કચ્છી બોલીના સાહિત્યને માટે એક ઐતિહાસિક ઘટના 26 ફેબ્રુઆરીએ સ્થાપિત થઇ છે. સમગ્ર દેશની તમામ ભાષાઓ અને બોલીઓમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી પછી સૌ પ્રથમ વાર, તેમની સમગ્ર કવિતા અને તેની ભૂમિકા સાથેની નોંધ પુસ્તક સ્વરૂપે અવતરી રહી છે. નિમિત્ત તો દુલેરાય કારાણી પરિતોષિક પ્રદાનનું છે, જે પબુ ગઢવી ‘પુષ્પ’ને પ્રદાન થયું, તેની સાથે સોનામાં સુગંધ ભળે તેવું એક પુસ્તક ‘વાંચ વિચ જોત’નું લોકાર્પણ થયું. ‘કચ્છ મિત્ર’ અને કારાણી પારિતોષિક સમિતિના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્ર્મમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા વિશ્વવિદ્યાલયના કુલગુરુ ડો. મોહનભાઇ પટેલ અધ્યક્ષપદે હતા, તે પણ વિદ્યાકીય ઘટનાને ઉચિત કહેવાય.
‘વાંચ વિચ જોત’ પુસ્તકમાં વાજપેયીજીના ગુજરાતી ભૂમિકાની સાથે પ્રકાશિત ‘આંધીઓમેં જલાયે બુઝતે દિયે...’નો કચ્છી અનુવાદ છે. 304 પાનાં અને 82 કાવ્યો. તેની પણ એક કહાણી છે. અટલજીનો કચ્છની સાથે સ્નેહાસિક્ત સંબંધ રહ્યો છે. 1967માં ગાંધીધામમાં પ્રદેશ જનસંઘના અધિવેશનથી માંડીને 1968ના કચ્છ સત્યાગ્રહ અને ભૂકંપ દરમિયાનની તેમની સઘન યાત્રા આજે પણ ઘણાને યાદ હશે. પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જીર્ણશીર્ણ મકાનની મુલાકાત અને ભુજમાં બેસીને વડાપ્રધાન તેમજ રાજ્યના રાજ્યપાલને તેમણે સ્મારક માટેનો આગ્રહ કરતો પત્ર લખ્યો હતો, તે જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ધર્મશાળાના એક ઓરડામાં બેસીને, કચ્છ સત્યાગ્રહીઓનો આ ઉતારો હતો! ધરતીકંપ પછી ભુજની હોસ્પિટલનું લોકાર્પણ તેમણે કર્યું હતું. કચ્છી લોકોને એ વાત રસપ્રદ લાગશે કે ઘણીવાર અંગત ગપસપમાં તેઓ અંજારની સતી તોરલના ભજનોને યાદ કરતા.
બાબુભાઇ મેઘજી શાહ જ્યારે મળે ત્યારે અટલજીની એકાદ કવિતા તો તેમના હોઠ પર હોય. તેમની કવિતાઓને સ્વરમાં ઢાળીને કેસેટ બનાવવાનું કામ બાબુભાઈએ કર્યું અને તે કેસેટ અટલજીને રૂબરૂ મળી ત્યારે તેમણે રસપૂર્વક સાંભળી હતી તેનું સ્મરણ છે.
1996માં અને 1981માં તેમની કવિતાઓના સંગ્રહને મૂળ હિન્દીમાં અને તેની સાથે દરેક કવિતાની પૂર્વભૂમિકા તેમજ ગુજરાતી અનુવાદનું પુસ્તક બન્યું. તેઓ સ્વયમ્ 14 માર્ચ 1996ના દિવસે અમદાવાદ ઉપસ્થિત રહ્યા. ત્યારે તેમના આ પુસ્તક ‘આંધીઓમેં બુઝતે દિયે’નું લોકાર્પણ થયું. મંચ પર અતિથિવિશેષ મહામહોપાધ્યાય કે.કા. શાસ્ત્રી અને કવિ-વિવેચક સિતાંશુ યશશ્ચંદ્ર હતા. શ્રોતાઓમાં રાજેન્દ્ર શાહ સહિતના કવિઓ અને રાજનેતાઓ.
અટલજીએ પોતાના વ્યાખ્યાનમાં કહ્યું: જો હૃદય સે નીકલે, હૃદય કો સ્પર્શ કરે વહ કવિતા હૈ. ઉસકા તુકાન્ત હોના આવશ્યક નહિ હૈ, વહ તુકાન્ત હોતી હૈ, નહિ ભી હોતી. ઉસકા જન્મ સંવેદનામેં હોના ચાહીએ, ઔર વો સંવેદના લોગો કો અપને આલિંગનમે લેની ચાહીએ.’ પછી શ્રોતાઓમાંથી આગ્રહ થયો તો તેમની ત્રણ ગીત-રચના “ગીત નહીં ગાઉંગા...’, ‘ગીત નહિ ગાતા હૂં...’ અને ‘નયા ગીત ગાતા હૂં...’ સંભળાવી.
અટલજીને કાવ્યપઠન કરતાં સાંભળવા એ પણ અદ્દભુત લ્હાવો હતો. સાંજે તેમણે મારા સાહિત્યિક પત્રકારત્વના પુસ્તક ‘સાહિત્ય દૈનંદિની’નું વિમોચન કર્યું તે કવિ સમ્મેલન હતું. કવિઓમાં સિતાંશુ યશ્ચંદ્ર, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ચીનુ મોદી, ઉદયન ઠક્કર, શોભિત દેસાઇ અને બીજા... વાજપેયીજીએ સ્વજનભાવે વક્તવ્યની શરૂઆત જ હળવી રીતે કરી અને કહ્યું: ‘શામ કે લોકાર્પણ કાર્યક્રમમેં વિષ્ણુભાઈને મેરી પ્રચુર પ્રશંસા કી થી... (મેં ચેકોસ્લોવેકિયાના કવિ રાજનેતા વાકલાવ હોવેલના એક વિધાનને ટાંકીને કહ્યું હતું કે દેશને તમારા જેવા સાંસ્કૃતિક વડાપ્રધાનની જરૂર છે.) ઉસે લૌટાનેકા અવસર આ ગયા હૈ. ઉનકે ચિંતનમે ગહરાઈ હૈ, મૌલિકતા હૈ, લેખિનીમે બલ ઔર શૈલી પ્રવાહપૂર્ણ હૈ. ઉનકી તીવ્ર દૃષ્ટિ ઔર કલમ કભી જરૂરત સે જ્યાદા પૈની હો જાતી હૈ, લોગ ઈતના પૈનાપન પસંદ નહિ કરતે. થોડી સી ચાસની, થોડી સી મીઠાશ આવશ્યક હૈ...”
પુસ્તક ઘણું લોકપ્રિય બન્યું. ગુજરાતી અનુવાદો પ્રસાદ બ્રહ્મભટ્ટ, નીતિન વોરા, બલવંત જાની, આરતી અને મેં કર્યા હતા. સાથે જ એક બૃહદ્દ મુલાકાત તેમના પર તૈયાર થઈ રહેલી ફિલ્મ ‘મેરી અનુભૂતિ’ માટે. ગુજરાતીમાં આ સૌ પ્રથમ પ્રકાશન રહ્યું. પછી તો તેની બીજી આવૃત્તિ પણ થઈ.
બે-ત્રણ વર્ષ પૂર્વે મુંબઈથી ફોન આવ્યો. મનીષા વીરાના નામ અને કામથી તો પરિચિત હતો. આમેય કચ્છ સાથેનો મારો નેહ-નાતો કચ્છ સત્યાગ્રહથી સાહિત્ય અકાદમી અને શ્યામજી કૃષ્ણવર્મા સાથે શરૂ થયો તે દૃઢ બન્યો. કાંતિસેન ભાઈ - ગોવિંદજી ભાઈ શ્રોફ પરિવારે ગ્રામ-વિકાસના કામમાં સક્રિય રાખ્યો. ‘કચ્છ મિત્ર’, ‘કચ્છ ઉદય’, યુનિવર્સિટીને કાયમ મિત્રો બનાવ્યા. વિમલા તાઈ ઠકારના નિર્દેશથી સીમા અભ્યાસની તક મળી. અમર જરીવાલાએ જીએમડીસીના કચ્છના કાર્યો માટે સાથે રાખ્યો, તેનું સંધાન ક્રાંતિતીર્થ સ્મારક જીએમડીસીને સોંપાયું એટલે તેમના અધિકારીઓ સાથે થયું. ક્રાંતિતીર્થમાં મ્યુઝિયમ અને ધ્વનિ અને પ્રકાશ શોમાં પ્રદાન રહ્યુ. નરેન્દ્ર મોદી જિનિવાથી ક્રાંતિકારીના અસ્થિ લાવ્યા અને ભવ્ય સ્મારક થયું તેમાં પણ સક્રિય રહેવાનુ બન્યું. ઇતિહાસ બોધનો આ અનુભવ કચ્છથી શરૂ થયો હતો.
મનીષા વીરાને પ્રત્યક્ષ મળવાનું બન્યું નથી પણ તેમની સાહિત્યપ્રીતિ કશુંક અલગ કરવા તરફ રહી છે. એટલે તો મને કહ્યું કે અટલજીના કાવ્યોના અનુવાદ કરવા છે. તમે સંપૂર્ણ અટલજીને, કવિને પ્રત્યક્ષ કરી આપ્યા છે. પુસ્તક પણ તેમણે રમેશભાઈ ભટ્ટની પાસેથી મેળવ્યું હતું. મેં સંમતિ આપી એટલે અનુવાદ શરૂ કર્યા. કચ્છી બોલીમાં મને તો અચો અચોથી વધુ જાણકારી નથી. હા, કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે ઠોસ કામ થાય અને અંતરિયાળ કચ્છ સુધી આ બોલીનો આત્મા પ્રજ્વલિત બને તેવી કોશિશ કરી હતી.
નારાયણ જોશી કારાયલ નિષ્ઠાપૂર્વક કચ્છી બોલી વિષે કામ કરી રહ્યા છે, તેમને પદ્મશ્રી રાષ્ટ્રીય સન્માન મળ્યું ત્યારે હું ખૂબ રાજી થયો હતો. આ કચ્છી અનુવાદ કાર્યક્ર્મમાં પણ તેઓ અતિથિ વિશેષ હોવાનું જાણીને અત્યંત આનંદ થયો હતો. કચ્છી બોલીમાં થયેલા એક પુસ્તક માટે એક કચ્છી વિદ્વાનની પસંદગીએ કાર્યક્ર્મની શોભા અને મહત્વ વધારી દીધા હતા.
વાજપેયીજીની કવિતામાં છાયાવાદ અને સાંસ્કૃતિક મિલનભૂમિ નિહાળી શકાય છે. તેમની વિચાર કવિતાઓ ઉત્તમ છે. ‘ઊંચાઇ’ કવિતા તો પ્રત્યેકને માટે દીવાદાંડી છે:
મેરે પ્રભુ,
મુઝે ઈતની ઊંચાઈ કભી મત દેના,
ગૈરોં કો ગલે લગા ના શકું,
ઇતની રૂખાઈ કભી મત દેના...
તેમના એક કાવ્યસંગ્રહના લોકાર્પણમાં તત્કાલીન વડાપ્રધાન નરસિંહરાવ આવ્યા હતા. અટલજીની એક કવિતામાં ‘ઈતના કાફી હૈ અંતિમ દસ્તક પર ખુદ દરવાજા ખોલે!’ સાંભળીને નરસિંહરાવ ભાવુક થઈને બોલ્યા હતા, ‘અટલજી, તમે આ પંક્તિ શા માટે લખી? મૃત્યુના દરવાજે દસ્તકની શી જરૂર? દેશને હજુ ઘણી આશા અને અપેક્ષાઓ છે તમારી પાસે!’
‘ગીત નહીં ગાતા હૂં’ તેમની કવિતા-ત્રયી છે. અમેરિકામાં હોસ્પિટલમાં શલ્યક્રિયા પૂર્વે, એકાંતિક સ્થિતિમાં ‘મૌત સે ઠન ગયી...’ કાવ્ય લખ્યું હતું. હિરોશીમા અને લેનિનની કબર જોઈને થયેલી રચનાઓ માણવા જેવી છે. જેલમાં હતા ત્યારે ‘કેદી કવિરાય કી કુંડલિયા’ લખી. કટોકટીની સંઘર્ષ સ્થિતિમાં લખ્યું: ‘હમ ટૂટ સકતે હૈ, મગર ઝૂક નહિ શકતે..’ પોતાના જન્મદિવસે તેમણે કવિતા લખી તેની સંખ્યા સાત થાય છે. ‘તન મન હિન્દુ, હિન્દુ મેરા રગ રગ પરિચય...’ ખ્યાત કાવ્ય તેમના તરુણ કાળમાં સંઘ-શાખા પર ગાયું હતું.
પ્રસ્તુત સંગ્રહમાં મારા એ પુસ્તકનો સુચારુ અનુવાદ છે. માત્ર અનુવાદ નથી, કવિ અટલજી પ્રત્યેની અનુભૂતિ છે. કચ્છી ભાષાના વિદ્વાનોએ માર્ગદર્શન આપ્યું હોય તેમ દેખાય છે, પણ તેમનો પોતાનો કચ્છી બોલી વિશેનો ગાઢ પ્રેમ અનુભવાય છે. કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભાષા અને સાહિત્યના વિદ્યાર્થીઓએ સુધી આવા પુસ્તકો પહોંચવા જોઈએ.


