૩૭૦ કલમ વિનાનું કાશ્મીરઃ પાકિસ્તાન જ નહીં, ચીનને પણ નિર્ણય ચચર્યો છે

Tuesday 04th August 2020 05:46 EDT
 
 

પાંચમી ઓગસ્ટ રામમંદિરના ભૂમિપૂજન ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦મી કલમ દુર કરવાના નિર્ણય સાથે સંકળાયેલી છે. ૧૬ ઓગસ્ટ અને ૧૬મી જાન્યુઆરીની જેમ હવે પાંચમી ઓગસ્ટ પણ સુવર્ણાક્ષરે લખાતી થઇ ગઇ છે. ૩૭૦મી કલમ એ આઝાદી પછીનું પ્રથમ હિંમતભર્યું પગલું છે તો ૫૦૦ વર્ષથી દેશનો હિન્દુ સમાજ અયોધ્યામાં રામમંદિર ઉભું કરવા તલપાપડ હતો તેને હવે આત્મસંતોષ મળી રહે એવી સ્થિતિ ઉભી થઇ છે.
૩૭૦મી કલમ હટાવાઈ ના હોત તો કાશ્મીરની ખીણ વહેલી મોડી પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)ના હાથમાં આવી જાત. કેમ કે કાયદા સ્થાનિક રાજકારણીઓના હાથમાં હતા અને ઘૂસણખોરો માટેનું સ્વર્ગ કાશ્મીર બની ગયું હતું. કાયદાકીય તેમજ બંધારણીય રીતે એવો ગુંચવાડો ઉભો કરાયો હતો કે જમ્મુ-કાશ્મીરના લોકો ખાતા હતા ભારતનું અને નુકશાન પણ ભારતનું કરતા હતા. ભૂતકાળની કોઇ સરકાર બંધારણીય ગૂંચને ઉકેલી શકી નહોતી. ભારતના દિશાવિહીન શાસકોએ ત્રાસવાદ પ્રત્યે આંખ આડા કાન કર્યે રાખ્યા હતા.
૩૭૦મી કલમ હટાવાશે તો કાશ્મીર ભડકે બળશે એમ કહીને દરેક સત્તાધીશને ડરાવ્યા કરતાં કાશ્મીરના એક સમયના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી સઇદથી માંડીને વરિષ્ઠ કાનૂનવિદ્ કપિલ સિબ્બલ જેવા લોકો કાશ્મીરની વર્તમાન શાંતિ જોઇને સ્તબ્ધ થઇ ગયા હોય તો નવાઇ નહીં. વડા પ્રધાન મોદી અને તેમની ટીમે જ્મ્મુ-કાશ્મીરનો કેટલોક ભાગ કેન્દ્ર શાસિત બનાવીને ત્યાંથી સ્થાનિક લોકોના હાથમાંથી સત્તા લઇ લીધી હતી.

રાજ્યમાં બે જ પરિવારોનું રાજ હતું

જમ્મુ-કાશ્મીરમાં માત્ર બે પરિવારોનું રાજ ચાલતું હતું અને આ બંને પરિવારો પાકિસ્તાનતરફી હુર્રિયત નેતાઓના પ્યાદાં બની ગયા હતા. આ બંને પરિવારો એટલે ફારુક અબ્દુલ્લાનો પરિવાર અને મુફ્તી મહમ્મદ સઇદનો પરિવાર. કેન્દ્ર તરફથી મળતું વિકાસનું ભંડોળ પણ ચાંઉ થઇ જતું હતું અને ત્રાસવાદને નાથવા માેટ લેવાતાં પગલાં અંગે પણ જુઠ્ઠાણું ચલાવાતું હતું. કાશ્મીરમાં સ્લિપર યુનિટોના અડ્ડા બની ગયા હતા. ઘૂસણખોરો સ્થાનિક લોકો સાથે મારપીટ કરીને પોતાનું ધાર્યું કરતા હતા. રાજ્ય સરકારના પગલાં દેખાડા પુરતા જ હતા.
બળજબરી વાપરીને કે મસલ પાવરનો ઉપયોગ કરીને કાશ્મીરના લોકોના દિલ જીતી ના શકાય એવી સુફિયાણી વાતો કરનારા પોતાના નિવેદનો આપતા રહ્યા અને સરકારે પાકિસ્તાન તરફી તત્વોને નજર કેદ હેઠળ ધકેલી દીધા હતા. મહેબુબા જેવા મોટા માથાં તો હજુ જેલમાં છે જ્યારે ઓમાર અબ્દુલ્લાને અનેક શરતો સાથે છોડવામાં આવ્યા છે.

ત્રાસવાદ અને રાષ્ટ્રવિરોધીઓનો સફાયો

જમ્મુ-કાશ્મીરના નેતાઓ અને હુર્રિયતના નેતાઓ વચ્ચેની સાંઠગાંઠ પણ ખુલ્લી પડી ગઇ હતી. એક વર્ષમાં જે રીતે કાશ્મીરની ખીણમાં ત્રાસવાદનો સફાયો બોલાવાયો છે તે જોઇને પાકિસ્તાન સમસમીને બેસી રહ્યું છે. ઘૂસણખોરો સાથે હળવા હાથે કામ લેતાં પોલીસોની બદલીઓથી માંડીને સસ્પેન્શન સુધીના પગલાં લેવાયા છે. લશ્કરના જવાનો પર પથ્થરમારો કરતાં લોકો અને પાકિસ્તાનના ઝંડા ફરકાવનારાઓ ૩૭૦મી કલમ હટાવ્યા પછી અદ્રશ્ય થઇ ગયા છે. આ લોકો દેશના જવાનોને લાતો મારતા હતા અને પથ્થરો મારતા હતા. તેમને પૈસા આપીને ઉશ્કેરવામાં આવતા હતા. ૩૭૦મી કલમ હટાવ્યા પછી ત્રાસવાદને મળતા ફંડ પર બ્રેક વાગી ગઇ હતી. પાકિસ્તાનથી આવતી તમામ સીધી અને આડકતરી મદદો સીલ કરી દેવાઇ છે.
જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ પર બ્રેક મારીને આંતરીક સ્તરે ચાલતી અફવાઓની સિસ્ટમ બંધ કરી દેવાઇ છે. કાશ્મીરમાં માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે એવી કાગારોળ મચાવનારાઓ રૂબરૂ કાશ્મીર જવા કોર્ટ સુધી પહોંચ્યા હતા. આ એ જ લોકો હતા કે જે કાશ્મીરના પંડિતોને મારી નાંખીને ખીણમાંથી ભગાડી દેવામાં આવ્યા ત્યારે ચૂપ રહ્યા હતા.

ચીનને પણ પેટમાં ચૂંક ઉપડી છે

હકીકત તો એ છે કે ૩૭૦મી કલમ દ્વારા કાશ્મીરને બાંધી રાખવામાં આવ્યું હતું અને તે પાકિસ્તાન તરફ સરકે એવા નઠારા પ્રયાસો ચાલી રહ્યા હતા. વર્તમાનમાં ચીન હુમલા માટે એટલા માટે ઉંચું નીચું થાય છે કે ભારત પીઓકે પર હુમલાની ધમકીઓ આપે છે. જો એવું થાય તો પીઓકેમાં ચીને પચાવી પાડેલી જમીનનો ખેલ ખુલ્લો પડી જાય એમ છે. ચીને પીઓકેમાં મોટા પાયે ઘુસણખોરી કરી હોવાનું મનાય છે.
૩૭૦મી કલમ હટાવીને ભારતે પાકિસ્તાનને સીધો જ પડકાર ફેંક્યો છે. ચીનને પણ ભારતનો આ નિર્ણય બરાબરનો ચચર્યો છે એટલે તે અશાંતિ સર્જવા મથે છે. ભારતે ૩૭૦ હટાવીને પોતાની સંઘ શક્તિનો પરિચય વિશ્વને આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter