ઓગસ્ટમાં ‘વંદે માતરમ’નું સ્મરણ કોને ના થાય? એક સરસ નવલકથા, એક જીવંત સૂત્ર, એક ઐતિહાસિક રાષ્ટ્રીય ગીત અને ‘વંદે માતરમ્’ નામે, એક નહિ, ચાર અખબારો. તેમાંના ત્રણ તો સ્વાધીનતા સંગ્રામના પ્રેરક મુખપત્રો બન્યા અને ચોથાએ તેમાંથી પ્રેરણા લઈને જુનાગઢ-મુક્તિની આરઝી હકૂમતનો ઝંડો ફરકાવ્યો.
આમાંથી ત્રણની આધારશીલાના નાયકોનો ગુજરાતની સાથે અનુબંધ રહ્યો.
વડોદરામાં અધ્યાપન સાથે ભારતીય સ્વાધીનતાના સંઘર્ષને નેતૃત્વ પૂરું પાડ્યું હતું શ્રી અરવિંદે. કોલકાતામાં બિપીનચંદ્ર પાલ બંગ-ભંગ અને પછીના જલદ ક્રાંતિકાર હતા. લોકમાન્ય ટિળક, લાલા લાજપતરાયની સાથે એક પ્રચંડ ત્રિપુટી લાલ-બાલ-પાલ સમગ્ર દેશના યુવકો પર છવાઈ ગઈ હતી. બંકિમચંદ્રના આશિષ સાથે શરૂ કરવામાં આવ્યું, ‘વંદે માતરમ્’. અંગ્રેજી અને બંગાળીમાં. તંત્રી તો હતા બિપીનચંદ્ર, પણ લેખનનો અગ્નિ અરવિંદ ઘોષનો.
1972માં તે તમામ લેખોનો સંગ્રહ દળદાર ગ્રંથ ‘વંદે માતરમ્’માં પ્રકાશિત થયો છે. 200 થી વધુ લેખો તેમાં છે. લેખમાળ, તંત્રીલેખો, સ્વતંત્ર લેખો. 1890થી 1908 સુધીના અગ્નિમય વર્ષોની આ સામગ્રી છે. તેમાં ‘ન્યૂ લેમ્પસ ફોર ઓલ્ડ’ની લેખમાળા પણ છે, જેના નવ લેખો છે. ‘ઇન્દુ પ્રકાશ’માં લખવા તેના તંત્રી કે. જી. દેશપાંડેએ આગ્રહ કર્યો તો ખરો, પણ પ્રથમ બે લેખ પછી અશક્તિ દર્શાવી. સામયિક જપ્ત થઈ જાય તો શું કરવું? બીજી 10 પાનની એક પુસ્તિકા ‘ભવાની મંદિર’ છે, તેનો મૂળ આગ્રહ બારીન્દ્ર ઘોષનો હતો. ભવાની મંદિર પર ક્રાંતિકારી યુવક પાગલ બની ગયો, અવનીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનથી ચિત્ર બનાવ્યું ભારત માતાનું. આ જ ભવાની, આ જ માતૃશક્તિ અને મંદિર ભારતમાતાનું. રક્ત છાંટીને બલિદાની પથ પર આગળ વધેલો યુવક, પછી તે ખુદીરામ બોઝ હોય કે પ્રફુલ્લ ચાકી. ફાંસી અને બીજા બલિદાનો.
રસપ્રદ વાત છે આ ‘વંદે માતરમ્’ અખબારની. બિપિનચંદ્રે 500 રૂપિયા સાથે આ અખબાર પ્રારંભ કર્યો. અરવિંદ ઘોષને કહ્યું કે મને સાથ આપો. સુબોધચંદ્રે આર્થિક સહયોગ આપ્યો. શ્યામ સુંદર ચક્રવર્તી, હેમેન્દ્ર પ્રસાદ, વિજય ચક્રવર્તી પણ તેના લેખકો. બહિષ્કારની નૈતિકતા લેખમાળાથી શરૂઆત થઈ. પછી તો લેખોની સહસ્ત્ર ધાર! કેવા કેવા લેખો? રાષ્ટ્રીય શિક્ષણ (પછીથી તેનો શુભારંભ એક કોલેજ સ્થાપીને કોલકાતામાં કરાયો), લોકમાન્ય ટિળક અને અંગ્રેજી અખબારો, ગોખલેની રાજનીતિ, કોમિલા ઘટના, સુરતમાં ફિરોઝશાહ મહેતા, પંજાબમાં સત્યાગ્રહ, રાષ્ટ્રવાદ એ અંતિમવાદ નથી, શું ભારત સ્વાધીન થશે? મૌનીબાબા નેતાઓ, બ્રિટિશ ‘ન્યાય’, રાષ્ટ્રીયતાની આધારશીલા, સુરત કોંગ્રેસનું અધિવેશન (જયાં નીતિવિષયક ખુલ્લું વિભાજન થયું), ગુજરાતમાં જાગૃતિ, રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય, હુતાત્માઓનો અવાજ, પૂતનામાશીનું દૂધ, નુતન રાષ્ટ્રવાદ વગેરે લેખોએ તે સમયે ભારે હલચલ મચાવી દીધી.
1906થી તો શ્રી અરવિંદ વડોદરા છોડીને બંગાળ આવી પહોંચ્યા હતા. 7 ઓગસ્ટ, 1906થી ‘વંદે માતરમ્’ શરૂ થયું. પછી તો અલીપુર મુકદ્દમો ચાલ્યો. ચિત્તરંજન દાસે તેમની તરફેણમાં દલીલો કરી, અરવિંદ દોષિત ના ઠર્યા. દરમિયાન આધ્યાત્મિક રાષ્ટ્રીય સનાતનના માર્ગે વળ્યા અને પુડુચેરીમાં નવો પડાવ શરૂ થયો. આમાં પૂર્વ-અરવિંદ અને યોગી-અરવિંદ વચ્ચે કોઈ વિરોધાભાસ નહોતો, રાષ્ટ્ર અને સંસ્કૃતિના વ્યાપક આકાશનો વિહાર હતો. છેક ‘વંદે માતરમ્’માં જ તેમણે કહ્યું હતું: ‘જગત અને આત્માનો સુસંવાદ કેવી રીતે મેળવવો એ વાત પૃથ્વીની પ્રજાઓને ભારત ફરી એક વાર શીખવશે’. 1909ની નવમી મેએ લાલા લાજપતરાયને દેશમાંથી હદપાર કરવામાં આવ્યા ત્યારે તેમના તંત્રીલેખમાં આવો વિસ્ફોટ હતો: પંજાબના નરવીરો! સિંહના સંતાનો, તમને કચડી નાખવા માંગતા બ્રિટિશરોને બતાવી આપો કે એક લાજપતને લઈ ગયા, ત્યાં સો સો લાજપતો ઊભા થશે.
‘વંદે માતરમ્’નો બીજો મહા-પ્રયાસ ફ્રાંસ-જર્મનીમાં થયો. યોગાનુયોગ તે પણ ગુજરાતી-પારસી મેડમ કામા દ્વારા. આખું ફ્રાન્સ તેમને ‘મધર ઓફ ધ રિવોલ્યુશન’ તરીકે ઓળખતું. તેમની ભાષા પણ તેજસ્વી હતી. આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં તેમણે પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, તેમાં પણ ‘વંદે માતરમ્’ સૂત્ર હતું. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની સાથે ‘વંદે માતરમ્’ અખબારનો આરંભ કર્યો, બીજું અખબાર હુતાત્મા મદનલાલ ધિંગરાને સમર્પિત ‘મદન તલવાર’ હતું.
વિદેશોમાં રહીને આવું જ્વલંત પત્રકારત્વ કરવું બચ્ચાના ખેલ નહોતા. મેડમ કામાને આ પ્રવૃત્તિ માટે પકડવામાં આવ્યા ત્યારે ન્યાયાધીશને કહ્યું હતું, ‘હું હિન્દુ છું, સ્વાધીન હિન્દુ. મને તમારા કાયદા લાગુ પડતા નથી.’ મેક્સિમ ગોર્કી જેવો ખ્યાત લેખક તેમને માન આપતો, વડોદરાના ગાયકવાડ તેમની સાથે વિમર્શ કરતા. શ્યામજી કૃષ્ણવર્મા, સાવરકર, સરદારસિંહ રાણા સૌ તેમને આદર આપતા. દાદાભાઈ નવરોજીની બે પૌત્રીને તેમણે દેશભક્તિના પાઠ શીખવાડયા હતા, જેનો જન્મ કચ્છમાં થયેલો.
લાલા લજપતરાયે પણ ‘વંદે માતરમ્’ અખબાર ઉર્દૂમાં પ્રકાશિત કર્યું હતું. તે સમયે ઉર્દૂ અલગાવની ભાષા નહોતી, પંજાબમાં તેનો ઉપયોગ થતો. ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મીલ જેવાએ ઉર્દૂને દેશભક્તિ સાથે જોડેલી રાખી હતી.
છેલ્લો ચોથો પ્રયાસ મુંબઇમાં શામળદાસ ગાંધીનો, તેમના ગુજરાતી અખબાર ‘વંદે માતરમ્’માં જૂનાગઢના નવાબે સોરઠને પાકિસ્તાનની સાથે જોડવાની બાલિશ જાહેરાત કરી. તેની સામે આરઝી હકૂમતે સંઘર્ષનું બ્યૂગલ ફૂંક્યું, ‘વંદે માતરમ્’ અને સ્વયં શામળદાસ ગાંધી તેના અગ્રેસર રહ્યા. એક નામ ‘વંદે માતરમ્’, પણ તેનો તેજસ્વી ઇતિહાસ ફ્રાન્સથી બંગાળ, પંજાબ અને ગુજરાત સુધીનો!