‘Let’s Get Back’ના માધ્યમથી ‘NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ’ વિશે જાગૃતિ અભિયાન

Thursday 13th August 2020 02:44 EDT
 

આપણે અગાઉની માફક જ કાર્યરત થઈએ તે માટે કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવવો આપણા તમામ માટે શ્રેષ્ઠ ઉપાય છે. નવા કેમ્પેઈન ‘Let’s Get Back’ અંતર્ગત કોરોના વાઈરસનું ટેસ્ટીંગ કરીને લાખો લોકોને શક્ય તેટલા સામાન્ય જીવન નજીક પહોંચવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમાં સલામત ટેસ્ટીંગ અને આપણી NHSનું રક્ષણ થાય તેના પર ખાસ ભાર મૂકાયો છે.
આપને આપના પરિવારજનો અને મિત્રો સાથે વધુ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું, બહાર જમવા જવાનું, મસ્જિદ, મંદિર અથવા ગુરુદ્વારા જવાનું, સિનેમા જોવા જવું... આ બધાની ખોટ વરતાતી હોય તો આ કેમ્પેઈન આપને સૂચવે છે કે તમને ગમતી પ્રવૃત્તિઓનો ફરી આનંદ મેળવવા માટે ટેસ્ટ કરાવવો જરૂરી છે. ટીવી એડવર્ટ દ્વારા જીવંત કરાયેલા સંદેશમાં આપણને ગમતા હાલ મુલતવી રખાયેલા કેટલાંક રાષ્ટ્રીય મનોરંજન પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે.
ટેસ્ટીંગ દ્વારા કોરોના વાઈરસ સામેની લડાઈમાં ‘NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ’ કેવી રીતે મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેની કેમ્પેઈન દ્વારા સમજ અપાય છે. લોકોમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે વ્યક્તિની ઉંમર ગમે તે હોય, તેમની તબિયત બરાબર ન હોય અને હળવા લક્ષણો હોય તો પણ તમામ લોકોનું કોરોના વાઈરસ માટે ટેસ્ટીંગ થવું જ જોઈએ.
આ લક્ષણોમાં વધુ તાવ, અને નવા લક્ષણોમાં સતત ખાંસી આવવી અને સુગંધ તથા સ્વાદ પારખી ન શકવો અથવા તેમાં ફેરફારનો સમાવેશ થાય છે.
NHS ડોક્ટર અને યુનિવર્સિટી ઓફ લીડ્ઝ સ્કૂલ ઓફ મેડિસીનના સિનિયર લેક્ચરર આમીર ખાને જણાવ્યું હતું, ‘છેલ્લાં થોડાં અઠવાડિયાથી ઘણાં બિઝનેસીસ ફરી શરૂ થતાં અને મહિનાઓ પછી પહેલી વખત પરિવારો એકબીજાને ફરી મળતાં યુકે ધીમે ધીમે લોકડાઉનની અસરમાંથી બહાર આવી રહ્યું છે. પરિસ્થિતિ ફરી સામાન્ય થઈ રહી છે ત્યારે સૌ માટે કોરોના વાઈરસનું જોખમ સતત છે તે આપણે યાદ રાખીએ તે મહત્ત્વનું છે. આપણે આરોગ્ય જાળવી રાખવા માટેની આવશ્યક સૂચનાઓનું પાલન કરતા રહીએ અને આપણને પસંદ તમામ બાબતોનો ફરી આનંદ મેળવવો હોય તો ‘NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ’નો ઉપયોગ કરવો જોઈએ.’
મે મહિનામાં શરૂઆત થયા પછી ‘NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ’ દ્વારા દરરોજ ૨૦૦,૦૦૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટ કરાવનારા પૈકી ૯૫ ટકા લોકોને બીજા દિવસે ટેસ્ટના પરિણામ મળે છે. કોવિડ-૧૯ના નવા નિદાન થયેલા ૩૩,૦૦૦ લોકોના સંપર્કમાં તાજેતરમાં આવેલા લોકોની શોધ કરાઈ હતી અને ૧૮૪,૦૦૦થી વધુ લોકો સુધી સફળતાપૂર્વક પહોંચીને તેમને સેલ્ફ-આઈસોલેશનની સલાહ અપાઈ હતી.
આ સર્વિસનો વ્યાપ વધતો જશે અને નવી વૈજ્ઞાનિક સલાહ સાથે તેમાં ફેરફારો થતાં રહેશે. આ ટેસ્ટીંગ મફત, ઝડપી અને કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે મહત્ત્વનું છે. કેટલાં હળવા લક્ષણ છે તેને ધ્યાનમાં લીધા સિવાય લક્ષણો ધરાવતી દરેક વ્યક્તિ 119 પર કોલ કરીને અથવા nhs.uk/coronavirus પર વિઝીટ કરીને ફ્રી ટેસ્ટ મેળવી શકશે.
ટેસ્ટ કરાવીને તથા આપને લક્ષણો હોય તો સેલ્ફ-આઈસોલેટ થઈને આપ આપના મિત્રો, પરિવાર, સહકર્મીઓ અને કોમ્યુનિટીનું રક્ષણ કરી શકશો અને લોકોને જે પ્રવૃત્તિઓ ગમે છે તેનો ફરી આનંદ ઉઠાવવા માટે દેશને મદદરૂપ થવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશો. ‘NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ’ આપણને સૌને સલામત રાખવા માટે છે.
વધુ માહિતી અને કોરોના વાઈરસ ટેસ્ટ કરાવવા માટે વેબસાઈટ nhs.uk/coronavirus જુઓ અથવા તો 119 પર કોલ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter