23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે. સદૈવ યાદ કરવા જેવા એ ક્રાંતિ-નાયક છે. તેમના અલગ અલગ પડાવ રહ્યા. જન્મ્યા હતા ઓરિસામાં (હા, બંગાળમાં નહિ), પિતા જાનકીનાથ બોઝ. આઈસીએસ ભણીને સરકારી સર્વોચ્ચ નોકરીમાં યશ મેળવે એવી માતા-પિતાની ઈચ્છા. પણ અલગ ઈચ્છા-શક્તિ હતી સુભાષની. કિશોરવયે હિમાચલના રસ્તે નીકળી પડ્યા હતા. માધ્યમિક શિક્ષણમાં અંગ્રેજ અધ્યાપકને તેની ગુસ્તાખી માટે પાઠ ભણાવ્યો. લંડનમાં ઉચ્ચ અભ્યાસ દરમિયાન જ નિશ્ચય કરી નાખ્યો કે મારે સરકારી બાબુ નથી બનવું. ગુલામ દેશના ગુલામ અધિકારી બનીને શું કરું? એટલે અભ્યાસમાં શ્રેષ્ઠ હોવા છતાં પાછા વળ્યા.
બંગાળમાં તેમના રાષ્ટ્રીય અને રાજકીય ગુરુ હતા દેશબંધુ ચિત્તરંજન દાસ. બંગાળને જ કર્મક્ષેત્ર બનાવ્યું, અન્યથા રાષ્ટ્રીય સ્તરે મહાત્મા ગાંધીની સમકક્ષ પ્રતિભા ધરાવતા હોત. મ્યુનિસિપલ કોર્પોરેશનથી સુભાષ રાજકીય કારકિર્દીમાં આગળ વધ્યા, સંગઠિત યુવા-સેના બનાવી. ક્રાંતિકારોનો સંપર્ક રાખ્યો. દુષ્કાળ અને રોગચાળાની આફતમાં પીડિત લોકોની વચ્ચે જઈને સેવા કરી. વિદેશોનો પ્રવાસ કર્યો અને આયર્લેન્ડ, જાપાન, ઈટાલી, ફ્રાંસ, ઈંગ્લેન્ડમાં આંદોલનો અને તેના નેતાઓનો અભ્યાસ કર્યો, મળ્યા. બેનિટો મુસોલીનીને મળીને પોતાનું પુસ્તક આપ્યું, ચર્ચા કરી. પછીના વર્ષોમાં તેમણે ઈટાલીમાં ભારતની સ્વતંત્રતા માટે સંગઠન ઊભું કરવાનું આમંત્રણ આપ્યું.
હિટલરે તો ભારતીય યુદ્ધકેદીઓ સમક્ષ, સુભાષબાબુની ઉપસ્થિતિમાં કહ્યું કે હું તો થોડાક કરોડ જર્મન લોકોનો ‘હેર’ (નેતા) છું, બોઝ તો કરોડો ભારતવાસીના ‘હેર’ છે. પોતે લખેલી આત્મકથા ‘મેનકામ્ફ’માં ભારત વિષે આલોચના કરી હતી તે સુભાષબાબુના કહેવાથી કાઢી નાખી. ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસભ્યના સૌથી યુવા અધ્યક્ષ બન્યા, અને ગુજરાતનાં હરીપુરા અધિવેશનમાં સંપૂર્ણ સ્વાધીનતા માટેનું આહ્વાન કર્યું. બીજી વાર પણ અધ્યક્ષ બનીને દેશના યુવાનોને સક્રિય કરવાની તેની ઈચ્છા હતી, પણ ગાંધીજી અવરોધક બન્યા. તેમને કોંગ્રેસ પોતાની રીતે ચલાવવી હતી, એટલે સુભાષની સામે સિતારામૈય્યાને ઊભા રાખ્યા. તે સુભાષની સામે હારી ગયા તો જાહેર નિવેદન કર્યું કે સિતારામૈય્યાની હાર એ મારો પરાજય છે. સુભાષ પ્રમુખપદે પ્રભાવી ના રહે એવી વ્યૂહરચના કરી. જવાહરલાલ, મૌલાના આઝાદ, સરદાર તેમની સાથે રહ્યા. શારીરિક રીતે અત્યંત બીમાર પડેલા સુભાષને રાજીનામું આપી દેવું પડ્યું. થોડાક દિવસોમાં તેમને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા, કેમ કે તેમણે કોંગ્રેસમાં ફોરવર્ડ બ્લોક નામે વધુ સક્રિય જુથ ઊભું કર્યું હતું.
બ્રિટિશ સત્તાને કોંગ્રેસમાં આ વિભાજનથી ખુશી થઈ. સુભાષને એકલા પાડી દેવા માટે કારાવાસી બનાવ્યા, જેલોમાં તેમણે આમરણ ઉપવાસ શરૂ કર્યા એટલે સરકારે તેમને નજરકેદ તરીકે રાખ્યા. કોલકાતાના એલગીન માર્ગ પર તેમના નિવાસેથી, ગુપ્તચર પોલીસની આંખમાં ધૂળ નાખીને છટક્યા અને કબૂલ થઈને રશિયા જવા પ્રયત્ન કર્યો. રશિયા તેમ કરવા સંમત ના થયું એટલે જર્મની પહોંચ્યા. આઝાદ હિન્દ રેડિયો પરથી ભારતવાસીઓને ઉદ્બોધન કર્યું: મારા પ્રિય ભારતવાસીઓ, તમારો સુભાષ બોલું છુ, મારું સ્વાતંત્ર્ય યુદ્ધ નિરંતર ચાલુ રહેશે. 1942ની ગાંધીજીની ચળવળ ‘હિન્દ છોડો’ નિષ્ફળ ગઈ તેની સર્વત્ર હતાશા હતી. બ્રિટિશ સરકારે બધા નેતાઓને - ગાંધીજી સહિત - જેલોમાં ધકેલી દીધા હતા. પ્રજાને દોરવણી આપનાર કોઈ નેતા બહાર નહોતો. એટલે કિશોરલાલ મશરૂવાળા જેવાએ લોકોને માટે નિવેદન આપ્યું કે તમને ફાવે તેમ કરો. ગાંધીજીની અહિંસા અપ્રસ્તુત બની ગઈ. લોકોએ આગ લગાવી, રેલના પાટા તોડયા, હિંસાચાર થયો, અને હતાશાનું વાતાવરણ ઊભું થયું. તેવા સમયે દેશનો પ્રિય નેતા વિદેશે પહોંચીને લડત ચલાવશે એવી સ્થિતિએ ભારતીય પ્રજામાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું.
સુભાષ પણ નવા મોરચા માટે સક્રિય થયા. બીજાં વિશ્વયુદ્ધમાં બ્રિટનને લડાઈ આપીને ભારતની આઝાદી પ્રાપ્ત થાય તેવા પ્રયાસ શરૂ થયા. જાપાન, જર્મની, અને બીજા 11 દેશોએ સમર્થન આપ્યું. જર્મનીથી જાપાન જઈને સુભાષે જાપાનમાં પરાસ્ત બ્રિટિશ સેનાના ભારતીય યુદ્ધકેદીઓની આઝાદ હિન્દ ફોજની રચના કરી. જાપાનના રાજા હિરોહિતો અને જનરલ તોજોએ સમર્થન આપ્યું. 80 હજાર સૈનિકો અને એશિયાના ભારતીયોએ તેમાં ઝુકાવ્યું. એક બીજા ક્રાંતિકારી બોઝ – રાસબિહારી બોઝે - સંપૂર્ણ સુકાન સોંપ્યું અને અત્યાર સુધીના સુભાષ હવે એક સમાંતર સરકાર અને ફોજના ‘નેતાજી’ બન્યા. નેતાજી શબ્દ આટલો ઐતિહાસિક અને મૂલ્યવાન છે, જેને વર્તમાનમાં કેટલાક ભારતીય પક્ષો પોતાના નેતાને નેતાજી ગણાવે ત્યારે માત્ર દયા આવે છે.
નેતાજી તો હિંદમાં એકમાત્ર સુભાષચંદ્ર હતા, જેના નેતૃત્વમાં બર્મા, ઇરાવતી નદી અને આરાકાનના જંગલોમાં સૈનિકો બ્રિટિશ-અમેરિકન સેનાની સામે બહાદુરીપૂર્વક લડ્યા. ટાંચા સાધનો, જંગલની બીમારીઓ, અનહદ વરસાદ અને સામે બેસુમાર સાધનો અને યુદ્ધ-જહાજો સાથેની સેના! તેની સામે 30 હજાર સૈનિકોની આહુતિ... કર્નલ જી.ડી. બક્ષી પોતાના પુસ્તકમાં કહે છેઃ છતાં એક દંતકથા ચાલતી રહી છે કે ખડગ કે ઢાલ વિના. આપણને સાબરમતીના સંતે આઝાદી અપાવી!’
નેતાજીની આઝાદ હિન્દ સરકાર 1943માં રંગુનમાં સ્થાપિત થઈ, તેનું બંધારણ હતું, મંત્રી-પરિષદ હતી, બેન્ક ઊભી કરવામાં આવી અને કરન્સી ચાલુ થઈ. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત પણ બન્યા. આ દૃષ્ટિએ - કાબુલમાં રાજા મહેન્દ્રપ્રતાપના નાનકડા પ્રયાસને બાદ કરતાં - દેશની પ્રથમ સરકાર તો 1943ની આ આઝાદ હિન્દ સરકાર પહેલી સરકાર હતી. 1947માં બ્રિટિશ ડોમિનિયનના સ્વીકાર સાથેની નેહરુ-સરકાર નહિ. આઝાદ હિન્દ ફોજને લીધે 1943માં જ આંદામાન નિકોબારથી છેક ઇમ્ફાલ સુધીની ધરતી સ્વાધીન બની ગઈ હતી. કુદરત, વિશ્વયુદ્ધની સમાપ્તિ, જાપાનની હાર વગેરે સંજોગો ઊભા ના થયા હોત તો દેશનો ઇતિહાસ અલગ જ હોત.
પૂર્વોત્તરથી બંગાળના ચટ્ટગ્રામ થઈને સમગ્ર બંગાળ અને ઉત્તર ભારત સહિત બધે વિપ્લવના માર્ગે બ્રિટિશ સત્તાનો પરાજય નિશ્ચિત હતો. બીજા વિશ્વયુદ્ધમાં દુનિયામાં ફસાયેલ બ્રિટનને માટે ભારત છોડવા સિવાય બીજો વિકલ્પ જ નહોતો. એવું બન્યું હોત કે ભારત-વિભાજન અને ડોમિનિયન સ્ટેટની સ્થિતિને બદલે અખંડ ભારતની સ્વતંત્રતા સ્થાપિત થઈ હોત. 1943માં ટોકયોમાં નેતાજીએ તેમના મંત્રી એ.એસ. અય્યરને કહ્યું હતું કે ભારતમાં બેરિસ્ટર ઝીણાને પાકિસ્તાન અને ભાગલા ના થાય તે માટે સમજાવી શકાયા હોત. આ વાતમા દમ હતો, કારણ કે ઝીણા કોંગ્રેસની નેતાગીરીમાં સૌથી વધુ આદર સુભાષને આપતા હતા. જો એ બંને મળ્યા હોત તો ભારતની તસવીર અલગ હોત અને લાખો નગરિકોની હત્યા, હિજરત, વિભાજનની સ્થિતિ આવી ના હોત. ઝીણાએ નિરીક્ષણ કર્યું જ હતું કે આઝાદ હિન્દ ફોજમાં નેતાજીએ હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, શીખની એકતા સફળતાથી ઊભી કરી શક્યા હતા, જેમાં ગાંધીજી સફળ થયા નહોતા.
કદાચ ચર્ચિલ, માઉન્ટબેટન અને ઇંગ્લેન્ડની સરકાર નેતાજીની સફળતા આ કારણોસર ઇચ્છતી નહોતી કે નેતાજી ભારતનું નેતૃત્વ સંભાળે. આઝાદ હિન્દ ફોજ પછી તુરત ભારતીય નૌકાદળની સેનાની બગાવત તેનું પ્રમાણ હતું. એટલીએ એટલે તો સ્વીકાર કર્યો હતો કે ભારતની બ્રિટિશ સેનામાં હિન્દુ, મુસ્લિમ, શીખ સૈનિકો પર ભરોસો રહ્યો નહોતો. તેઓ સર્વત્ર બગાવત કરે તેવી સ્થિતિ એ જ બ્રિટિશરોને ભારત છોડવાના નિર્ણય તરફ લઈ ગયા હતા. એટલીનું બીજું વાક્ય હતું કે ભારત છોડવામાં ગાંધીજીનું કારણ તદ્દન ‘સાવ નગણ્ય’ હતું.
આપણે ત્યાં કેટલાક મહાન નેતાઓનું સાચું મૂલ્યાંકન થયું જ નહિ. ભગતસિંહના સાથી બટુકેશ્વર દત્તે ક્રાંતિકારો કોણ હતા અને તેમની કર્મ-મુક્તિની સાધના કેવા શિખર પરની હતી તે વિષે એક લેખ લખ્યો હતો. મેડમ કામાના ‘વંદે માતરમ્’ અખબારમાં એક લેખ તેમણે પોતે જ લખ્યો હતો. ગાંધીજીએ ‘ધ કલ્ટ ઓફ ધ બોમ્બ’ લેખ ઇંડિયન ઓપીનીયનમાં લખીને ક્રાંતિપ્રવૃત્તિની આલોચના કરી ત્યારે ભગતસિંહના ગુજરાતી સાથીદાર ભગવતી ચરણ વહોરાએ ‘ધ ફિલોસોફી ઓફ બોમ્બ’ દીર્ઘ લેખ લખીને જવાબ આપ્યો હતો. વીર સાવરકર વિષે આજે કેવું કેવું લખાય છે?
નેતાજીને તેની જન્મજયંતી નિમિત્તે વધુને વધુ જાણવા જોઈએ. બ્રિટિશ અને જર્મન લેખકો સહિત 100 જેટલાં પુસ્તકો લખાયાં છે, હજુ વધુ લખશે, તે મૂલ્યાંકન માટે પણ મહત્વના છે.


