સૂત્રોમાં ઝિંદાબાદ, મુર્દાબાદ અને પ્રજાકીય પ્રેરણા?

ઘટના દર્પણ

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Wednesday 20th May 2026 05:18 EDT
 
 

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીજંગ વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ ગજવેલા ‘અંગ, બંગ અને કલિંગ’ સૂત્રથી રાજકીય સમીક્ષકો વિચાર કરતા થઈ ગયા હતા! આમેય વડાપ્રધાન બન્યા પહેલાથી, નરેન્દ્ર મોદી હોઠે ચડી જાય તેવા લોકપ્રિય સૂત્રોના કર્તા રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતથી તેમણે શરૂઆત કરી. અંગ્રેજી અને ગુજરાતી જુગલબંધીનું કારણ એ હતું કે દેશ-વિદેશેથી ગુજરાતમાં ઉદ્યોગોનું રોકાણ થાય તેવું લક્ષ્ય હતું. રતન ટાટા જેવાને બંગાળમાં નંદીગ્રામમાં ઉદ્યોગ સ્થાપિત કરવાનું મુશ્કેલ બન્યું. યોગાનુયોગ તેની વિરુદ્ધમાં આંદોલન કરનારા હાલના પરાજિત મુખ્યમંત્રી અને હાલના વિજિત મુખ્યમંત્રી – બંને સાથે હતા! ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટાને ગુજરાતમાં ‘વેલકમ’ કર્યા, અને ટાટાએ વાઇબ્રન્ટ ગુજરાત બેઠકમાં જાહેરમાં કહ્યું કે કોઈ મૂરખ જ ગુજરાતમાં રોકાણનો ઇનકાર કરી શકે. નેનોનું સાણંદ નજીકનું થાણું ઉપરાંત ટાટા આજે ગુજરાતમાં ઘણા ઉદ્યોગો ચલાવે છે. મોદીએ તે પછી, ‘વાંચે ગુજરાત’, ‘સંકલ્પ યાત્રા‘, ‘રમશે ગુજરાત’, ‘સમરસ પંચાયત’, ‘કર્મયોગી શિબિર’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘દીનદયાળ અનાજ પૂરતી યોજના’ જેવા ઘણા નામ અને કામ કરી બતાવ્યા.
તેમણે જ બંગાળની ચૂંટણી પહેલા ‘અંગ, બંગ, કલિંગ’ની વ્યૂહરચના પ્રસ્તુત કરી. વિદ્વાનો માટે તો તે મોડેથી સમજવાની યોજના બની, સ્વયં કાર્યકર્તાઓ વિચારમાં પડી ગયા. આયોજન પંચની જગ્યા નીતિ આયોગે લીધી ત્યારે પ્રખર અર્થશાસ્ત્રીઓને આ શબ્દાવલી ગળે ઉતરી નહોતી. આમેય પ્રશાસન અને રાજકારણમાં વળી ‘નીતિ’ કેવી? એવું ઘણાને થયું હશે. પણ પાકિસ્તાન સાથેના ‘ઓપેરેશન સિંદુર’ (આ પણ વડાપ્રધાનનું શબ્દ-સંતાન હતું)ની જેમ મોદીની ધારણા એવી છે કે ટૂંકાં સૂત્રો પ્રજાના દિલોદિમાગ સુધી પહોંચી જાય છે.
 ઈન્દિરાજીનું ‘ગરીબી હટાવો’ સૂત્ર તેવું જ કામિયાબ રહ્યું, અને કોંગ્રેસની સિન્ડીકેટ નાસીપાસ થઈ. ‘ગરીબી હટાવ’ નારો સફળ તો થવાનો જ નહોતો, પણ તે સમયે રશિયન નેતા નિકીતા ક્રુશ્ચોવની એક રમુજ પ્રચલિત હતી. એકવાર સાચા રાજકારણીની વ્યાખ્યા કરતાં તેણે કહ્યું કે જ્યાં નદી અને પાણીની શક્યતા ના હોય ત્યાં અમે વિશાળ બંધ (ડેમ) બાંધી આપીશું એવું રાજકારણી નેતા કહે અને પ્રજા પણ માની જાય તેનું નામ સાચો રાજકારણી છે. મીનુ મસાણીને જેમણે સાંભળ્યા હશે તેને તેમનું એ વિધાન અચૂક યાદ હશે કે રાજકીય રીતે નિષ્ફળ ચતુરોનું છેલ્લું આશ્રયસ્થાન છે સમાજવાદ. સમાજવાદ શબ્દ ભલભલાને છેતરી શકે તેવો તેનો ઇતિહાસ છે. ઈન્દિરાજીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરીને, અને રાજા-મહારાજાઓના સાલિયાણા બંધ કરાવ્યા ત્યારે તેઓ ગરીબી હટાવશે એવી આશા પણ કેટલાકને જન્મી હતી.
રાજીવ ગાંધીને કોઇકે સૂચવ્યું એટલે ‘કામ કરતી સરકાર’ સૂત્ર આપ્યું હતું, પણ સૌથી ધારદાર સૂત્ર તો ભારત-પાક. યુદ્ધ દરમિયાન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ આપ્યું, ‘જય જવાન, જય કિસાન’. લોકો તેને વશ થયા. અટલ બિહારી વાજપેયીના સમયે મોટે ભાગે પ્રમોદ મહાજન દ્વારા સૂચિત સૂત્ર ‘શાઈનિંગ ઈન્ડિયા’ ચાલ્યું નહીં, પણ લાલ કૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢી ત્યારે ‘મંદિર વહીં બનાયેંગે’ લોકોના હોઠ પર લાંબા સમયની તુષ્ટિકરણ નીતિરીતિ સામેનો ભારેલો અગ્નિ બની ગયું. જ્યારે કોંગ્રેસનો રાજ-યુગ હતો ત્યારે જનસંઘે એક સૂત્ર આપ્યું, ‘હર ખેત કો પાની, હર હાથ કો કામ’ અને ચીની આક્રમણ સમયે દીવાલો પર એક દીર્ઘ સૂત્ર દેખાતું થયું, ‘ચીન કે હમલે હોતે હૈ, નહેરુ ચાચા સોતે હૈ, સોતે હૈ તો સોને દો, જનસંઘ કો અબ આને દો’.
શ્યામપ્રસાદ મુખર્જી કાશ્મીર સત્યાગ્રહમાં ગયા ત્યારે ‘એક નિશાન, એક વિધાન’ સૂત્ર પ્રચલિત થયું. સામ્યવાદીઓએ પહેલી વાર કેરળમાં સરકાર બનાવી તો આકાશમાં ઉડવા માંડ્યા અને રસ્તાઓ પર સૂત્ર ચીતર્યુંઃ ‘નેહરુ કે બાદ નામ્બુદ્રીપાદ!’ કેરળના આ બુઝુર્ગ બિરાદરના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવીશું એવી તેમાં ધારણા હતી. કોંગ્રેસની પાસે તો તેના ચૂંટણી ચિહ્નની આસપાસ સૂત્રોચ્ચારની વ્યવસ્થા હતીઃ ‘બે બળદની જોડી, કોઈ શકે ના તોડી’. બસપાનાં નારાઓ સવર્ણ સમાજની વિરુદ્ધ હતાં, તેમાં હવે ફેરફાર થયો છે.
દક્ષિણ ભારતમાં દ્રવિડ રાજનીતિએ ઉત્તર ભારત, હિન્દી ભાષા અને બ્રાહ્મણોની વિરુદ્ધ જોડકણા ઘડી કાઢ્યા અને તે કામ પણ લાગ્યા. પહેલીવાર બે ડીએમકે પક્ષો રાજકીય રીતે સત્તાથી દૂર થયાનો રાજકીય ચમત્કાર એક લોકપ્રિય અભિનેતાએ કરી બતાવ્યો. તેનું નામ છે જોસેફ થલપતિ વિજય. જે નવો પક્ષ સ્થાપિત કર્યો તે તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે). દક્ષિણમાં ખાસ કરીને તમિલનાડુ અને આંધ્રમાં અભિનેતાઓ વધુ લોકપ્રિય છે. તેમના માટે કેટલાક આત્મહત્યા પણ કરે છે. જયલલિતા, એમ.જી. રામચંદ્રન , એન.ટી. રામારાવ વગેરે એવા અભિનેતા નેતા બન્યા. હવે વિજયનો વારો છે. મુસીબત એ છે કે આજે તો કોંગ્રેસે તેણે ટેકો આપ્યો છે, પણ અગાઉ કેન્દ્રમાં ચંદ્રશેખરને ટેકો આપીને પાછો ખેંચી લઇને તેમની સરકારને ગબડાવી પાડી તે કોંગ્રેસનો ઇતિહાસ છે. અહીં પણ એવું નહીં જ બને તેવું કહી શકાય તેમ નથી.
બધાના પોતાના નારા તો હોય, પણ તેમાં કેટલાક જ પ્રભાવી રહે છે. યોગી આદિત્યનાથનું સૂત્ર ‘કટેંગે તો બટેંગે’ બધે ચાલ્યું. હિમંતા બિસ્વ સરમા પાસે ‘અહોમ અસ્મિતા’નો નારો હતો. અગાઉ તે બિદેશી – બહિરાગત હતો. મમતા બેનરજી ‘મા - માટી માનુષ’થી પ્રેરિત રહ્યા. ‘આમાર બાંગલા’ સૂત્ર અને ‘આમચા મહારાષ્ટ્ર’માં ખાસ ફરક નથી. માત્ર શિવસેના તેનો નિરર્થક ઝનૂનથી ઉપયોગ કરી જાણે છે.
ઓડિશામાં જગન્નાથ મંદિરની સાથે જોડાયેલા સૂત્રો રહ્યા છે, ‘જય શ્રી રામ’ના નારો તો દેશવ્યાપી રણઘોષમાં ફેરવાઇ ગયો. બંગાળી નેતા અને ટીએમસી નેતા સાંસદ મહુઆ મોઈત્રા તો એટલાં નારાજ થઈ ગયાં કે ‘અરે, આ લોકો તો વિમાની મુસાફરીમાં પણ જય શ્રીરામના નારા લગાવે છે!’ તેવી ફરિયાદ સુદ્ધાં કરી. દ્વિભાષી રાજ્યરચના દરમિયાનનું ‘આમચી મુંબઈ’નું રૂપાંતર રાજ ઠાકરે વારંવાર કરે છે. એક સૂત્ર સર્વત્ર સમાન છેઃ ‘ઇસ દેશમેં રહના હૈ તો વંદે માતરમ્ બોલના હોગા...’ તમિલનાડુમાં શપથવિધિ વખતે ‘વંદે માતરમ્...’ ગીત સમયે રાહુલ ગાંધીને ઊભા રહીને સાંભળતા જોઈને આનંદ થયો.
વડાપ્રધાન મોદીનું મુખ્ય સૂત્ર ‘સબ કા સાથ, સબ તા વિકાસ’માં પછી ઉમેરાયું છે: ‘સબ કા વિશ્વાસ’. આ એક મહત્વનું ઉમેરણ છે. ભરોસા વિનાનો સમાજ અને દેશ નિર્બળ રહી જાય છે. નેતૃત્વની તે કસોટી છે, તેમાં પેલાં ગીતની જેમ ‘કસમે વાદે, પ્યાર વફા કે, બાતો કા કયા...’ જેવું થવું જોઈએ નહીં. મૂળભૂત રીતે ભારતની ઉચિત ધારણા બહુજન સુખાયની નથી, સર્વજન સુખાયની છે. ‘સહ’ શબ્દ વેદોક્ત પ્રાર્થનાનો સ્તંભ છે, કેમ કે રાજનીતિ સર્વજનની પીડા અને મહત્વાકાંક્ષા એ જ મનુષ્ય કલ્યાણનો આદર્શ હેતુ હોય શકે, અલગાવ, ભેદભાવ નહીં, સામાજિક સમભાવ અનિવાર્ય છે.
બીજી વાત. સૂત્રો અને નારાબાજી તો આંદોલન અને ચૂંટણી સાથે જોડાયેલા છે, તેનું સમગ્ર પ્રજામાં રૂપાંતર કરવું તે કુશળ રાજનેતાની વિશેષતા છે. ઈરાન, અમેરિકા, રશિયામાં સૈન્ય શક્તિ જરૂર છે પણ તેવું નેતૃત્વ નથી. યુક્રેન અને ઈઝરાયેલની પાસે પ્રેરક નેતૃત્વ છે, કેમ કે બન્નેની પાસે વર્ષોની સાંસ્કૃતિક પરંપરા છે તે મોટી તાકાત છે. યુક્રેનનો નેતા ઝેલેન્સકી રંગભૂમિ અને મીડિયાનો કલાકાર છે. યુક્રેનની પાસે ઉત્તમ કવિઓ છે તેની પાસે વારંવાર જાય છે. સૂત્રોની સાથે આત્મબળ જરૂરી છે - તે રાષ્ટ્ર અને સમાજને શક્તિ આપે છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર સત્તાનું બળ ધરાવે છે, તેમની પાસે ગોરબાચોફ કે કેનેડી કે લિંકન જેવી સહજ શક્તિ નથી. ઈરાન તો કટ્ટર ઇસ્લામની મહત્વાકાંક્ષા રાખે છે, તે હવેના યુગમાં લગભગ અપ્રસ્તુત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter