સેવા અને ભક્તિસભર દંપતીઃ કમલેશ-કિન્નરી

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Saturday 18th November 2017 05:06 EST
 
 

વર્ષ ૨૦૦૭માં બીએપીએસના શતાબ્દી વર્ષની ઊજવણીમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી કમલેશ અને કિન્નરી અમદાવાદમાં આવ્યાં. ખંભાતના વતની અને અમદાવાદમાં વસેલા બ્રહ્મભટ્ટ પરિવારનો યુવક તે કમલેશ. ઘરથી નીકળતાં કિન્નરી કહે, ‘જોહાનિસબર્ગમાં ઘરેણાં પહેરીને બહાર જવામાં જોખમ. ઘરેણાં તિજોરીમાં જ રાખી મૂકવા પડે છે. હોય કે ના હોય કંઈ ફેર પડતો નથી. એના કરતાં પ્રમુખસ્વામી મહારાજને આપી દઈએ, જેથી સારાં કામમાં વાપરે...’ બાપાને આપવા ઘરેણાંની પોટલી બાંધી અને ઘરમાંથી બહાર નીકળતાં બાએ જોયું અને કહ્યું, ‘આમાં શું છે?’ કમલેશે બધી વાત વિગતે કરી.

બા કહે, ‘ઘરેણાં પહેરવા જેવી ઉંમરે કિન્નરીને મોહ નથી. મારી તો ઉંમર થઈ. હવે તો તારા બાપા પણ ગયા અને મારેય જવાનું થશે. મારેય હવે ઘરેણાંનો શો ખપ? એ પણ લઈ જા... અને બાપાને આપજે.’
બા અને પત્નીનાં ઘરેણાં સાથે કમલેશ મંદિરે પહોંચ્યો. બાપાને મળીને ચરણસ્પર્શ કરીને પોટલી ચરણે મૂકી. બાપાએ પૂછ્યું, ‘આ શું છે?’ કમલેશે વાત કરી. બાપા કહે, ‘તારે દીકરી છે કે નથી?’
કમલેશ કહે, ‘બાપા, એક જ દીકરી છે અને હજી નાની છે.’
બાપા કહે, ‘પોટલી પાછી લઈ જા. તારી દીકરી માટે કામ લાગશે.’
કમલેશ કહે, ‘બાપા તમારા આશીર્વાદ હશે તો બધું થશે. ભવિષ્યની ચિંતા અત્યારે કરતો નથી. આપ્યાં એટલે આપ્યાં.’ કમલેશે ઘરેણાં પાછાં ના લીધાં.
કમલેશની શ્રદ્ધા અને ભક્તિ ગજબનાં છે. દક્ષિણ આફ્રિકામાં એક સત્સંગીના ધંધામાં નોકરી માટે બે-ત્રણ યુવકને મોકલવાના હતા ત્યારે આત્મસ્વરૂપદાસજીએ કમલેશને પૂછતાં કમલેશે જવાની હા પાડી હતી. આ પછી બે-ત્રણ દિવસમાં કમલેશને લગ્ન અંગે એક છોકરીને મળવાનું થયું. બંનેને પરસ્પર અનુકૂળ હતું પણ છોકરીએ કમલેશને દક્ષિણ આફ્રિકા જવાનું જાણતાં કહે, ‘બે વર્ષ પહેલાં ભારત ન છોડવાનું હોય તો જ મારી હા છે.’
કમલેશને મન લગ્ન કરતાં સંતોને આપેલ વચનની કિંમત વધારે હતી. કમલેશે કહ્યું, ‘મારે લગ્ન પછી તરત જવાની ઈચ્છા છે.’ આથી બંનેનો મેળ ના ખાધો અને કમલેશ દક્ષિણ આફ્રિકા પહોંચ્યો.
કમલેશ જઈને સત્સંગી એવા નાનુભાઈના ટ્રાન્સપોર્ટના ધંધામાં જોડાયો. બીજા વર્ષે નાનુભાઈનું અવસાન થતાં એમના દીકરાઓએ ધંધો બંધ કરતાં કમલેશ બેકાર થયો. બીજે જ્યાં નોકરી મળે ત્યાં નોકરી કરીને દિવસો પસાર કરવા લાગ્યો. કમલેશ જોહાનિસબર્ગ આવ્યો ત્યારે સત્સંગ યુવક મંડળ શરૂ થયું હોવાથી કમલેશ તેમાં જોડાયો. તે મંદિરની સેવાની એક પણ તક જતી કરતો નહીં. કમલેશ ૧૯૯૭માં કિન્નરીને પરણ્યો. તારાપુરની ગ્રેજ્યુએટ યુવતી છએક માસમાં દક્ષિણ આફ્રિકા આવી. વાચાળ અને સેવાથી ભરેલી, હસમુખી કિન્નરી બીએપીએસના મંદિરમાં જાય અને સફાઈ, રસોઈ, ગોઠવણ, સત્સંગ બધામાં ભાગ લે. સત્સંગમાં બંનેની જોડી જામી.
૨૦૦૪માં કમલેશની નોકરી છૂટી. અમેરિકા જવાની શક્યતા લાગતાં બાપાને વાત કરી, આશીર્વાદ માગ્યા. બાપા કહે, ‘ફરવા જવું હોય તો જાવ. બાકી દક્ષિણ આફ્રિકા જ રહો.’ આ પછી સબનાઈટ કંપનીમાં નોકરી મળી. આ કંપનીમાં અડધોઅડધ ભાગ ગોદરેજ કંપનીનો છે. કંપનીમાં કમલેશને કામને કારણે પ્રમોશન મળતાં થયાં અને આજે તે સેલ્સ મેનેજર છે. દક્ષિણ આફ્રિકા અને પાડોશના બીજા દેશોની જવાબદારી કમલેશ સંભાળે છે. સબનાઈટ કંપની સાચા અને બનાવટી વાળની વિવિધ આકાર અને કદની વ્હિગનો મોટો વેપાર કરે છે. શ્યામવર્ણી આફ્રિકનોને હકીકતમાં નહીંવત્ અને ખૂબ ટૂંકા વાળ હોય છે. આથી સ્ત્રી અને પુરુષો મોટા ભાગે બનાવટી વાળ ધારણ કરતાં હોય છે. આ ઉપરાંત વ્હિગને લગતી ચીજો, સુશોભનો પણ વેચે છે. સમગ્ર શ્યામવર્ણી આફ્રિકામાં આ વેપારમાં સબનાઈટ મોખરે છે.
કમલેશ કિન્નરીનું ઘર જોહાનિસબર્ગમાં બીએપીએસના મંદિરથી માંડ ત્રણસો ફૂટ દૂર હશે. કમલેશ - કિન્નરી રોજ એની આરતીમાં ભાગ લે છે. કમલેશ નોકરી પર જતા પહેલાં મંદિરમાં દર્શન કરીને જ જાય. વધારામાં ઘરે આરતી-પૂજા બંને કરે. બાળકો શાળાએ જતા પહેલાં ઘરમંદિરમાં શીશ નમાવીને જાય.
કમલેશ પાસે પોતાના નિવાસી મકાન નજીક પાછળના ભાગમાં બીજા બે નાનાં મકાન છે. તે મોટા ભાગે ભાડાની પરવા વિના નોકરી છૂટી ગયેલા સત્સંગીને રહેવા આપે છે. મંદિરમાં દર્શન કરવા આવનાર નજીકમાં હોવાથી કમલેશને ઘરે ‘કેમ છો’ કહેવા આવે તો ય કિન્નરી ચા-નાસ્તા વિના જવા જ ના દે. સેવા અને ભક્તિ આ દંપતીમાં વણાઈ ગયાં છે. કમલેશ ભલે ધનકુબેર ના હોય પણ સેવા, ભક્તિ અને આતિથ્યમાં એની તોલે આવે એવા ગુજરાતીઓ જોહાનિસબર્ગમાં ખૂબ થોડા હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter