શીખ ગુરુની શહાદતને યાદ કરીએ

રુચિ ઘનશ્યામ Tuesday 04th May 2021 17:17 EDT
 
 

કોરોના વાઈરસ મહામારીના કપરા કાળમાં વિશ્વને ઘણી વ્યક્તિઓ અને જૂથોની હિંમત અને પ્રતિબદ્ધતાના દર્શન થયાં છે. મહામારી સામેના યુદ્ધમાં તબીબી વ્યવસાય મોખરે રહ્યો છે. અન્ય ફ્રન્ટલાઈન વર્કર્સ, ખાસ કરીને સર્વિસ પ્રોવાઈડર્સ અને સેવારત કાર્યકરોએ પોતાના આરોગ્ય અને જિંદગીને જોખમમાં મૂકીને પણ વિશ્વને દોડતું રાખ્યું છે.

આ બધામાં એક કોમ્યુનિટી નોખી તરી આવે છે અને તે છે શીખ સમુદાય. સમગ્ર વિશ્વમાં શીખ સમુદાય જાતિ-જ્ઞાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના વિવિધ કોમ્યુનિટીના લોકોની સેવા કરવા આગળ આવી છે. શીખ ધર્મના અનુયાયીઓએ ભૂખ્યાજનો માટે લંગરસેવા કરી છે એટલું જ નહિ, તેમણે ગરીબો અને નિરાધારોને નિઃશુલ્ક અથવા ભારે સબસિડીયુક્ત દરે મદદ મળી રહે તે માટે તેમજ ભારે દબાણ હેઠળ કાર્યરત આરોગ્યસેવાને સપોર્ટ કરવા હોસ્પિટલો, ટેસ્ટિંગ સેન્ટર્સ અને ફાર્મસીઓ પણ સ્થાપી છે. શીખોના વતન, શીખ ગુરુઓ અને પવિત્ર ધર્મસ્થળોની ભૂમિ ભારતમાં આ બધુ વ્યાપક પ્રમાણમાં જોવાં મળે છે.

નિઃસ્વાર્થબાવની લંગરસેવા તો ઉદાહરણીય છે. વાઈરસના ભયથી મોટા ભાગના લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે ત્યારે અન્યોની સેવામાં આગળ આવવામાં શીખોની નિર્ભયતા ખરેખર અદ્ભૂત છે. હાલના સમયે દિલ્હી તેમજ અન્ય સ્થળોએ ઓક્સિજનની ભારે અછતના સમાચાર રિપોર્ટ્સ આવી રહ્યા છે. આની સાથોસાથ, સોશિયલ મીડિયામાં પણ અનેક વ્યક્તિઓ અને બિઝનેસીસ દિલ્હીમાં અને આસપાસ ઓક્સિજનના ખાલી સીલિન્ડર્સ ભરી આપવાની ઓફર કરી રહ્યા હોવાના અહેવાલો પણ જોવા મળે છે. ગુરુદ્વારાઓ અથવા શીખ મંદિરોએ પણ આ બાબતે અગ્રેસર રહ્યા છે. આ દિવસોમાં ફરી રહેલા વીડિયોમાં જરુરિયાતમંદોને ઓક્સિજન પૂરો પાડવા ગુરુદ્વારાની સ્ટીલ રેલિંગ્સનો ઉપયોગ કરાયો હોવાનું દર્શાવાયું છે. રાતોરાત આ રેલિંગ્સમાં કાણા પાડી દેવાયા અને ઓક્સિજનનો પુરવઠો આપવા માટે આવશ્યક ફેરફારો પણ ફીટ કરી દેવાયા જેથી લોકો ત્યાં બેસીને આરામથી ઓક્સિજન મેળવી શકે. ગુરુદ્વારા સંચાલક સમિતિના સભ્યો માસ્ક લગાવીને કોઈ ભય વિના કોવિડના પેશન્ટ્સની આસપાસ ફરી રહ્યા છે અને તેમને હિંમત આપી રહ્યા છે. ગયા વર્ષે પણ  જે પરિવારોને કોવિડ પેશન્ટ્સના અંતિમ સંસ્કારમાં મદદની જરુર હોય તો તેમને અગ્નિદાહ આપવા પણ શીખ કોમ્યુનિટીના સભ્યો આગળ આવ્યા હોવાના અહેવાલો હતા.

અન્ય કોમ્યુનિટીઓના સભ્યોની હિંમત અને યોગદાનને અવગણવાનો જરા પણ ઈરાદો નથી. આ મહામારી દરમિયાન, સમાજના દરેક હિસ્સામાં દિલેરી અને નિઃસ્વાર્થ સેવાની ઘટનાઓ જોવાં-સાંભળવા મળી છે. આ મુશ્કેલ સમયમાં માનવતાની સેવા માટે સમર્પિત દરેક વ્યક્તિ આપણા આદર-સમ્માનને પાત્ર છે. આ કોલમ શીખ કોમ્યુનિટીના પ્રદાનને વધાવી લે છે.

ગત સપ્તાહે જ ગુરુ તેગ બહાદુરના ૪૦૦મા પ્રકાશપર્વની ઉજવણી કરાઈ હતી જે આપણને શીખોની નિઃસ્વાર્થ અને નિર્ભય સેવાના પ્રેરકબળ કારણોની યાદ અપાવે છે. ભારતના પંજાબ રાજ્યના અમૃતસર નગરમાં ૧૬૨૧ના એપ્રિલ મહિનામાં જન્મેલા ગુરુ તેગ બહાદુર શીખ ધર્મની સ્થાપના કરનારા ૧૦ શીખગુરુઓમાં નવમા ગુરુ છે. તેઓ ૧૬૬૫થી નવેમ્બર ૧૬૭૫માં મોગલ વંશના છઠ્ઠા બાદશાહ ઓરંગઝેબના આદેશથી શિરોચ્છેદ કરાયાથી શહીદી વહોરવા સુધી શીખોના ધર્મગુરુ રહ્યા હતા. દિલ્હીમાં શીખોના પવિત્ર સ્થળો ગુરુદ્વારા શિશ ગંજ સાહિબ અને ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ ગુરુ તેગ બહાદુરના વધસ્થળ અને અંતિમદાહના સ્થળો છે. દર વર્ષે ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ તરીકે તેમની શહીદીને યાદ કરવામાં આવે છે.

ગુરુ તેગ બહાદુર બાદશાહ ઓરંગઝેબના હાથે કાશ્મીરી હિન્દુઓના અત્યાચારના વિરોધી હતા. તેમણે  કાશ્મીરી હિન્દુઓની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. ગુરુ અને તેમના સાથીઓ દિલ્હીમાં હતા તે ગાળામાં તેમની ધરપકડ કરાઈ હતી. ગુરુ તેગ બહાદુર પોતાના સિદ્ધાંતોમાં અટલ રહ્યા અને તેમના પર જુલમ- અત્યાચારો અને શિરોચ્છેદ કરાયા છતાં ઈસ્લામમાં ધર્માન્તર કરવાનો સદંતર ઈનકાર કર્યો. ગુરુની સાથે રહેલા તેમના સાથીદારો પર પણ અત્યાચારો કરાયા અને ધર્માન્તરનો ઈનકાર કરતા તેમની પણ હત્યા કરાઈ હતી.

ધર્મની સ્વતંત્રતા અર્થે જીવનત્યાગ કરવા કરવા બદલ ગુરુ તેગ બહાદુરનું સ્મરણ કરવામાં આવે છે. તેમણે અને તેમના ભાવિકોએ જેઓ તેમના ધર્મમાં માનતા ન હતા તેમની રક્ષા કરવા કાજે શહાદત વહોરી હતી. ગુરુ તેગ બહાદુરની શહાદતે તેમના નવ વર્ષના પુત્ર અને સમયાંતરે શીખોના ૧૦મા અને આખરી ગુરુ બની રહેલા ગોવિંદના જીવન પર અમીટ છાપ પાડી હતી. ગુરુ ગોવિંદ સિંહે નવી ઓળખના પ્રતીકો સાથે શીખોને વિશિષ્ટ, સુવ્યવસ્થિત સમુદાયમાં રુપાંતરિત કર્યા. આ સાથે તેમણે ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય જાળવવા મોગલો સામે યુદ્ધ કરવા ‘Brotherhood of Khalsa – ખાલસા બંધુત્વ’ને જન્મ આપ્યો. આ કોમ્યુનિટીના કેટલાક ગેરમાર્ગે દોરાયેલા હિંસક અને કટ્ટરવાદી વિચારધારા સાથેના ભારતવિરોધી તત્વો ગુરુઓના ઉપદેશો અને બલિદાનો પ્રત્યે અનાદર દર્શાવી રહ્યા છે.

શીખ ધર્મ નિર્ભયતા અને નિઃસ્વાર્થ સેવાપરાયણતાનું મહત્ત્વ શીખવે છે. કોરોના વાઈરસ મહામારી સમુદાયના આ મૂલ્યવાન ગુણોને ફરી એક વાર બહાર લાવી છે.

માનવતાની સેવા અને નિર્બળોના રક્ષણ બાબતે શીખોની પ્રતિબદ્ધતા સમજવી હોય તો આપણે ગુરુઓના ઉપદેશ અને તેમણે આપેલા બલિદાનોને યાદ કરવા જોઈએ. ગુરુ તેગ બહાદુરના ૪૦૦મા પ્રકાશ પર્બ નિમિત્તે સહુ વાચકગણને શુભેચ્છા.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter