‘એક ઋષિ સાથે એક કલાક’

(નવા નયને)

- ભારતી પંકજ Tuesday 13th October 2026 07:20 EDT
 
 

જો આવતીકાલે કોઇ યુનિવર્સિટીમાં ‘એક ઋષિ સાથે એક કલાક’નો કાર્યક્રમ રાખવામાં આવે તો?

પ્રશ્ન જ થોડો અજૂગતો લાગે, નહીં?! વિશ્વ વિદ્યાલયનો વિશાળ હોલ વિદ્યાર્થીઓથી ભરેલો છે. કોઈના હાથમાં મોબાઇલ છે, કોઈ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) વિશે ચર્ચા કરી રહ્યું છે, તો કોઇ ભવિષ્યની કારકિર્દીનાં સપનામાં ખોવાયેલું છે. મંચ પર એક પ્રાચીન ભારતીય ઋષિ બેઠા છે. સંચાલક માઇક પર આવે છે અને માત્ર એક જ વાત કહે છે:
‘આજે પ્રવચન નહીં થાય. આજે માત્ર સંવાદ થશે’. થોડી ક્ષણ મૌન છવાઈ જાય છે. એક યુવાન ઊભો થાય છે.
‘ગુરુવર અમારી પાસે માહિતીનો મહાસાગર છે. દુનિયાનો લગભગ દરેક જવાબ એક ક્લિકથી મળી જાય છે. છતાં મનમાં શાંતિ કેમ નથી?’
ઋષિ તરત જવાબ આપતા નથી. તેઓ માત્ર એટલું પૂછે છે:
‘છેલ્લે, તમે તમારા મનને એક સાચો પ્રશ્ન ક્યારે પૂછ્યો હતો?’ અને કદાચ... એ જ ક્ષણે એક કલાકનો આત્મસંવાદ શરૂ થાય છે.
આ કલ્પના છે. પરંતુ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજે જો આવો સંવાદ ખરેખર થાય તો શું ઋષિ આપણને કોઈ અજાણી ચમત્કાર ભરી વાત કહેશે? કદાચ નહીં. તેઓ તો પહેલા આપણાં પ્રશ્નો સાંભળશે. કારણ કે આપણા પ્રાચીન ઋષિઓનો સૌથી મોટો વારસો કોઈ એક શોધ નહોતો; પણ શોધવાની વૃત્તિ હતી.
તેમણે આકાશ તરફ માત્ર જોયું નહોતું, પ્રકૃતિને માત્ર નિહાળી નહોતી, તેમણે પ્રશ્નો પૂછ્યા હતા. તેમની જિજ્ઞાસાએ જ ચિકિત્સા, ખગોળશાસ્ત્ર, ગણિત અને દર્શન જેવી અનેક દિશાઓમાં ભારતને સમૃદ્ધ બનાવ્યું.
આજના યુગમાં જ્યાં માહિતીની કોઇ અછત નથી, ત્યાં જ્ઞાન અને સમજણ વચ્ચેનું અંતર ક્યારેક વધી રહ્યું છે.
આપણે એક ક્લિકમાં દુનિયાની માહિતી મેળવી શકીએ છીએ. પરંતુ શું આપણે પોતાના મનને સમજવા માટે એટલો સમય આપીએ?
ઋષિ તે છે જે પ્રશ્નો પૂછે છેઃ ‘આકાશ શું છે..?’ ‘પ્રકૃતિ કેવી રીતે કાર્ય કરે છે?’, ‘માણસ પોતાના અંતર સુધી કેવી રીતે પહોંચે..?’ આ પ્રશ્નોમાં શોધની યાત્રા શરૂ થાય છે.
ભારતની પ્રાચીન પરંપરામાં પ્રશ્નોને ક્યારેય અજ્ઞાનનું ચિહ્ન માનવામાં આવ્યા નહોતા. પ્રશ્નો તો જ્ઞાનના દ્વાર ખોલતી ચાવી હતી.
આ જ પ્રશ્નો પૂછવાની પરંપરાએ આગળ જઈને અનેક ક્ષેત્રોમાં શોધને જન્મ આપ્યો.
ઋષિની જિજ્ઞાસા માત્ર આધ્યાત્મિક પ્રશ્નો સુધી સીમિત નહોતી. જીવનને સમજવાની આ તલપે અનેક ક્ષેત્રોમાં શોધ અને સર્જનને જન્મ આપ્યો.
આપણાં પૂર્વજોએ આકાશ તરફ જોયું ત્યારે માત્ર તારાઓની સુંદરતા જોઈને અટકી ગયા નહોતા. તેમણે બ્રહ્માંડને સમજવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર ગ્રહો અને ગતિ વિશેના તેમના અભ્યાસે ખગોળવિદ્યાની સમૃદ્ધ પરંપરા ઉભી કરી.
શરીર તરફ જોયું, ત્યારે માત્ર રોગને સહન કર્યો નહીં, શરીરની રચના, આરોગ્ય અને સારવાર વિશે વિચાર્યું. ચિકિત્સાના ક્ષેત્રમાં ચરક અને સુશ્રુત જેવા મહાન નામો આ શોધયાત્રાના પ્રતીક છે.
આ બધાની પાછળ એક જ શક્તિ હતી, જાણવાની ઈચ્છા. પ્રશ્ન હતો એટલે શોધ થઈ, એટલે જ્ઞાન વધ્યું. અને જ્ઞાન માનવકલ્યાણ માટે ઉપયોગી બન્યું. આજે આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. આપણા હાથમાં સ્માર્ટ ફોન છે. વિશ્વની માહિતી એક ક્ષણમાં મળે છે.
પરંતુ અહીં એક પ્રશ્ન ઉભો થાય છે. જૂના સમયમાં ઋષિઓ પાસે ગૂગલ નહોતું, પણ પ્રશ્નો હતાં. આજે આપણાં હાથમાં ગૂગલ છે - પણ શું આપણાં પ્રશ્નો એટલા જ ઊંડા રહ્યા છે. એટલા માટે આપણે સમજવું જરૂરી છે કે ઋષિ એટલે સત્યની શોધમાં નીકળેલું જાગૃત મન.
એક યુવાન ફરી ઉભો થાય છે.
‘ઋષિવર, આપની વાતો પ્રેરણા તો આપે છે, પરંતુ આજે દુનિયા ખૂબ બદલાઈ ગઈ છે. અમારી પાસે સ્માર્ટ ફોન છે, ઇન્ટરનેટ છે, Artificial lntelligence છે. શું અમારે આ બધું છોડીને જૂના યુગમાં પાછા જવું?’
‘ના, બિલકુલ નહીં... સાધનોનો વિરોધ કરવો એ જ્ઞાનનો માર્ગ નથી. પ્રશ્ન એ છે કે સાધનો આપણાં હાથમાં છે કે આપણે સાધનોના હાથમાં?’
હોલમાં ફરી શાંતિ છવાઈ ગઈ.
ઋષિ આગળ કહે છે: ‘તમારા પૂર્વજોએ પણ નવા જ્ઞાનને સ્વીકાર્યું હતું. તેમણે આકાશને વાંચ્યું, પ્રકૃતિને સમજ્યા, ઔષધિઓ શોધી, ગણિતના રહસ્યો ઉકેલ્યા. તેઓ ભૂતકાળમાં અટવાયા નહોતા; તેઓ સત્યની શોધમાં આગળ વધતા રહ્યાં.’
‘ટેક્નોલોજી ઝડપ આપે છે, પરંતુ દિશા માણસે નક્કી કરવાની હોય છે.’ આજે માહિતી મેળવવી સરળ છે, પરંતુ માહિતીનું જ્ઞાનમાં અને જ્ઞાનનું જીવનની સમજણમાં પરિવર્તન કરવું એ સાચી કળા છે.
આપણે રોજ મોબાઇલને ચાર્જ કરીએ છીએ, કારણ કે ખાલી બેટરીથી સાધન કામ કરતું નથી.
પણ એક પ્રશ્ન... શું આપણે ક્યારેય આપણાં મનને પણ ચાર્જ કરીએ છીએ?
થોડું મૌન, થોડું આત્મચિંતન, થોડો સમય પોતાના મન સાથે... કદાચ આજના યુગમાં આ જ સૌથી મોટી જરૂરિયાત છે.
એક કલાક કયારે પસાર થઈ ગયો એની ખબર જ ના પડી. વિદ્યાર્થીઓને લાગ્યું કે આજે તેમણે કોઈ જૂના યુગના ઋષિનું પ્રવચન સાંભળ્યું નથી; તેમણે તો પોતાના જ મન સાથે એક સંવાદ કર્યો છે.
છેલ્લે એક વિદ્યાર્થી ઊભો થાય છે અને પૂછે છે, ‘ઋષિવર, જો આજે આપ અમને એક જ વાત યાદ રાખવા કહો, તો શું કહેશો?’
ઋષિ થોડી પળ શાંત રહે છે. પછી કહે છે: ‘તમારી પાસે જ્ઞાન મેળવવાના અનેક સાધનો છે. પરંતુ જ્ઞાન સાથે વિનમ્રતા, સફળતા સાથે સંતુલન અને પ્રગતિ સાથે માનવતા જાળવજો... પ્રશ્નો પૂછતાં રહેજો કારણ કે પ્રશ્નો જ શોધનું પ્રથમ પગથિયું છે.’
તો ચાલો, એક અંતિમ પ્રશ્ન પોતાની જાતને પૂછીને. શું આપણે ઋષિઓની શોધોને માત્ર યાદ કરીએ છીએ કે તેમની શોધવાની દૃષ્ટિ પણ શીખીએ છીએ?
કદાચ આ પ્રશ્નનો જવાબ જ એકવીસમી સદીના માનવીની સાચી યાત્રા બની શકે. કદાચ ‘નવા નયને’ જીવનને જોવાનો અર્થ પણ આ જ છે.
-----------------------------------------------------------


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter