સમાજનું ગૌરવ : ભાષા અને સંસ્કાર પ્રેમી શિક્ષિકા ચંદ્રકળાબહેન

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Tuesday 22nd September 2020 10:48 EDT
 
ધ ડ્રીમ ઓફ ગાંધીજી - રામ રાજ્ય નાટકની તસવીર
 

આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુની બીજી ઓક્ટોબરે જન્મ જયંતિ છે ત્યારે ગાંધી ભક્ત માંધાતા સમાજના સેવાભાવી અને માતૃભાષા પ્રેમી ચંદ્રકલાબહેન નારણભાઇ પટેલના અનુદાનને યાદ કરી એમની અનુમોદના કરીએ. ગાંધીજીના મીઠા સત્યાગ્રહનો આરંભ મૂળ દક્ષિણ ગુજરાતના નવસારી નજીક આવેલ તવડી ગામની નજીકથી થયો હતો. ત્યા કોળી કોમની વસ્તી વધુ છે. એમનામાં દેશપ્રેમ અને દેશ દાઝ વધુ.
એ તવડી ગામના વતની શ્રી લાલભાઇ એન.પટેલ. ત્યાં પારસીઓની વસ્તી હોવાથી સ્થાનિક પ્રજાજનો પર એમનો પ્રભાવ. એથી ગ્રામજનો કન્યા કેળવણીને મહત્વ આપતાં. લાલભાઇએ પણ પોતાની દિકરીઓને સારૂં શિક્ષણ આપેલ. સોએક વર્ષ અગાઉ હોડીમાં બેસી શ્રી લાલભાઇ કમ્પાલા-યુગાન્ડા ગયા હતા. ચંદ્રકળાબહેનનો જન્મ લાલભાઇના ઘરે કમ્પાલા-યુગાન્ડામાં તા.૧૮-૪-૧૯૩૪ના રોજ થયો હતો. એમણે કેમ્બ્રીજનો અભ્યાસ કરી ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કરી કમ્પાલાની શાળામાં શિક્ષણ કાર્ય આદર્યું. એમનું આ અભિયાન આજ પર્યંત ચાલુ રહ્યું છે.
૧૯૭૧માં યુગાન્ડાથી સરમુખત્યાર ઇદી અમીને એશીયનોને હાંકી કાઢ્યા બાદ હાથે-પગે લંડન આવી સ્થાયી થયેલ ચંદ્રકળાબહેનના લગ્ન નારણભાઇ પટેલ સાથે થયાં હતાં. માંધાતા સમાજના કેટલાક સક્રિય સભ્યોએ બ્રેન્ટની ગ્રાન્ટ મેળવી જમીન ખરીદી સમાજનું મકાન બાંધ્યું. અને પ્રવૃત્તિઓ શરૂ કરી. માતૃભાષા શીખવવાના આગ્રહી ચંદ્રકળાબહેન અને એમના સાથી બહેનોએ ૧૯૭૫માં માતૃભાષા ગુજરાતી શીખવવાના વર્ગો શરૂ કર્યા. એ વખતે વાલીઓએ પોતાના બાળકોને ગુજરાતી શીખવા હોંશે હોંશે મોકલ્યા એ માટે ચંદ્રકળાબહેન વાલીગણને બિરદાવે છે. લંડનની ગુજરાતી શાળાઓમાં સૌથી સારી રીતે લાંબા સમયથી એકધારી ચાલી રહેલીમાં માંધાતાની શાળા અગ્રક્રમે છે. પાંચ વર્ષના બાળકોથી માંડી GCSE સુધીના વર્ગો ચાલે છે. ૨૦ બાળકોથી શરૂ થયેલ આ શાળામાં ૩૦૦ બાળકોની સંખ્યા થઇ છે. આજ સુધીમાં આ શાળાના ૮૦૦ બાળકોએ GCSE ની પરીક્ષા પાસ કરેલ છે. એમનું પરિણામ ૧૦૦ % આવે છે.
તેઓ દર વર્ષે ગાંધી જયંતિએ નાટિકા ભજવવી, ભારતના આઝાદી દિનની ઉજવણી, કવિતા ઉત્સવ, નવરાત્રી ગરબા, નૃત્ય, ભજન વગેરેની હરિફાઇ, દિવાળીમાં રંગોળી, આરતી થાળી સજાવટ જેવી સ્પર્ધાઓ અને પ્રોજેક્ટો કરી બાળકોમાં સંસ્કાર સિંચનની પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. લક્ષ્મીપૂજન પણ બ્રાહ્મણ બોલાવી બાળકો પાસે કરાવે છે. એમને ત્યાં અંગ્રેજ વિધ્યાર્થી પણ ગુજરાતી શીખવા આવતા. એક વિધ્યાર્થીએ તો રંગોળી હરિફાઇમાં ગુજરાતી મહિલાનું ચિત્ર દોરી વિજયી બન્યો હતો.
એમના ગુજરાતી વર્ગોમાં ક ખ ગ ઘ શીખનાર વિધ્યાર્થીઓ મોટા થઇ ગુજરાતી વર્ગો ચલાવે છે જેથી એમના વર્ગોનું સાતત્ય જળવાઇ રહ્યું છે. ચંદ્રકળાબહેન જણાવે છે કે, "હાલમાં મીનળ, નતાશા, જાનકી ગુજરાતી વર્ગોનું સંચાલન કરે છે. હજી પણ સપોર્ટ શિક્ષિકા તરીકે સક્રિય છું. નવી પેઢી ભાષા, સંસ્કૃતિનો વારસો સાચવી રહી છે એનું મને ગૌરવ છે. શાળાની સફળતામાં સેવાભાવી શિક્ષકોનો આભાર માનું છું.”
૧૯૮૫માં યુવાનોની માંગ વધતાં પુખ્તવયના માટે પણ સાંજના ગુજરાતી વર્ગો ચંદ્રકળાબહેન અને કુસુમબહેને સાથે મળી કર્યા. અને દસેક વર્ષ ચલાવ્યા. મોટી ઉમરની બહેનો માટે ૩૫ વર્ષ અગાઉ "ડે સેન્ટર " શરૂ કર્યું. ૧૫ બહેનોથી શરૂ થયેલ આ સેન્ટરનો લાભ આજે ૧૫૦ જેટલી બહેનો લે છે. તેઓ નરસિંહ મહેતા, મીરાં બાઇ જેવા કવિઓના ભજનો, મહાપુરૂષોના જીવન ચરિત્રોના વાંચન, વક્તવ્ય જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વાંચન શોખ કેળવવાની પ્રેરણા આપે છે.
“પ્રેમ અને સેવા" એ જીવનનો ગુરૂ મંત્ર હોવાથી એમના કાર્યની કદર રૂપે ચંદ્રકળાબહેનને હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ તરફથી ગોલ્ડ મેડલ, માંધાતા સમાજ તરફથી "આઉટ સ્ટેન્ડીંગ એચિવ મેન્ટ એવોર્ડ", ગુજરાત સમાચાર તરફથી "સંસ્કાર ગરિમા" એવોર્ડ એનાયત થયેલ છે. એમના સ્વર્ગસ્થ પતિએ પણ સમાજ સેવામાં નોંધપાત્ર અનુદાન આપ્યું હતું.
હાલ બાળકો શનિવારે અન્ય ટ્યુશન વર્ગોમાં જતા થયા હોવાને કારણે ગુજરાતી વર્ગોમાં ઘટતી જતી સંખ્યા માટે તેઓ ચિંતિત છે. એમાંય કોરોના વાયરસને કારણે માર્ચ મહિનાથી ગુજરાતી વર્ગો બંધ છે જે ૨૦૨૧ના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.
તેઓ માને છે કે, "નવી પેઢીને સંસ્કૃતિ સાથે સાંકળવાનું માધ્યમ ભાષા છે. ભાષા હશે તો સંસ્કૃતિ સચવાશે અને સંસ્કૃતિ સચવાશે તો ધર્મ ટકશે. ધર્મ ટકશે તો આપણે ટકીશું.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter