સર ડેવિડ એમેસના આત્માને શાંતિ મળે

- રુચિ ઘનશ્યામ Wednesday 20th October 2021 08:14 EDT
 

૧૫ ઓક્ટોબરને શુક્રવારે કન્ઝર્વેટિવ પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સર ડેવિડ એમેસનું તેમના વતન લેઈઘ - ઓન -સી ટાઉનમાં બેલ્ફેર્સ મેથોડિસ્ટ ચર્ચ ખાતે સર્જરી દરમિયાન મૃત્યુ થયું હતું. તેમના પર છૂરાથી સંખ્યાબંધ ઘા કરવામાં આવ્યા હતા. સર એમેસ એસેક્સના લાંબા સમયના સાંસદો પૈકી એક હતા. મીડિયાના અહેવાલો પ્રમાણે તેમની મદદ પર આધાર રાખતા સ્થાનિક રહીશોને દર બીજા વીકે અલગ અલગ સ્થળોએ મળવા માટે તેઓ સાઉથએન્ડના મતદારો સાથે બેઠકો યોજતા હતા. અઠવાડિયાની શરૂઆતમાં તેમણે આગામી બેઠક વિશે તેમને માહિતી આપી હતી અને તેમની સાથે જોડાવા આમંત્રણ આપ્યું હતું. સર ડેવિડને તેમના કામ પ્રત્યે ખૂબ ધગશ હતી અને મતદારો તેમનો સંપર્ક સહેલાઈથી કરી શકતા હતા. કદાચ આ કારણથી જ તેઓ ૩૮ વર્ષ સુધી સાંસદ રહ્યા હતા. પહેલી વખત તેઓ બેસિલ્ડનનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટાયા અને ત્યારબાદ ૧૯૯૭ પછી તેમણે સાઉથએન્ડ વેસ્ટના સાંસદ તરીકે કામગીરી કરી હતી. તેઓ સાંસદ બન્યા તે પહેલા ૧૯૮૨માં રેડબ્રીજથી કન્ઝર્વેટિવ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા.

હત્યાની શંકાના આધારે સોમાલિયા મૂળના ૨૫ વર્ષીય બ્રિટિશ નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેને આતંકવાદ ધારા હેઠળ અટકમાં રખાયો છે. થોડા વર્ષ અગાઉ તેને
Prevent સ્કીમ હેઠળ રખાયો હતો પરંતુ, તે M15ના ‘subjects of interest’ વોચ લિસ્ટમાં ન હતો. Prevent યુકેની આતંકવાદ અટકાવવા અંગેની યોજના છે અને તેનો હેતુ લોકોને ઉદ્દામવાદી બનતાં અટકાવવાનો છે.
વડા પ્રધાન બોરિસ જહોન્સન અને લેબર નેતા સર કેર સ્ટાર્મરે ઘટનાસ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે જ રીતે હોમ સેક્રેટરી અને હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે પુષ્પાંજલિ કરી હતી. વડા પ્રધાન જહોન્સને સર એમેસને સૌથી દયાળુ, ઉમદા અને રાજકારણમાં સૌથી નમ્ર વ્યક્તિ ગણાવ્યા હતા જ્યારે પ્રીતિ પટેલે તેમને ‘વહાલા અને વફાદાર મિત્ર’ ગણાવ્યા હતા અને ‘લોકોના વ્યક્તિ’ તરીકે તેમનું વર્ણન કર્યું હતું. તેમની અણધારી વિદાયથી આઘાતમાં સરી ગયેલા તેમના મતદારોએ અને મિત્રોએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ આઘાતજનક ઘટનાએ બેટલી એન્ડ સ્પેનના લેબર સાંસદ જો કોક્સના જૂન ૨૦૧૬માં થયેલા નિધનની લોકોને યાદ અપાવી. બર્સ્ટોલ ગામની એક સ્ટ્રીટમાં થોમસ માયર નામની વ્યક્તિએ તેમને ગોળી મારી હતી અને છૂરાના અસંખ્ય ઘા કર્યા હતા. ઈજાને લીધે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. કોક્સ ત્યાં કોન્સ્ટિટ્યુઅન્સી સર્જરી યોજવાના હતા. આ અને તાજેતરની અન્ય આવી ઘટનાઓએ પોતાના નિયમિત કાર્ય માટે જતાં સાંસદોની સલામતી વિશે પ્રશ્રો ઉભા કર્યા છે. લોકશાહીમાં સાંસદો તેમના મતદારો સાથેનો સંપર્ક જાળવી રાખે તેવી અપેક્ષા રખાય છે. તેમના મતવિસ્તારના વિવિધ વર્ગો સુધી પહોંચવું એ તેમની કામગીરીનો એક ભાગ છે. મતદારો તરીકે આપણે તેમની ઉપલબ્ધતા અને સુલભતા પરથી આપણા પ્રતિનિધિઓ વિશે નિર્ણય લઈએ છીએ.
ક્યારેય ન દેખાતા પ્રતિનિધિ વિશે તે જે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ ચોક્કસપણે નકારાત્મક નિર્ણય લેશે. સર ડેવિડ તો બધી રીતે યોગ્ય હતા. તેમના મતદારો સાથેનો નિયમિત સંપર્ક તેમના રાજકારણનો આત્મા અને તેમની લોકપ્રિયતાનું મૂળ હતું. તેમના પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં પરિવારના કરુણાના મૂલ્યો જોવા મળતાં હતા કારણ કે પરિવારે તિરસ્કારને છોડી દઈને સાથે મળીને કાર્ય કરવા તરફ આગળ વધવા તથા દયા અને પ્રેમ દર્શાવવા અનુરોધ કર્યો હતો.
આવા જોશીલા અને સન્માનીય વ્યક્તિને શા માટે કોઈ ઈજા પહોંચાડવા માગતું હશે ? સૌના હોઠે આ જ પ્રશ્ર છે.
સર ડેવિડ સાથે મારી મુલાકાત વિશેષ સંજોગોમાં થઈ હતી. હું લંડનમાં હતી ત્યારે એક દિવસ રોષે ભરાયેલા સર ડેવિડે મારો સંપર્ક કર્યો હતો. હાઈ કમિશનના એક ઓફિસરે તેમને તેમના કાર્યક્રમમાં હાજરી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ, તે હાજર રહી શક્યા ન હતા. તે ઓફિસરને અચાનક જ કોઈક કારણસર યુકે બહાર પ્રવાસે જવું પડ્યું હતું અને કમનસીબે તે બધું ભેગું થઈ ગયું હતું. મને જ્યારે તેમની ફરિયાદ મળી ત્યારે જ મને આ ઘટનાની જાણ થઈ. અમારા છેડેથી આ સમસ્યા થઈ હોવાનો ખ્યાલ આવતા મેં તેમની માફી માગી અને આગામી કાર્યક્રમમાં વધુ સારું કરવાનું તેમને વચન આપ્યું. તેમણે વેરભાવ રાખ્યો નહીં. તે પછી અમે કેટલીક વખત એકબીજા સાથે વાતો કરી. તેઓ હંમેશા મિલનસાર હતા. અમે ટૂંક સમયમાં જ એકબીજાને મળવાનું વચન આપ્યું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મારે ભારત આવવાનું હતું અને ફેબ્રુઆરીના મધ્યભાગમાં લંડન ફેશન વીકમાં સાડી શોમાં હાજરી આપવાની હતી. મારી ઈચ્છા તે કાર્યક્રમ પતી જાય તે પછી સર ડેવિડની સાનુકુળતા પ્રમાણે મળવાની હતી. પરંતુ, કોવિડ – ૧૯ ને લીધે મારાથી તેમ થઈ શક્યું નહી. યુકેમાં કેસો વધવાની શરૂઆત થતાં મારા નીકટના સાથીને વાઈરસનું સંક્રમણ થયું અને મારે સેલ્ફ આઈસોલેશનમાં જવું પડ્યું. ટૂંક સમયમાં જ લોકડાઉન જાહેર થયું. મેં મહામારી વચ્ચે લંડન છોડ્યું. મને કોઈને પણ આવજો કહેવાની તક મળી નહીં. મેં સર ડેવિડને આપેલું વચન અધૂરું રહી ગયું. મેં શુક્રવારે જ્યારે તેમના મૃત્યુના આઘાતજનક સમાચાર વાંચ્યા ત્યારે મને તે વચન યાદ આવ્યું.
આ કોલમ દ્વારા હું તે જોશીલા, નમ્ર અને મિલનસાર વ્યક્તિને મારી શ્રદ્ધાંજલિ અર્પું છું. હું તેમના પરિવારને મારી સાંત્વના પાઠવું છું અને ઈશ્વર આ આઘાત સહન કરવાની તેમને શક્તિ અર્પે તેવી પ્રાર્થના. સર ડેવિડ એમેસના આત્માને ચિર શાંતિ મળે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter