સ્વાતંત્ર્ય જંગમાં ગુજરાતનું યોગદાન

Wednesday 11th August 2021 03:18 EDT
 
 

ભારત દેશ ૭૫મા સ્વાતંત્ર્ય દિનના આરે આવીને ઉભો રહ્યો છે ત્યારે આ ચળવળમાં ગુજરાતીઓના બહુમૂલ્ય પ્રદાનને પણ સ્મરવું જ રહ્યું. સન ૧૮૫૭ની ક્રાંતિ કેટલાક કારણસર નિષ્ફળ ગઈ. ક્રાંતિ પછીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અને મોરચે બરાબર ટક્કર લઈ શકે તેવી ધુરંધર વ્યક્તિઓ ભારતના પ્રાંત-પ્રાંતમાંથી બહાર આવતી ગઈ. મુંબઈ અને ગુજરાતમાંથી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગૃત કરવાનું કામ કર્યું. કવિ નર્મદ વગેરેએ ગુજરાતને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જાગ્રત કર્યું.
બંગાળના બ્રહ્મોસમાજની અસર મુંબઈ અને ગુજરાતમાં પ્રાર્થનાસમાજના રૂપે થવા પામી. સ્વામી દયાનંદનો જન્મ પણ ગુજરાતમાં થયો હતો. તેમણે આર્યસમાજ પ્રસરાવ્યો. સ્વામી સહજાનંદે આ અગાઉ પછાત જાતિઓ પર પ્રભાવ પાડીને જાગૃતિ આણી હતી. સામાજિક નવજાગૃતિને પરિણામે ધાર્મિક-સામાજિક રીતરિવાજોની સુધારણાનું કાર્ય પણ શરૂ થઈ ચૂક્યું હતું. ૧૮૪૮માં ગુજરાત વિદ્યાસભા અને ૧૮૫૧માં બુદ્ધિવર્ધક સભાની તો સ્થાપના થઈ ચૂકી હતી.
સુરતના દુર્ગારામ મહેતાજી તથા મહિપતરામ, કરસનદાસજી મૂળજી વગેરેએ સામાજિક સુધારણા ક્ષેત્રે ક્રાંતિકારક પગલાં ભર્યાં. ઉપરાંત નર્મદ, દલપતરામ, લાલશંકર, ઉમિયાશંકર તથા અન્ય સુધારકોએ પણ પ્રજાનું માનસ ઘડવા સારી સેવા બજાવી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરૂ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે મંગલાચરણ કર્યું.
૧૮૮૫ના ડિસેમ્બરની ૨૮મી તારીખે બપોરે મુંબઈની એક ગુજરાતી સંસ્થા ગોકળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં કોંગ્રેસની પહેલી સભા મળી. તેમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ સૌથી વધુ હતું. કોંગ્રેસ અધિવેશનના પ્રથમ પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનરજી. બીજું અધિવેશન દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે કોલકતામાં અને ત્રીજું, મદ્રાસમાં બદરુદ્દીન તૈયબજીના પ્રમુખપદે ભરાયું. આ ત્રણે અધિવેશનના પ્રમુખો જુદી જુદી કોમના હતા, પરંતુ છેલ્લા બે પ્રમુખો ગુજરાતના હતા.
અનેકવિધ મોરચે લડત
સ્વાતંત્ર્ય-સંગ્રામ ઘણો મોરચે લડાતો હોય છે, દેશમાં તેમ જ પરદેશમાં પણ. દાદાભાઈ ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતના સ્વાતંત્ર્યની વાત પરદેશમાં પણ ફેલાવી. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી. અરવિંદ ઘોષ વડોદરામાં પ્રોફેસર હતા. અંબુભાઈ, તેમના જ ભાઈ છોટુભાઇ, તેમજ વડોદરાના પ્રોફેસર માણિકરાવ વગેરેએ વ્યાયામ પ્રવૃત્તિઓ ઠેર ઠેર શરૂ કરીને સ્વરક્ષણની સ્વદેશી ભાવનાની અને અન્યાય સામે ટક્કર લેવાની એક નવી જ હવા ઊભી કરી હતી.
ગાંધીજીનું ભારત આગમન
૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા. અમદાવાદમાં કોચરબમાં તેમણે આશ્રમ સ્થાપ્યો. સરદાર વલ્લભભાઈ ગાંધીજી સાથે તેમના કાર્યમાં જોડાયા. તે સાથે મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા. આ પછી તો દેશના અનેક નેતાઓ તેમની સાથે જોડાયા.
અમદાવાદના મિલમાલિક શેઠ અંબાલાલ સારાભાઈએ તે કપરા સમયમાં આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. તેમનાં બહેન અનસૂયાબહેન તેમજ પત્ની સરલાદેવી પણ ગરીબોની સેવા કરવાની શરૂઆત કરી હતી. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, અનસૂયાબહેન, શંકરલાલ બેન્કર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું. આ કારણે તેઓને રાષ્ટ્રીય લડતોમાં ભાગ લેતા કરી શક્યા.
ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહ
આ પછી આવ્યો ખેડા સત્યાગ્રહ. ખેડા જિલ્લાના ખેડૂતોની મહેસૂલ-ચૂકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજી, વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈ, મોહનલાલ પંડ્યા વગેરેએ સરકાર સાથે વાટાઘાટ કરી, પરંતુ તેનું કોઇ પરિણામ ન આવ્યું. આથી ૧૯૧૮ની ૨૨મી માર્ચે આ મામલે સત્યાગ્રહ કરવા માટે એક સંમેલનમાં નિશ્ચય કરવામાં આવ્યો. ખેડૂતોએ પ્રતિકાર કર્યો અને ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહનો જન્મ થયો.
આ પ્રસંગે જ ગુજરાતને સાંપડ્યા એક ઉત્તમ લોકસેવક પૂ. રવિશંકર મહારાજ. ઢસાના દરબાર ગોપાળદાસે ગાદીત્યાગ કરીને પોતાનું સર્વસ્વ દેશને અર્પણ કરી સાદું જીવન અપનાવી સ્વાતંત્ર્ય-ચળવળમાં ઝંપલાવ્યું. તેમણે નાનાં રજવાડાંના અનેક રાજવીઓ માટે એક પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો.
રેંટિયો અને ખાદી
દેશના દરિદ્રનારાયણોનો ભૂખમરો રેંટિયો અને ખાદી વડે મટે એવો સૌપ્રથમ ખ્યાલ ગાંધીજીએ આપ્યો હતો. દેશમાં આવી તેમણે આશ્રમ શરૂ કર્યો અને દેશી કપડું તૈયાર કરવા હાથશાળ વસાવી હતી. ગાંધીજીએ ૧૯૧૭માં ભરૂચનાં ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા સૂચવ્યું. વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો. આ પછી શોધ ચાલી પૂણીઓની. પછી તો રેંટિયા પર ગાંધીજીએ જે પ્રયોગો કર્યાં તે તો જગજાહેર છે.
ગાંધીરંગે રંગાયેલા દેશભક્તોએ ધૂણી ધખાવીને દેશના ખૂણે ખૂણે બેસીને વિવિધ પ્રવૃત્તિઓ આદરી દીધી. મોહનલાલ પંડ્યા, ત્રિભૂવનદાસ પટેલ, પરીક્ષિતલાલ મજમુદાર, ઇન્દુલાલ યાજ્ઞિક, જુગતરામ દવે, રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, નાનાભાઈ ભટ્ટ, કલ્યાણજીભાઈ વગેરે અનેક કાર્યકરોએ પોતાનું સમગ્ર જીવન એક કાર્યક્ષેત્ર પસંદ કરી તેને સમર્પિત કરી દીધું.
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના
સત્યાગ્રહ આશ્રમની સાથે ગૂજરાત વિદ્યાપીઠ પણ ગાંધીજીએ ગુજરાતને આપેલું એક પ્રદાન હતું. અસહકાર આંદોલન વેળા વિદ્યાર્થીઓને શાળા-કોલેજો છોડવાની હાકલ કરી હતી. જે યુવાનોએ આ આદેશ માની શાળા-કોલેજ છોડ્યાં તેમને રાષ્ટ્રીય શિક્ષણ મળે તેવી સંસ્થા પણ આપી.
૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. કાકાસાહેબ કાલેલકર, આચાર્ય કૃપલાણી, રામનારાયણ પાઠક, ગિદવાણીજી, પંડિત સૂખલાલજી અને રસિકલાલ પરીખ જેવા અનેક તેજસ્વી વિદ્વાનો ત્યાં અધ્યાપનકાર્ય કરતા હતા. ગાંધીજીએ ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ શરૂ કર્યાં. તેમાં સ્વામી આનંદે અમૂલ્ય સેવા આપી હતી.
સત્યાગ્રહોમાં ગુજરાત
ગુજરાતની સત્યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્યાગ્રહો ખૂબ મહત્ત્વના રહ્યા. બોરસદના લોકો બહારવટિયાઓને સાથ આપે છે એવો આક્ષેપ કરીને ત્યાંની પ્રજા પર આકરો કર ઝીંકવામાં આવ્યો. પ્રજાજનોએ આનો વિરોધ કરી દમનનો સામનો કર્યો. બારડોલીમાં પણ મહેસૂલના મુદ્દે ગ્રામજનોએ સરદાર વલ્લભભાઈ પટેલની રાહબરી નીચે સખત લડત આપીને સરકારને નમાવી. આમાં કાર્યકરો ઉપરાંત કાનૂની લડત આપીને કનૈયાલા મુનશીએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. બારડોલીના આ સફળ સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ અપાવ્યું.
દાંડી સત્યાગ્રહ
૧૯૨૯ના ડિસેમ્બરમાં લાહોરમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી. ગાંધીજી વાઇસરોય સાથે પત્ર દ્વારા મંત્રણાનો દોર ચલાવી રહ્યા હતા. તેમણે ૧૯૩૦ની બીજી માર્ચે વાઇસરોયને અલ્ટિમેટમ આપ્યું અને સરકાર દેશના લોકોની લાગણી નહીં સમજે તે આખરી લડત આપવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે લડતનો મુદ્દો પણ પ્રજા પર એકસરખી રીતે અસર કરનારા મીઠા વેરાને બનાવ્યો. કાયદાનો સૌ પ્રથમ ભંગ ગાંધીજી પોતે કરે અને પછી સમગ્ર પ્રજામાં તેનો વ્યાપક ભંગ થાય તેવી ખુલ્લેખુલ્લી વ્યૂહરચના હતી. આ સત્યાગ્રહ માટે દાંડીની પસંદગી કરવામાં આવી. ૧૯૪૨માં બ્રિટિશ પ્રધાનમંડળના સભ્ય સ્ટેફોર્ડ ક્રિપ્સ મંત્રણા કરવા માટે હિન્દ આવ્યા, પરંતુ એ જે દરખાસ્ત લાવ્યા હતા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. હવે ભારતના નેતાઓની ધીરજ ખૂટી રહી હતી. ‘હિન્દ છોડો’નું આખરી એલાન આપવામાં આવ્યું. ગાંધીજીએ સૂત્ર આપ્યુંઃ ‘કરેંગે યા મરેંગે!’
આંદોલનને પ્રચંડ જનપ્રતિસાદ
ગુજરાતે ૧૯૪૨ના આંદોલનને બરાબર ઝીલી લીધું. ગુજરાતમાં ઠેર ઠેર હડતાળો પડવા માંડી. અમદાવાદના મિલમજૂરોએ સાડા ત્રણ માસ હડતાળ ચલાવી. કેટલીક શાળાઓ અને કોલેજો બંધ રહ્યાં. ઠેર ઠેર ભાંગફોડના બનાવો પણ બનવા લાગ્યા. અમદાવાદમાં વીર વિનોદ કિનારીવાલાએ સામી છાતીએ ગોળી ઝીલી. તે શહીદ થયા. અડાસમાં પણ શહીદી વહોરવામાં આવી.
દક્ષિણ ગુજરાતમાં ઠાકોરભાઈ દેસાઈ, લાલભાઈ નાયક, ગોસાઈભાઈ વગેરેએ સારી લડત આપી. મકનજી સોલાએ તો સરકારની ઊંઘ હરામ કરી દીધી. આમાં ભરૂચનાં ક્રાંતિવીરોનો પણ ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે. અંબુભાઈ અને છોટુભાઈ પુરાણી, ચંદ્રશેખર ભટ્ટ, ડો. ચંદુલાલ દેસાઈ, લલ્લુભાઈ પટેલ વગેરેએ પણ સરકારને બરાબર હંફાવી.
અસહકાર લડતમાં નવું નેતૃત્વ
અસહકારની લડતમાં સત્યાગ્રહીઓનો નવો નવો ફાલ ઊતર્યે જતો હતો. તેમાં કનૈયાલાલ મુનશી, મોરારજીભાઈ દેસાઈ, ગણેશ વસુદેવ માવળંકર, કાનજીભાઈ દેસાઈ, ભોગીલાલ લાલ, રાવજીભાઈ પટેલ વગેરેએ લડતની જવાબદારી ઉપાડી લીધી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઢેબરભાઈ બળવંતરાય મહેતા, રતુભાઈ અદાણી, રસિકલાલ પરીખ મોખરાના સ્થાને હતા.
જ્યારે ખેડામાં ઉત્સવભાઈ પરીખ, માધવલાલ શાહ, બાબુભાઈ જ. પટેલ, રાવજીભાઈ પટેલ તો અમદાવાદમાં અર્જુનલાલા, ખંડુભાઈ, જયંતી દલાલ, મૃદુલા સારાભાઈ, નીરુભાઈ દેસાઈ વગેરે હતા. વડોદરામાં ડો. જીવરાજ મહેતા, મગનભાઈ શંકરભાઈ, ભાઈલાલભાઈએ કામ ઉપાડી લીધું હતું.
લોર્ડ માઉન્ટબેટને ૨૪મી માર્ચ ૧૯૪૭ના દિને વાઈસરોય પદ સંભાળી લીધું. ૧૪મી ઓગસ્ટે મધરાતે એટલે ૧૫મી ઓગસ્ટે ભારતને સ્વતંત્રતા મળી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter