સિંગાપોરમાં વૈષ્ણવ ઓળખઃ ભરત રાજ

દેશ-વિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Sunday 28th May 2017 08:11 EDT
 
 

વિશ્વના સમૃદ્ધ દેશોમાંનો એક તે સિંગાપોર. અહીં પાંચેક હજાર ગુજરાતીઓ વેપાર-ધંધા અને નોકરીમાં છે. ૩૫ જેટલા દેશોમાં એલ્યુમિનિયમ પેનલની નિકાસ કરનાર, પેનલનું ચીનમાં ઉત્પાદન કરનાર ભરત રાજ સિંગાપોરમાં સમૃદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ છે. જીભની મીઠાશ ધરાવનાર અને વૈષ્ણવી તિલક કરીને ઓફિસ જતા ભરતભાઈ નોખી છાપ ધરાવે છે. વૈષ્ણવ આચારવિચારથી ભરેલો, તેમનો ભક્તિમય પરિવાર જનકલ્યાણમાં રાચે છે. સિંગાપોરમાં તેમની પાસે મદદની આશાએ આવનારને નિરાશ ના થવું પડે. તે સાચી સલાહ આપે. રસ્તો બતાવે, વ્યવહારુ ઉકેલ શોધે.

ભરતભાઈ ૧૯૮૨માં સિંગાપોર આવ્યા. સાડા ત્રણ દસકા એમના સિંગાપોરવાસને વીત્યા. ૨૦૦૫થી ૨૦૦૮ સુધી તેઓ સિંગાપોર ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ હતા. ૧૯૫૬માં ગુજરાતી યુવક મંડળના નામે સ્થપાયેલા સમાજમાં ભરતભાઈ સક્રિય હતા. આ સમાજ પછીથી ગુજરાતી સમાજમાં પલટાયો હતો. ભરતભાઈના પ્રમુખપદ દરમિયાન ગુજરાતી સમાજ પ્રાણવાન અને ધબકતો બન્યો. ગુજરાતી સમાજના પ્રમુખપદ દરમિયાન તેમણે તેમાં યુવા પાંખ સ્થાપી અને સિનિયર સિટીઝન માટેના ખાસ કાર્યક્રમ ગોઠવ્યા. પ્રમુખ મટ્યા પછી પણ વડીલ તરીકે તેઓ આદરપાત્ર મનાય છે. તેમનું માર્ગદર્શન લેવાય છે. તેમણે નરેન્દ્ર મોદીનો સિંગાપોરમાં કાર્યક્રમ ગોઠવ્યો આને કારણે ગુજરાત સરકાર અને સિંગાપોર વચ્ચેનો નાતો વધારે દૃઢ થયો.

ભરતભાઈના દાદા કાનજી ગોકળ સૌરાષ્ટ્રમાં આડતનું કામ કરે. આફ્રિકાના વેપારીઓ વતી માલ ખરીદીને મોકલે. તેમના દીકરા કલ્યાણજી ૧૯૪૦માં મુંબઈ ગયા. તેમણે વેપાર વધાર્યો. આ જ વર્ષે ચોથા નંબરના પુત્ર ભરતભાઈ જન્મ્યા. એસ. એસ. સી. સુધી ભણીને તે ધંધામાં જોડાયા.

૧૯૬૨માં તેઓ ધંધાર્થે જાપાન ગયા. તેમની રાજ ટ્રેડીંગ કંપની આયાત-નિકાસનું મોટું કામ કરતી. નેશનલ રેડિયોની ત્યારે એજન્સી મળી. આ રેડિયો બજારમાંથી ખરીદીને ચા, ખાંડ, સાયકલ, કાર, ટાવર, અનાજ, બાંધકામનો સામાન વગેરે અફઘાનિસ્તાન મોકલતા. અફઘાનિસ્તાનમાં રહે તો ધંધો વધારે સરળતાથી ચાલે માનીને ૧૯૬૫માં તેઓ કાબૂલ આવ્યા.

દક્ષિણ કોરિયા, ચીન, હોંગકોંગ, જાપાન, તાઈવાન વગેરેનો માલ તેઓ કાબૂલમાં વેચતા. અફઘાનિસ્તાનમાં તેમણે કોરુગેટેડ બોક્સ બનાવવાની ફેક્ટરી કરી. આ બોક્સમાં સૂકો મેવો, ફળ વગેરે ભરીને નિકાસ થઈ શકે.

૧૯૬૬માં ભરતભાઈ રેખાબહેનને પરણ્યા. કાબૂલમાં બંનેના વૈષ્ણવ આચાર-વિચાર જુદી ભાત પાડતા. ૧૯૮૨ સુધી ભરતભાઈ કાબૂલમાં રહ્યા. દિવસે દિવસે ત્યાં અશાંતિ વધતી જતી હતી. આને કારણે ભારતીય દૂતાવાસ દ્વારા ચાલતી શાળા બંધ કરવામાં આવી. આવા વખતે પોતાનાં બાળકોને ભણવા માટે બીજી સ્કૂલ ન હોવાથી બાળકોના ભાવિને ખ્યાલમાં રાખીને દેશ છોડવા વિચાર્યું.

સિંગાપોરમાં ઘણી બધી ચીજો ખરીદીને તેઓ કાબૂલમાં મોકલતા હતા. મલેશિયામાંથી ખરીદીને રાજ ટ્રેડિંગ કંપની દર મહિને ૨૦ હજાર ટન ઘી અફઘાન સરકારને મોકલતી. સિંગાપોરમાં રહે તો બાળકોને ભણવાની સગવડ મળે અને છતાં અફઘાન સરકારને માલ મોકલી શકાય. સરકારને માલ મોકલવામાં પૈસાનું જોખમ નહીં. આથી ૧૯૮૨માં તેઓ સિંગાપોરમાં વસ્યા અને વેપાર ચાલુ રાખ્યો.

જાપાની, પુશ્તો, પર્શિયન, ગુજરાતી, મરાઠી, હિંદી અને અંગ્રેજી - એમ સાત સાત ભાષાઓના ભરતભાઈ જાણકાર છે.

ભરતભાઈ વિના જાહેરાતે સારા એટલે કે જનકલ્યાણ અને ભક્તિના કાર્યમાં મદદરૂપ થતા રહે છે. પત્ની રેખાબહેન વૈષ્ણવ ધર્મના ઊંડા અભ્યાસી અને લેખક છે. ભરતભાઈના આર્થિક સહયોગથી તેમણે વૈષ્ણવ સંપ્રદાય અંગે સુંદર ચિત્રો ધરાવતાં ગ્લેઝ કાગળમાં છપાયેલા કેટલાંક પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. સિંગાપોરના ગુજરાતીઓમાં ભરતભાઈ નોખી ભાત પાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter