‘ચલો દિલ્હી’ શબ્દને અભડાવશો નહીં...

(ઘટના દર્પણ)

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Wednesday 28th October 2026 13:11 EDT
 
 

સામાન્ય રીતે આકરા શબ્દો એ મારી આદત નથી. સભ્ય સમાજની સૌથી આકરી શરત જ એ છે કે તમે જે કઈ બોલો તેમાંથી લાંછનની દુર્ગંધ આવવી જોઈએ નહિ. શબ્દો તો અગણિત છે, પણ તેનો ઉપયોગ આપણી પોતાની કસોટી છે. કોઈના બાપ પર જવું, જાતિ વિષે બોલવું, બિભત્સ શબ્દોનો ઉપયોગ કરવો... આ બધું જો આપણે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા ઇચ્છતા હોઈએ આવી માનસિક્તાથી દૂર રહેવું જોઈએ.
... પણ આજકાલ તો ગલીમાં થતાં ઝઘડા અને રાજકારણના મહેલની વચ્ચે કોઈ તફાવત દેખાતો નથી. અને તેનો બચાવ કરનારા પણ પડ્યા છે! અંગ્રેજોના જમાનામાં કે તે પછી સ્વાધીનતાનાં કેટલાંક વર્ષો સુધી કોઈ રાજનેતા ગાળો દેતાં સાંભળ્યા છે? ગાંધીજી, જવાહરલાલ, શ્યામાપ્રસાદ મુખર્જી, ડો. રામ મનોહર લોહિયા, રાજેન્દ્રપ્રસાદ, જયપ્રકાશ નારાયણ, વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, અટલ બિહારી વાજપેયી, દીનદયાળ ઉપાધ્યાય... કોઈને અભદ્ર શબ્દો બોલતા સાંભળ્યા નથી.
બીજી સામાન્ય લાગતી પણ ભારે મહત્ત્વની વાત છે, નેતા-કાર્યકર્તાઓનું વર્તન, વ્યવહાર અને વડાપ્રધાનને પણ તુંકારે બોલાવવાની આદત! હવે તો ટીવી ચેનલોમાં કહેવાતી ચર્ચામાં પણ તેવી હલકી આદત દેખાય છે. જેટલું તું-તાં કરો, બૂમબરાડા પાડો અને જેની સાથે અસંમત હો તેની પાસે હાથ લાંબા કરીને દોડી જાઓ... શું આમને કોઈએ કશું શીખવ્યું જ નહિ હોય? પરિવાર, પરંપરા, શિક્ષણ, સમાજ, ધર્મ, ક્યાંય નહિ?
એક વધુ વાત નારાબાજીની. આંદોલનને આપવામાં આવતાં સૂત્રોની. હમણાં પહેલી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણી પંચ સહિતના મુદ્દાઓ પર મુખ્ય વિરોધ પક્ષ અને સાથી પક્ષોએ એક સૂત્ર સાથે લોકોને એકત્ર કરવાની જાહેરાત કરી છે. સૂત્ર છે, ‘ચલો દિલ્હી!’

આ સૂત્ર સાંભળતાં આઝાદીના ભવ્ય ઇતિહાસની બે ઘટનાઓનું સમરણ થઈ આવે અને સવાલ પેદા થાય કે આવા મહાન નારાને પહેલી નવેમ્બરના માત્ર વિપક્ષી હેતુ માટે ઉપયોગમાં લાવવામાં આવેલા ‘ચલો દિલ્હી’માં પ્રયોજવો એ ઇતિહાસના સ્વાતંત્ર્ય અધ્યાયની ક્રૂર મશ્કરી નથી? કોઈ રીતે અગાઉના ચલો દિલ્હી ઘોષણાની સાથે બેસાડી શકાય તેમ છે?

ઇતિહાસ પોતે જ તેનો સ્પષ્ટ જવાબ આપે છે: ના. કદાપિ નહિ.
દિલ્હીથી બહુ દૂર નહિ એવું નગર છે મેરઠ. મેરઠ છાવણી તરીકે ખ્યાત. 24 એપ્રિલ 1857ના સેનાની ત્રીજી અશ્વારોહીની 90માંથી 85 ટુકડીઓએ કારતૂસ વાપરવાની ના પાડી અને ભારતીય સ્વાતંત્ર્ય જંગ 1857ની શરૂઆત થઈ. 10 મે 1857 મેરઠ તેનું જ્વલંત વિપ્લવી થાણું બની ગયું. કોટવાલ ધનસિંહ ગૂર્જરે 836 કેદીઓને જેલમાંથી છોડી મૂક્યાં. મેરઠની આસપાસના ગામડામાંથી લોકો આવી પહોંચ્યા. સુવરના અને ગાયના માંસથી બનેલી કારતૂસો મોઢામાં દાંતથી તોડવાની હતી. સૈનિકોએ ના પાડી, મેરઠના ચોકમાં વીર ધરમસિંહને 10 મેના ફાંસી આપવામાં આવી. 4 જુલાઇના નજીકના પાંચલી ગામને અંગ્રેજ સેનાએ બાળી મૂક્યું, 80ને ફાંસી આપવામાં આવી. દશેરાના દિવસે ગંગેલ સહિતના ગ્રામજનોને ફાંસીએ લટકાવી દેવાયા,(આજે પણ આ ગામમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવતો નથી.)

મહત્ત્વની ઘટના તો એ છે કે અહીં જ ‘ચલો દિલ્હી’ રણઘોષનો જન્મ થયો અને દિલ્હીમાં બહાદુરશાહના નેતૃત્વમાં સ્વાધીનતા માટેના જંગમાં સૈનિકો, સામાન્ય લોકો મેરઠથી દિલ્હી તરફ આગળ વધ્યા.
1857નો આ પવિત્ર નારો - ‘ચલો દિલ્હી’. તેનો પુનર્જન્મ થયો ટોકિયો, બર્મા, ઇમ્ફાલના રણમોરચે. નેતાજી સુભાષચંદ્ર બોઝ. બર્મા અને ઇમ્ફાલ સુધી લોહિયાળ યુદ્ધ, ઇરાવતી નદીના કિનારે અને આરાકાના જંગલોમાં નેતાજીની આઝાદ હિન્દ ફોજ જે વીરતાથી અંગ્રેજ-અમેરિકાની સજ્જ સેનાની સામે લડી તેમાંથી લશ્કરી અફસર અને ઇતિહાસકાર જે.ડી. બક્ષીના જણાવ્યા પ્રમાણે 26,000 વીર સૈનિકોએ બલિદાન આપ્યું ત્યારે તેમના હોઠ પર સૂત્ર હતું: ‘ચલો દિલ્હી’ અને ‘જય હિન્દ!’ ટોકિયોની સ્વતંત્રતા પરિષદમાં નેતાજીએ આ સૂત્ર આપ્યું હતું. એ કંઈ સામાન્ય સૂત્ર નહોતું. કોંગ્રેસ અને ગાંધીજીની સામે થઈને અધ્યક્ષ બન્યા, પણ ગાંધીજીની ઇચ્છાનુસાર તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી. એક સમયના દિલોજાન દોસ્ત જવાહરલાલે જે વિશ્વાસનો છેહ દીધો તે સુભાષના દીર્ઘ પત્રમાં સંચવાયેલો છે.

સુભાષ દૂરદેશાવરમાં જઈને જાપાનનું પ્રભાવી સમર્થન મેળવે, દુનિયાના ઘણા દેશો તેમની આઝાદ હિન્દ સરકારને જાહેર સમર્થન આપે. 23 ઓકટોબર 1943 સ્વતંત્ર ભારત સરકારની ઘોષણા. વિધિસરનું પ્રધાનમંડળ, બેન્ક, રાષ્ટ્રગીત, યુદ્ધગીત, ગણવેશ, ચલણ, રાષ્ટ્રધ્વજ... 21 ઓકટોબર રંગુનના કેથી થિયેટરના વિશાળ સભાખંડમાં એક લાખ લોકોની ઉપસ્થિતિમાં સરસેનપતિ નેતાજીએ પોતાના પ્રવચનમાં કહ્યું: પર્વતો અને નદીઓની પેલી પાર આપણી માતૃભૂમિ છે, દિલ્હી આપણી રાજધાની છે, ત્યાં સુધી અવિરત કદમ ઉઠાવવાના છે. આપણાંમાંથી કોણ તે જોવા માટે જીવતું હશે તેની ખબર નથી, પણ યુદ્ધના મેદાનમાં આપણું લક્ષ્ય છે, ‘ચલો દિલ્હી!’ દેશને આવા વાઘ સરખા નેતાની જરૂરત હતી, ‘જેલોથી થાકી જઈને’ (આ શબ્દો જવાહરલાલના હતાં) મંત્રણાઓમાં જે મળ્યું એટલું લઈ લેવાની માનસિકતા ધરાવતા નેતાઓથી સુભાષ અલગ માટીના હતા.
પોપા પર્વત પર વરસતા બ્રિટિશ બોમ્બગોળાની વચ્ચે અડીખમ નેતાજીએ પોતાના સૈનિકોને કહ્યું હતું: ‘એવો કોઈ દુશ્મન પાક્યો નથી જે મને ગુલામ રાખી શકે’. 19 નવેમ્બરે આઝાદ હિન્દ સરકારને જાપાન, ચીન, ઈટાલી, મન્ચુરિયા, બર્મા, થાઈલેન્ડ, ક્રોશિયા, ફિલિપિનની માન્યતા મળી. આયર્લેન્ડના મહાન ક્રાંતિકર ડી. વેલેરાનો પત્ર મળ્યો. બ્રિટિશ સેનાના ખાનગી પરિપત્રમાં ચિંતા વ્યક્ત થઈ કે બોઝની સેનાની અસર અત્યંત પ્રભાવશાળી છે.
5 નવેમ્બરે, વિશાળ પૂર્વ એશિયા સંમેલન થયું. જાપાન સરકાર તરફથી જનરલ તોજોએ જાહેર કહ્યું કે આંદામાન અને નિકોબાર ટાપુ હવે જાપાનને હસ્તગત નથી, અમે તે આઝાદ હિન્દ ફૌજને સુપરત કરીએ છીએ. 15 ઓગસ્ટ પૂર્વે જ સ્વાધીન થયેલા આ બે ટાપુઓ. નેતાજીએ નામ આપ્યું ‘શહીદ’ અને ‘સ્વરાજ દ્વીપ’.

સિંગાપુરમાં 50,900ની જનમેદનીમાં નેતાજીએ ઘોષણા કરી, વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં આપણે ભારત ભૂમિ પર હોઈશું. 29 જુલાઈએ રંગૂન. આઝાદ હિન્દ ફૌજની રાજધાની, 1943માં છેક ઇમ્ફાલ સુધી આપણી આ ફૌજ પહોંચી ગઈ હતી. પણ બ્રિટિશ સરકારે મોટી સેના ખડકી દીધી. આઝાદ ફૌજના 96,000 સૈનિકોની સામે બ્રિટિશ દળના 1,55,000 સૈનિકો. એકલા ઇમ્ફાલમાં 61,000 વિરુદ્ધ 90,000નો જંગ. અહીં શસ્ત્રોની કમી, ખોરાકની ખોટ, પ્રચંડ વરસાદ. બ્રિટિશ સેના વિમાનથી કાગળિયા ફેંકતી, અહીં અમારી સાથે આવી જાઓ. પૂરતું ખાવાનું, ગણવેશ અને શસ્ત્રો મળશે. જવાબ મળતો - ગુલામી કી રોટી સે આઝાદી કા ઘાંસ અચ્છા હૈ... 1944ના અંતિમ મહિનાઓમાં જાપાન પરાજયની મનોદશા ભોગવતું હતું, પણ નેતાજીની ઘોષણા અતૂટ હતી, ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્હી!’
 વર્તમાન રાહુલ-આંદોલનમાં ‘ચલો દિલ્હી’ એ ભારતીય સ્વાતંત્ર્ય જંગના આ નારાની મશ્કરી જ છે. ભલે તેમને જે કોઈ પણ આંદોલન કરવાં હોય તે કરે, અરાજકતા અને હઠાગ્રહનો ઉપયોગ કરે, પણ જો સ્વાતંત્ર્ય પરંપરાની જો થોડીક પણ અસર હોય, તેમના પૂર્વજોએ લીધેલા સ્વાતંત્ર્ય આંદોલનની થોડી પણ અસર હોય તો આ ચલો દિલ્હી જેવું પરમ પવિત્ર, બલિદાનોની સાથે જોડાયેલા સૂત્રનો ઉપયોગ કરીને દેશનું અપમાન ના કરે.
શું આ નેતાઓ અને તેના કાર્યકર્તાઓ આવું પ્રાયશ્ચિતનું પગલું લેવાનું ડહાપણ દાખવશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter