‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તક એટલે બે પુંઠા વચ્ચે ગુજરાતી સાક્ષાત્કાર

Friday 05th December 2014 09:26 EST
 
 

જોકે કેમેરાનો ઉપયોગ પેન જેટલો સાહજિક બન્યો હોવા છતાં પણ હકીકત એ છે કે આનાથી તસવીરની કલાત્મકતામાં, તેના મહત્ત્વમાં લેશમાત્ર ઘટાડો થયો જણાતો નથી. ઉલ્ટું, તમે કહી શકો કે આધુનિક ટેક્નોલોજીના આગમનથી કલાત્મક છબીકલાનો માર્ગ મોકળો થયો છે. અને આ જ વાત સમજાવે છેઃ ‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તક. ગુજરાતી સાહિત્યમાં નવી પગદંડી રૂપ બની રહે તેવું આ પુસ્તક એટલે ફોટો-જર્નલીસ્ટ શૈલેષ રાવલની તસવીર-કળાના ચાહકોને વધુ એક ભેટ.
અગાઉ તસવીર-શબ્દોનો સોનેરી સમન્વય સાધીને ત્રણ પુસ્તકો આપી ચૂકેલા શૈલેષ રાવલ ‘ઇંડિયા ટુડે’ મેગેઝિનના ગુજરાત ખાતેના પ્રિન્સિપલ ફોટોગ્રાફર તરીકે કાર્યરત છે.
વ્યવસાયે તસવીરકાર, પણ જીવ પત્રકારત્વનો. આ પુસ્તકમાં તેમણે પોતે જ ઝડપેલી તસવીરોને શબ્દદેહ આપ્યો છે. કારણ? તેઓ નથી ઇચ્છતા કે નવી પેઢીને આપણો ભવ્ય વારસો, સંસ્કૃતિ, ઇતિહાસ માણવામાં તકલીફ પડવી જોઇએ. પુસ્તક પર નજર ફેરવતાં જ જણાય છે કે ભાવિ પેઢી માટે આવું તસવીરી દસ્તાવેજીકરણ કરવાની - એક ફોટોગ્રાફર તરીકેની - જવાબદારી તેમણે સુપેરે નિભાવી છે. ‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તકમાં તેમણે ગુજરાતની ભૂંસાતી જતી, ભુલાતી જતી, નજરઅંદાજ થતી અનેક વાતો, પરંપરા, સાંસ્કૃતિક વારસાને સ-તસવીર રજૂ કરવા પ્રયાસ કર્યો છે, અને તે પણ ભરપૂર વિષય વૈવિધ્ય સાથે. સામાજિક રીતરિવાજો, પરંપરા, મેળાઓ, મંદિરો, ધાર્મિક-સાંસ્કૃતિક ધરોહર, કુટુંબભાવના, શિલ્પ સ્થાપત્યો, રાજમહેલો, બાળપણ, ભણતર, આદિવાસીઓ, નટબજાણીયા, બહુરૂપી, ભવાઈ, પટોળા, ચૌલક્રિયા, સ્મશાન, ખેતી જેવા અનેક વિષયો પર તેમણે તસવીર સાથે સમજણ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકનું ઉલ્લેખનીય પાસું છે કર્નલ બીગ્સે ૧૮૬૨માં ઝડપેલી અમદાવાદના વિવિધ સ્થળોની બે ડઝન તસવીરો. શૈલેષ રાવલે આ તમામ સ્થળો શોધીને કર્નલ બિગ્સના જ એંગલથી તસવીરો ઝડપીને જે તે સ્થળની પ્રવર્તમાન સ્થિતિ દર્શાવવાની સાથોસાથ પોણા બસ્સો વર્ષના ઇતિહાસના અંકોડા મેળવવા પ્રયાસ કર્યો છે.
આ તમામ તસવીરો જાણે કે વર્તમાનને ભવિષ્ય માટે ભૂતકાળ બનતી અટકાવે છે.
ગુજરાતીઓની બીજી પેઢી, ખાસ કરીને વિદેશવાસી પેઢી, ગુજરાતથી પરિચિત રહે, તેમનું વારસાગત ગોત્ર, ગુજરાતીપણું જીવંત રહે તેવું કાર્ય તસવીરકાર-લેખકે આ પુસ્તકમાં તસવીર-શબ્દની જુગલબંધી દ્વારા કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter