ભારતની સ્વતંત્રતા સાથે સંકળાયેલી રોચક માહિતી

Tuesday 15th August 2017 07:25 EDT
 
 

માર્ક ટ્વેઇને ‘ફોલોઇંગ ધી ઇક્વેટર’માં કહ્યું છે કે, ભારત માનવ પ્રજાતિનું પારણું છે, માનવીય બોલી-ભાષાનું જન્મસ્થાન છે, ઇતિહાસની જનેતા છે, દંતકથા-કિવદંતીઓનાં નાની છે અને સંસ્કૃતિક પરંપરાઓની મહાન દાદી છે. લાંબો સમય સુધી સંઘર્ષ કર્યા બાદ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારતને સ્વતંત્રતા હાંસલ થઇ અને આ દિવસ દેશના ઇતિહાસનો સૌથી વધુ મહત્તા ધરાવતો દિવસ બની ગયો. આ પર્વ દર વર્ષે ભારે હર્ષોલ્લાસ ઉજવવામાં આવે છે. ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષની કેટલીક રસપ્રદ માહિતી અહીં રજૂ કરી છે.
• ઇન્ડિયા એવું નામ ઇન્ડસ (સિંધુ) નદી ઉપરથી ઉતરી આવ્યું છે. સિંધુ ખીણની આસપાસ જ ભારતની સર્વપ્રથમ માનવસભ્યતાનો વિકાસ થયો હતો. તેનું સંસ્કૃત નામ ભારત ગણરાજ્ય છે અને માટે જ તેને ભારતના નામથી પણ ઓળખવામાં આવે છે.
• સન ૧૯૦૬, ૭મી ઓગસ્ટના રોજ કોલકતાના પારસી બગાન સ્કવેર ખાતે સર્વપ્રથમ વાર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જે ત્રણ રંગ - લાલ, પીળો અને લીલા રંગના આડા પટ્ટાઓથી તૈયાર કરાયો હતો. તેમાં લાલ રંગના પટ્ટામાં આઠ કમળ, લીલા પટ્ટામાં ડાબી બાજુ સફેદ રંગમાં સૂર્ય તેમજ જમણી બાજુ તારાની સાથે અર્ધચંદ્રાકાર અંકિત કરવામાં આવ્યા હતાં.
• વર્તમાન રાષ્ટ્રધ્વજની સર્વપ્રથમ આવૃત્તિ તૈયાર કરવાનું શ્રેય બેઝવાડાના પીન્ગલી વેન્કૈયાને જાય છે. તેમણે ૧૯૨૧માં રાષ્ટ્રધ્વજનું નિર્માણ કર્યું હતું. જેમાં લાલ અને લીલા રંગના પટ્ટા હતાં, જે ભારતના મુખ્ય બે સમાજને પ્રદર્શિત કરતાં હતાં.
• ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટના રોજ ભારત આઝાદ થયું ત્યારે કોઇ રાષ્ટ્રગીત નિર્ધારીત કરાયું ન હતું. ૧૯૧૧માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી પ્રાર્થના જન ગણ મનની રચના કરી હોવા છતાં તેને સન ૧૯૫૦ સુધી રાષ્ટ્રગીતની માન્યતા મળી ન હતી.
• ‘આનંદમઠ’માં બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું શૌર્યગીત ‘વંદે માતરમ્’ ભારતની સ્વાતંત્ર્યતાના સંઘર્ષના વર્ણનો જેવો જ અર્થ ધરાવે છે. રવિન્દ્રનાથ ટાગોરે ‘જન ગણ મન’ની રચના કરી તેના ૧૫ વર્ષ પૂર્વે સન ૧૮૯૬માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આયોજીત અધિવેશનમાં તેને પ્રથમવાર રાજકીય મંચ ઉપરથી ગાવામાં આવ્યું હતું,
• લોર્ડ માઉન્ટબેટને ૧૫મી ઓગસ્ટનો દિવસ ભારતની સ્વાતંત્રતા માટે પસંદ કર્યો કારણ કે આ દિવસે જ જાપાને સંયુક્ત સેના સામે શરણાગિત સ્વીકારી તેને બે વર્ષ પૂર્ણ થતાં હતાં. ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, બહેરીન, રિપબ્લિક ઓફ કોન્ગો પણ ભારતની સાથે જ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરે છે.
• ભારતની સ્વતંત્રતા પછી પોર્ટુગલે પોતાના બંધારણમાં સુધારો કર્યો અને ગોવાને પોર્ટુગીઝ રાજ્ય જાહેર કર્યું હતું. ભારતીય સેનાએ ૧૯મી ડિસેમ્બર ૧૯૬૧ના રોજ ગોવા ઉપર આક્રમણ કરી તેને જીતી લીધું અને તેને ભારતમાં ભેળવી દીધું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter