સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકર ૯૧ વર્ષનાં થયાં

Wednesday 30th September 2020 07:16 EDT
 
 

સૂર કોકિલા લતા મંગેશકરે ૬ દાયકાઓથી પણ વધારે સમય સુધી સંગીતની દુનિયાને પોતાના મધુર સૂરોથી સજાવી છે. લતા મંગેશકરે લગભગ ૨૦ ભાષાઓમાં ૩૦ હજારથી પણ વધારે ગીતો ગાયાં છે. ભારત રત્નનો ખિતાબ ધરાવનાર ભારતના સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનો ૨૮મી સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. ભારતનાં સૌથી ખ્યાતનામ ગાયિકા લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં થયો હતો. તેમના પિતાનું નામ દીનાનાથ મંગેશકર હતું અને માતાનું નામ સેવંતી મંગેશકર. લતાજીનાં પિતા મરાઠી હતા અને માતા ગુજરાતી.
લતા મંગેશકરનાં પિતા દીનાનાથ મંગેશકરે બે સગી ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યાં હતા. લતા મંગેશકરનાં પિતાનાં લગ્ન ૧૯૨૨માં થલનેરનાં શેઠ હરિદાસ લાડની મોટી દીકરી નર્મદા સાથે થયાં હતાં. લગ્ન બાદ તેમનું નામ બદલીને શ્રીમતી કરવામાં આવ્યું હતુ. તેમને લતિકા નામની એક પુત્રી હતી જે નાનપણમાં જ ગુજરી ગઈ હતી. જોકે નર્મદાનું અકાળે અવસાન થતાં દીનાનાથે ૧૯૨૭માં બીજાં લગ્ન શેઠ હરિદાસની જ નાની દીકરી સેવંતી સાથે કર્યા હતા. હરિદાસ અને સેવંતીનું પહેલું સંતાન એટલે લતા મંગેશકર.
લતા મંગેશકર ૨૮મી સપ્ટેમ્બરે ૯૧ વર્ષનાં થઈ ગયાં છે. તેઓ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં છે. તેમના જન્મદિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી છે.
વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે, આદરણીય લતાદીદી સાથે વાત કરી અને તેમને જન્મદિવસની શુભકામના આપી. તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરું છું. લતાદીદી દેશભરમાં જાણીતું નામ છે. હું ખુદને નસીબદાર માનું છું કે મને હંમેશાં તેમનો સ્નેહ અને આશીર્વાદ મળતો રહ્યો છે. આજે ભલે લતાજી ઉંમરના આંકડાની ગણતરીએ ૯૧ વર્ષનાં થઇ ગયા હોય, પરંતુ આજે પણ તેમના ગળામાંથી નીકળતા સૂરની મોહિની એવીને એવી અકબંધ છે. એમના ગળાનું ગળપણ કોઈ પણ નવીન યુવાન ગાયિકા કરતાં જરાય ઓછું નથી. સંગીત સાથે જોડાયેલા ભાગ્યે જ કોઈ એવા એવોર્ડ હશે જે એમની પાસે ન હોય. લતા મંગેશકરને ભારતનાં સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે, લતા મંગેશકરે ૧૯૪૨થી સંગીતની આરાધના શરૂ કરેલી એ હજુ પણ વણથંભી છે એ એક મોટું આશ્ચર્ય છે. તેમને અને તેમની નાની બહેન આશા ભોંસલેએ બોલિવૂડમાં પાર્શ્વગાયિકા તરીકે હિન્દી ફિલ્મ સંગીતના ક્ષેત્રે જે યોગદાન આપ્યું છે અને જેટલી સંખ્યામાં ગીતો ગાયાં છે એ વિક્રમી છે. લતાજીએ ફિલ્મી ગીતો ઉપરાંત બિનફિલ્મી ગીતો પણ ઘણાં ગાયાં છે, પરંતુ તેમને ખ્યાતિ તો હિન્દી પાર્શ્વગાયિકા તરીકે જ મળી. ક્યારેય શાળાએ ન જનાર લતાજીએ પોતાની જિંદગીમાંથી ઘણું શીખ્યું છે. પોતાના નાના ભાઇ-બહેનોને તેમણે ક્યારેય માતા-પિતાની કમીનો અનુભવ થવા દીધો નથી. લતાજી અનુસાર તેમના પર સમગ્ર ઘરની જવાબદારી હતી માટે તેમને ક્યારેય લગ્ન કર્યાં નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter