શું રમતના કુરુક્ષેત્રમાં ભારત શૂન્યોનું રાષ્ટ્ર બની રહેવા માગે છે?

કપિલ દૂદકીઆ Wednesday 11th August 2021 05:18 EDT
 
 

મારામાંના મોટા ભાગના લોકો આ શીર્ષક વાંચીને અસ્વસ્થ બની જશે અને કેટલાક તો અસહ્ય રોષ પણ દર્શાવશે. આખરે ઓલિમ્પિક્સ અને નબળા પ્રદર્શનની વાત હોય તેમ છતાં, ભારત અને તેની સરકારને પડકારવાની હિંમત પણ હું કેવી રીતે કરી શકું? આથી મને કહેવા દો કે, તમારા ગુસ્સા, આવેશ અને ગર્વ પર હાલ નિયંત્રણ રાખો. આ બાબતો ભારત માટે હાલમાં કે ભવિષ્યમાં પણ મેડલ્સ હાંસલ કરવાની તક પર કોઈ અસર કરવાની નથી. ખરેખર તો જે હકીકત હોય તેનું બયાન કોઈએ કરવું જ જોઈએ અને તમને બધાને ખબર જ છે કે આ બાબતમાં હું ઘણો સારો છું. આંતરરાષ્ટ્રીય ખેલજગતમાં સિદ્ધિઓ હાંસલ કરવાની વાત આવે ત્યારે ભારત નિષ્ફળ જ રહ્યું છે. ઓહ, મહેરબાની કરીને મારી સામે ક્રિકેટ વિશે લેક્ચર ન આપશો.

ટોક્યો ૨૦૨૦એ આપણને દર્શાવ્યું છે કે આપણાથી ખાસ અલગ નથી તેવા ચીને ૩૮ ગેલ્ડ, ૩૨ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ મેડલ્સ હાંસલ કર્યા છે અને ઓલિમ્પિક્સમાં બીજા ક્રમે આવ્યું છે. આનાથી વિપરીત, ભારત ૧ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ્સ મેળવીને ૪૮મા ક્રમે આવ્યું છે.

આપણી પાસે વિશ્વસ્તરીય ચેમ્પિયન જેવો નીરજ ચોપરા છે જે સિંહની ગર્વિલી ચાલ સાથે રમતના મેદાનમાં પ્રવેશ્યો અને તે વિજેતા બનવા આવ્યો છે તેવી ગર્જના કરી અને તે ખરેખર વિજેતા બન્યો. સમગ્ર દેશે તેની ઉજવણી કરી અને હંમેશાં થાય છે તેમ પોતે બાકી રહી જવા ન જોઈએ તે ધોરણે બધા ઉજવણીના બેન્ડવેગનમાં જોડાઈ ગયા. આ પછી આપણે ભારત તો વિકાસશીલ દેશ છે અને સમયાંતરે તે ચોક્કસપણે સફળતા હાંસલ કરશે તેવા બહાનાઓ પણ સાંભળ્યા, શ્રેષ્ઠતા અને વિશ્વસ્તરીય સિદ્ધિઓની સફળતા હાંસલ કરવામાં કોઈ પ્રયાસ બાકી નહિ રખાય તેમ પણ સાંભળ્યું. બકવાસ, હું કહું છું કે તદ્દન બકવાસ છે. આવો વાહિયાત બકવાસ તો ત્રણ દાયકા કરતા વધુ સમયથી ચાલતો આવ્યો છે અને આટલા સમયમાં ચીન પ્રથમ પાંચ દેશોમાં આવીને બેસી ગયું.

મેં લોકોને એમ કહેતા પણ સાંભળ્યા છે કે ભારતીય સ્પર્ધકો સારો દેખાવ કરી શકે તે માટે તેમને પૂરતું પ્રોત્સાહન અપાતું નથી. ખરેખર! હું તમારી સમક્ષ કેટલીક હકીકતો રજૂ કરું છું. ભારત પ્રતિ ગોલ્ડ મેડલ- સુવર્ણચંદ્રક રુપિયા ૭૫ લાખ, સિલ્વર મેડલ- રજતચંદ્રક માટે રુપિયા ૪૦ લાખ અને પ્રતિ બ્રોન્ઝ મેડલ- કાંસ્યચંદ્રક રુપિયા ૨૫ લાખ આપે છે. આનાથી વિપરીત, યુએસ દ્વારા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતવા માટે પ્રોત્સાહનરૂપે અનુક્રમે ૩૭,૫૦૦ ડોલર, ૨૨,૫૦૦ ડોલર અને ૧૫,૦૦૦ ડોલર અપાય છે. આનો અર્થ એ છે કે યુએસની સરખામણીએ ભારત ૨.૫ ગણી રકમનું પ્રોત્સાહન આપે છે આમ છતાં, ભારત પરાજિત તરીકે પાછળ ધકેલાય છે! આમ શા માટે?

જે દેશો બહોળા પ્રમાણમાં વિજય હાંસલ કરે છે અને જે દેશ ભારે પરાજ્ય મેળવે છે તેમના વચ્ચે એક મહત્ત્વનો તફાવત રહ્યો છે. ઈન્વેસ્ટમેન્ટ. ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટ. યુકે સ્પોર્ટ્સ પાછળ જેટલો ખર્ચ કરે છે તેનો લગભગ એક તૃતીઆંશ ખર્ચ જ ભારત કરે છે. આ બે દેશના કદ તરફ નજર કરો અને તમને સમજાઈ જશે કે ભારત દ્વારા એટલો ઓછો ખર્ચ થાય છે કે તેમાં ફોકસનો અભાવ છે અને મોટા ભાગે તો ખર્ચની વહેંચણી પણ નબળી રહે છે. હવે આ મેદાનમાં ભ્રષ્ટાચારનો હાથી પણ આવી જાય છે. મને તો આશ્ચર્ય થાય છે કે જે એક તૃતીઆંશ ખર્ચ કરાય છે તેમાંથી મદદની જરૂરિયાત ધરાવનારા સ્પર્ધકોને કેટલું મળતું હશે? આથી જ, મોટી મોટી વાતો કરનારા પરંતુ, જ્યાં આવશ્યક હોય ત્યાં શૂન્યની ડીલિવરી કરનારા દેશની સામે અરીસો બતાવવો જરૂરી અને સારી વાત છે. ૧.૩ બિલિયનની વસ્તીના દેશમાં પણ વિશ્વ સ્તરના ૨૦૦ મજબૂત ખેલાડી પણ શોધી ન શકાય તો તેનાથી શું સંદેશો જાય છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સ્પર્ધકોને ટ્વીટ થકી સમર્થન આપ્યું તે સારું લાગ્યું. મારે વડા પ્રધાન મોદીને કહેવું છે કે તમે ભારતના તેજસ્વી ભવિષ્યના સંરક્ષક છો. તમે ભૂતકાળની ભૂલોને સુધારવા કેટલાંક હિંમતપૂર્ણ નિર્ણયો લીધા છે જેના ઉદાહરણોમાં આર્ટિકલ ૩૭૦, સિટિઝનશિપ એક્ટ, નોટબંધી, રામ મંદિર અને તળિયાના સ્તરે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. હવે ભારતની આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં નામના થાય અને દરેક ભારતીય ગર્વ અનુભવે તેનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે. સ્પોર્ટ્સ ક્ષેત્રમાં તેમજ ભારતમાં તેને અપાતા સપોર્ટ વિશે ધરમૂળ પરિવર્તન કરવાનો સમય આવ્યો છે. ભારતમાં તેના બજેટને ૧૦ ગણું વધારવાનો સમય આવ્યો છે. આપણે એવું જ લક્ષ્ય રાખીએ કે આગામી ૨૦ વર્ષમાં ભારત વિશ્વના પ્રથમ પાંચ ક્રમમાં સ્થાન હાંસલ કરે. તમારા ઉત્સાહ અને ફોકસ થકી આપણે તે કરી બતાવીએ. ભારત શૂન્યોના દેશ તરીકે રહે તે ચલાવી શકાય નહિ.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter