સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો વહેવાર ન હતો. ભારત બ્રિટિશ સામ્રાજ્યમાં હતું. તેના લોકોનો વહેવાર અને નજર અંગ્રેજો તરફ હતી.
દિવાનના દીકરા મોહનદાસને ભણવા જવાના ખર્ચના પૈસાની કોઈ ચિંતા નહીં. બાપના ખર્ચે જઈને બેરિસ્ટર થયા, વકીલ તરીકે ઝાઝું ના ઉકાળ્યું. આથી દાદા અબ્દુલ્લા નામના દક્ષિણ આફ્રિકામાં પોરબંદરના જ એક મોટા વેપારીના કેસમાં દાદા અબ્દુલ્લાની વાતો ગુજરાતીમાં સમજીને ગોરા અંગ્રેજ વકીલને અંગ્રેજીમાં સમજાવનાર અનુવાદક તરીકે દક્ષિણ આફ્રિકા ગયા.
જવાહરલાલ જાણીતા ધનિક અને અંગ્રેજ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવનાર વકીલ મોતીલાલના દીકરા, એમને બેરિસ્ટર થવા જવાનું સરળ હતું. ત્રીજા, વલ્લભભાઈ એમનેય બેરિસ્ટર થવું હતું. પણ જીવનરાહ અઘરો હતો. મેટ્રિકનો અભ્યાસ કરવા તે પોતાના મિત્ર કાશીભાઈને ત્યાં બાકરોલ રહ્યા. કાશીભાઈના પત્ની નાની બાળકીને મૂકીને અવસાન પામ્યા હતા. કાશીભાઈને મેટ્રિકની પરીક્ષા આપવાની અને નાની બાળકીની મા બનીને ઉછેરવાની હતી. વલ્લભભાઈ પણ મિત્રને ત્યાં રહેતા ખાતા, તેઓ પણ બાળકીનાં બાળોતિયાં બદલાવતા, નવડાવતા અને દૂધ પાતા. કાશીભાઈની જેમ તેમનામાં પણ સેવાભાવ અને બાળકો માટે મમત્વ પ્રગટ્યું. થોડા વર્ષ પછી ઝવેરબા પુત્રી મણિબેન અને પુત્ર ડાહ્યાભાઈને મૂકીને અવસાન પામ્યાં. ત્યારે આ અનુભવે વલ્લભભાઈ મા બનીને વર્ત્યા અને સંતાનો માટે ઓરમાન મા (પત્ની) લાવવાનું પસંદ ન કર્યું. સરદાર પાસ થયા. આ પછી ત્યારે પ્લીડરની પરીક્ષા પાસ કરી.
1900માં 25 વર્ષની વર્ષે તેમણે ગોધરામાં વકીલાત કરી. મોટાભાઈ વિઠ્ઠલભાઈ બોરસદમાં વકીલાત કરતા હતા. તેથી તેમણે મોટાભાઈ સાથે કયારેય હરીફાઈ ના થાય, મોટાભાઈ અસીલોની તુલના ના કરે માટે તેમણે બોરસદ પસંદ ના કર્યું. ગોધરા ગયા. ગોધરામાં થોડા વખતમાં તેમની વકીલાત જામી. ભાવિમાં બેરિસ્ટર થવાનું સપનું પૂરું કરવા, જરૂરી ખર્ચ માટે કરકસરથી જીવીને બચત કરવા લાગ્યા. 1900થી 1905 સુધીમાં તે જમાનામાં રૂપિયો ડોલરની સમકક્ષ હતો ત્યારે પાંચ વર્ષમાં 10 હજાર રૂપિયા જેવી રકમ બચાવી હતી. આ બતાવે છે કે તેમની વકીલાત ચાલતી હશે. તેમની બુદ્ધિ, હાજરજવાબી અને કાયદાના સૂક્ષ્મ જ્ઞાનથી ન્યાયાધીશો પણ તેમનું માન રાખતા. વલ્લભભાઈ કેસ સ્વીકારે તો અસીલ જીત્યો એમ મનાતું.
ગોધરા છોડી બોરસદ
ગોધરામાં મોટાભાઈ વિઠ્ઠલભાઈ પ્રેક્ટિસ કરતા. વિઠ્ઠલભાઈ કાયદામાં જબરા જાણકાર. કાયદાના પાલનના આગ્રહી. સરળ અને કાવાદાવાથી અજાણ. ત્યાંના મેજિસ્ટ્રેટને વિઠ્ઠલભાઈ સાથે ના ફાવ્યું.
આથી તે વિઠ્ઠલભાઈને કારણે વિઠ્ઠલભાઈના અસીલો વિરુદ્ધ ચુકાદા આપે. આથી વિઠ્ઠલભાઈના અસીલો હારતા. તેમને મળતા કેસ ઘટતા ચાલ્યા. સામાન્ય વકીલોના અસીલો જીતે અને વિઠ્ઠલભાઈના અસીલો હારે એવું થતા વિઠ્ઠલભાઈનું વકીલવર્તુળમાં અને સમાજમાં માન ઘટયું. મોટાભાઈની આવી દશા જાણીને વલ્લભભાઈને દુઃખ થયું. તેમણે ગોધરાની ધીકતી પ્રેક્ટિસ છોડી અને બોરસદ આવીને પ્રેક્ટિસ કરવા લાગ્યા. તેમણે એવી દશા સર્જી કે પેલા વિરોધી મેજિસ્ટ્રેટની નોકરી જોખમમાં આવી પડી. ભ્રષ્ટાચારનો એવો કેસ કે જેમાં વલ્લભભાઈ પટેલ જેવા કાબેલ વકીલ કેસ હાથમાં લે તો જ બચવાની આશા. કહેવડાવ્યું, પણ વલ્લભભાઈ કેસ હાથમાં લેવા તૈયાર નહીં.
વલ્લભભાઈએ ગોઠવ્યું તેમ પેલા મેજિસ્ટ્રેટને તેમના વિશ્વાસુ વકીલે સૂચવ્યું કે વલ્લભભાઈ માત્ર એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈનો શબ્દ કયારેય ના ઉથાપે. તેમની મારફતે ભલામણ કરાવો તો જ! બાકી માથાભારે વલ્લભભાઈ કોઈનું નહીં સાંભળે. ના છૂટકે પેલા મેજિસ્ટ્રેટ વિઠ્ઠલભાઈને મળ્યા અને ભલામણ કરાવડાવી. હવે વિઠ્ઠલભાઈને મેજિસ્ટ્રેટનો ત્રાસ મટયો. નાનાભાઈએ મોટાભાઈની અડચણ દૂર કરી.
લક્ષ્મણ બન્યા
વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ માટે ગોધરા છોડીને બોરસદ આવ્યા. આવતા પહેલાં તેમણે લંડન જઈને બેરિસ્ટર થવા માટે પત્રવહેવાર કર્યો હતો. જરૂરી બધી તૈયારી કરી હતી. પૈસા ભરી દીધા હતા. વલ્લભભાઈ એડમિશન આવે એની રાહ જોતા હતા. અંતે એડમિશનનો પત્ર વી.ઝેડ. પટેલના નામે આવ્યો. વિઠ્ઠલભાઈની પાસે પત્ર ગયો. અંગ્રેજીમાં બન્ને ભાઈનું નામ સરખું જ લખાતું હતું. વિઠ્ઠલભાઈ સમજ્યા કે વલ્લભભાઈ છૂપા રુસ્તમ શા છે. એમણે બેરિસ્ટર થવા જવાની પૂરી તૈયારી કરી લીધી છે.
વિઠ્ઠલભાઈએ પત્ર વલ્લભભાઈને બતાવતાં કહ્યુંઃ આ તમારો પત્ર છે. તમને એડમિશન મળ્યું છે, પણ મારે જવું છે. હું જઈ આવું પછી તમે ગમેત્યારે જઈ શકશો. પણ મને આવી તક મળે એવું લાગતું નથી. તમારા બદલે મને જવા દો તો સારું.
મોટાભાઈ પ્રત્યે લક્ષ્મણભાવ અનુભવતા વલ્લભભાઈએ વાતને ખુશીથી વધાવી લીધી. વિઠ્ઠલભાઈનો બેરિસ્ટર થવાનો બધો ખર્ચ પૂરો કરતાં વલ્લભભાઈની બધી બચત વપરાઈ ગઈ. વધારામાં મોટાભાઈ ઈંગ્લેન્ડ જતાં એમનાં પત્ની દિવાળીબેનને પોતાની સાથે રાખ્યાં. વલ્લભભાઈનાં પત્ની ઝવેરબાને જેઠાણી દિવાળીબેન સાથે અવારનવાર સ્વભાવભેદ ચણભણ થતી. સંતાન વિનાના દિવાળીબેનનો સ્વભાવ ચીડિયો હતો. દિવાળીબેનને ઓછું ના આવે માટે વલ્લભભાઈએ પત્ની ઝવેરબાને સમજાવીને પિયર મોકલ્યા. ભાઈનું સાચવવા વલ્લભભાઈએ પૂરી બચત અને પોતાના સંસાર સુખનો ત્યાગ કર્યો.
સાધુચરિત વલ્લભભાઈ
1909માં ઝવેરબા આંતરડાના અસાધ્ય રોગથી અવસાન પામ્યા. પાછળ પુત્રી મણિબેન, અને પુત્ર ડાહ્યાભાઈને મૂકીને. વલ્લભભાઈ ત્યારે 33 વર્ષના. મોટાં, ખાનદાની, ગામના પરણવા જેવા નવયુવાન. ઇચ્છયું હોત તો કોઈપણ કન્યા પિતા તેમને જમાઈ બનાવીને ધન્યતા અનુભવતા હોત! બન્ને નાનાં સંતાનની મા બનીને એ આખી જિંદગી નિષ્કલંક જીવ્યા. કોઈ સ્ત્રી સાથે કયારેય કોઈએ તેમનું નામ જોડયું નથી. જવાહરલાલ વિશે એમનાં સંતાનો એવું ગર્વથી કહી શકે ખરાં?
બેરિસ્ટર થઈને રહ્યા
બધી બચત વિઠ્ઠલભાઈ માટે ખર્ચ્યા પછી વળી કરકસરથી જીવવા લાગ્યા. નવા અને જીતવા મુશ્કેલ કેસો લડીને કમાયા. 1910માં બેરિસ્ટર થવા લંડન પહોંચ્યા. લંડન બંદરે સ્ટીમરમાંથી ઉતર્યા. કસ્ટમના ચેકીંગમાં હુકો પીવા માટે વપરાતી તમાકુનો લાડુ નીકળ્યો. ગોરા અમલદારે પૂછ્યુંઃ આ શું છે? વલ્લભભાઈ ટીખળી. કહ્યું, આ ઇન્ડિયન સ્વીટ છે, ચાખી જુઓ... અમલદારે ટુકડો મોમાં મૂક્યો અને વલ્લભભાઈ ટોળામાં આગળ નીકળી ગયા!
લંડન આવ્યા, પણ પૈસાની ખેંચ. રોજ ઘરથી બધું જ થઈને રોજ 22 માઈલ જવા આવવા થાય. પુસ્તકાલયમાં જાય. પુસ્તકો ત્યાં બેસીને વાંચે કે લોન પર લાવે. પુસ્તકો ખરીદવાના પૈસા ન હતા. છતાં બેરિસ્ટરનો અભ્યાસક્રમ છ માસ વહેલો પૂરો કર્યો. જેથી છ માસનું રહેવા, જમવાનો ખર્ચ બચ્યો. વધારામાં 50 પાઉન્ડ ઇનામ જીત્યા હતા. જવાહરલાલ કે ગાંધીજીએ ન આવી મુશ્કેલી વેઠી હતી. ન તેજસ્વિતા બતાવી હતી. બાપના ખર્ચે બન્ને ભણ્યા, પણ વકીલાતમાં કોઈ નામ કે ઝાઝું કામ પામ્યા ન હતા.
ગાંધીરંગે રંગાઈને દેશ સેવામાં
1913માં બેરિસ્ટર થઈને ભારત પાછા ફર્યા. હવે વકીલાત માટે અમદાવાદમાં રહેવાનું શરૂ કર્યું. ગૂંચવણભર્યા કેસો લેતા અને જીતતા. મોટાભાઈ વિઠ્ઠલભાઈ ત્યારે મુંબઈ વસીને પ્રેક્ટિસ કરતા હતા. વલ્લભભાઈની પ્રેક્ટિસ ધમધોકાર ચાલી. 1917માં અતિવૃષ્ટિને કારણે ખેડા જિલ્લાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. દક્ષિણ આફ્રિકામાંથી પાછા ફરેલા ગાંધીજીએ આ ખેડૂતોનું મહેસૂલ માફ કરાવવા લડત આદરી. વલ્લભભાઈ એ લડતમાં ગાંધીજીના સાથીદાર બન્યા. આને કારણે કોંગ્રેસની પ્રવૃત્તિમાં જોડાયા. અંતે સરકારે નમતું આપ્યું. ગાંધીજી અને વલ્લભભાઈની ગુજરાતમાં નેતાગીરી થઈ.
આ પછી 1917થી વલ્લભભાઈ અમદાવાદના રાજકારણમાં અને કોંગ્રેસમાં સક્રિય બન્યા. 1921માં અમદાવાદમાં કોંગ્રેસનું 37મું અધિવેશન વલ્લભભાઈની નેતાગીરીમાં સફળ થયું. એમની ગજબની વ્યવસ્થાશકિત અને તેની ફળશ્રુતિરૂપે અમદાવાદમાં પ્રથમ મોટી પબ્લિક હોસ્પિટલ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ સ્થપાઈ. પછીથી વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સક્રિય બન્યા. ગુજરાતમાં પાછળના સમયમાં વલ્લભ વિદ્યાનગરના સ્થાપક, ગુજરાતમાં વિરોધ પક્ષના પ્રથમ નેતા ભાઈલાલભાઈ પટેલ તે જ જમાનામાં સિંધમાં સક્કરબાજ યોજનાના મુખ્ય ઈજનેર હતા. તેમને પત્ર લખીને ગુજરાતમાં આવીને ગુજરાતની સેવા કરવા સૂચવેલું. ભાઈકાકા આથી સિંધ છોડી અમદાવાદ આવ્યા. મ્યુનિસિપાલિટીના ચીફ એન્જિનિયર બન્યા અને આમ વલ્લભભાઈની સૂઝથી અમદાવાદના વિકાસનો પાયો નંખાયો.
સરદાર બન્યા
બારડોલીની લડત વખતે વલ્લભભાઈ આસપાસનાં ગામડાં ઘૂમતા. ધોમધખતા તાપમાં ખેડૂતોનાં ખેતરો ખૂંદતા. કાંટા, કાંકરા, ખરબચડા રસ્તાની પરવા ન કરતાં. અમદાવાદ જેવા મોટા શહેરની સગવડોમાં રહેનાર વલ્લભભાઈ બેધડક ફરતા. તેમના આ આચાર અને વાણીથી સ્ત્રીપુરુષમાં નવજુસ્સો પ્રગટતો. તેમના શબ્દો નવા પ્રાણ ફૂંકતા અને ફનાગીરી પ્રેરતા. સ્વ. ઉત્તમચંદ શાહે સાચવેલાં તેમના ભાષણો તીરથી વધુ વેધક અને તંત્રથી વધુ ધારદાર હતા. તેનું પુસ્તકરૂપે પ્રકાશન થયું છે! તેમના ભાષણો મડદાંમાંય પ્રાણ પૂરે એવાં હતાં. આવી એક સભા નાની ખરોડ ગામે હતી. સરદારના ભાષણથી પાનો ચઢતાં સભામાં પોતાની જાતને ના રોકી શકતા.
ચાલુ ભાષણે કુંવરજી દુર્લભજી પટેલ નામના ખેડૂત ઊભા થયા. બોલતા સભાસ્થાન તરફ જવા પ્રયત્ન કરવા લાગ્યાં. હાથ હલાવીને એ બોલતા હતાઃ ખમ્મા મારા વાલા... ખમ્મા! મારા વીરા. તું અમારો સરદાર. તું અમારો દોરનાર. ખમ્મા તમને સરદાર ખમ્મા! તમે અમારા સરદાર, ધન્ય ધન્ય સરદાર!
મેદની આ સાંભળીને મોટેથી બોલી, ‘સરદાર અમારા, અમે સરદારના’... ‘જય સરદાર ખમ્મા સરદાર’નો નારો બેવડાયો અને ‘જય સરદાર’થી ગગન ગાજ્યું. કુંવરજી દુર્લભજીએ વલ્લભભાઈને સૌપ્રથમ ‘સરદાર’ કહ્યા. સરદાર શબ્દ પ્રચલિત બન્યો અને પછીની સભામાં મહાત્મા ગાંધીએ કહ્યુંઃ ‘વલ્લભભાઈ આપણા સરદાર છે’.


