સ્વાધીન ભારતની સીમા: સાવ સમીપે અને દૂર...

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Tuesday 14th October 2025 15:15 EDT
 
 

સમજવા જેવી છે ભારતીય સીમાઓ. ભારતીય સૈન્ય તેને વધુ સમજે છે, પણ પ્રત્યેક ભારતીયે તેનો પરિચય કરવો જોઈએ, પાઠ્યપુસ્તકોમાં તેનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને તેનો પ્રવાસ પણ કરાવવો જોઈએ. ત્યારે તેમને ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિની સાચી સમજ આવશે કે કેવી રીતે, ક્યારે આપણી સીમાઓમાં પરિવર્તન આવતું ગયું, યુદ્ધ-આક્રમણ અને રાજકીય રીતે આ સીમાઓનું સંકુચન થયું, આકાર બદલાતો ગયો. બૃહદ્દ ભારતનો આજનો વ્યાપ કેવી રીતે વર્તમાન ભારતમાં બદલાયો છે.

સંસ્કૃતમાં એક શબ્દ છે ‘માનચિત્ર’. શ્રી ગુરુજી, ડો. રઘુવીર, નેતાજી સુભાષચંદ્ર તે શબ્દ ભારતના નકશા માટે પ્રયોજતાં. કચ્છ-સત્યાગ્રહ પૂર્વે ડો. રામ મનોહર લોહિયા સુરેન્દ્રનગર આવ્યા હતા, હું ત્યારે કોલેજમાં વિદ્યાર્થી. નાનકડા ચોકમાં તેમણે ભારતની અસુરક્ષિત સીમા વિષે જાગૃત થવાની વાત પોતાના ભાષણમાં કરી હતી. તેમાં ભારતીય માનચિત્ર શબ્દની વ્યાખ્યા પણ કરી! ‘નેફા’ (નોર્થ ઇંડિયન ફ્રન્ટિયર એજન્સી) તરીકે જાણીતા પૂર્વોત્તર ભારતના વિસ્તાર માટે તેમણે ‘અરુણાચલ’ નામ આપ્યું હતું! પૂર્વોત્તર - જેમાં આસામ સહિતના સાત રાજ્યો આવી જાય છે, તેને ‘સપ્ત ભગિની’ (સેવન સિસ્ટર્સ)નો પ્રદેશ - એવું સુંદર નામ છે.
આસામ આંદોલન સમયે તેના છાત્ર નેતાએ પૂછ્યું હતું કે અમારા નામોને વિકૃત કરીને શા માટે બોલો છો? નોગોંગ એ નૌગાંવ છે, ગોહત્તિ એ ગુવાહાટી છે, આસામ તો પ્રાચીન અહોમ છે, અમારી ભાષા અહોમિયા છે, આસામી તો હવે ગણાય છે. ગુવાહાટીનું સાચું નામ પ્રાગજ્યોતિષપુર છે. બ્રહ્મપુત્રા નથી, બ્રહ્મપુત્ર સરિતા છે. તે અરુણાચલમાં સિયાંગ, દિબાંગ, લોહિતના પ્રવાહોથી બની છે. સુબાનસિરીનું મૂળ સુબંસરી છે. દિસાંગ, ઝાંજી, બાર, માનસ, ધનશ્રી પણ તેમની સરિતાઓના સાચુકલા નામો છે. તેજપુર નજીકનું (જેનો ચીની આક્રમણના 1962ના ઓછાયાનો ઈતિહાસ હજુ સંભળાય છે. તેજપુરમાં તો તે સમયે ચીનાઓના ભયથી જેલના કેદીઓ અને હોસ્પિટલોના દર્દીઓને પણ છોડી દીધા હતા. નેહરુજીએ ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રવચન કરતાં કહ્યું કે મારું હૃદય ત્યાં છે... ગુવાહાટીના એક સાહિત્યકારે એ પ્રસંગને ટાંકીને મને કહ્યું હતું, ‘અમારે હૃદય નહિ, સૈનિકો અને શસ્ત્રો જોઈતા હતાં!’) અગ્નિગૃહ અનિરુદ્ધ પત્ની ઉષાનું બચપણનું ગામ છે. રૂકમિણી અને અર્જુનની પ્રેયસી ચિત્રાંગદા મણિપુર નિવાસી હતા. ઉલૂપી નાગભૂમિની. જેને હવે નાગાલેન્ડ કહેવામાં આવે છે. જનજાતિઓની આરાધ્ય દેવી તણરેશ્વરીની આજે પણ પૂજા થાય છે.
ભારતીય નૃત્ય મણિપુરી તો આ પ્રદેશનું રમણીય રાષ્ટ્રીય નૃત્ય. પંદરમીથી અઢારમી સદી સુધી ભક્ત શંકરદેવે અહીં વૈષ્ણવ ભક્તિનો પ્રચાર કર્યો. દરેક ગામમાં એક ‘નામઘર’ સ્થાપિત થયું ત્યાં રોજ સાંજે ભજન-કીર્તન થાય છે. એલવિન નામે નૃવંશશાસ્ત્રીએ અહીં આવીને એવું ‘સંશોધન’ કર્યું કે પૂર્વોત્તરની પ્રજા ભારતીય નથી, તેના રીતરિવાજો, ધર્મ, પૂજા-ઉપાસના હિન્દુ ધર્મથી તદ્દન અલગ છે. આ અલગાવવાદી નિષ્ણાત પંડિત જવાહર લાલ નેહરુને અત્યંત પ્રિય હતા. અમે ભારતથી અલગ છીએ એવો અલગાવ સ્થાપિત કરવા માટે ઈસાઈ પાદરીઓએ જાળ બિછાવી. ‘ઈન્ડિયા’થી અલગ દેશ ‘નાગાલેંડ’ માટેની માગણી અને હિંસા આ કારણે વધુ તીવ્ર બની.
વાસ્તવિક્તા તો એ છે કે આ જનજાતિ-ગિરિવાસી અને અહોમ પ્રજાએ અનેક આક્ર્મણોની વચ્ચે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી. અરુણાચલની મિશીમી જાતિની શ્રદ્ધા એવી છે કે તેના દેવ ‘ખીંજીમ’ની સાથે રૂકિમણીનો વાસ છે, એટલે કે આ દેવતા સ્વયં શ્રીકૃષ્ણ છે. ઈસાઈ પ્રભાવ હેઠળ તે હિન્દુ ધર્મમાં માનતી નથી. બોડો જનજાતિના ‘બાથો’, ગારો જાતિનો ‘તંગ ર્ંબુગા’, ખાસી (જે પિતૃસત્તાક નહિ, માતૃસત્તાક સમાજ છે) જાતિનો ઉબ્લેઇ નોગથો મિઝોનો, ‘પથિએન’, મિકીરનો ‘અર્નેમ કેથે... બધા મૂળ સ્વરૂપે શિવ, વિષ્ણુ, કૃષ્ણ, સીતા, પાર્વતી, લક્ષ્મી વગેરે છે. ત્રિપુરી પ્રજાનું એક નૃત્ય છે, મેલુમા. ખેતીનો દેવ છે તે. અનાજની વાવણીના પ્રારંભે આ નૃત્ય થાય છે. કચ્છમાં આવી જ પરંપરા છે જેમાં રામકથા થાય છે. ખુલુમા તેની રિદ્ધિસિદ્ધિનો દેવતા છે. ગારો જાતિનો વાંગલાં ઉત્સવ, તમામ ઉત્સાહ-ઉમંગની અભિવ્યક્તિ! એવું જ દરેક ઋતુની સાથે અસમી પ્રજાની સાથે જોડાયેલો બીહુ ઉત્સવ છે.
દરેકનું સંધાન ભારતીયતા છે, સંસ્કૃતિ છે, ઈશાન ભારતની એક જનજાતિ છે કાચારી. તે પોતાને ઘટોત્કચના વંશજો માને છે! એક કાચારી ખેડૂતને મેં પૂછ્યું હતું કે તમને સૌથી મનગમતી વસ્તુ કઈ? હસીને તેણે કહ્યું કે અમારાં ફૂલ! મહાભારતની કથા મુજબ ભીમ પ્રિય પત્ની દ્રૌપદી માટે સાહસપૂર્વક દેવ-પુષ્પ લાવવા માટે અહીં આવ્યો હતો. કાચરી, ખાસી, સિતેંગ, વગેરેના સ્થળાંતરોનો પણ રોચક ઇતિહાસ છે.
લેગડોન નામના ઋષિ (શું મનુનું આ બીજું નામ હશે? સંશોધન કરવા જેવું છે)એ અહીંની સમાજ વ્યવસ્થાના નીતિનિયમો ઘડી કાઢ્યા હતા. શ્રી કૃષ્ણે એકાત્મ ભારત માટે અહી લોકસંગ્રહનો રસ્તો અપનાવ્યો હતો. કાળક્રમે વિષ્ણુગુપ્ત ચાણક્યને અહીંના મોંગલોઈડ જનજાતિમાંથી સાહસિક ચંદ્રગુપ્તને શોધી કાઢ્યો હતો એવી એક કથા છે.
પ્રાગ જ્યોતિષપુની કૌશિકા નદીના કિનારે વિશ્વામિત્રે તપસ્યા કરી હતી. અહોમ વંશના રાજવી વીર લચિતે તમામ ઇસ્લામી આક્રમકોને પ્રચંડ સામનો કરીને મારી હઠવ્યા હતા. છેક 1980માં બાંગલા દેશી ઘુસણખોરોની સામે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું ત્યારે તેના મુખ્ય કેન્દ્રમાં મેં એક ચિત્ર જોયું. તેને આંદોલનકારી નેતાઓ ફૂલહાર સાથે વંદના કરતા હતા, તેની નીચે લખ્યું હતું: વીર લચીત. ઈશાન ભારતના શિવાજી. કામરૂપમાં એક નાનકડા શિલાલેખમાં વાંચી શકાય છે: ‘શક સંવત 1127. 9 માર્ચ, 1206 છત્રી તેરસ. અહીં તુર્ક સેનાએ ચડાઈ કરી હતી, તેનો વિનાશ કરવામાં આવ્યો.’
એક અદ્દભુત કથા પોતાના સમાજને બચાવવાની આજે પણ પ્રચલિત છે. 1825માં બ્રિટિશ સેનાપતિની ચાના બગીચાઓ પર લાલચુ નજર પડી. અહોમ રાજવંશના ગોમધરે તેની સેનાનો સામનો કર્યો. દેવપરાના નામઘોષમાં તે ચારે બાજુ ઘેરાઈ ગયો. 1857ના વીર વિપ્લવી તાત્યા ટોપેની જેમ ચારે તરફથી ઘેરાઈ જવા છતાં તે છટકી ગયો. નાગભૂમિના પહાડોમાં, નાગ પ્રજાના સમર્થન સાથે રહીને યુદ્ધ કરતો રહ્યો.
અંતે તે પકડાયો, મુકદ્દમો ચાલ્યો, દસ વર્ષની સજા થઈ અને છેક બંગાળના રંગપુરાની જેલમાં કેદી તરીકે રાખવામા આવ્યો. તેનો સાથીદાર ધનંજય જેલની દીવાલો તોડીને છૂમંતર થઈ ગયો, તેવી જ રીતે ગદાધાર સિંહ પણ છેક બર્મા પહોંચીને સ્વાતંત્ર્ય યુદ્ધ કર્યું. ધનંજયે 400 મરણિયા સૈનિકોને તૈયાર કર્યા. તે બધા ખાસી, ગારો, નાગ, અને ખામતી જનજાતિના હતા. અસમ લાઇટ ઇન્ફન્ટ્રીની સામે લડ્યા. ધનંજય સહિતના યોદ્ધાઓ પકડાયા તેને ફાંસી આપવામાં આવી. 1857ની પૂર્વે આ જનજાતિઓ પૂર્વોત્તરમાં બ્રિટિશરોની સામે લડી છે. મણિરામ અને કન્દર્પેશ્વર તો 1857ના વીર નાયકો હતા. જોરહાટમાં તેના સહિતના અનેકોની ફાંસીના સ્મૃતિચિહનો છે.
આસામમાં સશસ્ત્ર ક્રાંતિકારોની એક દીર્ઘ યાદી છે. વીરેન્દ્ર ભટ્ટાચાર્ય, ઉપેન ધર, સુશીલ સેન, તારકિશોર, લીલાવતી નાગ, અનિલ દાસ, સુધીર નાગ, સનત કુમાર દાસ, શચિન્દ્ર, વિપુલનન્દ, રમાકાંત, આસિત રંજન, વિદ્યાધર, ગૌરાંગ મોહન, બ્રીજ મોહન જેવા ફાંસી, આંદામાન, જેલ પામેલા યુવકોના નામ પણ આપણા ઈતિહાસમાં ક્યાં શોધીશું? છેક 1943માં ઇમ્ફાલના મોરિયાંગ સુધી નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ પહોંચે અને ત્યાં ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. બ્રિટીશ અભ્યાસીઓએ નોંધ્યું છે કે બીજા વિશ્વયુદ્ધમાં સૌથી વધુ ભીષણ લડાઈ આ મોરચે થઈ હતી.
સરહદી સ્થાનોનો રક્તરંજિત ઇતિહાસ છે. ભારતમાં ઈશાન ભારતમાં આસામ-બાંગ્લા દેશની વચ્ચે 262 કિલોમીટર, મેઘાલય-બાંગ્લા દેશ વચ્ચે 443 કિલોમીટર, મિઝોરમ-બાંગ્લા દેશ વચ્ચે 318 કિલોમીટર, અને ત્રિપુરા-બાંગ્લા દેશ વચ્ચે 856 કિલોમીટરની સીમા છે. ભારત-નેપાલ વચ્ચે 1752 કિલોમીટર, બર્મા (મ્યાંમાર) સાથે 1458 કિલોમીટર સીમા છે. ભારત-ચીન વચ્ચે 3917 વિધિવત સીમા છે, પણ 1950થી મેકમોહન રેખાને અમાન્ય કરીને 32,000 વર્ગ માઈલ ‘નેફા’માં અને 12,000 વર્ગ માઈલ લદાખમાં દાવો કર્યો. આમ 50,000 વર્ગ માઈલ ભારતીય પ્રદેશને ચીન પોતાનો ગણે છે, પાકિસ્તાનની સાથેના સીમા-પ્રદેશનો વિસ્તાર 3310 કિલોમીટરનો છે, ગુજરાતની સીમા 512 કિલોમીટર, રાજસ્થાનમાં 1035, પંજાબમાં 547 કિલોમીટર... આ છે સીમા. તેના સીમાવર્તી ગામડાઓની પોતાની દુનિયા છે. આક્રમણ, દાણચોરી, ઘૂસપૈઠ જેવી સમસ્યાઓ. એટલે તો યાદ રાખવું પડે, સીમા પર સર્વ રીતે સાવધાન!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter