સરદાર એટલે સરદાર

Tuesday 12th December 2023 10:20 EST
 
 

સરદાર એટલે સરદાર. સરદાર એટલે શિરમોર. અખંડ ભારતના શિલ્પી. લોખંડી પુરુષ. મક્કમતા અને દૃઢ નિર્ધારનું પ્રતીક. વ્યક્તિ એક પણ ઉપનામ અનેક ધરાવતા સરદાર પટેલની 15 ડિસેમ્બરે પૂણ્યતિથિ છે. ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ મધ્ય ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ વ્યવસાયે વકીલ હતા, પરંતુ તેઓ એક અનુભવી રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે વધુ જાણીતા બન્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને આઝાદી પછી સમગ્ર દેશને એકતાંતણે બાંધવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. 1991માં ભારત સરકાર દ્વારા મરણોત્તર ‘ભારત રત્ન’થી સન્માનિત સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન દેશસેવામાં સમર્પિત કર્યું હતું. 75 વર્ષની વયે 15 ડિસેમ્બર 1950 ના રોજ અંતિમ શ્વાસ લેનાર સરદાર સાહેબના જીવનકવનની એક ઝલકઃ

સરદાર પટેલની ઉપેક્ષા
સરદારની જીવનકથાના લેખક રાજમોહન ગાંધીએ ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને ટાંકીને લખ્યું છેઃ ‘આજે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું બહુ મોટું યોગદાન છે, તેમ છતાં આપણે તેમની ઉપેક્ષા કરીએ છીએ.’
‘પટેલ - અ લાઇફ’ નામના આ પુસ્તકમાં ખુદ રાજમોહન ગાંધીએ લખ્યું છેઃ ‘આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્વની ભૂમિકા ભજવી હતી.’
‘આ શાસનતંત્ર ભારતીય ઇતિહાસમાં ગાંધી અને નેહરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં કંજૂસાઈ કરે છે.’ સરદારની આવી ઉપેક્ષાનો અંદાજ એ હકીકત પરથી મેળવી શકાય કે સુનીલ ખિલનાનીના વિખ્યાત પુસ્તક ‘ધ આઇડિયા ઓફ ઇન્ડિયા’માં નેહરુનો ઉલ્લેખ 65 વખત આવે છે, જ્યારે સરદારનો ઉલ્લેખ માત્ર 8 વાર કરવામાં આવ્યો છે.
આ જ રીતે રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઇન્ડિયા આફટર ગાંધી’માં સરદારનો ઉલ્લેખ 48 વખત છે, તેની સરખામણીએ નેહરુનો ઉલ્લેખ તેના કરતાં ચાર ગણાથી વધુ એટલે કે 185 વખત કરવામાં આવ્યો છે.

સરદાર અને નેહરુની તુલના
સરદાર પટેલની એક વધુ જીવનકથાના લેખક હિંડોલ સેનગુપ્તાએ તેમના પુસ્તક ‘ધ મેન હૂ સેવ્ડ ઇન્ડિયા’માં લખ્યું છેઃ ‘ગાંધીની ઇમેજ એક અહિંસક, ચરખો ચલાવતા અને માનવીય લાગણીઓથી ઓતપ્રોત એવી વ્યક્તિની છે.... નેહરુ શેરવાનીના બટનમાં લાલ ગુલાબ લગાવતા એવા ચાચા નેહરુ તરીકે ઉભરે છે કે જેમને કોઈ બીજા પુરુષની પત્ની સાથે રોમાન્સ કરવામાં છોછ નથી.’
‘તેમની સરખામણીએ સરદાર પટેલના જીવનમાં કોઈ રોમાન્સ નથી. (તેમનાં પત્નીનું લાંબા સમય પહેલાં અવસાન થયું હતું અને તેમના જીવનમાં બીજી કોઈ મહિલાનો ઉલ્લેખ મળતો નથી.) સરદાર પટેલ એક એવી વ્યક્તિ છે, જે પોતાના વિશે અને પોતાની જરૂરિયાતો બાબતે બહુ ઓછું જણાવે છે.’

યથાર્થવાદી સરદાર પટેલ
સરદાર પટેલના એક વધુ જીવનકથાકાર પી.એન. ચોપડાએ તેમના પુસ્તક ‘સરદાર ઓફ ઇન્ડિયા’માં રશિયન વડાપ્રધાન નિકોલાઈ બુલગાનિનને એવું કહેતા ટાંક્યા છે કે ‘તમારું ભારતીયોનું શું કહેવું! તમે રાજાઓને ખતમ કર્યા વિના રજવાડાંઓને વિખેરી નાખ્યાં.’ બુલગાનિન માનતા હતા કે સરદાર પટેલની આ સિદ્ધિ બિસ્માર્કની જર્મનીના એકીકરણની સિદ્ધિ કરતાં પણ મોટી હતી. વિખ્યાત લેખક એચ. વી. હોડસને લોર્ડ માઉન્ટબેટનને એવું કહેતા ટાંક્યા છે કે ‘નેહરુને નવા ગૃહ મંત્રાલયના વડા ન બનાવવામાં આવ્યા એ સારું થયું. નેહરુ ગૃહપ્રધાન બન્યા હોત તો બધું વિખેરાઈ ગયું હોત, એ કહેવામાં મને જરાય સંકોચ નથી. યથાર્થવાદી પટેલે એ કામ બહુ સારી રીતે કર્યું હતું.’

સરદાર પટેલ અને કરિઅપ્પાની મુલાકાત
એક જમાનામાં ભારતીય સૈન્યના નાયબ વડા અને આસામ તથા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી ચૂકેલા એસ.કે. સિંહાએ આત્મકથા ‘ચેન્જિંગ ઇન્ડિયા - સ્ટ્રેઈટ ફ્રોમ હાર્ટ’માં એક કિસ્સો નોંધ્યો છેઃ ‘એક વખત જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો હતો કે સરદાર પટેલ તેમને તુરંત મળવા ઈચ્છે છે. કરિઅપ્પા એ સમયે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર સરદાર પટેલના ઘરે પહોંચ્યા. હું પણ તેમની સાથે હતો.’ એસ.કે. સિંહા લખે છેઃ ‘હું વરંડામાં તેમની રાહ જોતો હતો. કરિઅપ્પા પાંચ મિનિટમાં બહાર આવ્યા પછી તેમણે મને કહ્યું હતું કે સરદાર પટેલે તેમને બહુ સામાન્ય સવાલ પૂછ્યછયો હતો કે આપણા હૈદરાબાદ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો? તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ ‘હા’માં આપ્યો હતો અને એ બેઠક પૂરી થઈ ગઈ હતી.’ એસ.કે. સિંહા લખે છેઃ ‘વાસ્તવમાં એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ધમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો તેની સામે ઊભા થઈ જશે.’
‘કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઓપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો હતો અને એક જ સપ્તાહમાં હૈદરાબાદ ભારતનું એક અંગ બની ગયું હતું.’

મોતીલાલ નેહરુની નજરમાં ‘હીરો’
સરદાર પટેલના શાસન દરમિયાન ભારતનું ક્ષેત્રફળ - પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા છતાં - સમુદ્રગુપ્ત (ચોથી શતાબ્દી), અશોક (ઈસવી પૂર્વે 250 વર્ષ) અને અકબર (16મી શતાબ્દી)ના જમાનાના ભારતના ક્ષેત્રફળ કરતાં પણ વધુ હતું. સરદાર પટેલના મૃત્યુ પહેલાં અને પછી નેહરુને છ વખત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જ્યારે સરદારને 1931માં એક જ વાર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એ દરમિયાન મૌલાના આઝાદ અને મદનમોહન માલવિય જેવા નેતાઓ બે કે તેથી વધુ વખત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા.
સરદાર પટેલની જીવનકથામાં રાજમોહન ગાંધીએ લખ્યું છેઃ ‘1928માં બારડોલીના ખેડૂત આંદોલનમાં સરદારની ભૂમિકા બાદ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ મોતીલાલ નેહરુએ મહાત્મા ગાંધીને એક પત્રમાં લખ્યું હતું કે આ સમયના હીરો વલ્લભભાઈ છે તેમાં કોઈ શંકા નથી. આપણે તેમના માટે એક કામ કરી શકીએ કે તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવીએ. કોઈ કારણસર એવું ન થાય તો આપણી બીજી પસંદ જવાહરલાલ હોવા જોઈએ.’
રાજમોહન ગાંધી લખે છેઃ ‘પટેલ વિરુદ્ધ નેહરુના વાદ-વિવાદમાં નેહરુની તરફેણમાં એવી દલીલો કરવામાં આવતી હતી કે નેહરુ કરતાં ઉંમરમાં સરદાર 14 વર્ષ મોટા છે, તેઓ યુવાવર્ગમાં નેહરુ જેટલા લોકપ્રિય નથી. નેહરુનો રંગ ગોરો હતો અને તેઓ દેખાવમાં આકર્ષક લાગતા હતા, જ્યારે સરદાર ગુજરાતી ખેડૂત પરિવારમાંથી આવતા હતા અને થોડા ચૂપ રહેતા બળવાન પુરુષ લાગતા હતા.’
તેમને કાળી-ધોળી મૂછો હતી, જે બાદમાં તેમણે કઢાવી નાખી હતી. તેમના માથા પર નાના વાળ હતા. આંખોમાં થોડી રતાશ હતી અને ચહેરા પર થોડી કઠોરતા દેખાતી હતી. નેહરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો, પણ એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ તેનો કોઈ રેકર્ડ મળતો નથી.

પશ્ચિમી વસ્ત્રોથી દૂર રહ્યા
જવાહરલાલ નેહરુને તેમના મૃત્યુના 55 વર્ષ પછી પણ તેમની ઉત્તમ શેરવાનીઓ અને બટનહોલમાં લગાવવામાં આવેલા ગુલાબના ફૂલને કારણે ઓળખવામાં આવે છે. તેનાથી વિપરીત સરદાર પટેલને તેમના લંડન પ્રવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો સાથે પ્રેમ થઈ ગયો હતો. દુર્ગા દાસે તેમના પુસ્તક ‘સરદાર પટેલ્સ કોરસ્પોન્ડન્સ’માં નોંધ્યું છેઃ ‘પટેલને અંગ્રેજી કપડાં એટલાં બધાં ગમતાં હતાં કે અમદાવાદમાં સારા ડ્રાઈ ક્લીનર્સ ન હોવાને કારણે તેઓ એ કપડાંને મુંબઈમાં ડ્રાઈ ક્લીન કરાવતા હતા.’ એ પછી સરદાર ગાંધીજીના સ્વદેશી આંદોલનથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે સર્વસાધારણ ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું હતું.

હંમેશા વાસ્તવિકતા સાથે
બ્રિજના ઉત્તમ ખેલાડી હોવા છતાં સરદાર પટેલ ગ્રામ્ય પરિવેશમાં મૂળિયાં ધરાવતા હોવાનો આભાસ આપતા હતા. તેમનામાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. દુર્ગા દાસે લોર્ડ માઉન્ટબેટનને એમ કહેતા ટાંક્યા છે કે ‘સરદાર પટેલ હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા હતા, જ્યારે નેહરુ આકાશમાં ઉડતા હતા.’
હિંડોલ સેનગુપ્તાએ લખ્યું છેઃ ‘નેહરુનું જૂથ તેમના નેતાને એક વૈશ્વિક નેતા તરીકે દેખાડવાનું પસંદ કરે છે, જ્યારે તેમની નજરમાં સરદાર પટેલ એક પ્રાંતીય નેતા અને વધુમાં વધુ ગામડિયા ‘સ્ટ્રોંગમેન’ હતા, જે હાથ મરડીને રાજકીય જીત મેળવતા હતા. બીજી તરફ સરદારના ટેકેદારો નેહરુને સારાં વસ્ત્રો પહેરતા એક નિર્બળ નેતાના સ્વરૂપમાં ચિત્રિત કરે છે. તેમનો દાવો છે કે નેહરુમાં મુશ્કેલ રાજકીય પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની ક્ષમતા કે આવડત ન હતી.’
નેહરુ અને પટેલની ક્ષમતાઓનું સૌથી સટીક આકલન રાજમોહન ગાંધીએ તેમના પુસ્તકમાં કર્યું છે. તેઓ લખે છેઃ ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નેહરુથી પણ વધુ બહેતર વડાપ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નેહરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડાપ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’
દુર્ગા દાસે સરદારનાં પુત્રી મણિબહેનને એવું કહેતાં ટાંક્યાં છે કે ‘સરદાર પટેલને 1941થી આંતરડાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. આંતરડામાં પીડા થવાને કારણે તેઓ મળસ્કે સાડા ત્રણે ઉઠી જતા હતા. તેઓ એકાદ કલાક ટોઇલેટમાં ગાળતા હતા અને પછી સવારે ચાલવા નીકળતા હતા. તેમની બીમારીના અનુસંધાને માર્ચ 1948માં ડોક્ટરોએ સરદારના સવારે ચાલવા જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો અને સરદારે લોકોને હળવામળવાનું પણ ઓછું કરી નાખ્યું હતું.’
સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડીવારમાં થાકી જતા હતા.
21 નવેમ્બર 1950ના રોજ મણિબહેનને સરદારની પથારી પર લોહીના કેટલાંક ધાબાં જોવા મળ્યાં હતાં. તેમણે તરત જ સરદાર માટે 24 કલાક સાથે રહે તેવી નર્સની વ્યવસ્થા કરી હતી. થોડીક રાતો માટે સરદારને ઓક્સિજન પર પણ રાખવામાં આવ્યા હતા.

સરદારનો એ આખરી સમય...
1950ની પાંચમી ડિસેમ્બર આવતાં સુધીમાં સરદાર પટેલને અંદાજ આવી ગયો હતો કે તેમનો અંત નજીક છે. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ 6 નવેમ્બરે સરદાર પાસે આવ્યા હતા અને દસેક મિનિટ બેઠા હતા, પણ સરદાર એટલા બીમાર હતા કે તેમના મોંમાથી એકેય શબ્દ નીકળ્યો ન હતો.
એક અચ્છા ડોક્ટર અને બંગાળના મુખ્ય પ્રધાન બિધાનચંદ્ર રોય તેમને જોવા આવ્યા ત્યારે સરદારે તેમને પૂછ્યું હતું કે ‘રહેવાનું છે કે જવાનું છે?’ ડો. રોયે જવાબ આપ્યો હતો કે ‘તમારે જવાનું જ હોત તો હું તમારી પાસે આવત જ શું કામ?’
સરદાર એ પછી સતત બે દિવસ સુધી કબીરની પંક્તિઓ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં...’ ગણગણતા રહ્યા હતા. બીજા દિવસે ડોક્ટરોએ, સરદારને મુંબઈની મોસમમાં માફક આવશે એમ ધારીને તેમને, દિલ્હીથી મુંબઈ લઈ જવાનું નક્કી કર્યું હતું. 
રાજમોહન ગાંધીએ તેમના પુસ્તકમાં નોંધ્યું છે કે સરદાર પટેલને 12 ડિસેમ્બર 1950ના રોજ વેલિંગ્ટન એરસ્ટ્રિપ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વેલિંગ્ટન એરસ્ટ્રિપ પર ભારતીય હવાઈદળનું ડાકોટા વિમાન તેમને મુંબઈ લઈ જવા તૈયાર હતું. વિમાનનાં પગથિયાં પાસે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ભૂતપૂર્વ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી અને ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા ઊભા હતા.
પટેલે બધાની સામે સ્મિત કરીને વિદાય લીધી હતી. સાડા ચાર કલાકની ઉડાન બાદ પટેલનું વિમાન મુંબઈના જુહૂ એરપોર્ટ પર ઊતર્યું હતું, જ્યાં મુંબઈના પહેલા મુખ્ય પ્રધાન બી. જી. ખૈર અને મોરારજી દેસાઈએ તેમનું સ્વાગત કર્યું હતું. રાજભવનની મોટરકાર તેમને બિરલા હાઉસ લઈ ગઈ હતી, પણ તેમનું સ્વાસ્થ વધારે કથળતું રહ્યું હતું.
15 ડિસેમ્બર 1950ના મળસ્કે ત્રણ વાગ્યે સરદારને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. ચાર કલાક પછી તેઓ થોડા ભાનમાં આવ્યા ત્યારે તેમણે પાણી માગ્યું હતું. મણિબહેને તેમને મધ મેળવેલું ગંગાજળ ચમચીથી પિવડાવ્યું હતું. સવારે 9.37 વાગ્યે સરદારે અંતિમ શ્વાસ લીધા હતા.
બપોર પછી નેહરુ અને રાજગોપાલાચારી દિલ્હીથી મુંબઈ પહોંચ્યા હતા. નેહરુ ઇચ્છતા ન હતા છતાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પણ ત્યાં પહોંચ્યા હતા.
કે. એમ. મુનશીએ તેમના પુસ્તક ‘પિલગ્રિમેજ’માં લખ્યું છેઃ ‘રાષ્ટ્રપતિએ કોઈ કેબિનેટ પ્રધાનની અંત્યેષ્ટિમાં ભાગ ન લેવો જોઈએ. તેનાથી ખોટી પરંપરા શરૂ થશે, એવું નેહરુ માનતા હતા.’
અંતિમ સંસ્કારના સમયે રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નેહરુ અને સી. રાજગોપાલાચારી, એ ત્રણેયની આંખોમાં આંસુ હતાં. રાજાજી અને રાજેન્દ્ર પ્રસાદે સરદારની ચિતાની પાસે ઊભા રહીને ભાષણ પણ કર્યાં હતાં. ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતુઃ
‘સરદારના શરીરને અગ્નિ બાળી તો રહ્યો છે, પણ તેમની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter