‘મગદલ્લાની મરદાની’નો સુરતી કવિ હરિલાલ...

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Tuesday 31st March 2026 13:02 EDT
 

હમણાં 21 માર્ચે આંતરરાષ્ટ્રીય કવિતા દિવસ ઉજવાયો. ઉત્સુકતા એ રહી કે સુરતમાં કે બીજે ક્યાંય શાયર હરિલાલ રાણાને કોઈએ યાદ કર્યો હતો ખરો? કવિતાની રચનામાં વિવેચકો તેને બહુ ઊંચા ગજાનો તો નહીં કહે પણ, તેની કવિતામાં ઐતિહાસિક ઘટનાની અભિવ્યક્તિ થઈ હતી, અને ગુજરાતની અસ્મિતાનો અંદાજ આપ્યો એ તેનું પ્રદાન.

સુરતને 5 માર્ચ, 1858ના દિવસે બ્રિટિશ સરકારે તદ્દન નિશસ્ત્ર બનાવવાનો હુકમ કર્યો હતો. કારણ હતું 1857ના વિપ્લવ માટેની સજ્જતાનું. સામાન્ય માણસો અસામાન્ય લડાઈને માટે સજ્જ થઈ રહ્યાની નોંધ ગુપ્તચર તંત્રે મુંબઈ પોલિટિકલ એજન્ટને મોકલી આપી એટલે પહેલું પગલું નાગરિકના હથિયાર કબજે કરી લેવાનું શરૂ થયું.

આ સ્થાનો અને આ ઘટનાઓ... આજના સુરતવાસીઓને તો ક્યાંથી યાદ હોય? નહીં તો, આ જગ્યાઓએ ભારતીય સ્વાધીનતા સંગ્રામ ખેલાયો હતો: એન્ડ્રુઝ લાઇબ્રેરી, તાપી નદીના કદાવર સાધુની નાનાસાહેબ પેશવા તરીકે ધરપકડ, સાંકડી જેલ અને તેની બેરેકોમાં રાખવામાં આવેલા ‘ફિતુરી’ઓ, હિન્દુ મંદિરો અને પારસી અગિયારીઓની બેઠકો, સરભણમાં ઉત્તરેથી આવેલા સેનાપતિ તાત્યા ટોપેની અનાવિલોની સાથે ગુપ્ત બેઠકો, નર્મદમિત્ર કિશનદાસ બાવાની પ્રવૃત્તિ, માછલીપીઠમાં નાનાસાહેબના સાગરીત નૌસેરવાનજીની ધરપકડ, બ્રિટીશરોએ લુંટેલું બજાર... સત્તાવનના સુરતના આ સંકેતો હતા. સ્વાભિમાની સ્વાધીન સમાજ માટે આ જગ્યાઓ ક્રાંતિ સ્મારક હોઇ કે નહીં?

આની વિગતો અંગ્રેજ રેસિડેન્ટ શેક્સપિયરના પત્રવ્યવહારમાં પડી છે. નંદશંકર જીવનચરિત્ર, આર્યસમાજી શિક્ષક નર્મદાશંકર ત્રિવેદીની નોંધ, નાથુભાઈ દયાળજીની અને ખુશાલદાસ પરાગજીની નોંધોમાં મળે છે. ઈશ્વરલાલ દેસાઈનું તો એક પુસ્તક પણ છે. સુરતની જેલમાં એક શાયર ફાંસીના માચડે લટકાવી દેવાયો હતો, તેનો અપરાધ હતો શાયરી કરવાનો. કદાચ નાનાસાહેબને મદદ કરી હોવાની આશંકા હતી. તે ફરીવાર નાનાને મળશે તેવી ગણતરીએ પોલીસ ગુપ્તચર તંત્રે તેને જેલમાંથી ભગાડયો અને પાછો પકડ્યો. 8 એપ્રિલ, 1871ની સવારે તેને જેલમાં ફાંસી આપવામાં આવી. શાયરી ગાતાં ગાતાં તે ફાંસીના માચડે ચડી ગયો.
નામ સઆદત અલી. ક્યાંક તો તેનું સ્મારક કે તખતી હશે એમ માનીને અમે બધે રઝળપાટ કરી પણ નિષ્ફળતા મળી.
1857માં સુરતમાં 92 હાઇલેન્ડર્સ ટુકડીનું સૈન્ય હાજર હતું. તેના 200 સૈનિકોને મહીસાગરના વિપ્લવકારોને ખતમ કરવા મોકલવામાં આવ્યા હતા. દિલ્હીમાં એક કાંધ પર તોપ અને બીજા ખભા પર બીજી તોપ એમ આપણા હિન્દુસ્તાનીઓ ગોરાઓની સામે લડી રહ્યા છે, એવી વાતો એકબીજા સુધી પહોંચી હતી. એટલે એન્ડ્રુઝ લાઇબ્રેરીની પાસે ટોળાં એકઠાં થયાં. 1871ની ઉત્તરાયણના દિવસે તાપી નદીમાં એક કદાવર સાધુ સ્નાન કરી રહ્યો હતો તેને પકડવા પોલીસ પહોંચી, પણ પેલો સાધુ તો ગુમ! એટલે તેના એક ‘સાથીદાર’ ગણીને એક મુસ્લિમને પકડી લેવામાં આવ્યો.

આવી ઘટનાઓની વચ્ચે અમારે શોધવો હતો કવિ હરિલાલ! રાણા કોમનો એ લોકપ્રિય કવિ હતો. ‘દેખ બિચારી બકરીનો કોઈ ના જાતાં પકડે કાન, એ ઉપકાર ગણીને ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન’ જેવી બ્રિટિશ-પ્રશસ્તિ ગાવી નહોતી તેને. તેતો સત્તાવનની જ્વાળાનો કવિ હતો. તેને પકડવામાં આવ્યો તેની સાથે બીજા 22 યોદ્ધાઓ હતા. બધા જેલમાં. હરિલાલને ત્રણ વર્ષ સખત કેદની સજા થઈ હતી. પણ તેણે કવિતા રચવાનું છોડ્યું નહિ.
તેમાંનું એક ગીત ‘મગદલ્લાની મરદાની’. થોડા વર્ષો પછી સુભદ્રાકુમારી ચૌહાણે ઝાંસી રાણી લક્ષ્મીબાઈ વિશે જે કાવ્ય લખ્યું તેની પહેલી પંક્તિ છે: ‘બુંદેલે હર બોલોકે મુખ, હમને સુની કહાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસીવાલી રાની થી!’ રસપ્રદ વાત તો એ છે કે હરિલાલે પોતાની કવિતામાં આ મરદાની શબ્દ પ્રયોજ્યો હતો!
1963માં રચાયેલી આ કવિતામાં અનેક સ્ત્રીઓ પરના બ્રિટિશ સૈનિકોનાં અત્યાચાર અને બળાત્કાર કરીને હત્યાની કહાણી છે. મહિધરપુરાની વણિક લલના, રાણા કોમની ગૌરી અને તેના ત્રણ ભાઈઓ, ઉધનાના કૂવામાં કોળી, રબારી, દુબળા સમાજની સ્ત્રીઓ, રાજપૂત સુંદરી લક્ષ્મી વગેરેનું કવિ વર્ણન કરે છે.
અને પછી આ ‘મગદલ્લાની મરદાની’ કાવ્યની આ કડી -
સોલ્જર લોકના અત્યાચારથી, બૂરા મોતથી મરવાનું,
ડરવું શાને, અંતે પણ જો હોય કાયમ મરવાનું,
મધરાતે એક અબળા જાગી, બહાનું કર્યું ઉગરવાનું,
બંદૂકની ગોળી સોલ્જર પર છોડી કર્યું છેતરવાનું,
કારમી ગોળી છૂટી, સોલ્જર ઢળ્યો હેવાનજી,
અબળાએ ભારે કરી, ઉતારિયું અભિમાન જી,
ધડાકો સુણી વ્યાકુળ થઈ, સોલ્જર આવ્યા તે સ્થાન જી,
હિંદવાણી સાથે તરફડતો, ગોરો ત્યાં હેવાન જી,
સોલ્જરને મારીને પોતે વિંધાઇ રંગ રાખ્યો સુરતની નારીએ...
કોળી કોમની જીવીબાઈ, એ જીવન જીવી ગઈ જોર કરી,
જેલરના મુખથી સુણી આ કથા, ગયું’તું હૈયું ઠરી.

‘મગદલ્લાની મરદાની’ કાવ્યની આ થોડીક પંક્તિઓ. મુખ્યત્વે આ સંઘર્ષ મગદલ્લા બંદરગાહ પર થયો હતો. છેલ્લી પંક્તિઓમાં આ બહાદુર વીરાંગનાનું નામ મળે છે, જીવીબાઈ. તે કોળી જાતિની હતી અને માછીમારીનો તેના પરિવારનો વ્યવસાય હતો.
બ્રિટિશ ઈતિહાસકારો ઠસાવતા રહ્યા કે 1857 તો રાજા-મહારાજાઓ અને થોડાક સૈનિકોનો બળવો (મ્યુટિની) હતો. તો આ સાધુબવાઓ, કોળીઓ, માછીમારો, ભીલ, આદિવાસી, પટેલ, વાઘેર, બ્રાહ્મણ પાસે ક્યાં કોઈ રાજ-રિયાસત હતી? ખરી વાત એ છે કે આ તો પ્રજાકીય સ્વાતંત્ર્ય ઝંખનાની આગ હતી.
ગુજરાતમાં અમદાવાદ, ગોધરા, વડોદરા, દાહોદ, ઝાલોદ, સંતરામપુર, આણંદ, ખેડા, દ્વારિકા, આખું પંચમહાલ, તાજપુર, સમો, લોદરા, વિજાપુર... સર્વત્ર સ્વાતંત્ર્ય યુદ્ધ થયું હતું. તેમાંનું એક સુરત પણ હતું. 1905 પછી અહીં યોજાયેલા રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધિવેશનમાં શ્રી અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક, લાલા લાજપત રાય, સરદાર અજિતસિંહ વગેરેએ કોંગ્રેસને અરજી અને અંગ્રેજોની પ્રસંશા કરતી અટકાવી એટલે પહેલા ભાગલા અહીં પડ્યા - નરમ દળ અને ગરમ દળ. સુરત અને આસપાસના દક્ષિણ ગુજરાતનાં ઘણા અનાવિલો સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમાં જોડાવા માટે રંગૂન પહોંચ્યા હતા. નર્મદે 1857 માટે લડેલા દ્વારિકા-ઓખાના વાઘેર-માણેકો વિશે કાવ્ય પણ લખ્યું.

આ બધું લોક-સ્મૃતિમાં ભૂંસાઈ જવાને આરે હતું. ઓરો યુનિવર્સિટીમાં એકવાર યુવકોને સંબોધનમાં મેં આ વાતો કરી તો કુલપતિ પરિમલ વ્યાસ અને આયોજક પ્રા. કિરણજીએ કહ્યું હતું કે આ ઇતિહાસ તો વારંવાર યુવકો સુધી પહોંચવો જોઈએ.
સદભાગ્યે ‘ગુજરાતની ક્રાંતિકથા’ પુસ્તકમાં આવા 110 સ્થાનો અને દસ્તાવેજો, ફોટો, સાથે ઇતિહાસ કહેવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter