થોડા મહિના અગાઉ ભારતમાં અનોખું જોવાં મળ્યું. ના, સૂર્યનો અભ્યાસ કરવા ISRO દ્વારા આદિત્ય-L1ના લોન્ચિંગની વાત નથી કે સ્વેદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના લોન્ચિંગની પણ વાત નથી. આશરે 200 મિલિયન લોકો ગરીબીરેખાની બહાર લવાયા તેની વાત નથી અથવા અટલ સેતુ સી બ્રિજ પરિપૂર્ણ કરાયો કે 2024ના ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે જીતેલા ઐતિહાસિક મેડલ્સની પણ વાત નથી. આ બધી જ સિદ્ધિઓ મહાન હોવા વિશે કોઈ શંકા નથી, પરંતુ હું જે સિદ્ધિની વાત કરું છું તે શ્વાનોના રક્ષણ માટે લાખો ભારતીયોએ કેવી રીતે અવાજ ઉઠાવ્યો તે વિશે છે.
દિલ્હીની કોર્ટે આદેશ આપ્યો હતો કે શહેરની શેરીઓમાં ફરતા એક મિલિયન જેટલા શ્વાનોને પકડીને તાળામાં પૂરી દેવામાં આવે.કોર્ટના આદેશનો વિરોધ કરવા તત્કાળ અભિયાન શરૂ કરી દેવાયું. દિલોદિમાગમાં ધરબાયેલી અહિંસાની પ્રાચીન વિરાસતે દેશના આત્માને ઝઝકોરી દીધું. ‘શ્વાનો બોલી નહિ શકે, માટે અમે ગર્જના કરીશું’ના સૂત્રો સાથે લોકો શેરીઓમાં ઉતરી આવ્યા. કૂતરાંઓનાં રક્ષણ માટે કર્મશીલોએ ચાંપતી નજર રાખવા માંડી. દિલ્હીવાસીઓએ જણાવ્યું કે તેઓ પોતાના શેરીઓમાં હરતાફરતા શ્વાનોને ચાહે છે અને તેમના માટે તેઓ પરિવારના સભ્ય સમાન છે. કોર્ટે ઝડપથી પોતાનો આદેશ બદલી નાખ્યો. આ કામગીરી દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિ કેવી રીતે અન્ય સભ્યતાઓથી અલગ પડે છે. આપણે એવી ‘સેનિટાઈઝ્ડ’ સંસ્કૃતિ ઈચ્છતા નથી જ્યાં જીવનના અન્ય તમામ પ્રકારોને નાબૂદ કરી દેવાય. આપણે ઈશ્વરના બધા જ સર્જનો સાથે સંવાદિતામાં રહીએ છીએ. આપણે બધાં ગાય, વાંદરા, કૂતરાં, બિલાડીઓ અને હાથીઓ સાથે સહઅસ્તિત્વ જાળવી રાખીએ! ભારત પ્રગતિની આગેકૂચ કરી રહ્યું છે ત્યારે તેણે અહિંસાનો ત્યાગ કરવો ન જોઈએ. જેઓ આપણી દયા પર નિર્ભર હોય તેમના પ્રતિ અહિંસા દર્શાવીએ તે જ ભારતીય સભ્યતાની અમરતાનું ગુપ્ત રહસ્ય છે.
થોડાં વર્ષો અગાઉ, કિમ ટેલર અને તેમના આન્ટી જુલી વાર્ટેનબર્ગ ઈજિપ્તમાં રજાઓ મનાવવા ગયાં હતાં ત્યારે તેમણે માલિકોને જેમની ખાસ જરૂર હતી છતાં, તેમના પ્રત્યે બેદરકારી રખાતી હોય તેવાં કુપોષિત ગધેડાં નિહાળ્યાં. આ પ્રાણીઓને શેરીઓમાં નિર્દયતાથી માર મરાતો હતો. ઘોડાઓ પર લગાવેલા જીનથી તેમની ચામડી ઘણી ખરાબ રીતે બહાર આવી હતી. તેઓ આ જોઈને ચાલ્યાં ન ગયાં. કિમ અને જુલીએ નબળાં પ્રાણીઓની સારવાર થઈ શકે તે માટે લક્ઝોરમાં નાનું ક્લિનિક શરૂ કર્યું. જુલીએ આ પ્રોજેક્ટમાં તેમની મોટા ભાગની બચત રેડી દીધી. આજે એનિમલ કેર ઈજિપ્ત પાસે હોસ્પિટલ છે તેમજ ઈજિપ્તના વેટરનરી ડોક્ટર્સ માટે ટ્રેનિંગ સેન્ટર પણ છે. દર મહિને ત્યાં 800 ઈજિપ્શિયન બાળકો આવે છે જેમને પ્રાણીઓની કાળજી કેવી રીતે લેવી તેના વિશે જાગૃત કરાય છે.ગધેડાં અને ઘોડા માટે વપરાતાં નોઝ બેન્ડ્ઝ મોટા ભાગે મકડક દોરડાં, સાંકળ અથવા ધાતુના હોય અને તે પ્રાણીઓની ચામડી સાથે સતત ઘસાતાં રહેવાથી ભારે પીડા થતી હોય છે. ઈંગ્લેન્ડમાં સેંકડો વોલન્ટીઅર્સે આ પ્રાણીઓ માટે સોફ્ટ નોઝ બેન્ડ્ઝ બનાવ્યા છે. આ જ કાર્યરત કરુણા છે.
જૈન પરિવારમાં જન્મેલાં પૂનમ દોશી ક્રોલીમાં સેન્ક્ચ્યુરી ચલાવે છે. શહેરમાં ઊંચું પદ ધરાવતા પૂનમ દોશીએ તેમનું જીવન પ્રાણીઓની સેવાને સમર્પિત કર્યું છે. તેઓ અદ્ભૂત કરુણા સાથે બિલાડી અને કૂતરાંની કાળજી લે છે. તેઓ રાતદિવસ બીમાર પ્રાણીઓની સેવા-સુશ્રુષા કરે છે. તેઓ ખરાબ હાલતમાં છોડી દેવાયેલાં પ્રાણીઓને બચાવે છે અને બલ્ગેરિયાથી પણ આવાં પ્રાણીઓને લાવ્યાં છે. થોડો સમય એથેન્સમાં રહેલી તેમની બહેન ભવાની પણ શહેરમાં ત્યજી દેવાયેલી બિલાડીઓને બચાવી લાવતાં હતાં.
આમ, સીમાડારહિત કરુણા જ માનવજાત માટે આગળ વધવાનું એક પગથિયું છે. જ્યાં સુધી માનવીઓના હાથે પ્રાણીઓની દુર્દશા થતી રહેશે ત્યાં સુધી શાંતિ અથવા ખુશી હાંસલ થશે નહિ. ભારતે વિકાસ તરફ આગળ વધવામાં તેના પવિત્ર મૂલ્યોને છોડી દેવા ન જોઈએ.