અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી, પરંતુ શરીરના સ્વાસ્થ્ય કરતાં તેમના હૈયે દેશના સ્વાસ્થ્યની ચિંતા વધુ રહેતી હતી. ગાંધીજીએ પણ એમને અનેક વાર આરામ લેવાની સલાહ આપી હતી, પરંતુ કર્મપરાયણ સરદાર કહેતા કે, ‘લાંબો વખત આરામ લઈને માત્ર શરીર સાચવ્યા કરીને જીવવાનો અર્થ શો? કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે.’
1940માં વ્યક્તિગત સત્યાગ્રહ વખતે કારાવાસમાં સરદારની તબિયત ખૂબ લથડી. જેલમાં સરકારી ડોક્ટરો સરદારના આંતરડાંનું સાચું નિદાન ન કરી શક્યાં. વધુ સમય જેલમાં રાખવામાં સરકારને જોખમ લાગ્યું. 1941ના જૂનમાં એમને મુક્ત કરાયા. ગાંધીજી એમની તબિયત જોવા આવ્યા. ડો. નાથુભાઈ પણ તે સમયે હાજર હતા. ગાંધીજીએ ડો. નાથુભાઈને કહ્યું, ‘સરદારના આંતરડાંને તમે સંભાળો, સરદારના હૃદયને હું સંભાળીશ.’
આ સાંભળીને સરદારે મજાકમાં કહ્યું, ‘મારું હૃદય તો તમારા હૃદય સાથે જ તાલ મિલાવે છે’ અને ઈશ્વરે જાણે ગાંધી-સરદારના મુખે જ એ શબ્દો કહ્યા હોય એમ 1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીજી શહીદ થયા. બીજા દિવસે ગાંધીજીનો દેહ સુખડના લાકડાંમાં ભસ્મસાત થઈ રહ્યો હતો. તે સમયનું વર્ણન કરતાં ગાંધીજીના અંતેવાસી મનુબેન ગાંધીએ પોતાની ડાયરીમાં નોંધ્યું છેઃ
‘હું સરદારકાકાના ખોળામાં માથું ટેકવી રડતી હતી. તેઓ મને સાંત્વન આપતા હતા. થોડી વાર પછી મેં ઊંચે જોયું તો મને એ દિવસે સરદાર ખૂબ વૃદ્ધ લાગ્યા.’
ગાંધીજીના અવસાનનો આઘાત સરદાર માટે એટલો અસહ્ય હતો કે, 1948ની પાંચમી માર્ચે એમને હૃદયરોગનો પ્રથમ હુમલો થયો. પછી તો સ્વાસ્થ્ય કથળવા જ માંડયું. આમ છતાં, ગંભીર નાદુરસ્ત શરીરે પણ દેશની ધૂરા વહન કરતાં જ રહ્યા. એચ.એમ. પટેલ તે સમયે ભારત સરકારમાં સચિવ હતા. તેમણે લખ્યું છે: ‘નાદુરસ્ત તબિયત હોવા છતાં સરદાર પટેલ 18 કલાક કામ કરતાં હતા.’ 1950ના ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તો સરદારની તબિયત વધુને વધુ બગડવા લાગી. છઠ્ઠી ડિસેમ્બરે આંતરડાંની અસહ્ય વેદના ઊપડી.
મણિબહેનને આ સમય અંગે પોતાની ડાયરીમાં લખ્યું છે, ‘આખરી દિવસોમાં પૂ. બાપુ (સરદાર)ને પોતાના અવસાનનો અણસાર આવી ગયો હોય એમ વારંવાર નીચેના ભજનોની પંક્તિઓ એમના મુખેથી સાંભળવા મળતી.
‘મંગલ મંદિર ખોલો દયામય...!’
‘મારી નાડ તમારે હાથ, હરિ...!’
‘જીવન જળ જ્યારે સૂકાઈ જાયે...!’
‘જિંદગી કા એ તમાશા ચંદ રોજ...!’
અવસાન પહેલાંની એ ગમગીન રાત્રીએ ભારતનો આ વીર યોદ્ધો જ્યારે અંતિમ ભીષ્મશૈયા પર પોઢયો હતો ત્યારે વીણા સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. મહાન સંગીતજ્ઞ વી. કે. નારાયણ મેનને કરુણ, રુદ્ર જેવા વિવિધ સૂરોમાં વીણાવાદન સંભળાવ્યું. જાગ્રત-અજાગ્રત-અર્ધજાગ્રત અવસ્થામાં વીણાવાદનનું સંગીતનું ગુંજન એમના કામમાં ગૂંજી રહ્યું હતું અને પરોઢિયે ત્રણ વાગે હૃદયરોગનો હુમલો આવ્યો.
ડોક્ટરે કહ્યું, ‘હી ઇઝ સિન્કિંગ.’ બિરલા પરિવારનાં પુત્રવધૂ ગોપીએ ગીતાવાંચન શરૂ કર્યું. સાડા સાત વાગે ગીતાનું પારાયણ પૂરું થયું અને સરદારની નાડી પાછી આવવા લાગી. આંખોમાં તેજ આવવા લાગ્યું. એમણે પાણી માગ્યું. મણિબહેને મધમિશ્રિત ગંગાજળ આપ્યું. ડો. નાથુભાઈએ બિરલાને કહ્યું, ‘આજે શુક્રવાર છે. ગાંધીજી પાંચ વાગે શહીદ થયા હતા. કદાચ સરદાર પણ પાંચ વાગ્યા સુધી ખેંચી કાઢશે.’ પણ એ જાગૃત અવસ્થા તો છેતરામણી હતી. આથમતા દીપકની અંતિમ જ્યોતનો તેજ લિસોટો હતો.
શુક્રવાર, 15 ડિસેમ્બર 1950 સવારે 9.37 કલાકે ભારત માતાના વીર સપૂત સરદાર વલ્લભભાઈ અંતિમ શ્વાસ લઈ કલ્યાણમાર્ગે સિધાવ્યા. એક મહાન જીવનની સમાપ્તિ થઈ. મુંબઈના સોનાપુરના સ્મશાનમાં એમની રાખ પ્રિય સુહ્યદ પત્ની ઝવેરબહેન અને વડીલ બંધુ વિઠ્ઠલભાઈની ભસ્મ સાથે ભળી ગઈ. એમનો આત્મા અમરત્વ પામી ગયો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ, રાજાજી, વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સહિત વિશાળ માનવમેદની ઉપસ્થિત હતી.


