‘મૂકને રીસનો રંગ’

(નવા નયને)

- ભારતી પંકજ Tuesday 08th September 2026 07:24 EDT
 
 

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’...

ક્ષમા એ વીરનું આભૂષણ છે

જીવન અનેક રંગોથી ભરેલું હોય છે. આનંદનો રંગ, પ્રેમનો રંગ, આશાનો રંગ, નિષ્ફળતાનો રંગ, સ્મરણોનો રંગ. આ બધા રંગો મળીને જીવનને સુંદર બનાવે છે. પરંતુ જીવનને થોડું વધુ સુખરૂપ, થોડું વધુ સમૃદ્ધ અને થોડું હળવું બનાવવું હોય તો, કદાચ એક જ રંગ એવો છે જેને ધીમે ધીમે છોડતાં શીખવું પડે - તે છે રીસનો રંગ.

આજે કેટલા ઘરોમાં લોકો સાથે રહે છે, પરંતુ વર્ષોથી એકબીજા સાથે મન ખોલીને વાત નથી કરતાં. ભાઈ ભાઈ વચ્ચે મૌન છે. બહેનો વચ્ચે અંતર છે. પિતા અને પુત્ર એક જ છત નીચે રહે છે, છતાં શબ્દોનું આવાગમન બંધ થઈ ગયું છે. મિત્રતા હવે ઘણીવાર માત્ર વ્હોટ્સએપના સંદેશાઓ સુધી સીમિત રહી ગઈ છે. સંબંધો હજુ જીવંત છે, પરંતુ સંવાદ જાણે મૃત્યુ પામ્યો છે.

વિચિત્ર વાત એ છે કે ઘણીવાર રીસ શા માટે શરૂ થઈ હતી એ પણ યાદ રહેતું નથી. માત્ર રીસ જ યાદ રહે છે.

કદાચ દુનિયાનો સૌથી ભારે સામાન સોનું, ચાંદી કે સંપત્તિ નથી. સૌથી ભારે ભાર છે મનમાં રાખેલી રીસ. આ ભાર ખભા પર નથી હોતા, તેથી તે દેખાતો નથી; પરંતુ મન પર હોય છે એટલે જીવનને સતત થકવતો રહે છે.

એવા સમયે કવિ પંકજ વોરાની એક કવિતા યાદ આવે છો. કવિતામાં કોઇ ઉપદેશ નથી, કોઇ તત્ત્વચર્ચા નથી. માત્ર એક જ ભાવ વારંવાર હૃદયને સ્પર્શ કરે છે -
‘મૂકને રીસનો રંગ’.

આ શબ્દો માત્ર કવિતાની પંક્તિ નથી: જીવનનો મંત્ર બની જાય છે.

મૂકને રીસનો રંગ
આપણો ચારેક દિનો સંગ
કાલ સવારે મેળો વીંખાશે
આજ બજવી લે મૃદંગ
મૂકને રીસનો રંગ...

માથે પેલો ચાંદ રૂપેરી
સામે નાનકી પ્રીતની દેરી
હાલને વા’લા
હાલને વા‘લા લઈએ હેરી
છોને દુનિયા રહેતી દંગ
કાલ સાગરના કોણ ભરોસા
જીતવી આજે ગંગ
મૂકને રીસનો રંગ...

આવડી રાતમાં કેટલું રોશું
ભવની કમાઈ આમ જ ખોશું
કાલનું ટાણું?
કાલનું ટાણું કાલે જોશું
છેડ તું આજે જીવનચંગ
મન ગગને વીંધતા જાશે
પ્રીતનાં મૃદુ વિહંગ
મૂકને રીસનો રંગ...

આ કવિતા માત્ર રીસ મૂકવાની વાત કરતી નથી. તે મનના એક અદ્રશ્ય ઉપવાસની વાત કરે છે. શરીરના ઉપવાસમાં આપણે અન્નનો ત્યાગ કરીએ છીએ. પરંતુ મનને વર્ષોસુધી રીસ, અહંકાર, અપેક્ષાઓ અને ફરિયાદોથી ભરેલું રાખીએ છીએ! શરીરનો ઉપવાસ થોડા કલાકનો હોય છે; મનનો ઉપવાસ કદાચ આખા જીવનની સાધના હોય છે.

કદાચ એટલે પર્યુષણ માત્ર જૈન ધર્મનો પર્વ નથી. તે મનની સફાઈનો અવસર છે. આખું વર્ષ આપણે બહારની દુનિયાને ગોઠવવામાં વ્યસ્ત રહીએ છીએ. પરંતુ વર્ષમાં થોડા દિવસ એવા હોવા જોઈએ, જ્યારે આપણે પોતાના અંતર તરફ નજર કરીએ. અને પુછીએ શું આ ક્ષણ પોતાના અહંકારને અને પોતાની જાતને સાચી રીતે જોવાની ક્ષણ છે.

આપણે વિચારીએ છીએ કે રીસ રાખવાથી સામેની વ્યક્તિને સજા આપી રહ્યાં છીએ, પરંતુ હકીકતમાં ઘણીવાર આપણે પોતાનું મન જ બંધક બનાવી દઈએ છીએ. જો વ્યક્તિથી આપણે દૂર થઈ ગયા હોઈએ, કદાચ તેને તો ખબર પણ ન હોય કે આપણાં મનમાં કેટલીક વાતો અધૂરી રહી ગઈ છે. આ ‘કાલ’, ઘણીવાર જીવન આપણને આપતું નથી. તેથી સંબધોમાં જીતવું હોય તો દલીલમાં નહીં, દિલમાં જીતવું પડે છે.

ક્ષમા એટલે ભૂલી જવું નહીં, પરંતુ ભૂતકાળના ભારમાંથી પોતાને મુક્ત કરવું. જે મનમાં પ્રેમ માટે જગ્યા બનાવે છે, ત્યાં રીસ લાંબો સમય રહી શકતી નથી.

જ્યારે આપણે દિલથી કહીએ - ‘જો મારાથી જાણતાં કે અજાણતાં કોઈને દુઃખ પહોંચ્યું હોય તો મને ક્ષમા કરજો’ - ત્યારે સામેનો માણસ બદલાય કે ન બદલાય, પરંતુ આપણા મનનો ભાર જરૂર હળવો થઈ જાય છે.

ધર્મો જુદા છે, પરંતુ મનુષ્યને હળવો બનાવવાની તેમની દિશા એક જ છે. કદાચ આ જ કારણે વિશ્વના લગભગ દરેક ધર્મ મનુષ્યને એક જ દિશામાં ચાલવાનું આમંત્રણ આપે છે.

સનાતન ધર્મ ‘ક્ષમા વીરસ્ય ભૂષણંમ્’ કહીને ક્ષમાને વીરનું આભૂષણ માને છે. બુદ્ધ ધર્મ કરુણા અને મૈત્રીનો માર્ગ બતાવે છે. ખ્રિસ્તી પરંપરા ‘forgive them’, કહે છે. ઇસ્લામ રહેમ અને માફીની વાત કરે છે. શીખ ધર્મ સર્વના કલ્યાણની ભાવનાને કેન્દ્ર બનાવે છે.

કદાચ એટલે જ પંકજ વોરાની કવિતા કોઈ એક ધર્મની કવિતા બની રહેતી નથી. તે દરેક ઘરની, દરેક મનની અને દરેક સંબંધની કવિતા બની જાય છે. આ ત્રણ શબ્દોમાં આખા પર્યુષણનું દર્શન સમાઈ જાય છે.

જે દિવસે આપણે કોઈ વ્યકિત સુધી ફરી ચાલી શકીએ, જે દિવસે ‘હું સાચો હતો’ કરતાં ‘આપણે ફરી ભેગા મળીએ’ એ મહત્ત્વનું લાગશે ત્યારે ક્ષમા શબ્દ નહિ, સ્વભાવ બની જશે. કારણ કે, રીસનો રંગ ઉતરે તો મન હળવું થાય, ક્ષમાનો રંગ ચડે તો સંબંધો ખીલી ઊઠે. અને કદાચ, આ જ જીવનનો સૌથી સુંદર રંગ છે.
મિચ્છામી દુક્કડમ્... 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter