સપ્તપદીની સુવર્ણ જયંતી પ્રસંગે સોનેરી સંભારણું

(અતીતની અટારીએથી...)

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર Wednesday 19th August 2026 06:01 EDT
 
 

તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ અમે અમારા દાંપત્યજીવનની શાનદાર સફરના 50 વર્ષ પૂર્ણ કર્યા. ગુજરાત સમાચાર પરિવાર સાથે હંમેશાથી એક ઘનિષ્ઠ લગાવ રહ્યો હોવાથી અમારા સહજીવનની યાત્રાનું એક સોનેરી સંભારણું તસવીર સ્વરૂપે આપને પણ મોકલી રહ્યો છું. આ ફોટો 16 ઓગસ્ટ 1976ના દિવસનો છે. લગ્નના બરાબર બીજા દિવસની સવારનો. દસેક વાગ્યાના સમયે અમે પૂજ્ય બા-બાપુજીની સુચના મુજબ મંદિરે દર્શન કરવા નીકળ્યા અને ઘરની બહાર નીકળતાં જ મારો બાળપણનો મિત્ર (તસવીરમાં જોવા મળતી) મોટરસાયકલ સાથે અમને મળવા આવ્યો. અમને બહાર જતાં જોઈને તરત ભાવભર્યો આગ્રહ કર્યો કે આમ ચાલતાં થોડું જવાય... આ મોટરસાયકલ લઇ જા ને ભાભીને દર્શન પણ કરાવી આવ અને થોડું ગામમાં પણ ફેરવી આવ. મારા ધર્મપત્ની ઊર્મિલાએ કોઈ દિવસ મોટરસાયકલની સવારી કરેલી નહોતી. દેશમાં પણ પહેલી વખત જ 11 ઓગસ્ટના રોજ આવેલ એટલે તેના માટે આ બધું નવુંનવું હતું. અમે બન્ને મીઠી મૂંઝવણમાં મૂકાઇ ગયાં કે મોટરસાયકલ પર જવું કે નહીં.
એ સમયે અમારું ગામ (ખંભાળિયા) નાનકડું એવું હતું અને ગામમાં પણ કોઇએ લંડનની લાડી જોઈ નહોતી. મને ગાડી અને લાડી જોઈને પોરસ ચડ્યો. અને મોટરસાયકલ પર સવાર થયા. ઘરની ગલીની બહાર મુખ્ય રસ્તા પર જતાં જ ખુલ્લી ગટર હતી. હું એટલો ઉત્સાહમાં હતો કે એટલે ગટર પાર કરવા માટે મોટરસાયકલની ગતિ ધીમી જ ન કરી અને સ્પીડથી જ એ ખુલ્લી ગટર પસાર કરી અને મારી નવોઢાની નવી નવી સાડી ગટરના કાદવથી ચિતરાય ગઇ. શેરીમાં એકઠા થયેલા લોકોને જોણું થયું. સહુને મફતનું મનોરંજન પૂરું પાડ્યું હતું. વીતેલા પાંચ દસકાના અમારા લગ્નજીવનની ઘણીબધી ખાટીમીઠી યાદગીરીઓ છે, પરંતુ તેમાંનો આ એક પ્રસંગ આજેય અમારા બન્નેની - મારી અને ઊર્મિલાની - નજર સામે એવોને એવો તરવરી રહ્યો છે.
સહુ વડીલોના આશીર્વાદ અને ઇશ્વર કૃપાથી આજે પચાસ વર્ષના સથવારે જીવનનું એક સીમાચિહ્ન હાંસલ કર્યું અને હજુ
કેટલું આગળ જવાનું છે એનો કોઈ અંદાજ નથી. સહુ શુભેચ્છકો અને ઇશ્વર કૃપાથી આગળની જીવનસફર પણ વીતેલા વર્ષોની જેમ જ
એકમેકના સંગાથે સરળતાથી પૂરી કરશું તેવો આત્મવિશ્વાસ છે.
(તંત્રીની નોંધઃ ભાઇશ્રી મુકુંદભાઇ અને ઊર્મિલાબહેન, સહિયારા જીવનના 50 વર્ષનું શાનદાર સીમાચિહ્ન હાંસલ કરવા બદલ બન્નેને અભિનંદન અને આગામી જીવન પણ સુખમય - નિરામય પસાર થાય તેવી હાર્દિક શુભકામનાઓ... - સી.બી. પટેલ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter