતા સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા. તેમને વગર વાંકે પોતાના જીવનના શ્રેષ્ઠ 27 વર્ષ જેલમાં વીતાવવા પડ્યા. ધોમધખતા તાપમાં ચૂનાના પથ્થરોની ખાણો વચ્ચે મજૂરી કરવી પડી. ઝેરી હવાથી ક્ષયની બીમારી ભોગવી, ભયંકર અપમાનો અને અન્યાયો સહન કરવાના થયા.
તેમ છતાં જેલમાંથી બહાર નીકળ્યા પછી, જ્યારે દેશની સર્વશ્રેષ્ઠ સત્તા તેમના હાથમાં આવી, ત્યારે પણ તેમણે પોતાને જેલમાં પૂરનાર કે અપમાન કરનાર વ્યક્તિઓનો બદલો ન લીધો. ઉલટાનું તેમને માફી આપી અને પ્રમાણિકપણે દેશની સેવા કરવાની તક આપી.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે એ અત્યાચારીઓને માફ કેમ કર્યા? ત્યારે તેમણે જણાવ્યું કે ‘હું જયારે જેલમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે મેં વિચાર્યું કે જો હું કડવાશ અને દ્વેષને પાછળ ન છોડું તો હું જેલમાં જ રહીશ.’
અહીં સૌરભ અનુભવાય છે ક્ષમાભાવનાની. તેમની આ સદ્ગુણરૂપી સુવાસને લીધે આજે કરોડો લોકો તેમને અનોખા પ્રેમ અને આદરથી જુએ છે.
જેમ પુષ્પની સૌરભ બધાને આનંદ આપે છે, તેમ મહાનપુરુષો પણ પોતાના યોગમાં આવનારને આનંદ અર્પે છે. એવા એક મહાન પુરુષ એટલે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ.
જૂન 2015માં તેઓ પોતાના અંતિમ પુસ્તક ‘ટ્રાનેસન્ડન્સ’નું ઉદ્ઘાટન કરાવવા પ્રમુખસ્વામી મહારાજ પાસે ગયેલા. ઉદ્દઘાટન-સભા બાદ તેઓ જયારે સ્ટેજથી નીચે ઉતર્યા ત્યારે જનમેદનીને ચીરીને ગામડાનો એક નાનકડો બાળક તેમની પાસે પહોંચી ગયો. પોતાના ખીસ્સામાં હાથ નાખી એક ડૂચો વાળેલો કાગળ કાઢ્યો અને કલામ સાહેબ પાસે ઓટોગ્રાફ માંગ્યો.
કલામ સાહેબે પ્રેમથી તે કાગળ હાથમાં લીધો. તેની કરચલીઓ ખોલીને સીધો કર્યો. પછી કોઈની પાસેથી પેન માંગી તેમાં સહી કરી અને તે બાળકને પ્રેમથી કાગળ પાછો આપ્યો. પેલો બાળક તો રાજી રાજી થઇ ગયો અને તે કાગળ લઈને ફરી ડૂચોવાળી પોતાના ખીસ્સામાં નાખીને દોડી ગયો.
ત્યારે કલામ સાહેબે પોતાના સાથી મિત્રને કહ્યું, ‘ક્યારેય કોઈ બાળકને નિરાશ ન કરવો, કારણ કે તેના આ પૃથ્વી પર પહેલા વર્ષો છે.’
પછી તેઓ ગાડી તરફ આગળ જતા હતા ત્યારે ટોળામાંથી પાઘડી અને ચોરણાવાળા એક વડીલ પોતાની લાકડી ઊંચી કરી કરીને તેમના નામની બૂમો પડતા હતા. કલામ સાહેબે કહ્યું, ‘તેમને આવવા દો.’ પેલા વડીલ તેમની પાસે પહોંચ્યા અને પોતાના પૌત્ર સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી. વળી તેમનો પૌત્ર તેમની સાથે નહોતો. તેને શોધવાનો હતો.
કલામ સાહેબને મોડુ થતું હતું. બપોરના ત્રણ વાગી ગયા હતા. તેમ છતાં તેમના ચહેરા પર અકળામણની એક રેખા પણ નહોતી. તેમણે રાહ જોઈ. પાંચ મિનિટ પછી તે પૌત્ર મળ્યો ત્યારે તેમની સાથે ફોટો પડાવી તે વડીલ ને પણ રાજી કર્યા.
એ વખતે કલામ સાહેબે ફરી તેમના સાથી મિત્ર ને કહ્યું, ‘ક્યારેય કોઈ વૃદ્ધ માણસને તમે નિરાશ કરશો નહિ કારણ કે આ પૃથ્વી પર એમના છેલ્લા વર્ષો છે.’ અહીં આનંદ અનુભવાય છે આત્મીયતાની સૌરભનો.
પુષ્પની સૌરભ નાના-મોટા સૌને આકર્ષે છે તેમ મહાનપુરુષોનું મૂલ્યનિષ્ઠ જીવન પણ આબાલ-વૃદ્ધ સૌને આકર્ષે છે. સન 2000 માં જયારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પ્રમુખસ્વામી મહારાજને ગાંધીનગરમાં મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું ‘હું જયારે પ્રમુખસ્વામીની આંખોમાં જોઉં છું, ત્યારે મને તે શુદ્ધ ભાવનાથી છલકાતી દેખાય છે. મેં એમની આંખોમાં જોયું કે તેઓ બીજાને આગળ કરીને આગળ આવ્યા છે, બીજાને ઝાંખા પાડીને નહિ.’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હોવાના નાતે શ્રી ક્લિન્ટન કેટકેટલાય માંધાતાઓને મળ્યા હશે, તેમની આંખોમાં જોયું હશે. પરંતુ તેઓ કેવળ છ ધોરણ ભણેલા પ્રમુખસ્વામી મહારાજની આંખોથી આકર્ષાયા. આ આકર્ષણ હતું તેમના સ્પર્ધારહિત અહંશૂન્ય જીવનનું. ક્લિન્ટન વિદાય થયા અને તરત જ પ્રમુખસ્વામી મહારાજની આંખો કચ્છના ભૂકંપગ્રસ્ત ગામડામાંથી તેમને મળવા આવેલા સામાન્ય ગરીબ ભાવિકોને શોધવા લાગી.
આજુબાજુના લોકો તો હજુ શ્રી ક્લિન્ટનને મળ્યાના આનંદમાં હતા, ત્યારે પ્રમુખસ્વામીજી પેલા ગરીબ ભાવિકોના પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત થઈ ગયા હતા. મુખ પર એવું જ વાત્સલ્ય અને કરુણા હતી જેવી ક્લિન્ટનને મળતી વખતે હતી. અહીં આકર્ષણ છે સમત્વરુપી સૌરભનું.
તેમના સદ્ગુણમય જીવનના આકર્ષણનો વિશેષ અનુભવ વિશ્વને ત્યારે થયો, જયારે તેમના દેહવિલય વખતે 21 લાખથી વધારે લોકો તેમના અંતિમ દર્શન કરવા આકર્ષાયા.
આવા મૂલ્યોથી મહેકતા અનેક મહાપુરુષોની સૌરભ આ જગતને આજે પણ મહેકાવી રહી છે. તો આવો આ લેખમાળામાંથી, આપણે પણ આવા મૂલ્યોના પાઠ પ્રતિ સપ્તાહ શીખીએ અને આપણા જીવનની સાથે સમગ્ર વિશ્વને સૌરભથી મહેકાવીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter