સોમનાથને લૂંટનાર-ધ્વંશ કરનાર મહમૂદ હિંદનો વંશજ

ઇતિહાસના નીરક્ષીર

ડો. હરિ દેસાઇ Tuesday 10th October 2017 07:51 EDT
 
 

શ્રીકૃષ્ણના વંશજ ગજપતે સ્થાપેલા અત્યારના ગઝની કે ગીઝની કે પછી ગઝાનામાં રાજધાની ધરાવીને છેક પંજાબ અને પાકિસ્તાન લગી પોતાના સામ્રાજ્યને વિસ્તારનાર સુલતાન મહમૂદ ગઝનીએ અનેક દિશાઓમાં આક્રમણો કરીને લખલૂટ સંપત્તિ એકઠી કરી. ભારત ભણી એણે ૧૬ વાર સવારી કરી અને ઈ.સ. ૧૦૨૬ની ૧૬મી અને છેલ્લી સવારીમાં એણે હિંદુઓનાં ભવ્ય આસ્થાસ્થાન એવાં બાર જ્યોર્તિલિંગમાંનું સૌથી મહત્ત્વના એવા સોમનાથને લૂંટવા, તોડવા અને ભારતે કત્લેઆમ ચલાવવાનું દુષ્કૃત્ય કર્યું. પોતાના પાંચ હજાર વર્ષના ભવ્ય ભૂતકાળની દુહાઈ દેતા રહેલા હિંદુઓ આપસી યુદ્ધો અને કલહમાં કપાઈ મર્યા એટલે જ ક્યારેક સોનાની ચિડિયા ગણાતા ભારતવર્ષમાં સદીઓ સુધી ગુલામી ઘર કરી ગઈ. ગઝનીએ ચડાઈ કરી ત્યારે પણ વરવી સ્થિતિ એવી હતી કે એનો મુકાબલો કરવાની સ્થિતિમાં ગણાતો ગુજરાતનો રાજા ભીમદેવ પહેલો રાજધાની અણહિલવાડ પાટણ છોડીને પ્રજાને ગઝનીની હિંદુ સેનાપતિ ટિળક હેઠળ જ ક્રૂર સેનાના આતંકનો ભોગ બનવા રેઢી મૂકી ગયો હતો. આવા કાયર રાજપૂત રાજવીની પ્રજામાંના ૨૦ હજાર રાજપૂતોએ મોઢેરા ખાતે પોતાનાં બલિદાન આપીને પણ સુલતાન મહમૂદની સેનાને સોમનાથ ભણી આગળ વધતી રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

પાટણ ઊઘાડું મૂકી રાજા ભાગી ગયો

વાતો કાલ્પનિક નથી. ઈતિહાસે નોંધાયેલી છે. ગઝની ચડાઈ કરે એ પહેલાં પોતાના જાસૂસોને પાઠવીને સઘળી માહિતી મેળવીને દુશ્મનની નબળાઈઓ પારખીને આક્રમણ કરતો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટે ૧૯૬૫માં પ્રકાશિત કરેલા શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ લિખિત ‘પ્રભાસ અને સોમનાથ’માં ‘મહમૂદની સોમનાથ ઉપર સવારી’ના ઘટનાક્રમ અને મહમૂદના હિંદુ સરસેનાપતિ ટિળક તથા એની સેનામાંના જાટ હિંદુ સૈનિકોની હયાતી વિશે સવિસ્તર લખ્યું છે. તત્કાલીન મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાએ આ ગ્રંથના ‘આવકાર’માં ઈતિહાસકાર દેશાઈની તથ્યોને ઉજાગર કરવાની અને નીરક્ષીર કરવાની દૃષ્ટિ તથા ફારસી ભાષાના એમના જ્ઞાનને કારણે મૂળ દસ્તાવેજોના અધ્યયનમાં નિપુણતાને બિરદાવી છે.
શંભુપ્રસાદ નિવૃત્ત આઈએએસ અધિકારી હતા એટલું જ નહીં, સામાન્ય રીતે રાજવીઓના દરબારમાં વહીવટ સંભાળવામાં નિપુણ લેખાતા જૂનાગઢના નાગર પરિવારના હતા. ઈતિહાસકાર દેશાઈ નોંધે છેઃ ‘અણહિલવાડ પાટણમાં આ સમયે પહેલો ભીમદેવ રાજ્ય કરતો હતો. માલવપતિ મુંજ અને ભોજ પરમાર, ચેદીરામ કર્ણ અને સિંધના રાજાઓ સામે યુદ્ધે ચડેલો આ વીર રાજા તેના પાદરે પડેલી (ગઝનીની) વિરાટ સેના જોઈ નાહિમ્મત થઈ ગયો. વિચારવાનો સમય હતો નહીં. મુસ્લિમો સામે અફળાઈને સર્વવિનાશ વહેરી લેવો અથવા શરણે થવું તે બે વિકલ્પો હતા. ‘જીવતો નર ભદ્રા પામે’ એ ન્યાય વિચારી પાટણને ઊઘાડું મૂકી ગુપ્ત માર્ગે તેણે પોતાનું પાટનગર પરદેશી સૈન્યની દયા ઉપર છોડી પલાયન થઈ જવાનું યોગ્ય ધાર્યું.’
મહમૂદનો માર્ગ મોકળો હતો. તેણે પાટણમાં પ્રવેશ કરી લૂંટફાટ કરી અને મંદિરો ભ્રષ્ટ કર્યાં. ‘મહમૂદે (પ્રભાસમાં) તેનાં સૈન્યોનો પડાવ નગર બહાર સરિતાના તીરે કર્યો અને આસપાસના પ્રદેશ જોવામાં કેટલોક સમય ગાળ્યો. મહમૂદે કદી સમુદ્ર જોયો ન હતો. તેણે ઊછળતા ઉંદધિના તીરે ઊભેલા સ્થાપત્યના અપ્રતિમ પ્રતિક જેવા પવિત્ર દેવાલયનાં પગથિયાં, ઘૂઘવતાં જળથી ધોવાતાં જોયાં. તેનું હૃદય તેની રમણીયતા, પવિત્રતા કે રમ્યતા જોઈ રાચ્યું નહીં, પણ તેનો નાશ કરી તેનું દ્રવ્ય લૂંટી લઈ જવા માટેના વિચારે ધબકવા લાગ્યું.’

દોઢ લાખની સેનામાંથી માંડ બે હજાર પાછા ફર્યા

એની સાથે વિશાળ સેના હતી. ૩૦ હજાર ઘોડેસવારો હતા. ઉપરાંત લગભગ ૫૪ હજાર જેટલા અનિયમિત પાળા સ્વયંસેવકો હતા. એમને વચન આપેલું હતું કે સોમનાથની લૂંટમાંથી સરાહના કાનૂનો મુજબ તેમને ભાગ આપવામાં આવશે. લોભને વશ થઈ તેઓ ધન કમાવા આવેલા ગાઝીઓ બન્યા હતા. ૩૦ હજાર ઊંટ સૈનિકોનાં અંગત સાધનો અને યુદ્ધસામગ્રી વહન કરવા માટે હતાં. મહમૂદની અંગત સામગ્રી માટે બીજા ૨૦ હજાર ઊંટ અને એક-એક ઊંટવાહક હતો. હજારો ભિસ્તીઓ, રસોઈયા, મુલ્લાં, ચાકરો, લેખકો, કવિઓ સહિતના દસ હજારનો રસાલો હતો. આ બધાનો હિસાબ કરીને શંભુપ્રસાદે એની સેનામાં કુલ ૩૦ હજાર ઘોડા, ૫૦ હજાર ઊંટ અને એક લાખ પાંચ હજાર (ઉપરાંત) માણસો હોવાનો હિસાબ મૂક્યો છે. ૧૮ દિવસ પ્રભાસમાં રોકાણ દરમિયાન લૂંટફાટ અને આતંક મચાવીને મહમૂદે લખલૂટ સામગ્રી સાથે ૨૪ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ ગીઝની તરફ કૂચ કરી. એ ગીઝની પહોંચ્યો (૨ એપ્રિલ ૧૦૨૬) ત્યારે ‘૧ લાખ ૫૦ હજાર માણસોમાંથી માત્ર ૨૦૦૦ માણસ જ તેની સાથે પાછા આવ્યા. ગાઝીનું બિરુદ પ્રાપ્ત કરવા અને ધન કમાવવા ગયેલા સ્વયંસેવકો શહીદ થઈ ગયા. ગીઝની નિર્જન દેખાવા માંડ્યું... ગીઝનીમાં ભારતમાંથી પકડી લાવેલા ગુલામો સિવાય પ્રજાજનો દેખાતાં નહીં. એમનું બળજબરીથી ધર્માંતર કરવામાં આવ્યું.’ મહમૂદ ગઝનીએ ભારત સવારીના ૧૬મા ફેરામાં સોમનાથને લૂંટ્યું, અપવિત્ર કર્યું, ખંડિત કર્યું અને રાજધાની પાછા ફરતાં સુધીમાં અનેક સાથીઓ ગુમાવ્યા, પણ લખલૂટ સંપત્તિ પ્રાપ્ત કરી.

હિંદુ પિતા સબકતગીનનું સંતાન મહમૂદ

દુનિયાભરના હિંદુઓ માટે ઘૃણા ધરાવતો મહમૂદ ગઝની પોતે હિંદુ ગુલામ સબકતગીનનો પાટવી કુંવર હતો. સબકતગીને સંયોગવશાત્ ઈસ્લામ કબૂલ્યો હતો. પોતાની વીરતા અને કુશળતાથી એ ગઝનીના અમીરના હોદ્દા સુધી પહોંચ્યો હતો. તે સમયે અમીરો ઠાકોરો જેવા નાના નાના રાજાઓ હતા. તેઓ ખલિફ કે ખલિફાનું સાર્વભૌમત્વ સ્વીકારતા. ગઝની, કાબુલ, ખુરાસાન, તુર્કસ્તાન વગેરે દેશોમાં બૌદ્ધ કે હિંદુઓની પ્રજા મોટા પ્રમાણમાં વસતી હતી. સમયાંતરે આ પ્રદેશો ઈસ્લામના પ્રભાવ તળે આવતા ગયા, પણ હજુ ૧૩મી સદી સુધી કાબુલ પર હિંદુ રાજાઓ રાજ કરતા હતા અને ગઝનીના શાસક સબકતગીન (શક્તિ સિંહ) જ નહીં, એના પુત્ર મહમૂદ ગઝનીએ પણ કાબુલના હિંદુ રાજાઓ સાથે જંગ ખેલ્યા હતા. એણે પોતાનું સામ્રાજ્ય છેક પંજાબ-સિંધ લગી વિસ્તાર્યું હતું.
૨ ઓક્ટોબર ૯૭૧ના રોજ જન્મેલા મહમૂદ ગઝનીએ ૩૦ એપ્રિલ ૧૦૩૦ના રોજ ભયાનક વ્યાધિનો ભોગ બનીને મોતને વહાલું કરવાનો વખત આવ્યો હતો. ઈતિહાસકાર દેશાઈ નોંધે છેઃ ‘પોતાના દ્રવ્યલોભને કારણે કરેલાં રાક્ષસી કૃત્યોનાં દૃશ્ય મહમૂદની આંખો સામે ફરતાં હતાં.’ એના મૃત્યુ પછી એના સામ્રાજ્યનો વારસ એના સાત પુત્રો અને ત્રણ પુત્રીઓમાંથી સૌથી મોટો પુત્ર મસૂદ બન્યો, પણ એના પૌત્રના સમયમાં ઈ.સ. ૧૧૩૦માં ઘોરના અમીર અલ્લાઉદ્દીને ગઝની પર ચડાઈ કરીને ‘રક્તપિપાસુ અને દ્રવ્યલોભી’ રાજવી મહમૂદના વંશના શાસનનો અંત આણ્યો હતો.

શ્રીકૃષ્ણના વંશજ અસપતે ઈસ્લામ કબૂલ્યો

ઈસ્લામનો પ્રાદુર્ભાવ ઈ.સ. ૬૧૦માં થયો અને તે સમયમાં શોણિતપુર (મિસર-ઈજિપ્ત-બેબિલોન)માં શ્રીકૃષ્ણના ૮૨મી પેઢીએ વંશજ એવા રાજા દેવેન્દ્ર કે દેવ યાદવનું શાસન હતું. ઈસ્લામ સામેના જંગમાં એ હાર્યા. રાજા દેવેન્દ્રના ચાર પુત્રો અસપત (અશ્વપતિ), નરપત (નરપતિ), ગજપત (ગજપતિ) અને ભૂપત (ભૂપતિ)માંથી મિસરની ગાદીએ અસપત ઈસ્લામ કબૂલીને ખલિફાની શાહજાદી સાથે નિકાહ કરીને આરૂઢ થયાની ઈતિહાસમાં નોંધ છે. અસપતના બીજા ત્રણ ભાઈ સિરિયા, ઈરાક, ઈરાન વગેરે પ્રદેશોમાં રાજ્યો સ્થપાતા અને ગુમાવતા અંતે કાબુલ અને ખુરાસાનમાં આવ્યા. ગજપતે અહીં સંવત ૭૦૮ (ઈ.સ. ૬૫૨)ના વૈશાખ સુદ ૩ શનિવારે રોહિણી નક્ષત્રમાં ગઝની-ગઝના-ગીઝની વસાવ્યું. સમયાંતરે એમના વંશજો સિંધ-ગુજરાત ભણી સ્થળાંતરિત થતા ગયા. જાડેજા, ચુડાસમા અને ભાટી રાજવીઓ એમના વંશજો ગણાય છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૧૪ ઓક્ટોબર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2hYIAqb)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter