સાબરમતી, વડોદરા, મેઘાણી અને જેલોમાં કવિતા!

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 11th February 2026 05:19 EST
 
 

સાબરમતી આશ્રમ, સાબરમતી રેલવે સ્ટેશન અને સાબરમતી જેલ: આ ત્રણે એકબીજાથી બહુ દૂર નહિ, તેવાં સ્થાનો છે. આધુનિક, પ્રાચીન અને ઐતિહાસિક સામગ્રીનો અનુભવ કરવો હોય તો પ્રવાસીઓને આકર્ષતા નદીકિનારા (રિવરફ્રન્ટ) સાથે સંવાદ કરતાં સાબરમતી સત્યાગ્રહ આશ્રમ અચૂક જવું જોઈએ. હવે તો તેનું ભવ્ય સુંદર પુનર્નિર્માણ થઈ રહ્યું છે, જૂની જગ્યાઓને જાળવીને આધુનિક આશ્રમ બની રહ્યો છે. અહીં પ્રાર્થનાનો સામૂહિક સ્વર વહેતો. મીરાબહેન જેવા અંતેવાસીઓ હતા, જવાહરલાલથી સરદાર વલ્લભભાઈ પરામર્શ કરવા આવતા. આ દરવાજેથી જ દાંડીયાત્રાની શરૂઆત થઈ હતી. કવિ શ્રીધરાણી સાવ તરૂણ વયના હતા, સત્યાગ્રહી ટુકડીમાં સમાવેશ ના થતાં સાક્ષી તરીકે છેક સુધી સાથે ગયા હતા. ભાવુક કવિએ ત્યારે એક કાવ્ય પણ લખ્યું. શીર્ષક હતુંઃ ‘સપૂત’.

આવવું ન આશ્રમે - મળે નહિ સ્વતંત્રતા!
જંપવું નથી લગીર - જો નહીં સ્વતંત્રતા!
સ્નેહ, સૌખ્ય સૌ હરામ - ના મળે સ્વતંત્રતા!
જીવવું માર્યા સમાન - ના યદિ સ્વતંત્રતા!
પુત્ર-દાર!
જન્મમૃત્યુના જુહાર!
જંપવું ન, જાલીમોય જંપશે ન, સૌ ખુવાર!
મૃત્યુ કે સ્વતંત્રતા – લખી ન આ લલાટ હર!
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડયા,
ખેતરો ખૂંદયા અને ભમ્યાં અનેક ગામડાં!
મહી વટયા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા!
ઝૂંપડે જઇ વસ્યા, પ્રજા – અવાજ પામવા!
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો!
સર્વ સાથ - કોઈ ના બધું સમાન - એકલો!
રાષ્ટ્રદેવ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા!
એક એ અનંતમાંથી સિંધુ સાત ઉમટ્યા!
પગો પડે!
સુવર્ણ માટીમાં મઢે!
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે!
જીવશે ન - જીવવા દઈ સપૂત જાલીમો!
મારશેય, મુક્તિમહેલ તો ચણાય રાખનો!

ગાંધી અને દાંડી - બંનેનું કેવું સરસ આલેખન છે. મજાની વાત એ છે કે ગૂજરાત વિદ્યાપીઠના આ વિદ્યાર્થીએ ગાંધીજીને આ કવિતા બતાવવાનું સાહસ કર્યું ત્યારે તેમણે કહ્યું: કવિતાને બદલે એટલો સમય રેંટિયો કાંત્યો હોત તો? ‘ઉપદેશક’ ગાંધીએ આ કવિ યુવકને હતાશ કર્યો એટલે મોટેભાગે મહાદેવભાઇએ તેને મનાવવા કોશિશ કરી હતી!
સાબરમતી આશ્રમથી થોડે દૂર સાબરમતી જેલ આવી છે. ખતરનાક અપરાધીઓનું તે સજા-સ્થાન છે. તેની સાથોસાથ સ્વાતંત્ર્ય સંગ્રામથી મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓ સુધીના કેદી અહીં રહ્યા છે. સરદારને દાંડીયાત્રા પૂર્વે સમગ્ર રસ્તાનો અંદાજ મેળવવા મોકલ્યા તો સરકારે તેમને અધવચ્ચે જ પકડી લીધા અને સાબરમતી જેલમાં મોકલી દીધા. સરદાર મોટેભાગે લેખનની નિસ્બત ધરાવતા નહોતા તેનો એક અપવાદ આ જેલ છે. ત્યાં કોટડીમાં બેસીને તેમણે ડાયરી લખી હતી!

એક ત્રીજી ઘટના યાદ કરવા જેવી છે. સરદાર ભગતસિંહના સાથી વૈશમ્પાયન પણ આ જેલમાં હતા. 1930માં એ સમયે સત્યાગ્રહ, અસહકાર અને નમક કાનૂન લડતમાં જે પકડાયા તેમાંના ઝવેરચંદ મેઘાણી પણ આ જેલમાં હતા. મેઘાણીની યાદગાર રચના ‘વિદાય’ આ ક્રાંતિકાર એક ઉર્દૂ ગીત લલકરતા તેને લીધે જન્મી. વૈશમ્પાયન ગાતા ભગતસિંહ અને સાથીઓનું પ્રિય ગીત: ‘હમ ભી ઘર રહ સકતે થે...
તેની કેટલીક પંક્તિઓ હતી:

હમ ભી આરામ ઊઠા સકતે થે ઘર મેં રહ કર,
હમકો ભી પાલા થા માં-બાપને દુખ સહ-સહ કર,
વકત-એ-રુખસત ઉન્હે ઇતના ભી ન આયે કહકર,
ગોદ મેં આંસુ જો ટપકે કભી રૂખ સે કહકર,
તિફ્લ ઉનકો હી સમજ લેના જી બહલાને કો,
અપની કિસ્મત મેં અઝ્લ સે હી સિતમ રખા થા,
રંજ રખા થા, મૂહિન રખા થા, ગમ રખા થા,
કિસ કો પરવાહ થી ઔર કિસ મે દમ રખા થા,
હમને જબ વાદિ-એ-ગુરબત મેં કદમ રખા થા,
દૂર તક યાદે વતન આઈ થી સમઝાને કો!

હવે જુઓ મેઘાણીની રચના, સાવ સ્વતંત્ર સ્વરૂપે -

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે,
ગભૂડી બહેનના આંસુભીના હૈયાહિંચોળે,
અમારાં નેન ઉનાં ઝંપતા આરામ-ઝોલે.
સમય નો’તો પ્રિયાને ગોદ લઈ આલિંગવાનો,
સમય નો’તો શિશુના ગાલ પણ પંપાળવાનો.
સમય નવ માવડીને એટલું કહેતા જવાનો:
‘ટપકતા આંસુને, ઓ મા! સમજ જો બાળ નાનો’
અહોહો! ક્યાં સુધી પાછળ અમારી આવતી’તી
વતનની પ્રીતડી! મીઠે સ્વરે સમજાવતી’તી
ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી’તી
‘વળો પાછા!’ વદીને વ્યર્થ વલવલતી જતી’તી.

આમ તો આ કાવ્યની સાત કડી છે, પણ તેની અંતિમ પંક્તિ વિના આ સમર્પણનું ગીત અધૂરું રહી જાય. કવિએ ઉમેર્યું છે: ‘કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની, અમોને યે સ્મરી લેજો જરી પળ એક નાની!’

સાબરમતીના સંદર્ભે બીજું પણ કેટલુંક યાદ આવી જાય. આ લોખંડી સળિયા પાછળની દુનિયા નિહાળવાનો મોકો મળ્યો હતો. નિમિત્ત હતું 1975-76ની અંધાધૂંધ કટોકટી, સેન્સરશીપ, અને ‘મિસા’ કાનૂન હેઠળ અટકાયતોની. 1.10 લાખ લોકો જેલોમાં હતા, તેમાં ઈંદિરાજીને ‘પ્રિય ઇન્દુ’ કહેનારા જયપ્રકાશ પણ હતા, ચંદ્રશેખર, મોરારજીભાઇ, અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, મધુ દંડવતે, પીલુ મોદી, જ્યોર્જ ફર્નાન્ડીઝ, રાજમાતા વિજયારાજે સિંધિયા, મહારાણી ગાયત્રી દેવી, કે.આર. મલકાણી, બાબુભાઇ પટેલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, ચીમનભાઈ શુક્લ, સૂર્યકાંત આચાર્ય... અને દેશવ્યાપી 100 પત્રકારો. કુલદીપ નાયર, એસ. મલયા, રાજાભાઈ નેને, સી.પી. ભીશીકર, ચુનીભાઈ વૈદ્ય, જગદીશ શાહ, વીરેન્દ્ર ગુપ્ત... તેમાંના કેટલાક.

