એક વાત તો ઇતિહાસના પાનાં પર વારંવાર દેખાતી રહી છે. તે એ કે મહાન વ્યક્તિત્વને અને તેના વિચારોનો સ્વીકાર કરવામાં ઘણું મોડું થઈ જાય છે. કૃષ્ણ, સોક્રેટિસ, મીરા, આદિ શંકરાચાર્ય, શ્રી રામ, કે મહાદેવ, નરસિંહ મહેતા કે જ્ઞાનેશ્વર તો પ્રાચીન નામો છે. વર્તમાન યુગમાં તેની યાદી ઘણી લાંબી છે. ગાંધીને સમજવા તો મુશ્કેલ હતા અને છે, એમાં તેમના ભક્તો ઓછા જવાબદાર નથી. ‘અમે બાપુ તણા પગલે બધાં એવા છીએ ચાલ્યા, હવે બાપુ તણું પગલું શોધવું પડશે!’ રામધારી સિંહ દિનકર કહેતા કે મહાન પુરુષોની નિયતિ એવી જ હોય છે કે તેના ભક્તો - અનુયાયીઓ - શિષ્યો પૂજાનો અતિરેક કરીને તેને મારી નાખે છે, અને વિરોધીઓ તેની આલોચના કે હત્યા કરીને જીવાડે છે!
ડો. રામમનોહર લોહિયા એકલા રાજકારણી નહોતા, ચિંતક પણ હતા, પણ સ્વાધીન ભારતમાં તેમને નકારાત્મક નેતા જ કહેવાયા. તેમણે એક વાર કહ્યું હતું કે મારા માર્યા પછી લોકો મને સમજશે. ડો. ભીમરાવ આંબેડકરને શરૂઆતમાં ગાંધી એક ‘બ્રાહ્મણ’ નેતા માનતા. એવું કહેવાય છે કે તેમના કહેવાથી જવાહરલાલે વચગાળાની સરકારમાં મંત્રી બનાવ્યા અને પછી ચૂંટણી થઈ તેમાં તેઓ જીતે નહીં તેવા સફળ પ્રયાસ કર્યા હતા! ડો. શ્યામાપ્રસાદની સરખામણીમાં પોતાને પ્રગતિશીલ માનનાર નેહરુએ એક વાર ટીકા કરી કે હું તમારા પક્ષ (જનસંઘ)ને કચડી નાખીશ. ડો. મુખર્જીએ તેનો જવાબ વાળ્યો કે કચડી નાખવાની તમારી માનસિક્તાને જ હું કચડી નાખીશ!
26 ફેબ્રુઆરીએ વીર સાવરકરની પુણ્યતિથી પ્રસંગે આપણે સ્મરણાંજલિ આપી. 28 મે, 1883ના રોજ નાસિક જિલ્લાના ભગુર ગામે તેમનો જન્મ, અને 26 ફેબ્રુઆરી, 1966ના તેમનું અવસાન થયું. આટલાં વર્ષોમાં તેમણે મહારાષ્ટ્રથી બ્રિટન, બ્રિટનથી આંદામાંનની 11 વર્ષ જેલ અને પછી મહારાષ્ટ્રની જુદી જુદી જેલોમાં 14 વર્ષ... આ તેમની કારાગારની જિંદગી. 27 વર્ષના હતા ત્યારે સજા થઈ, જેલોમાં કાવ્યો અને પુસ્તકો લખ્યા. ઈન્ડિયા હાઉસ - લંડનમાં ‘ક્રાંતિકારોના સૂર્ય’ કહેવાયા. મદનલાલ ધિંગરાએ તેમને નમન કરીને બ્રિટિશ અધિકારી કર્ઝ્ન વાયોલીનો વધ કર્યો. ગુજરાતી માહાનુભાવોથી માંડીને બ્રિટિશ આઇરિશ ક્રાંતિ વિચારકોના સંપર્કોમાં રહ્યા. ગાય-દ-અલ્ડ્રેડ તો તેમનાથી પ્રભાવિત થઈને ભારતીય આઝાદીને માટે જેલવાસી બન્યા. હેગ અદાલતના મુકદ્દમા વખતે સાવરકર મુક્તિ સમિતિ બનાવી. ઈજિપ્ત, રશિયા, જર્મની, જાપાન, અમેરિકામાં વિચાર વહેતો કર્યો. લાલા હરદયાલ, મેડમ કામા, બેરિસ્ટર સરદારસિંહ રાણા, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, એમ.એસ. અય્યર જેવા તેમના તેજસ્વી સાથીદારો હતા. સ્ટુટબર્ગની આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો મેડમ કામાની સાથે સફળ પ્રયાસ કર્યો. સ્વયં લેનિન સાથે તેની મુલાકાત થઈ હતી અને લંડનમાં યોજાયેલા વિજયાદશમી પર્વે ગાંધીજીની સાથે મંચ પર વ્યાખ્યાન આપ્યું.
ભારતમાં જેલમુક્તિ સમયે 54 વર્ષના થઈ ગયા હતા, પણ જુસ્સો યથાવત હતો. એક અનુમાન એવું હતું કે તેઓ પણ તે સમયની કોંગ્રેસમાં જોડાઈને આઝાદીની ચળવળમાં ભાગ લેશે. પણ સાવરકરના પોતાના દૃઢ વિચારો હતા. રત્નાગિરી જેલમાં તેમણે હિંદુત્વનું ભાષ્ય કરતો ગ્રંથ લખ્યો, જેલમાં હોવાને લીધે ખુલ્લા નામે લખે તો પુસ્તક પ્રતિબંધિત થાય, એટલે નાગપુરથી મુલાકાતે આવેલા વાસુદેવ કેલકરને અંગ્રેજીમાં લખાયેલી હસ્તપ્રત આપી, તે લેખક ‘મરાઠા’ નામે છપાઈ. આંદામાનમાં ક્રાંતિકાર સાથી ભાઈ પરમાનંદે કહ્યું: ‘આ લેખક મરાઠા શાનો? તે તો મહાત્મા હોવો જોઈએ!’
આ માત્ર ઇતિહાસ નથી, ઊંડાણપૂર્વકની સમીક્ષા છે. કેટલાક અધૂરા અભ્યાસ અને પોતાનો એજન્ડા ફેલાવવામાં નામચીન લેખકો આ પુસ્તકને કેન્દ્રમાં રાખીને તેમને હિન્દુ કોમવાદી ગણાવે છે. હવે, આ પુસ્તકનાં જ વિચારનું આ વિધાન વાંચો: ‘હિંદુત્વનો સંબંધ વિશાળ અને વ્યાપક અભિગમની સાથે જોડાયેલો છે. જ્યારે કોઈપણ વ્યક્તિ હિંદુત્વ સાથે સક્રિય છે ત્યારે તમામ સીમાડા વટાવીને આખા વિશ્વનો વિચાર કરવા માંડે છે ત્યારે તે સાચા અર્થમાં હિન્દુ થાય છે, કારણ કે જગતની સરહદ જ મારા દેશના સીમાડા છે.’
ક્રાંતિકાર સાવરકર ઉત્તમ લેખક પણ હતા. આંદામાન દરમિયાન 13,500 પંક્તિઓની કવિતા લખી તે આરામદાયક સ્થિતિમાં નહીં, જેલની દીવાલ પર અંકિત કરીને પછી કંઠસ્થ કરી હતી. ‘માઝી જન્મટીપ’ તે અત્યાર સુધીની જેલવાસની કહાણી છે. લંડનમાં તેમણે સત્તાવનનો સ્વાતંત્ર્ય સમર દસ્તાવેજી પ્રેરક ઇતિહાસ લખ્યો, જે પ્રકાશિત થાય તે પહેલા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. સરદાર ભગતસિંહે તેનું ભારતમાં પ્રકાશન કર્યું. ‘કમલા’, ‘વિરહોચ્છવાસ’, ‘મહાસાગર’, ‘મૂર્તિ દૂજી તી’, ‘હિંદુત્વ’, ‘હિંદુપદ પાદશાહી’, ‘સહા સોનેરી પાને’, ‘માજયા આઠવણી’, ‘શત્રુચ્યા શિબિરાત’ વગેરે તેમના સર્જન છે.
હિંદુત્વની સહજ સરળ વ્યાખ્યા એટલે ‘સિંધુપર્યંત ભારત ભૂમિ જેની પિતૃભૂમિ અને માતૃભૂમિ હોય તે હિન્દુ છે. તે કોઈ વિશિષ્ટ સંપ્રદાયનું નામ નથી, પણ અનેક પંથ, વિચાર, સંપ્રદાયોની ભારત ભૂમિ, જે તમામનો સમાવેશ કરે છે.’ તેમાં અશ્પૃશ્યતા અને જાતિ, જન્મજાત જાતિભેદ, ગોપૂજન નહિ ગોપાલન, હિન્દી રાષ્ટ્રભાષા સાથે તમામ ભાષાઓનું ઉત્થાન, આત્યંતિક હિંસા અને અહિંસા બંને પાપ, સમજકારણ વિનાનું રાજકારણ નિરર્થક, રાજકારણનું હિંદુકરણ અને હિંદુઓનું સૈનિકીકરણ (તત્કાલિન ઇતિહાસના પરિપ્રેક્ષમાં) વગેરે મુદ્દાઓ તેમણે લોકો સુધી પહોંચડ્યા.
તેમના જીવનનું એક દુર્ભાગ્ય એટલે ગાંધીહત્યામાં સંડોવણીનો આરોપ. જેઓ તેમનું જીવન અને વ્યવહાર જાણે છે તે આની કલ્પના પણ કરી ના શકે. અલબત્ત, તેઓ નિર્દોષ છૂટયા પણ સુવિધાજનક જિંદગી જીવતા કેટલાક ‘સાવરકરે તો માફી માંગીને જેલમુક્તિ મેળવી’ તેવા પ્રદૂષિત એજન્ડા સાથે સક્રિય છે. એ માફી નહોતી, વિચારપૂર્વકની વ્યૂહરચના હતી કે આંદામાનમાં અનેક ક્રાંતિકારો સબડતા રહે તેને બદલે બહાર આવે તો વધુ દેશસેવા કરી શકે. સાચી હકીકતોને બદલે સંદર્ભ વિનાના આક્ષેપો કરીને - પુસ્તકો લખીને તેઓ લાંછન લગાડવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા છે. પણ સમયની દીવાલ પર આ ક્રાંતિયજ્ઞના મહારથીનો વિચાર અંકિત છે, તે કોઇ નહીં ભૂંસી નહિ શકે.


