‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી થઈ હોવાના પુરાવા બહાર આવ્યા ત્યારે તેમણે ભારે ઝડપે દોષનો ટોપલો તેમને કહેવાતી સલાહ આપનારા પોતાના ‘ટેક્સ સલાહકારો’ને માથે મઢતી કથા જાહેર કરી દીધી. આ કથા જેમ જેમ ફેલાતી ગઈ ત્યારે જે થવાનું હતું તે જ થઈને રહ્યું અને કથિત ટેક્સ સલાહકારો પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા નિવેદન સાથે બહાર આવ્યા. વાસ્તવમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેમણે આવી કોઈ ટેક્સ સંબંધિત સલાહ કદી આપી નથી. તેમણે તો એટલે સુધી જણાવ્યું કે તેમણે જે કાંઈ કર્યું તે સંપૂર્ણપણે તેમના ક્લાયન્ટ-નામે રેનેર દ્વારા પૂરી પડાયેલી માહિતીને આધારિત જ હતું.
આ ક્વીન રેનેરનો અંત હતો. મને ખાતરી છે કે તેમના ‘વફાદાર’ સમર્થક પ્રાઈમ મિનિસ્ટરે પણ એમ જ કહ્યું હશે કે બસ, હવે બહું થયું. મીડિયા નેરેટિવ્ઝ તો સંપૂર્ણપણે કાબુ બહાર ગયા હતા. રેનેર પાસે માત્ર ડેપ્યુટી PM તરીકે જ નહિ, લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકે પણ રાજનામું આપવા સિવાયનો કોઈ વિકલ્પ રહ્યો નહિ. સંપૂર્ણ બેઈજ્જતી સાથે તેમની રવાનગીમાં હવે કશું જ બાકી રહેતું નથી.
આ ઘટનાએ પ્રાઈમ મિનિસ્ટરને સમગ્ર કેબિનેટના ધરમૂળ રિશફલિંગ કરવાની ફરજ પાડી છે. સાચું કહીએ તો તેમની પાસે કોઈ પસંદગી રહી ન હતી કારણકે દેખીતી રીતે જ પ્રત્યેક ફ્રન્ટબેન્ચરની કામગીરી નિષ્ફળ રહી હતી. તેમની સમસ્યા એ જ રહી છે કે લોકોને પારખવાની, લોકોના મિજાજને પારખવાની અથવા કાર્યક્ષમતાને આધારે કોને પસંદ કરવા તે જાણવાની સાહજિક શક્તિનો તેમનામાં અભાવ છે. તેમના હાથ બંધાયેલા છે કારણકે તેઓ જેમને પોતાની આસપાસ રાખવાની ઈચ્છા ધરાવે છે તેઓ ખરેખર કાર્યક્ષમ નથી. તેમની એકમાત્ર ક્ષમતા વિરોધનું રાજકારણ રમવાની છે, સરકાર ચલાવવી તે તેમની ક્ષમતા બહારની બાબત છે. તેમણે જે ફેરફારો કર્યા છે તેના પર નજર નાખીએ તો કોઈને પણ એવો વિચાર આવી શકે કે તેમણે ફ્રાઈંગ પાનમાંથી સીધો જ આગમાં કૂદકો માર્યો લાગે છે.
કેટલાક નવનિયુક્તના નામ આ પ્રમાણે છેઃ
ડેવિડ લેમીઃ અગાઉ ફોરેન સેક્રેટરી હતા, હવે જસ્ટિસ સેક્રેટરી અને ડેપ્યુટી PM છે.
સ્ટીવ રીડઃ અગાઉ એન્વિરોન્મેન્ટ સેક્રેટરી હતા, હવે હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટ સેક્રેટરી છે.
શબાના મહમૂદઃ અગાઉ જસ્ટિસ સેક્રેટરી હતાં, હવે હોમ સેક્રેટરી છે.
યેવેટ કૂપરઃ અગાઉ હોમ સેક્રેટરી હતાં, હવે ફોરેન સેક્રેટરી છે.
સર એલન કેમ્પબેલઃ અગાઉ ચીફ વ્હીપ હતા, હવે હાઉસ ઓફ કોમન્સના લીડર છે.
રસપ્રદ બાબત એ છે કે રાચેલ રીવ્ઝે તેમનું પદ જાળવી રાખ્યું છે. શું આ પ્રાઈમ મિનિસ્ટરનો તેમના ચાન્સેલરમાં વિશ્વાસ દર્શાવે છે કે પછી જ્યારે અર્થતંત્ર તૂટી પડે, જે નિશ્ચિત છે ત્યારે દોષારોપણ કરવા તેમને કોઈની જરૂર હશે?
વધુ એક રસપ્રદ નિયુક્તિ ચોક્કસપણે આપણા હોમ સેક્રેટરી તરીકે શબાના મહમૂદની છે. હું રસપ્રદ એટલા માટે કહું છું કે જે વ્યક્તિ શેરીઓમાં યોજાતાં વિરોધપ્રદર્શનોમાં જાય છે તેમણે જ હવે હોમ સેક્રેટરી તરીકે આવી કૂચોમાં તોફાની તત્વો સામે કાયદાનું અમલપાલન કરાવવું પડશે આ કેવું વિચિત્ર જણાશે. વિચિત્રતાનું અન્ય કારણ એ પણ છે કે તેમણે 2013માં EDM પર હસ્તાક્ષર કર્યાં હતાં જેમાં ઈસ્લામોફોબિયાની કથિત વ્યાખ્યા હેઠળના અપરાધોને પોલીસે રેકોર્ડ કરવાની માગણી કરાઈ હતી (આ નોંધી લો કે અત્યાર સુધી ઈસ્લામોફોબિયાની કોઈ જ સંમત વ્યાખ્યા નથી છતાં, તેની માગણી કરતી EDM પર સહી કરાઈ હતી!). તેઓ પાકિસ્તાની મૂળનાં છે અને તેથી તેમણે કાશ્મીરના સંદર્ભે પાકિસ્તાનના વલણ સાથે જોડાયેલાં હોવાની ખુલ્લેઆમ જાહેરાત કરી હતી. તેઓ આ પ્રદેશને ‘ભારતના કબજા હેઠળના કાશ્મીર’ તરીકે ગણાવે છે. આ તેમના ભારતવિરોધી વલણની ખુલ્લી જાહેરાત છે. તેમણે તો 2019માં લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર આર્ટિકલ 370 રદ કરવાને ‘કાશ્મીરના લોકો સાથે છેતરપીંડી’ ગણાવી તેની સામે વિરોધમાં પણ ભાગ લીધો હતો.
વધુ એક રસપ્રદ નિયુક્તિ સ્ટીવ રીડની છે જેઓ હવે હવે હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટ સેક્રેટરી છે. આ રસપ્રદ એટલા માટે છે કે 2021ના જુલાઈમાં તેમણે લેબર કાઉન્સિલોના લીડર્સને પત્ર લખી તેઓ ઈસ્લામોફોબિયાની APPG વ્યાખ્યાને અનુમોદન આપે તેવો અનુરોધ કર્યો હતો. હવે તેમની નવી ભૂમિકામાં તેઓ ઈસ્લામોફોબિયા સંબંધે હાલમાં હાથ ધરાયેલી કન્સલ્ટેશન પ્રક્રિયાનો હવાલો સંભાળે છે. હાલમાં આ વ્યાખ્યાને એવી રીતે રચવામાં આવી છે કે ઈસ્લામિક આક્રમણખોરોએ કેવી રીતે શીખ ગુરુઓ અને તેમના પરિવારો પર અત્યાચારો ગુજાર્યા અને મારી નાખ્યા હતા તે સત્ય જણાવવા બદલ શીખ લોકોને લગભગ નિશ્ચિતપણે જેલના સળિયા પાછળ જ જવું પડે. આ વ્યાખ્યા ઈસ્લામનો પ્રસાર તલવારના બળે જ કરાયો હતો તેવું સત્ય જણાવવા બદલ હિન્દુઓ, શીખો, ક્રિશ્ચિયન્સ અને અન્ય લોકોને જેલ પાછળ ધકેલી દેશે.
તમને એ જાણીને ખાસ આશ્ચર્ય નહિ થાય કે ઘણા લેબર સાંસદોએ ઈસ્લામોફોબિયાની આ વિકૃત વ્યાખ્યાને તેમનું સંપૂર્ણ સમર્થન જાહેર કરી જ દીધું છે. એમાં જરા પણ આશ્ચર્ય છે કે લેબર પાર્ટીએ ઘણા લાંબા સમયથી પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સના ફીઆસ્કા વિશે કોઈ પણ ઈન્ક્વાયરીને અટકાવવાનું અભિયાન ચલાવે જ રાખ્યું છે! આ સપ્તાહે જ જેસ ફિલિપ્સે રમતની પોલ ખુલ્લી પાડી દેતા એમ કહ્યું કે,‘પોલીસ દ્વારા માત્ર ઢાંકપીછોડો કરાયો નથી, પણ તેઓ અપરાધકર્મનો હિસ્સો હતા એમ વાત કહેનારી છોકરીઓને હું મળી નથી તેમ કહીશ તો હું જુઠ્ઠું બોલેલી ગણાઈશ.’ આપણે તેને ચોક્કસ સંદર્ભમાં વિચારીએ, તેઓ સેફગાર્ડિંગ એન્ડ વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન એન્ડ ગર્લ્સ માટેના પાર્લામેન્ટરી અન્ડર-સેક્રેટરી ઓફ સ્ટેટ છે. નિર્બળ સ્ત્રીઓના રક્ષણનો હવાલો સંભાળતી મહિલાએ જ પાકિસ્તાની મૂળના પુરુષો અને એમ લાગે છે કે કેટલાક પોલીસ દ્વારા શ્વેત બાળાઓના બળાત્કાર અને યૌનશોષણ તરફ આંખ આડા કાન કરી લીધા હતાં.
સમાપન કરીએ ત્યારે આપણી સમક્ષ સ્પષ્ટ જોવા મળે છે કે સ્ટાર્મરે ગંજીફો ચીપીને મતદારમંડળોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં તો નવા ટાઈટલ્સ સાથે પોતાની જૂની ટીમનું પુનઃગઠન કરાયું છે, પરંતુ પાયાનું ધોવાણ તો યથાવત છે. આ જ સપ્તાહે નાઈજેલ ફરાજે રિફોર્મ પાર્ટી કોન્ફરન્સમાં નેશનલ નેરેટિવમાં વિજયપતાકા ફેલાવી તેનાથી પોલ્સમાં તેઓ શાથી આગળ રહે છે તેની નવાઈ જરા પણ નહિ લાગે.
સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે અને તેની સાથે લેબર સરકારનો પણ અંત આવશે. આ પછી, શું થશે તે નિહાળવાનું ભારે રસપ્રદ બની રહેશે.