સંસ્થારૂપ વ્યક્તિઃ ડો. ભરત પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Friday 25th January 2019 07:48 EST
 
 

ખારા સાગરમાં નદીનું ઠલવાતું પાણી અંતે ખારું થઈ જાય છે છતાં રણવીરડી જેવો અપવાદ છે, ડો. ભરત પટેલનો. સાડા ચાર દસકાથી અમેરિકામાં વસવા છતાં એમનો ભારતપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ યથાવત્ છે. ૧૮૫૭માં ચરોતરમાંથી કાળા પાણીની સજા પામીને આંદામાનમાં મરનાર એકમાત્ર ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાની આણંદના ગડબડ મુખીના એ પ્રપૌત્ર.

૧૯૭૩માં વડોદરાથી એમબીબીએસ થઈને તે અમેરિકાના પહોંચ્યા. ૧૯૭૮માં વર્જિનિયા રાજ્યના રેડફોર્ડ નગરની સૌથી મોટી હોસ્પિટલને સેવા પૂરી પાડતા રેડિયોલોજી કન્સલ્ટન્ટ ઈન્કોર્પોરેશનમાં જોડાયા. વખત જતાં એ ગ્રૂપના સૌથી મોટા ભાગીદાર અને સંચાલક બન્યા. ડો. પટેલની રેડિયોલોજી ક્ષેત્રે નિપુણતાને લીધે રેડફોર્ડની આ કોમ્યુનિટી હોસ્પિટલ, રેફરન્સ હોસ્પિટલનો દરજ્જો પામી. આસપાસની બે-ત્રણ કાઉન્ટીની હોસ્પિટલોના ડોક્ટરો સલાહ માટે તેમના દર્દીઓની વિગતો ડોક્ટર પટેલ પાસે મોકલતા થયા. એક ભારતીય ડોક્ટર માટે આ ગૌરવપ્રદ ગણાય.
અમેરિકામાં આરોગ્યની સવલતો ખર્ચાળ છે. કેટલાક પાસે પૂરો વીમો ન હોવાથી સારવારનું અંશતઃ ખર્ચ દર્દીએ આપવું પડે, જે તેમના ગજા બહારનું હોય. આવાને મદદરૂપ થવા ડો. પટેલ પોતાના ભાગની ફી જતી કરે. આવી સેંકડો ડોલરની ફી વર્ષે હજારોની થાય. ચાર દસકાની આવી જતી કરેલી ફી લાખો ડોલર થાય, જેનો આંકડો કરોડો રૂપિયામાં પહોંચે. ડો. પટેલ ભલે વ્યક્તિ હોય, તેમનું આ કાર્ય સંસ્થારૂપ છે. બાકી થોડાક લાખ રૂપિયા આપીને તક્તિ મૂકાવવા કરતાં આ મોટું દાન અને કામ ગણાય.
ડો. પટેલની કર્મભૂમિ રેડફોર્ડ નજીક વર્જિનિયા ટેક નામની ઈજનેરી ક્ષેત્રે જાણીતી યુનિવર્સિટી છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો છે. ડો. પટેલ આ પ્રોફેસરોનો સંપર્ક રાખે. અવારનવાર જમવા બોલાવે. તેમની મારફતે ભારતીય વિદ્યાર્થીઓનો સંપર્ક રાખે. તેમને ય બોલાવે. આમાં કોઈ સંગીતના રસિયા હોય તો વધુ રસ લે. ડો. પટેલ વિદ્યાર્થી અવસ્થાથી સંગીતના રસિયા અને અભ્યાસી. શાસ્ત્રીય સંગીત, લોકગીતો, ગરબા, ભજનો અને વાજિંત્રોના જાણકાર. અમેરિકામાં રહીને સગવડ વધતાં એ શોખ અને આવડત વધ્યાં. વિદ્યાર્થીઓને મદદરૂપ થવા પોતાને ત્યાં કે પોતાના જેવા ચાહક મિત્રોને ત્યાં બીજા મિત્રો અને ચાહકોને ભેગા કરીને પેલા વિદ્યાર્થીનો કાર્યક્રમ ગોઠવે. વિદ્યાર્થીની કલા બદલ શ્રોતાઓ જે રકમ આપે તેમાં પોતાના ૨૦૦ - ૩૦૦ ડોલર કવરમાં ઉમેરી દે. વિદ્યાર્થીને ખબર ના પડે કે કોણે શું આપ્યું? યશ-ભૂખ વિનાના એ મોટા મદદગાર છે. આવો કાર્યક્રમ ક્યારેક ૨૦૦-૨૫૦ માઈલ દૂર હોય તો વિદ્યાર્થીનું ગૌરવ જાળવવા કહે, ‘તું મારી સાથે આવે તો કંપની મળે. માટે મારી કારમાં જઈએ.’ હકીકતમાં તેમનો હેતુ વિદ્યાર્થીને આર્થિક મદદ કરવા-કરાવવાનો હોય.
નાત-જાત, પ્રદેશના ભેદભાવ વિના સૌ ભારતીય વિદ્યાર્થીને તે મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓને ભણવા માટે મોટી રકમો વિના વ્યાજે, વિના લખાણે, માનવતાથી પ્રેરાઈને તેમણે આપી છે. એમની સહાયથી ભણીને કેટલાય વિદ્યાર્થીઓ આજે ડોક્ટર કે એન્જિનિયર થઈને અમેરિકામાં સ્થાઈ થયા છે. કેટલાકને મદદ આપી હોય અને બે-ત્રણ વર્ષે યુનિવર્સિટી કે સ્થળ બદલીને ક્યાં ગયા હોય તે પણ ખબર નથી. પૈસા પાછા ના વાળ્યા હોય એવા કોઈ પણ પર પૈસા માટે તેમણે કેસ કર્યો નથી. ગુજરાતમાં સ્કૂલ કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીને વાયા વાયા ભલામણે પણ તેમણે મદદ કરી છે.
ગુજરાતમાં એકાદ-બે ઓળખીતાને પૈસા આપી રાખે અને કહે, ‘તમને ઠીક લાગે તેવા બિમારને મદદ કરજો.’ વિદ્યાર્થીઓને વિના વ્યાજની લોન તરીકે આપેલી રકમમાં પણ તેમણે દસેક લાખ ડોલર ગુમાવ્યા છે. છતાં દર વર્ષે બે-ચાર વિદ્યાર્થીને મદદ કર્યા કરે છે.
કોઈ જાહેર સંસ્થા બીજાનાં નાણાં લઈને પછી અન્યને મદદ કરે એને બદલે ભરતભાઈ પોતે આરોગ્ય, શિક્ષણ અને વ્યક્તિને સ્વાવલંબી બનાવવા સંસ્થારૂપ બનીને મદદ કરે છે.
તેમના પિતા રાવજીભાઈ જીવતા હતા ત્યારે ભરતભાઈ દર વર્ષે તેમને મોટી રકમ આપીને ઠીક લાગે ત્યાં મદદ કરવા કહેતા હતા.
સ્વ. ડો. રમણિકભાઈ દોશીના નેત્રરાહતના કામમાં મશીનોરૂપે અને દાનરૂપે તેમણે લાખો રૂપિયાની મદદ કરી હતી. ચારુસેટ યુનિવર્સિટીમાં તેમણે તેમનાથી મોટા દિનેશભાઈ અને કિરીટભાઈ સાથે મળીને એક કરોડ રૂપિયા આપ્યા છે. બીજી સંસ્થાઓને પણ મદદ કરી છે, અને કરે છે.
પોતે કરકસરથી જીવે પણ બીજાને આપે. પત્ની ભારતીબહેન આમાં ક્યારેય ના રોકે. માને ભગવાને આપેલો રોટલો પોતે એકલા ખાધા કરતાં બીજાને ખવડાવતાં મીઠો બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter