‘લોટ કે આજા મેરે મીત’ એક ગુજરાતી નવલકથા: પુસ્તક પરિચય

Thursday 11th September 2014 10:59 EDT
 
 

બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા યોજાયેલા એક કવિ સંમેલનમાં યુ.કે.ના વિખ્યાત કવિઓ સર્વશ્રી આદમભાઈ ટંકારવી, પ્રફુલભાઈ અમીન, પંકજભાઇ વોરા, ભારતીબેન વોરા તથા અન્ય કવિઓ, શ્રોતાજનોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. નવલકથાનો આસ્વાદ પ્રફુલભાઈએ ઘણા સુંદર શબ્દોમાં આપ્યો હતો.

ચીમનલાલ પાંવ યુ.કે.માં છેલ્લા ૪૨ વર્ષથી રહે છે અને યુગાન્ડાથી જ્યારે જનરલ ઇદી અમીને એશિયનોને હાંકી કાઢ્યા ત્યારે અહીં એક નિરાશ્રિત તરીકે વસવાટ માટે આવ્યા હતા. તેમણે અનેક ટૂંકી વાર્તા, કાવ્યો અને નાટકો લખેલા છે. ‘લોટ આજા મેરે મીત’ નવલકથા તેમનો પહેલો પ્રયાસ છે. બર્મિંગહામમાં વસતા મિલીયોનેર મનોજ વાડેકરના ઘરમાંથી તેમની પત્ની જયશ્રી બેભાન હાલતમાં મળે છે અને હોસ્પિટલમાં કોમામાં હોય છે ત્યારે જ તેણી ગર્ભવતી થાય છે અને પછી સર્જાય છે રહસ્યના તાણાવાણા. નવલકથાનું સસ્પેન્સ જાણવા આખી વાર્તા વાંચવી જ રહી. એક વખત વાંચવાનું શરૂ કરશો પછી ચોપડી મૂકવાનું મન નહીં થાય. સરળ અને સાદી ભાષામાં લખાયેલી આ નવલકથા શ્રોતાજનોએ અત્યંત પસંદ કરી છે.

ચીમનલાલ આ પુસ્તકના વેચાણની રકમ કેન્સર રીસર્ચ યુ.કે.ને ડોનેશન તરીકે આપનાર છે.

હાલમાં તેમની કલમે લખાયેલું નાટક ‘સપ્તપદી’ નવરંગ ડ્રામા ગ્રુપ તરફથી બર્મિંગહામના મેક થીયેટરમાં રજૂ થયું હતું. કોઈ પણ સંસ્થાને આ નાટક પોતાના શહેરમાં રજૂ કરવાની ઇચ્છા હોય તો લેખકનો સંપર્ક સાધવો. સંપર્કઃ 0121 684 6878.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter