આપણાં નસીબે ભારતના વિભાજનથી સ્થાપિત સરહદોની એક લજ્જાજનક કહાણી છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા વિભાજન તો નક્કી કરી નાખવામાં આવ્યું. પણ તેની સરહદો કઈ રીતે નક્કી કરવી? બ્રિટિશ સત્તાને હવે જલ્દીથી ‘બળતું ઘર કૃષ્ણાર્પણ’ કરીને છૂટી જવું હતું. આઝાદ હિન્દ ફોજ અને નૌકાદળની સેનાના વિપ્લવથી ગભરાયેલું બ્રિટન ભારતીય સૈન્યમાં વધુ ઉત્પાત થાય અને બ્રિટિશ અફસરોનો ભોગ આપવો પડે તેવું તેઓ ઇચ્છતા નહોતા એટલે કોંગ્રેસે વિભાજનને માન્ય કરવાનો ઠરાવ કર્યો કે તુરત સરહદની આંકણી કરવા એક બ્રિટિશરને નિયુક્ત કરી દીધો. નામ સિરીલ રેડક્લિફ. બિચારાએ ભારતને એક મોટા નકશામાં જ જોયું હતું, ક્યારેય અહીં આવ્યો નહોતો, તેને 10 દિવસમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદો નક્કી કરવાનું કપરું કામ સોંપાયું. પ્રદેશોના નકશા પણ તેની પાસે નહોતા. એક જ વાર વિમાની પ્રવાસ કર્યો. અહીંની સંસ્કૃતિનો, પ્રજાજીવનનો અને પારિવારિક વ્યવહારોનો તો ક્યાંથી ખ્યાલ હોય?
કચ્છ અને સિંધનો અતૂટ નાતો છે તેનો અંદાજ નહિ. કરાચીમાં સિંધી અને ગુજરાતીઓ પરંપરામાં હજારો વર્ષથી જીવે છે તેનો કોઈ ખ્યાલ નહિ. અહીં હિંગળાજ માતા, પાણિની અને મુએ-જો-દરોની સભ્યતા કે તક્ષશિલા વિદ્યાધામ દેશને અખંડ બનાવે છે તેની સમજ પણ નહિ. પંજાબમાં લાહોર તો શ્રીરામના પુત્રો લવ અને કુશની કર્મભૂમિ. લવ-લાહ-લવપુર-લામપુર-લાહોર આ બધાં પરાક્રમી લવના નામે અને કુશના નામે કસૂર ક્ષેત્રથી જાણીતા. આર્યસમાજનો ગઢ.
લાલા લજપતરાય અહીં લાયલપુરમાં જન્મ્યા અને લાહોરમાં બ્રિટિશ લાઠીમારથી શહીદ થયા. અહીં જ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી થઈ (તે જેલ જ નેસ્તનાબૂદ કરી નાખવામાં આવી છે) આ બધાની ખબર રેડકલીફને પડી ત્યારે તેને લાગ્યું કે હિન્દુ સાહિત્ય, સંસ્કૃતિ, દેવાલયથી સમૃદ્ધ લાહોર તો ભારતમાં જ હોવું જોઈએ. પણ તેવું ના થયું. રેડકલીફ અંતિમ દિવસોમાં લંડનમાં હતા, ત્યારે પત્રકાર કુલદીપ નાયર તેમને મળ્યા હતા. રેડકલીફે કહ્યું કે તે સમયના તમામ દસ્તાવેજો મેં હતાશા સાથે બાળી મૂક્યા છે.
આવાં તકલાદી સીમાંકનથી ભારત-પાકિસ્તાન રચાયું. કચ્છ અને સિંધને વિખૂટા કરવામાં આવ્યા. વચ્ચેનું રણ અને જમીન કચ્છ અને બનાસકાંઠાને પાકિસ્તાનથી અલગ પાડે છે. 1965 અને 1971માં ભારતીય સૈન્યે જીતી લીધેલા છાડબેટ, નગરપારકર નજરે જોવાની તક મને મળી હતી. ત્યાંથી આવેલા સોઢા રાજપૂત આગેવાને તેની આપકથા પણ લખી છે. ગુજરાત સાહિત્ય અકાદમીનો હું અધ્યક્ષ હતો ત્યારે તેનું પ્રકાશન કર્યું હતું.
પૂર્વોત્તરની હાલત પણ અલગ નથી, એવી જ વિષમ કહાની છે. વિભાજન પહેલા એક બ્રિટિશ પ્લાન એવો હતો કે આસામ, બંગાળને સંયુક્ત બંધારણ એસેમ્બલીના સભ્ય તરીકે રાખીને ભવિષ્યમાં પાકિસ્તાનની સાથે જોડી દેવું. કોંગ્રેસના પીઢ નેતા ગોપીનાથ બારડોલોઇના પ્રબળ વિરોધને ગાંધીજીએ ટેકો આપ્યો. વિભાજનની આંધીમાં આસામ તો બચી ગયું, પણ ઘણી ખુવારી સાથે.
ચોખાના અન્નભંડાર (જેમ છાડબેટ ઘાંસચારા માટે સમૃદ્ધ હતું) સરખો સિલહટ જિલ્લો પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો. પછી નવું સૂત્ર લીગે અપનાવ્યું,: ‘સિલહટ નેલામ ગણભોટે, કાછાડ નેબો લાઠીર ચોટે!’ જનાબ ઝીણાએ તે સમયે ખાનગી સચિવ મોઇનુલ હક્કને કહ્યું હતું કે બસ, દસ વર્ષ થોભી જાઓ, આખું આસામ તમને સોનાની થાળીમાં ભેટ આપીશ. આ ચૌધરી આસામના મુખ્યમંત્રી બન્યા હતા ને પછીના મુખ્યમંત્રીઓ પૂર્વ પાકિસ્તાનથી મોટા પાયે ઘૂસપેઠમાં આંખ-કાન બંધ રાખીને બેઠા એટલે 1980 માં આસામ આંદોલન થયું. પછીથી પૂર્વ બંગાળના શેખ મુજીબુર રહેમાનની આંખો ખૂલી અને બાંગ્લા દેશના નિર્માતા (તે પણ ભારતની મદદથી) બન્યા પણ તે પહેલા તેમણે લખેલા ‘ઈસ્ટર્ન પાકિસ્તાન, ઇટસ પોપ્યુલેશન, ડિટર્મિનશન એન્ડ ઇકોનોમિક્સ’માં ને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ‘ધ મિથ ઓફ ઇન્ડિપેન્ડન્સ’માં ઇશાન ભારતને પાકિસ્તાનમાં જોડવાની પરોક્ષ દલીલ કરી છે.
પૂર્વ બંગાળના મુસ્લિમોને વિકાસના નામે આસામમાં લાવનાર સર સાદૂલ્લાની સરકાર માટે તો મુસ્લિમ પ્રજાએ કહેવત ઊભી કરી કે ‘ઉપર અલ્લા, નીચે સાદૂલ્લા!’ પછીથી વોટ બેન્ક માટે ‘અલી, કુલી. અને નેપાળી’ સૂત્ર કોંગ્રેસે અપનાવ્યું હતું. (જેવુ આપણે ત્યાં ‘ખામ’ સૂત્ર હતું.) અહીં ગોલપરા-બાંગ્લાદેશ વચ્ચેની સરહદ વ્યાપક ઘૂસણખોરી માટે જાણીતી થઈ. મહેંદ્રગજ અને કાચાર સરહદ પણ આવી જોખમી છે. પાકિસ્તાન અને ચીન. ઘણે અંશે મ્યાંમારની સરહદોની સમસ્યાઓ ગંભીર છે. 1947 પૂર્વે બર્મા ભારતનો ભાગ હતો, સ્વતંત્રતા સંગ્રામમાં બર્માએ મોટો ભાગ ભજવ્યો હતો, તિલક અને સુભાષ માન્ડલેની જેલોમાં કારવાસી તરીકે રહ્યા હતા, સોહનલાલ પાઠકને અહીં ક્રાંતિ પ્રવૃત્તિ માટે ફાંસી આપવામાં આવી હતી. શરદબાબુની નવલકથા ‘પથેર દાબી’ની કથાભૂમિ બર્મા છે, જેમાં સવ્યસાચી નામે ક્રાંતિકારનું ગૌરવી પાત્ર આલેખાયું છે. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજની રાજધાની રંગુન હતી અને 1943માં આઝાદ હિન્દ સરકાર રચાઇ હતી.
1947ની સરકારની પહેલા આ આઝાદ સરકાર, જેનો પોતાનો રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, આર્થિક બેન્ક અને ચલણ તેમજ મંત્રીમંડળ હતા. આંદામાન અને નિકોબાર તેમજ ઇમ્ફાલ સુધીની તેની હકૂમત હતી. 1947 માં વિભાજન થયું. ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદો થઈ, એક પશ્ચિમ બંગાળ અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે, બીજી આસામ-ત્રિપુરાની પૂર્વ પાકિસ્તાનની વચ્ચે, ત્રીજી બર્માની સાથે.
પંજાબના બે ભાગલા થયા એટલે ત્યાં વિભાજન દર્શાવતી સરહદો રચાઇ. 1950થી ચીને આક્રમણ દ્વારા નવી સરહદો ઊભી કરી. તિબેટ ભારતનો સાંસ્કૃતિક ભાગ હતો, ચીને પોતાનો બનાવી લીધો, 1947માં પાકિસ્તાની હુમલાથી કાશ્મીર ખંડિત થયું, આજે પાકિસ્તાન અને ચીનની પાસે ભારતની 2,22,236 વર્ગ કિમી જમીન છે. ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ 15,200 કિમીની છે. તેના સરહદી દેશો પાકિસ્તાન, ચીન, બર્મા, શ્રીલંકા, નેપાળ, બાંગલાદેશ અને અફઘાનિસ્થાન છે. ભારત-ચીન વચ્ચે 3917 કિમી સરહદ છે, જોકે તેને 50,000 વર્ગ માઈલ જોઈએ છે. પંજાબ-પાકિસ્તાન 547 કિમી, રાજસ્થાન-પાકિસ્તાન 1035 કિમી, ગુજરાત-પાકિસ્તાન 512 કિમી, આસામ-બાંગ્લાદેશ 262 કિમી, મેઘાલય-બાંગ્લાદેશ 443 કિમી, મીજોરમ -બાંગ્લા દેશ 318, ત્રિપુરા-બાંગ્લા દેશ 856. એટલે તો સમજવું પડે કે સીમા પર સાવધાન!