‘સાધના’ સાપ્તાહિકની ભૂમિકા પણ કટોકટીના વિરોધની હતી એટલે મારે પણ ભાવનગર જેલમાં રહેવાનું થયું. રસપ્રદ વાત એ રહી કે તેને લીધે આ ઐતિહાસિક સાબરમતી જેલ અનાયાસ જોવા મળી. અટકાયત તો ‘મિસા’ હેઠળ હતી, પણ તે દરમિયાન અમદાવાદ પોલીસે મારા લેખોને કારણે ડીઆઈઆર હેઠળ કેસ કર્યા, તેને માટે અમદાવાદની અદાલતમાં આવવાનું બને. જોકે પોલીસ એટલી સાવધાન કે ભાવનગર જેલથી ત્રણ પોલીસના પહેરા હેઠળ ટ્રેનમાં અમદાવાદ લાવે, સાબરમતી સ્ટેશનથી સાબરમતી જેલમાં લઈ જાય, તે પછી કોર્ટમાં લઈ જાય. ન્યાયમૂર્તિ શ્રી તાત્યા બરાબર સમજતા કે આ ખાલી મજાક છે. પૂછે પણ ખરા કે ભાવનગર જેલમાં કોઈ અગવડ નથીને?

આ દરમિયાન જોવા મળી સાબરમતી જેલની બેરેક. જ્યાં લોકમાન્યને માંડલેમાં છ વર્ષ કેદી તરીકે મોકલવામાં આવવાના હતાં તે પૂર્વે સાબરમતી જેલમાં રાખ્યા હતા, તે સ્થાનને ‘તિલક બેરેક’નું નામ આપવામાં આવ્યું છે. એવી જ બીજી બેરેકનું નામ ‘ગાંધી બેરેક’ છે. ઇંદુલાલ યાજ્ઞિક અને સરદાર પણ અહીં બંદી રહ્યા હતા, પણ તેમની કોઈ સ્મૃતિ નથી. અસંખ્ય બેરેકો, સજા ભોગવતા રીઢા ગુનેગારો, અંડર ટ્રાયલ્સ, વીશી, ખેતર વગેરેની દુનિયા. એ સમયે તો કટોકટીના અટકાયતીઓ હતા. તેમને મળવાનું થાય, બેઠક યોજવામાં આવે, અંધારપટમાં જે માહિતીઓ મળે તેની ચર્ચા થાય. સરકારની નીતિ એવી કે આ અટકાયતીઓ એકસાથે એક જેલમાં હોય તો કૈંક મુસીબતો પેદા કરે. આ જેલમાં કેટલાકે ટાઈમ-કેપ્સ્યુલનો અખતરો કર્યો પણ ખરો. જો કેન્દ્ર સરકાર દિલ્હીમાં આવું કરવાનો નિર્ણય લેતી હોય તો વિરોધની તવારીખ પણ કેપપ્સ્યુલમાં કેમ નહીં? એવી દલીલ થઈ. સત્તાવાળાઓએ માની નહીં, અન્યથા ગુજરાતનાં અટકાયતીઓની દસ્તાવેજી સામગ્રી મળી હોત!
તે સમયની બીજી જેલ વડોદરાની હતી. ભુજ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર જૂનાગઢની જેલોમાંથી સૌને સાબરમતી અને વડોદરા જેલોમાં પછીથી રાખવામાં આવ્યા હતા. ત્યાં પણ ગીતસંગીત, રમત, સંઘ-શાખા, વ્યાખ્યાનો, ચર્ચાઓ, તહેવારોની ઉજવણી વગેરે થતાં રહેતાં હતાં! વડોદરા જેલમાં તો ગાયકવાડના સમયનું ગ્રંથાલય પણ હતું. તેના ગ્રંથપાલ તરીકે, લાંબી સજા ભોગવતો એક બ્રાહ્મણ કેદી હતો. મેઘાણીએ તો જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે સમયે ‘જેલ ઓફિસની બારી’ પુસ્તક પણ લખ્યું હતું! બંગાળી લેખક જરાસંધ તો જેલર હતા, તેની નવલકથા સમગ્ર જેલ વિશેની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter