રસપ્રદ છે તેમના વિશે વિચારવાનું. ઘણા બધાએ તેમના જન્મદિવસે લખ્યું, વિચાર્યું. 200 જેટલાં પુસ્તકો લખાયાં. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિશે શું વિચારતા હશે? અને રશિયન પ્રમુખ પુતિન? કે પછી પાકિસ્તાનના નેતાઓ? ચીની શી જિનપિંગના મનમાં શું હશે? તેમને સાચા ભાવે માનનારાઓ, ખુશામતખોરો, વિરોધીઓ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી... રસ પડે તેવી આ ખોજ થઈ શકે. પણ મસમોટો સવાલ એ છે કે આ બધા જે બોલે છે, તેના કરતાં ભીતરમાં શું વિચારતા હશે, તેની ખબર પડે કઈ રીતે? એક ઉપાય આધુનિક વિજ્ઞાને શોધી કાઢ્યો તે બેભાન બનાવીને ‘નાર્કો’ ટેસ્ટ કરવાનો છે. પણ હમણાં એક અહેવાલ આવ્યો હતો કે એક અપરાધી એટલો ઉસ્તાદ નીકળ્યો કે નાર્કો ટેસ્ટમાં પણ તદ્દન અવળા રસ્તે તપાસનીશોને ચડાવી દીધા હતા!
એક તર્ક એવો છે કે માણસ જીવતો હોય ત્યારે તેના વિશે કોઈ વિચારે તો તેમાં કાં તો અહોભાવ અને પ્રસંશાનો અતિરેક આવે અથવા પૂર્વગ્રહનો ઉકરડો આવે! એક વાર અટલ બિહારી વાજપેયી સાથે ગપશપ ચાલતી હતી ત્યારે તેમણે આ વાત કરી હતી કે કોઈ વ્યક્તિ વિશે તમારે તેના જીવનનું પુસ્તક લખવું હોય તો તે વ્યક્તિ જીવિત હોય ત્યારે ના લખવું. ગમેતેવા તટસ્થ રહેવાનો પ્રયાસ કરો તો પણ પક્ષપાત અથવા પૂર્વગ્રહ આવ્યા વિના રહેતા નથી. મેં મજાકમાં કહ્યું કે ગાંધીજી મૃત્યુ પામ્યા પછી લખાયેલા પુસ્તકોમાં પણ એવું દેખાય છે. તે હસી પડ્યા હતા.
પણ, આ ન.મો. એકવીસમી સદીનું એવું પાત્ર છે કે ચાહી ના શકો તો યે ધિકકારી પણ ના શકો એવી સજ્જતા ધરાવે છે. ‘ગુજરાત સમાચાર’ના અમારા મિત્ર સી.બી. પટેલનો આગ્રહ થયો કે તેમના જન્મદિન પ્રસંગે પ્રકાશિત થઇ રહેલી વિશેષ સપ્લિમેન્ટમાં મારે લખવું. હું વિચારમાં પડી ગયો કે લખું તો શું લખું? ઘણા સંશોધક લેખકો એવો દાવો કરે છે કે અમે તેમના વિશે ખાસ્સું સંશોધન કરીને લખ્યું છે, જે બીજે ક્યાંય આવ્યું નથી. ખરેખર?!
અમારા એક મરાઠી લેખક મિત્ર ગિરીશ દાબકેએ ગોધરા રમખાણ પછીના દિવસોમાં નરેન્દ્રભાઈની ભૂમિકા વિશે લખ્યું. પુસ્તકનું નામ ‘નરેન્દ્રાયન’! મેં મજાકમાં કહ્યું કે નરેન્દ્રભાઈના વિરોધીઓ (જેની સંખ્યા હમણાં વધી પડી છે, કેમ કે બિહાર અને બીજે ચૂંટણી આવી રહી છે) કથિત ચેનલો, તથા યુટ્યુબ અને બીજાં માધ્યમમાં ખૂણેખાંચરેથી તથાકથિત ઘટનાઓ, સંદર્ભો, વિગતો લાવીને એવું નેરેટિવ પીરસે કે સામાન્ય વાચકને સાચું લાગે. પણ આ વાંકદેખાઓને ખબર નથી કે જેમ સોશિયલ મીડિયા ગમે તે ભેળસેળવાળી રસોઈ પીરસે, દર્શક ચતુર થઈ ગયો છે. તે બધું તારવી કાઢે છે. તેને પહેલેથી અંદાજ હોય છે કે આને નર્યા જૂઠની દુકાન જ ચલાવવી છે, તેને પડદા પાછળ એવું કામ સોંપાયું હોય છે કે તલનો તાડ બનાવે. મોદીના રોડ શો દરમિયાન ક્યાંક કોઈ કૂતરું અડફેટે ચઢી ગયું હોય તો તે પણ મોદીની સૂચના મુજબ થયું હોય તેવી વાર્તા ઊભી કરવી.
જુઓને, ચૂંટણી પંચ કંઈ આજકાલનું નથી, અગાઉ પણ તેના તંત્રની ટીકા થતી. સૌરાષ્ટ્રના 1952થી 1962 સુધીના ખેલના ઘણા લોકો સાક્ષી હશે. પોતાના ઉમેદવારના પ્રચાર માટે વિરોધ પક્ષના નેતાઓ-કાર્યકર્તાઓ ગામડામાં જાય ત્યારે ગામની બહાર ચોરા પર મૂછાળા મર્દ જોટાળી બંદૂક લઈને બેઠા હોય ને ઝાડ પર પાટિયું લટકાવ્યું હોય કે ‘અહીં વિરોધ પક્ષોએ ગામમાં પ્રવેશ કરવાની તસ્દી લેવી નહીં!’ આ ઘટનાઓ મેં નજરે જોઈ છે અને મતદાનમાં થપ્પાબાજી થતી તેના ઘણા અહેવાલો અખબારોમાં આવતા.
હાલના ચૂંટણી આયોગ વિશે કોઈ મોટી મોથ મારી હોય તેમ રાહુલ ગાંધી બોમ્બના નામે સુરસુરિયા ફેંકે છે અને વડાપ્રધાનને ‘ચોર’ કહેવાની ‘સભ્યતા’ દર્શાવે છે! તેમના એક પૂર્વજ વડાપ્રધાનના સમયે કાશ્મીરમાં એવી ચૂંટણી થઈ હતી કે પ્રજા પરિષદના તમામ ઉમેદવારોના પત્રક રદ કરીને શેખ અબ્દુલ્લાના પક્ષની જીત પાકી કરી હતી. રાહુલના બીજા પૂર્વજ વડાપ્રધાને તે સમયના આસામ આંદોલનની સામે પોતાનું વર્ચસ્વ દેખાડવા માટે તે સમયના ચૂંટણી આયોગના વડા આર.કે. ત્રિવેદી (જે થોડા સમય માટે ગુજરાતનાં રાજયપાલ પણ રહ્યા હતા)ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દબાણ કરવામાં આવ્યું કે આસામમાં ભલે આંદોલન હોય, વિધાનસભાની ચૂંટણી જાહેર થવી જોઈએ. ત્રિવેદીએ તેવું કર્યું, આસામના આંદોલનકારો (જેમાં મોટાભાગના પ્રબુદ્ધો, લેખકો, મહિલાઓ, છાત્રો સામેલ હતા) એ ચૂંટણીનો - જ્યાં સુધી ઘૂસપેઠની સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી - બહિષ્કાર કર્યો. પણ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર તો ચૂંટણી કરાવવાના નિર્ણય પર દૃઢ હતી.
પરિણામ એ આવ્યું કે નેલ્લી જેવા અનેક સ્થાનોએ હત્યાકાંડ થયા અને ચૂંટણીમાં પ્રજાએ મતદાન ના કર્યું એટલે દરેક જગ્યાએ માંડ પાંચ, દસ ટકા મતદાન થયું. તેમાં વધુ મત મેળવનારા જીતેલા પ્રતિનિધિઓ સામાન્ય ચૂંટણીમાં આટલા મત મેળવે તો ડિપોઝિટ ગુમાવવી પડે એવા હતા. તેની સરકાર કેવી હોય?
આવી હરકતો થઈ હતી તે આજે ભૂલીને સમગ્ર સરકારને ‘મત ચોર’ ગણાવવી તે કેવી વિડંબના છે? પણ હવેનું લોકતંત્ર આવા તમાશાઓથી, ઉશ્કેરણીથી, જાતિવાદથી અને વધુ આક્ષેપોની ગટરથી ઉભરાશે એટલું તો નિશ્ચિત છે. આવા સંજોગોમાં વર્તમાન વડાપ્રધાન અને પક્ષને ચોમેરથી ઘેરી લેવાનો ખેલ ચાલુ થઈ ગયો છે. એટલા ભોળા ના બનશો કે આમાં વિદેશી સત્તાઓનો હાથ નહીં જ હોય. વિશ્વની રાજકીય ઊથલપાથલો અચાનક કે સહજ રીતે બનતી નથી. આ દૃષ્ટિએ સત્તા - રાજનીતિનું ‘વૈશ્વીકરણ’ - ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે. લોકશાહીમાં તેને વધુ તક મળી જાય છે. બીજે પણ તેવું જ બને છે.
આવા સંજોગોમાં એક ગુજરાતી ભારતીય રાજકારણનું સૌથી મહત્વનું, સૌથી વધુ પસંદ અને સૌથી વધુ વિરોધી ખેલનું પાત્ર બન્યો છે. આ પહેલાં તો સ્વાતંત્ર્યની આસપાસ સરદારને એવું ભોગવવાનું આવ્યું હતું. વિરોધીઓ એક વાક્ય પણ પ્રયોજે છે કે હવે ગુજરાતી ગેંગનું રાજકારણ નહિ ચાલે. દેશને બદલે તેઓ ગુજરાત વિશે વિચારીને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યા છે.
સાવધાન, દિવસો આકરી કસોટીના છે. પડકાર સત્તા પક્ષના સંતોષનો ઓડકાર ખાઈને, માત્ર નરેન્દ્ર મોદીના નામે સત્તાને ભોગવનારા નેતા-કાર્યકર્તાઓને માટે પણ છે.


