વાડીલાલ કાકા અને ગોદાવરી કાકી લક્ષ્મીવિલાસ પેલેસ જોઈને બહાર નીકળ્યા. ગોદાવરી કાકી તો આવડા મોટા મહેલને જોઈને ગાંડા ગાંડા થઈ ગયા અને વડીલાલ કાકાને કહેવા લાગ્યાઃ ‘તમે આપણા માટે આવો મહેલ બનાવશોને? વાડીલાલ કાકા કહે અરે ભાડાના ઘરની એક રૂમને મહેલ માની લેવાનો ગોદાવરી, પણ ચાલ ગોદાવરી આજ તને સારુંયે વડોદરા બતાવું. વડોદરાનો અર્થ થાય બરગદનું વૃક્ષ. વડનું ઝાડ. અને તને ખબર છે? આ મહેલ જેમણે બનાવ્યો તે સર સયાજીરાવ ગાયકવાડની પાસે અઢળક સંપત્તિ હતી. બહુ નેકદિલ રાજા હતા. પોતે મહારાષ્ટ્રીયન અને સાથોસાથ દિલના દિલાવર. એમણે છોકરીઓ માટે શાળા બંધાવી સ્ત્રી શિક્ષણને ઉતેજન આપ્યું. વડોદરાને એવું સાંસ્કૃતિક શહેર બનાવ્યું કે જોતાં જ દંગ થઈ જવાય. જો આ સુરસાગર તળાવમાં બારેમાસ પાણી ભરેલું રહે છે અને એમાં કેવી મોટી શંકર ભગવાનની પ્રતિમા સરસ શોભે છે. તને મંદિરનો શોખ છેને એટલે સૂર્યમંદિર, કીર્તિ મંદિર, ઇસ્કોન મન્દિર બધાય જોવા જેવા સ્થળ છે... ચાલ તને બતાવું. તું થાકી તો નહીં જાય ને?’
‘ના રે ના... આ પેથાપુરથી આવેલી ગામડાની છોકરી બહુ જ મજબૂત છે.’
‘અને હાં ચાલ ચાલ, આપણે ક્યારના નીકળ્યા છીએ તો ભૂખ પણ લાગી છે તો કોઈ હોટલમાં જમી લઈએ. જોને આ ગુજરાતી ધાબામાં બહુ જ મજા આવશે. પાણીપુરી, દાળ ઢોકળી, ખાંડવી ને વડોદરાના પ્રખ્યાત ખમણ તું ખાઈને ખુશ થઈ જઈશ.’
વાડીલાલ કાકાની આવક બહુ મર્યાદિત હતી. સ્કૂલમાં નોકરી કરે અને સાંજે ટ્યુશન કરે માંડ માંડ બે છેડા ભેગા થાય. આ પછી તો રાજનનો જન્મ થયો અને રાજન પછી જયમનનો જન્મ થયો. રાજન ગ્રેજ્યુએટ થઈને બારમા ધોરણમાં ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. રાજન ખૂબ જ દેખાવડો, જાણે બીજો રાજેશ ખન્ના જોઇ લો. એની શીખવવાની રીત અનોખી હતી. સ્ટુડન્ટમાં ખૂબ જ પ્રિય અને એને એના ટ્યુશન ક્લાસનું પરીક્ષાનું રિઝલ્ટ 85 ટકા હતું એટલે સ્ટુડન્ટ્સનો મહેરામણ ઉભરાતો. 25 વર્ષે એના લગ્ન સંધ્યા સાથે થયા. સંધ્યા પૈસાદાર મા-બાપની સમજુ દીકરી હતી. પરણીને સાસરે આવતાં ગોદાવરીબહેનની કંજૂસાઈ જોઈને અને ગરમ સ્વભાવથી થોડા જ દિવસમાં તે થાકી ગઈ. એણે રાજનને કીધું આપણે જુદાં રહીએ. રાજનનો જવાબ હતોઃ મારી પાસે પૈસા નથી... ક્યાં રહીશું શું ખાશું?
‘અરે રાજન મારી ડિમાન્ડ મોટી નથી... તારી કમાણીમાં હું સરસ રીતે ઘર ચલાવીશ.’
આમ રાજન અને સંધ્યા, મા-બાપની મદદ વગર જ જુદા થયા અને એક રૂમમાં રહેવા લાગ્યાં. પણ રાજનનું નસીબ જોર કરતું હતું. દિવસના ચાર-ચાર ક્લાસ ચલાવતો હતો અને ધીરે ધીરે પૈસા ભેગા થયા. ખૂબ સુખી થયો.
જયમન પણ રાજનના ક્લાસમાં ટ્યુશન આપવા માંડ્યો. જયમન એક ગરીબ કન્યા શીલાની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયો. શીલા ખૂબ જ સરળ હતી, પણ કાળને કરવું વાડીલાલ કાકાનું મૃત્યુ થયું. આ બાજુ શીલાએ એક પછી એક એમ દીકરાને અને દીકરીને જન્મ આપ્યો. જયમનની ટૂંકી આવક, છોકરાઓની શાળાની ફી, ઘરનો ખર્ચો, અને માની સગવડતાઓ સાચવવાની, દવાદારૂ આ બધામાં મુશ્કેલી પડવા લાગી. માના મૃત્યુ પછી જિંદગી કપરી બનતી ગઈ. ટૂંકી આવક... ખર્ચાને પહોંચી વળાય નહીં અને ઘરના બોજને લઈને સાથે વધું પડતું કામ કરવાની લીધે ટીબી થયો. ડોક્ટર એને ફળ, દૂધ અને સાથે પૌષ્ટિક ખોરાક લેવાનું કહેતા, પણ ઘરમાં પૈસા ન હોવાથી આવી સગવડતા થઈ શકી નહીં અને જયમનનું અકાળે મૃત્યુ થયું.
શીલાના માથે આભ તૂટી પડ્યુંઃ ‘આ ગરીબીમાં હું છોકરાઓને શું ખાવા આપીશ એ વિચારો મનમાં ઘેરાતા ચાલ્યા. ઘરવખરી વેચાઈ ગઈ અને પૂરતા પોષણના અભાવે બંને છોકરાઓ પણ મરણ પામ્યા. શીલાથી આ આઘાત સહન ન થયો અને તે ગાંડી બની ગઈ. શું કરે?! બેહાલ દશામાં શીલા ઘેર ઘેર ભીખ માગતી પણ કોઈએ કંઈ આપ્યું નહીં એટલે ધીરે ધીરે હોટેલના એંઠવાડમાંથી પોતાના માટે ખોરાક ગોતતી. કેવી કઠણાઈ.
એક ખાનદાન નારીને કેટલો ત્રાસ! સગાવ્હાલા કોઈ તેને બોલાવતા નહીં, મદદ પણ કરતા નહીં કોઈએ તેને પાગલખાનામાં કે મહિલાઓ માટેના સ્પેશિયલ વિકાસ ગૃહમાં પણ ન મોકલી. આમ કચરામાંથી ખાનપાન શોધતી પોતાના ભૂતકાળને વાગોળતી અને ગાંડપણમાં જીવતી શીલા એક દિવસ કાર એક્સિડેન્ટમાં, રોડ-ક્રોસ કરતાં મૃત્યુ પામી... હાય રે ગરીબી!


