વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય ડાયસ્પોરા માટે ઉજ્જ્વળ તક

સી.બી. પટેલ Wednesday 17th January 2018 07:20 EST
 
 

મોહનદાસ કરમચંદ ગાંધી સાઉથ આફ્રિકામાં રાજકીય સક્રિયતાનો ડંકો વગાડી ૯ જાન્યુઆરી, ૧૯૧૫ના દિવસે ભારતના મુંબઈ બંદરે પાછા ફર્યા તેની ૧૦૩મી વર્ષગાંઠે આપણે ભૂતકાળમાં ડોકિયું કરીએ ત્યારે ખુદ ભારતમાં વ્યાપક પરિવર્તન આવી ગયેલું દેખાય છે અને ભારતીય મૂળના આશરે ૨૫થી ૩૦ મિલિયન લોકો તો પરદેશમાં વસે છે. આ બિનનિવાસી ભારતીયો (NRI) ગૌરવશાળી વંશાવળી ધરાવે છે. ભારતના વિકાસમાં દરિયાપારની ભારતીય કોમ્યુનિટીના પ્રદાનને સન્માનિત કરવા દર વર્ષે ભારતમાં ૯ જાન્યુઆરીએ પ્રવાસી ભારહતીય દિનની ઉજવણી કરાય છે.

એટર્ની એમ.કે. ગાંધી જ્યારે સાઉથ આફ્રિકા પહોંચ્યા ત્યારે તેમની સાથે કૂલી જેવો વ્યવહાર કરાયો હતો અને રેલવેના ડબ્બાની બહાર ફેંકી દેવાયા હતા. આવા વ્યવહાર માટે એકમાત્ર તેમની ત્વચાના વર્ણ અને વંશીય મૂળ કારણભૂત હતા. ગાંધીજી જાતીય ભેદભાવ અને શોષણના વિરોધમાં માનતા હતા. ૧૮૯૩માં તેમના શાંતિપૂર્ણ અને અહિંસક વિરોધના શસ્ત્રે ઘણા ટુંકા સમયમાં સમગ્ર વિશ્વમાં એ સંદેશો પ્રસરાવી દીધો હતો કે ભારતથી લવાયેલા કરારબદ્ધ મજૂરોની અવગણના કરી શકાશે નહિ.

ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં વિવિધ પશ્ચાદભૂના ભારતીયોને સંગઠિત કર્યા, અનેક મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કર્યો પરંતુ કદી શરણાગતિ સ્વીકારી નહિ. ભારતીય મુક્તિસંગ્રામમાં મુઠી ઊંચેરી વ્યક્તિત્વ અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના સર્વોચ્ચ નેતાઓમાં એક ગોપાલ કૃષ્ણ ગોખલેએ એમ.કે. ગાંધીને ભારત પરત ફરવા અને સંસ્થાનવાદ અને શોષણની બેડીઓ ફગાવી દેવા લોકોને પ્રેરણા આપવાનું આમંત્રણ આપ્યું હતું.

ભારતમાં વિવિધ સ્તરે કાર્યરત કેટલાંક ઉમદામના બ્રિટિશ આત્માઓની પ્રેરણા અને પ્રોત્સાહન થકી જ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે તેનું ધ્યાન ભારતમાં હોમ રુલની માગણી પર જ કેન્દ્રિત કરાયું હતું. INCમજબૂત અને શક્તિશાળી સંગઠન હોવા છતાં, જે લોકસમર્થનની તાતી જરુરિયાત હતી તે લોકો સુધી તે પહોંચી શક્યું ન હતું. એટર્ની એમ.કે. ગાંધી માટે આ જ પ્રાથમિકતાનો મુદ્દો હતો. પોતાના રાજકીય ગુરુ ગોખલેની સલાહ અનુસાર એક વર્ષ સુધી ભારતનું પરિભ્રમણ કર્યા પછી ગાંધી અમદાવાદમાં સ્થાયી થયા અને કોચરબ ખાતે પોતાના પ્રથમ આશ્રમની સ્થાપના કરી હતી. ત્રણ વર્ષ અગાઉ આ ઐતિહાસિક ઘટનાની એક સદી થઈ તેના સંદર્ભે વિશ્વપ્રસિદ્ધ સાબરમતી આશ્રમ પર તમામની નજર હતી ત્યારે માત્ર ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા કોચરબ આશ્રમ ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી.

કોચરબ આશ્રમ ખાતે ગાંધીએ શાંતિપૂર્ણ અને અહિંસક સાધનો મારફત ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં માન્યતા ધરાવતા કટિબદ્ધ લોકોના સમૂહને એકત્ર કર્યો હતો. નોંધવાપાત્ર બાબત એ છે કે સત્યાગ્રનો પ્રથમ સફળ પ્રયોગ અમદાવાદના ટેક્સટાઈલ મિલમાલિકો વિરુદ્ધ થયો હતો, જ્યાં મજૂરો દયનીય હાલતમાં કામ કરતા હતા. કદાચ આ વિચિત્ર લાગશે પરંતુ, મિલમાલિક સારાભાઈની પુત્રી અને પરિવારના સભ્યો તેમજ અન્ય ઘણા મિલમાલિકો દ્વારા તેમને સાથ અને સહકાર અપાયા હતા.

સૌપ્રથમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચનારો સત્યાગ્રહ ઉત્તર બિહારના ચૌરી ચોરામાં મુખ્યત્વે બ્રિટિશ ગળી ઉત્પાદકો વિરુદ્ધનો હતો. આ દરમિયાન, શાંતિમય વિરોધ કરી રહેલા વિરોધકારોના મોટા જૂથ પર બ્રિટિશ પોલીસે દમનનો કોરડો વીંઝી લાઠીઓનો માર વરસાવ્યો ત્યારે લોહીતરસ્યા બનેલા દેખાવકારોએ રોષે ભરાઈને પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મીઓને જીવતા જલાવી દેતા સંઘર્ષ હિંસાપૂર્ણ બની જતાં નવો જ વળાંક આવ્યો હતો.

મોટા ભાગના સાથીઓ અને શિષ્યોની સલાહ અવગણીને પણ શાંતિ અને અહિંસાના પૂજારી ગાંધીએ લડત અટકાવી દેવાની જાહેરાત કરી દીધી. આ પછી તેમને છ વર્ષની જેલની સજા પણ કરવામાં આવી. પરંતુ, આ સમગ્ર ઘટનાચક્રના પરિણામે વિનમ્ર આત્મા એટર્ની એમ.કે. ગાંધીને વિશ્વપ્રસિદ્ધ મહાત્માનું બિરુદ પ્રાપ્ત થયું હતું.

મહાત્મા ગાંધી ભારત પરત આવ્યાના ૩૦ વર્ષની અંદર જ બ્રિટિશરોને ડહાપણ આવ્યું અને શાણા બ્રિટિશ નેતાઓએ ભારતમાં સત્તાત્યાગ કરવાનું વિચારી લીધું. તેમને સમજ આવી ગઈ હતી કે ઉપખંડનો દરજ્જો ધરાવતા વિશાળ દેશ પર હવે તેઓ વધુ સમય શાસન ચલાવી શકે તેમ નથી. આઝાદી મળવાનું તો નિશ્ચિત થઈ ગયું પરંતુ, મહાત્મા માટે ભારતનું વિભાજન ભારે પીડાદાયી અને નિરાશાજનક બની રહ્યું હતું. જોકે, નેહરુ, પટેલ, આઝાદ તેમજ રાજગોપાલાચારી જેવા નજીકના સાથીદારો ત્યાં સુધી એ બાબત સમજી ગયા હતા કે ધાર્મિક કટ્ટરતા અને ઘૃણાથી ગેરમાર્ગે દોરાયેલા તત્વોના પરિણામે પ્રજ્વલિત હિંસામાં હિન્દુસ્તાનનું અસ્તિત્વ જળવાઈ રહેવું અશક્ય છે. ભારતનું આ વિભાજન રક્તરંજિત અને પીડાજનક હતું પરંતુ, મહાત્માના ઉપદેશો અને તાલીમ તેમજ ભારતના સદીઓ પુરાણી પરંપરા અને મૂલ્યોના સમન્વયે રાષ્ટ્રપિતા અને આઝાદીના અન્ય મહારથી લડવૈયાને ભારતના બંધારણની રચના કરવાની શક્તિ અને પ્રેરણા પ્રાપ્ત થયા હતા, જે બંધારણ ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

મંગળવાર, ૯ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સર્વપ્રથમ પાર્લામેન્ટરી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના અને અન્ય મહાનુભાવના સંદેશાનો અહેવાલ એશિયન વોઈસના ફ્રન્ટ પેજ પર મૂકાયો છે. આપણે જ્યારે પરદેશમાં ભારતીય સ્થળાંતરના ૧૫૦ વર્ષ પર નજર નાખીએ ત્યારે ફિજીથી મલેશિયાથી મોરેશિયસ, આફ્રિકાના પૂર્વ, દક્ષિણ અને અન્ય વિસ્તારો તેમજ કેનેડા, સાઉથ અમેરિકા, ગુયાના, સુરિનામ, કેરિબિયન અને તાજેતરના વર્ષોમાં વિશ્વના કોઈ પણ સ્થળોએ અને વિશેષતઃ નોર્થ અમેરિકા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને મિડલ ઈસ્ટના માતા ભારતીના પનોતા સંતાનોના અપ્રતિમ પ્રદાન અને અસરના મહાન પરિદૃશ્યને આપણે નિહાળી શકીએ છીએ.

ભારતીય ડાયસ્પોરાએ જે સ્થળોએ વસવાટ કર્યો છે તે દેશોમાં પોતાના માટે ઉજ્જવળ ભવિષ્યનું સર્જન કર્યું છે, જે સ્થળાંતર કરનારા અન્ય સમુદાયોની સરખામણીએ વ્યાપક છે. તેઓ પોતાની કર્મભૂમિમાં દૂધમાં સાકર ભળે તેમ મુખ્ય પ્રવાહમાં એકરસ બની ગયા છે એટલું જ નહિ, પોતાની માતૃભૂમિ ભારત સાથે જોડાયેલા રહીને સંસ્કૃતિ અને મૂલ્યોને પણ જાળવી રાખ્યા છે.

ફિજીની આઝાદીની ચળવળમાં અંબાલાલ પટેલ, મહેન્દ્ર ચૌધરી તેમજ અન્ય ઘણાએ નેતૃત્વ સંભાળ્યું હતું. સિંગાપોર અને મલેશિયામાં પણ મૂળ ભારતીયો નેતાગીરીમાં સામેલ હતા. દક્ષિણ આફ્રિકામાં અશ્વેત નેતા નેલ્સન મન્ડેલાને અહમદ કથરાડા સહિત ઘણાનો સાથ સાંપજ્યો હતો. ઈસ્ટ આફ્રિકામાં અલી દિના વિશરામ, કરીમજી જીવણજી, નાનજી કાલિદાસ મહેતા, મેઘજી પેથરાજ શાહ, મુળજીભાઈ માધવાણી, આઈ. સી. ચોપરા, માનનીય એ.બી. પટેલ, આર.બી. પંડ્યા, યુગાન્ડાના પ્રથમ સ્પીકર નરેન્દ્ર પટેલ, પ્રાણલાલ શેઠ અને ઘણા નામી-અનામી મૂળ ભારતીયોએ તેઓ જે કોઈ દેશમાં રહેતા હતા ત્યાં પોતાના બિઝનેસીસ, વ્યવસાય તેમજ પરગજુપણા, શિક્ષણ અને સામાજિક વિકાસ સાથે વિશાળ હૃદયે ફાળો આપ્યો હતા. આ ઉપરાંત, તેઓએ પોતાની સફળતા, વહીવટી કૌશલ્ય, જોખમ લેવાની અને નવા માર્ગોએ ખેડાણ કરવાની તૈયારી સાથે ભારતમાં પોતાના ભાઈ-બહેનોની પણ મદદ કરી હતી. દરિયાપારના ઘણા ભારતીયો અને ખાસ કરીને નાનજી કાલિદાસ મહેતા, મેઘજી પેથરાજ શાહ તથા અન્યોએ નોંધપાત્ર રોકાણો દ્વારા રોજગારનું સર્જન કરવા સાથે આયાતના વિકલ્પ અને નિકાસલક્ષી બિઝનેસીસની સ્થાપના કરી હતી.

NRI અથવા OCI કાર્ડધારકો બાકી રહેલા કાર્યને પરિપૂર્ણ કરવા આગળ આવ્યા છે એટલું જ નહિ, તચેમની સમક્ષ વિશાળ ફલક પણ છે. તમે ગુજરાત સમાચારમાં ગોલ્ડન વિલેજ રફાળા વિશે વાંચ્યુ જ છે. રફાળાના સવજીભાઈ વેકરિયા આશરે ૩૦ વર્ષથી સૂરતમાં રહે છે અને કામકાજ કરે છે. ભારતમાં ઝડપથી વિકસી રહેલાં શહેરોમાં સુરતનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આશરે ૪૦ લાખની વસ્તીમાંથી લગભગ ૫ લાખ જેટલા કામદારો બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને દક્ષિણના રાજ્યો સહિત ભારતના વિવિધ પ્રદેશોમાંથી આવે છે અને સુરતના વેપારધંધા-ઉદ્યોગોમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે.

સૌરાષ્ટ્રના અને મુખ્યત્વે ભાવનગર, રાજકોટ અને જૂનાગઢના ત્રિકોણપ્રદેશમાંથી જ ૩૦૦,૦૦૦ લોકો કામ કરે છે. આ કાઠિયાવાડી પટેલો ડાયમન્ડ, રીઅલ એસ્ટેટ અને અન્ય સેક્ટર્સમાં ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સુરત અને સૌરાષ્ટ્રની મારી નિયમિત મુલાકાતો દરમિયાન મેં સૌરાષ્ટ્રમાં વિકાસના અસંખ્ય ઉદાહરણો જોયા છે જેનો આરંભ તેમના બૌદ્ધિક, વહીવટી, ઉદ્યોગસાહસિકતા અને નાણાકીય પ્રદાન દ્વારા કરાયો છે.

આપણે એ બાબત પણ નોંધવી જ રહી કે બિનઉપજાઉ ભૂમિ ધરાવતું ઈઝરાયેલ વિશ્વભરમાં પથરાયેલા યહુદીઓના વ્યાપક ટેકા સાથે ૭૦ વર્ષમાં સમૃદ્ધ રાષ્ટ્ર બની ગયું છે. એક અતિ પુરાણી કહેવતને ટાંકીએ કે ‘રોમ એક દિવસમાં જ બંધાયુ ન હતું, આજે પણ તેનું નિર્માણ ચાલે જ છે.’

વિશ્વમાં ફેલાયેલા સફળ અને દીર્ઘદૃષ્ટા બનિનિવાસી ભારતીયોએ વિશ્વના જ્યુઈશ ડાયસ્પોરામાંથી પ્રેરણા મેળવવી જોઈએ. ભારતમાં રહેલા આપણા ભાઈ-બહેનોને આપણા યોગ્ય ધ્યાન અને ટેકાની જરુર છે. આપણે બધા તો અસરપરસ આધારિત વિશ્વમાં વસીએ છે. પ્રવાસી ભારતીય દિવસના પ્રસંગે મારા માટે આ જ તો સંદેશો છે. ધ ટાઈમ્સમાં ટ્રેવર ફિલિપ્સના તાજેતરના એક પત્રની લાઈન ટાંકવાનું મને ગમશે કે,‘ આપણે અહીં છીએ કારણકે તેઓ ત્યાં છે.’ (આ મુખ્યત્વે ઈમિગ્રેશન, જાતિ અને બહુસાંસ્કૃતિકવાદની ચર્ચા સાથે સંબંધિત છે.) આ અવતરણમાં થોડો જ ફેરફાર કરીને કહી શકાય કે આપણે અહીં છીએ, આપણે આટલા સફળ છીએ અને આપણે સ્વીકૃત અને સન્માનીય બન્યા છીએ કારણકે આપણે ત્યાંથી આવ્યા છીએ.

જય હિંદ, જય બ્રિટન, જય જગત        


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter