ઓમાહા (યુએસ)ઃ આશરે 13 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા બિલિયોનેર ઇન્વેસ્ટર વોરેન બફેટ હવે પોતાની કંપની બર્કશાયર હેથવેનો વાર્ષિક રિપોર્ટ નહીં લખે. વર્ષના અંત સુધીમાં ગ્રેગ એબલ નવા સીઈઓ બનશે. છેલ્લા 60 વર્ષથી કંપનીનું સુકાન સંભાળી રહેલા બફેટે તાજેતરમાં શેરધારકોને એક ફેરવેલ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે બાળપણથી 95 વર્ષની વય સુધીના અનુભવો સાંકળેલા છે. સાથે જ અંદાજે 12 હજાર કરોડ રૂપિયાના શેર્સ દાન આપવાની જાહેરાત કરી છે. ‘પૈસાથી પૈસા’ બનાવવા માટે પ્રખ્યાત બફેટે બીજાની મદદ કરીને સમાજને વધુ સારો બનાવવા પર ભાર મૂક્યો હતો. વાંચો તેમના જ શબ્દોમાં જીવનસંદેશઃ
હવે હું શાંત રહીશ. 95 વર્ષની વયે જીવિત હોવું એ બાળપણમાં હું મારા માટે ચમત્કારથી ઓછું નથી. બાળપણમાં હું લગભગ મૃત્યુ જ પામ્યો હોઉં તેવો અહેસાસ થયો હતો. 1938માં એકવાર ખૂબ જ વધારે પેટનો દુખાવો થયો. રાત્રે જ હોસ્પિટલ જવું પડયું. જ્યાં મારી એપેન્ડિક્સની સર્જરી થઈ હતી. 1958માં મેં ઓમાહામાં પહેલા અને એકમાત્ર ઘરની ખરીદી કરી. મેં કેટલાક વર્ષો વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં વીતાવ્યા, પરંતુ જલ્દી જ એ સમજી ગયો કે સાચું ઘર તો ઓમાહા જ છે. અહીંના પાણીમાં લગભગ કોઈ જાદુ છે. મિત્રો, પરિવાર, સાદગી અને પ્રામાણિકતાની જે દુનિયા અહીં મળી, એ જ મારી અસલી મૂડી હતી. કદાચ કોઈ અન્ય શહેરોમાં આટલી સારી પ્રગતિ શક્ય ન હતી.
ક્યારેક ક્યારેક નસીબ તમને યોગ્ય સ્થળે જન્મ આપે છે. હું એ મામલે ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છું. મારા પરિવારમાં અત્યાર સુધીમાં સૌથી લાંબી ઉમર 92 વર્ષની રહી હતી. મેં આ વય પાર કરી છે. વૃદ્ધ થવું એ કોઇ ઉપલબ્ધિ નથી, ભાગ્યની કૃપા છે. કેટલાક લોકો જન્મ લેતાં જ વિશેષાધિકારો સાથે આવે છે, જ્યારે કેટલાકના હિસ્સામાં સંઘર્ષ આવે છે.
મારો જન્મ અમેરિકામાં થયો. સ્વસ્થ, ગોરા અને મધ્યમવર્ગીય પરિવારમાં. આ જેકપોટ હતો. મારા ત્રણ બાળકો આજે 70થી ઉપરની વયના છે. હું ઇચ્છું છું કે હું છું ત્યાં સુધી મારી સંપત્તિનો મહત્તમ હિસ્સો ફાઉન્ડેશન દ્વારા સમાજને પરત કરું. નવા સીઇઓ ગ્રેગ એબલને એ જોખમોની ઓળખ છે, જેમને અનેક અનુભવી સીઇઓ નજરઅંદાજ કરે છે. હું પણ અનેકવાર એવી સ્થિતિમાં યોગ્ય સમયે યોગ્ય પગલું લઈ શક્યો નથી. એકવાર સુધારાના નામ પર કંપનીઓને કહેવાયું કે સીઈઓ અને કર્મચારીઓના વેતનનો ગુણોત્તર સાર્વજનિક કરો, પરંતુ તેનાથી પારદર્શિતાને બદલે ઇર્ષા વધી હતી.
તમે ભૂલોથી ડરો નહીં. તેમાંથી શીખીને આગળ વધો. યોગ્ય લીડરને ઓળખીને અનુકરણ કરો. આલ્ફ્રેડ નોબેલે જ્યારે ભૂલથી પોતાનો મૃત્યુલેખ વાંચ્યો તો ખુદને બદલવાની નેમ લીધી અને નોબેલ પુરસ્કારની સ્થાપના કરી. તમે કોઇ અખબારની ભૂલની પ્રતીક્ષા ન કરો. આજે જ તમારી કહાની કઈ રીતે લખાવવા માંગો છો તે નક્કી કરો. પછી એ રીતે જીવન જીવો.
પૈસા અને સત્તાથી મહાનતા આવતી નથી. કોઈની મદદ કરીને જ તમે દુનિયાને વધુ સારી બનાવી શકો છો. દયા સસ્તી નહીં, અમૂલ્ય છે. ગોલ્ડન રુલ ધ્યાન રાખો. બીજા સાથે એવો જ વ્યવહાર કરો, જેવો તમે ઇચ્છો છો. હંમેશા યાદ રાખો કે સફાઈકર્મી પણ એક કંપનીના ચેરમેન જેટલો જ મહત્વપૂર્ણ વ્યક્તિ છે.


