વંદે માતરમ્ શબ્દનો પ્રભાવ કેટલાં બધાં ક્ષેત્રોમાં રહ્યો છે તે પણ સંશોધનનો રસપ્રદ વિષય છે. ભારત માટે તો તે આસ્થા, શક્તિ અને સ્વાધીનતા સાથેના સમાજનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તેમાં સમુદ્રનાં ઉછળતા મોજાં જેવી ગતિ છે, પ્રણવનાદ જેવો ધ્વનિ છે, ઇતિહાસનો તેમાં વૈદિકકાલીન અવતાર છે. અથર્વ વેદથી તેની પરંપરા અવિરત છે. ‘માતા ભૂમિ: પુત્રો અહમ્ પૃથિવ્યા:’ આમ કહ્યું હતું ઋષિ અથર્વને. આપણાં પરમ વિદ્વાન પંડિત સાતવલેકરની વેદ-મીમાંસામાં સંખ્યાબંધ ઉદાહરણો છે, જે ભારત-ભક્તિની પ્રતિષ્ઠામાં રહેલી માતૃભક્તિનો પરિચય કરાવે છે. પૃથ્વી સૂક્ત તેનું અનુપમ ઉદાહરણ છે. તે શક્તિરૂપેણ સંસ્થિતા છે. તેનાં અનેક સ્વરૂપો છે જે એકાવન શક્તિપીઠોમાં પ્રતિષ્ઠિત છે. કામાખ્યાથી ચામુંડા સુધી તે વ્યાપ્ત રહી છે.
વંદે માતરમ્ ગીતની સમીક્ષા અરવિંદ ઘોષે કરી હતી, છેક સ્વાતંત્ર્યના અગ્નિયુગમાં. બંગભંગની સામે પ્રજાની ચેતના જાગૃત થઈ તેવા 1905થી શરૂ થયેલા દિવસોમાં. તેમણે લખ્યું હતું: ‘પ્રદીર્ઘ નિદ્રામાં રહેલા લોકોને જાગીને સત્યનું દર્શન કરવા માટે ચોતરફ જોયું અને પરમ ભાગ્યશાળી ક્ષણે તે મંત્ર મળ્યો - ‘વંદે માતરમ્’. હવે વિશ્રામ કેવો? સમગ્ર દેશ સંપૂર્ણ દેશભક્તિના ધર્મનો અનુચર બની ગયો. દિવ્ય દર્શનપ્રાપ્ત રાષ્ટ્ર હવે ક્યારેય કોઈ પણ આક્રમકોથી કચડાઈ શકશે નહિ... (17 એપ્રિલ, 1907) 1920માં ભારત પરત ફરેલા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીને લોકોએ મહાત્મા કહ્યા તે પૂર્વે જ 1905થી બંગાળના વિભાજન સુધી થયેલા વિરોધ આંદોલનના સંદર્ભમાં કહ્યું હતું: ‘જયાં સુધી આ રાષ્ટ્ર છે, ત્યાં સુધી આ ગીત અવશ્ય રહેવાનું છે’. તેને ભવ્ય અભિવ્યક્તિમાં બદલાવતા બે ચિત્રોની ઘટનાઓ રસપ્રદ છે. વડોદરાનિવાસ દરમિયાન પ્રા. અરવિંદ ઘોષે લખી હતી એક પુસ્તિકા ‘ભવાની મંદિર’. રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત યુવકોની સંકલ્પ ભૂમિ શાંતિ નિકેતનના ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોરએ તેના પરથી ભારત માતાનું ચિત્ર દોર્યું. 1905ની એ ઘટના. 1917માં પંડિત શ્રીપાદ સાતવલેકરજીએ પણ એવું પ્રેરક ચિત્ર બનાવ્યું હતું. ભગિની નિવેદિતાએ ‘કાલી - ધ મધર’ પુસ્તિકા લખી. ગુજરાત સરકારે અને કેન્દ્રના રેલ મંત્રાલયે જો વંદે માતરમ્ વિષે અભિવ્યક્તિ કરવી હોય તો વડોદરાનું રેલવે સ્ટેશન સૌથી ઉપયુક્ત જગ્યા છે. 20 ઓકટોબર, 1902ના રોજ આ સ્ટેશન પર બે રાષ્ટ્રપ્રેમી વ્યક્તિઓનું મિલન થયું હતું - શ્રી અરવિંદ અને ભગિની નિવેદિતા. ભગિનીએ હાથ મેળવતાં કહ્યું, ‘મિસ્ટર ઘોષ, તમે તો શક્તિના પૂજારી છો. હું આપની સહ-કર્મી છું. મારા સહયોગની ખાતરી રાખજો...’
આ સહકર્મી અને સહયોગ એટલે વંદે માતરમના ભવિષ્યે થનાર પ્રચંડ રણઘોષને સ્વાધીનતાના સંઘર્ષમાં માધ્યમ બનાવવું. સ્ટેશન પરની દીવાલો પર આ સચિત્ર પ્રસંગ અંકિત કરવો જોઈએ. ઇતિહાસ માત્ર પુસ્તકોના પાનાંનો જ વિષય નથી.
આ યુગપ્રવર્તક ગીતનું અવતરણ ભલે શક સંવત 1717 ના કાર્તિક નવમી (1875ની 7 નવેમ્બર)ના રોજ થયું, તેનો આત્મા તો વેદકાલીન હતો. સમગ્ર પ્રજાએ તેની ચેતનાનો અનુભવ કર્યો. ક્યાંક ફાંસીના માચડે (મદાનલાલ ધિંગરા, લંડનમાં પેન્ટોનવિલા જેલ, ખુદીરામ બોઝ, 19 ઓગસ્ટ, 1908 - કોલકાતા) . ક્યાંક રાષ્ટ્રધ્વજ નિર્માણ અને વંદના સાથે (મેડમ કામ, સ્ટુટગાર્ટ - જર્મની, ભગિની નિવેદિતા - કોલકાતા, 1905) ક્યાંક બ્રિટિશ જેલોમાં, વિદેશોમાં (ઈન્ડિયા હાઉસ- લંડન, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને યુગાંતર આશ્રમ - સાન ફ્રાન્સિસ્કો, લાલા હરદયાળ) ક્યાંક સ્વાતંત્ર્ય સેનાની અને ટુકડીઓમાં (માસ્ટર દા સૂર્ય સેન - ચટગાંવ, કાબુલમાં મહેન્દ્ર પ્રતાપે રચેલી આઝાદ હિન્દ સરકાર, રંગુનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજ અને સરકાર, નૌસેના વિદ્રોહ, મુંબઈ-કરાંચી), લેખોમાં, વ્યાખ્યાનોમાં, સરઘસોમાં. આંદામાંનની કાળ કોટડીઓમાં. શરૂઆતના કોંગ્રેસ અધિવેશનોમાં પણ. વિદેશોમાં ગદર પાર્ટી, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની બર્લિન કમિટી, અમેરિકામાં તારકનાથ દાસના ભારત એસોસિએશન... આવી અસંખ્ય સંસ્થાઓ હતી, જેની નોંધ બ્રિટિશ જાસૂસી તંત્રના ભારત ખાતેના વડા જેમ્સ કેમ્પબેલ કેરે પોતાના પુસ્તકમાં લીધી છે.
બલિદાનના રસ્તા પર ચાલતા લોકો માટે વંદે માતરમ્ મુખ્ય પ્રેરણા-મધ્યમ બન્યું. 1906ની 6 ઓગસ્ટે પહેલી વાર ‘વંદે માતરમ્’ અખબાર કોલકતાથી પ્રકાશિત થયું, ‘સંધ્યા’ પત્રના તંત્રી બ્રહ્મબાંધવ ઉપાધ્યાયે તેના શ્રીગણેશ કર્યા. પછી તેના સંપાદક બન્યા અરવિંદ ઘોષ. બીજી મે, 1908 ના તેમની ધરપકડ થઈ. એટલે ફરીવાર બિપીનચંદ્ર પાલે અખબારને આગળ ચલાવ્યું. અંગ્રેજી ભાષામાં પ્રકાશિત આ અખબાર બંગાળીમાં પણ પ્રકાશિત થવા માંડ્યું. વિદેશોમાં મેડમ કામાએ ‘વંદે માતરમ્’ અખબારનો પ્રારંભ કર્યો. લાલા લાજપત રાયે દિલ્હીથી આ જ નામે અખબાર શરૂ કર્યું. મેડમ કામા અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાએ બર્લિનથી ‘વંદે માતરમ્’નો શંખ ફૂંક્યો. મુંબઈથી ‘વિહારી’ સામાયિકમાં સાવરકરનો એક લેખ ‘વંદે માતરમ્’ (ચૈત્ર, 1906) આવ્યો, તે સ્વાતંત્ર્ય જંગના ગદ્ય સ્વરૂપનો પરિચય આપે છે.
સુરતે પણ વંદે માતરમને યાદ કરવા બીજે જવું પડે તેમ નથી. 1907ના રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં રાષ્ટ્રીય આંદોલનનું પ્રેરક બળ હતું આ ગીત. અરવિંદ ઘોષ, લાલા લાજપતરાય, લોકમાન્ય ટિળક... સુરતના અનેક સ્થાનોએ ફર્યા, સભાઓ ભરી (એ સ્થાનો આજે પણ ઉભા છે, પણ વાચાહીન!). નરમ અને ગરમ જૂથમાં કોંગ્રેસ વિભાજિત થઈ તે આ ઘટના. 19 વર્ષના કેશવરાવ હેડગેવારે પણ શાળાઓમાં સરકારે મોકલેલા રિસ્કે સર્ક્યુલર સામે યુવકોને એકત્રિત કરીને બંગ-ભંગની લડતને ચલાવી.
1909માં 17 ઓગસ્ટે લંડનમાં ધિંગરાને ફાંસી મળી તે પૂર્વે તેનું અંતિમ નિવેદન એક ઐતિહાસિક દસ્તાવેજ છે. તેનો એક અંશ: ‘હિન્દુસ્તાને જો કશું શીખવું હોય તો તે આત્મ-બલિદાન છે. મને મારી શહાદત પર ગૌરવ છે, પરમાત્માના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે ભારતભૂમિમાં મારો ફરીવાર જન્મ થાય, અને ફરીવાર દેશને માટે મૃત્યુ પામું. સમગ્ર મનુષ્ય સમાજનું કલ્યાણ માટે આ ચક્ર ચાલતું રહે. ભારત માતા સ્વાધીન બને ત્યાં સુધી વંદે માતરમ્...’
1914માં કોમાગાટામારુ જહાજ સ્વાતંત્ર્યવીરોને માટે નીકળ્યું ત્યારે બ્રિટિશ સત્તા ફફડી ઉઠી હતી. વાનકુંવર સમુદ્રકિનારે તેને પ્રવેશ ના મળ્યો, ત્યારે શહેરના ભારતીયોએ કાનૂની મદદ આપવા સમિતિ નિયુક્ત કરી તેનો અધ્યક્ષ પોરબંદરનો છગન ખેરાજ વર્મા હતો. આવ્યો તો હતો વ્યવસાય કરવા, પણ ગદર આંદોલનમાં ઝૂકાવ્યું. ચાર ભાષામાં પ્રકાશિત ‘ગદર’ની એક આવૃત્તિ ગુજરાતી ભાષામાં હતી! તેનો તંત્રી છગન ખેરાજ હતો. તેના પહેલા પાને વંદે માતરમ્ શબ્દ રહેતો. છગન ખેરાજના પ્રયાસો પછી કોમાગાટામારુને મુક્તિ મળી. આ જહાજ વંદે માતરમ્ શબ્દોથી શોભિત રહ્યું.
આ રણઘોષ આસાન નહોતો. અત્યારના બાંગ્લા દેશના ચટગાંવ અને જલાલાબાદમાં જે ઐતિહાસિક જંગ ખેલાયો તેના નાયક માસ્ટર દા સૂર્યસેન હતા. 18 વર્ષના યુવકોએ વંદે માતરમ્ નારાની સાથે આ સ્થાનોને મુક્ત કર્યા, અનેકોને ફાંસી અને જનમટીપ થઈ. સૂર્યસેન પકડાયા અને ફાંસીની સજા થઈ. સજાના દિવસે સૂર્યસેનને એટલો ઢોરમાર માર્યો કે તે બેહોશ થઈ ગયા. તો પણ ફાંસીના માચડે લઈ જઈને ફાંસી આપી. બેહોશ થતાં પહેલાં તેમના અંતિમ શબ્દો હતા, ‘વંદે માતરમ્..!’
ભારતમાં હોમ રુલ ચળવળ ચાલી તેના નેતા હતાં એની બેસન્ટ. તેમની સાથે લોકમાન્ય ટિળક બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણા વગેરે હતા. તેમની સભાઓ વંદે માતરમ્ ગીતથી શરૂ થતી. ઝીણા પણ ઊભા રહીને માનભેર વંદે માતરમ્ ગાતા. ગાંધીજીના આગમન પછી, કોંગ્રેસમાં જે કઈ બન્યું ત્યારે ઝીણાએ પોતાનો રસ્તો પકડ્યો.
આ ગીતને દુર્ભાગ્યે વિરોધ સહન કરવો પડ્યો તેની પાછળ મજહબી ગેરસમજનું ઝનૂન અને રાજકારણ જવાબદાર છે. આ ગીત-ગાન તો 1905થી અધિવેશનોમાં થતું. 1905માં બનારસ કોંગ્રેસ અધિવેશનમાં પહેલીવાર વિરોધ થયો. સરલાદેવી ચૌધરાનીએ મંચ પરથી ગાવાનું શરૂ કર્યું કે ફિરોઝશાહ મહેતાએ બ્રિટિશરો નારાજ થશે એ હેતુથી અટકાવી દીધું. ત્યારથી આ દુર્ભાગ્ય શરૂ થયું. 1923માં કાકીનાડા અધિવેશનના પ્રમુખ મૌલાના મોહમદ અલીએ પંડિત વિષ્ણુ દિગંબર પલૂસકરને મંચ પરથી અટકાવ્યા પણ પંડિતજીએ સંપૂર્ણ ગાન કર્યું. 1938માં આ વિરોધ ‘સંપૂર્ણ ગીત જ ગાવું જોઈએ નહીં’ તેવી માગણી સુધી પહોંચ્યો. આવી મનોવૃત્તિનો પડછાયો સ્વતંત્રતા પછી સંવિધાન સભા સુધી કઈ રીતે પહોંચ્યો અને જેમ ભારતના ટુકડા થયા તેવું ‘વંદે માતરમ્...’ ગીતમાં પણ બન્યું તે ઇતિહાસ લાંબો છે, તે વિશે ફરી ક્યારેક ચર્ચા કરીશું.


